Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > અબુ આઝમી પર મહિલા સેલેબ્સે પાડી પસ્તાળ

અબુ આઝમી પર મહિલા સેલેબ્સે પાડી પસ્તાળ

05 January, 2017 03:20 AM IST |

અબુ આઝમી પર મહિલા સેલેબ્સે પાડી પસ્તાળ

અબુ આઝમી પર મહિલા સેલેબ્સે પાડી પસ્તાળ



મમતા પડિયા

બૅન્ગલોરમાં થર્ટીફર્સ્ટની નાઇટે મહિલાઓ સાથે થયેલા સામૂહિક વિનયભંગની ઘટનાને રાજકારણી રંગ આપતાં સમાજવાદી પાર્ટીના મહારાષ્ટ્રના પ્રમુખ અબુ આઝમીએ સ્ત્રીઓના પહેરવેશ વિશે કરેલી ટિપ્પણીને સમાજની અગ્રણી મહિલાઓએ વખોડી કાઢી છે.

મહિલા જેટલાં ઓછાં વસ્ત્રો પરિધાન કરે એટલી તેને ફૅશનબલ ગણાવવામાં આવે છે અને સાકર હોય ત્યાં કીડી તો એકઠી થવાની છે એવી અબુ આઝમીની ટિપ્પણીને પગલે તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની તથા સમાજવાદી પાર્ટીએ તેમને બરતરફ કરવા જોઈએ એવી માગણી કરવામાં આવી છે.

૨૧મી સદીની યુવતીઓને અબુ આઝમીના કૅરૅક્ટર-સર્ટિફિકેટની જરૂર નથી : શાયના એનસી, ફૅશન-ડિઝાઇનર, રાજકારણી અને સોશ્યલ વર્કર



અબુ આઝમી દ્વારા સ્ત્રીઓ વિશે કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણીનો વિરોધ સમાજના દરેક વર્ગે કરવો જોઈએ. સ્ત્રીના પહેરવેશ પર ટીકા કરીને અબુ આઝમીએ તેમની વિકૃત માનસિકતાનું ઉદાહરણ આપ્યું છે. બૅન્ગલોરમાં મહિલાઓનો વિનયભંગ એક સંવેદનશીલ બાબત છે અને એને હથિયાર બનાવીને પ્રસિદ્ધિ મેળવવાનો સ્ટન્ટ અયોગ્ય છે. આજની ૨૧મી સદીની યુવતીઓને અબુ આઝમીના કૅરૅક્ટર-સર્ટિફિકેટની જરૂર નથી. અબુ આઝમી વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ. સમાજવાદી પાર્ટી દ્વારા પહેલી વખત આવી ટિપ્પણી થઈ હોવાની બાબત બની નથી. ભૂતકાળમાં પણ આવું બની ચૂક્યું છે - પછી તે પછી મુલાયમ સિંહ યાદવ હોય કે અબુ આઝમી.

સમાજે સ્ત્રી પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલવાની જરૂર : પૂજા ગોર, ટીવી-ઍક્ટ્રેસ


સ્ત્રી બુરખામાં હોય કે સ્કર્ટમાં, કોઈ પણ પુરુષને તેનો વિનયભંગ કરવાનો કે તેના વિશે ગમેએવી ટિપ્પણી કરવાનો અધિકાર નથી. અત્યારે કોઈ પણ સ્ત્રીને તેની મરજી પ્રમાણે જીવવાનો પૂર્ણ અધિકાર છે. અબુ આઝમી જેવા લોકો સમાજમાં ભેદભાવ પેદા કરી રહ્યા છે અને સમાજમાં બનતા આવા ગુનાઓને પ્રોત્સાહન આપી રહ્યા છે. આવી ટિપ્પણી કરી તેઓ શું પુરવાર કરવા માગે છે? આજની મહિલા સ્કર્ટ પહેરે કે પછી બુરખો પહેરે એ તેનો નિર્ણય છે. સંપૂર્ણ મહિલા વર્ગને સંબોધીને આવી ટિપ્પણી કરવી અયોગ્ય છે. દરેક ક્ષેત્રમાં મહિલાઓ આજે આગળ વધી રહી છે એટલે સ્ત્રીઓ પ્રત્યેનો દૃષ્ટિકોણ સમાજે પણ બદલવાની જરૂર છે. જાણીતી હસ્તી કે સમાજનું પ્રતિનિધિત્વ કરતા હોદ્દેદારનું આવું વલણ હશે તો સમાજનું વલણ કઈ રીતે બદલી શકાશે?

સ્ત્રીઓએ પોતાની સુરક્ષાની કાળજી લેવી જોઈએ : ડૉ. હર્ષદા રાઠોડ, મણિબેન નાણાવટી વિમેન્સ કૉલેજનાં પ્રિન્સિપાલ


અબુ આઝમીને સમાજે હોદ્દો આપ્યો છે અને ત્યાંથી તેમણે આવી ટિપ્પણી કરવી ન જોઈએ. જોવા જઈએ તો આ એક હકીકત છે કે ઘણી વખત જાણતાં કે અજાણતાં સ્ત્રીઓ મુસીબતને નોતરે છે. સ્ત્રીઓ માટે અંગપ્રદર્શન સારું તો ન કહી શકાય, પણ એના પર ટિપ્પણી કરવી યોગ્ય નથી. અમારી કૉલેજમાં શૉર્ટ્સ, સ્કર્ટ અને અંગપ્રદર્શન થાય એવાં કપડાંઓ પહેરવા પર પાબંદી મૂકવામાં આવી છે; પણ વિદ્યાર્થિનીઓ જ્યારે પૂછે છે કે અમારા પેરન્ટ્સ જ અમને આવાં કપડાં પહેરવાની પરવાનગી આપે છે તો શા માટે કૉલેજમાં મનાઈ કરવામાં આવે છે ત્યારે અમને આશ્ચર્ય થાય છે. અત્યારનાં બાળકોને પેરન્ટ્સે સ્વતંત્રતા આપી છે જેને કારણે આજના યંગસ્ટર્સ ક્યારેક ગેરમાર્ગે દોરાઈ જાય છે અથવા તો સાઇબર ક્રાઇમનો ભોગ બને છે. આ ઉપરાંત આપણા સિનેજગતમાં અભિનેત્રીઓ બીભત્સ વસ્ત્રો પહેરતી થઈ છે અને તેમના આ પરિધાનથી, એક્સપોઝરથી સફળતા મળે છે એવો ખોટો સંદેશ સમાજને મળે છે એ યોગ્ય નથી. સ્ત્રીઓએ પોતાની સુરક્ષાની કાળજી લેવી જોઈએ.

અબુ આઝમીને સસ્પેન્ડ કરવા જોઈએ : આભા સિંહ, ઍડ્વોકેટ


અબુ આઝમી અત્યારે જે હોદ્દા પરથી મહિલાઓ વિશે આવી ટિપ્પણી કરી રહ્યા છે એ તદ્દન બેજવાબદાર છે. અબુ આઝમી જેવી જાણીતી વ્યક્તિએ પ્રસિદ્ધિ માટે આવા સ્ટન્ટ ન કરવા જોઈએ. સમાજની જાણીતી હસ્તી પાસેથી આવા વર્તનની આશા નહોતી. સાકર હશે ત્યાં કીડી એકઠી થશે, પેટ્રોલ હશે ત્યાં જ આગ લાગશે એવું કહીને અબુ આઝમીએ તેમની માનસિકતાનું પ્રદર્શન કર્યું છે. એમ કહીને તેઓ ભોગ બનેલી યુવતીઓની જગ્યાએ ગુનેગારોને છાવરી રહ્યા છે. બૅન્ગલોરમાં બનેલા સંવેદનશીલ બનાવ માટે કરવામાં આવેલી આવી ટિપ્પણી ગુના અને ગુનેગારોને પ્રોત્સાહન આપે છે. નૅશનલ કમિશન ફૉર વિમેન દ્વારા અબુ આઝમીને નોટિસ મોકલવામાં આવી છે, પરંતુ નોટિસ સિવાય તેમની સામે કડક પગલાં ભરવાં જોઈએે. ઉપરાંત સમાજવાદી પાર્ટીએ અબુ આઝમીને બરતરફ કરીને દાખલો બેસાડવો જોઈએ. જોકે આવું પહેલી વખત નથી બન્યું કે અબુ આઝમીએ આવી ટિપ્પણી કરી હોય એટલે તેમની સામે કડક કાર્યવાહી થવી જોઈએ.

આવી વ્યક્તિને શા માટે મહત્વ આપવું? : કાજલ ઓઝા વૈદ્ય, લેખિકા


અબુ આઝમી જેવી મૂરખ વ્યક્તિને મહત્વ આપવાની જરૂર નથી. મૂરખ વ્યક્તિ દુનિયાના કોઈ પણ ખૂણામાં કે હોદ્દા પર રહીને માત્ર બેવકૂફી જ કરવાની છે. આ બેવકૂફીને મીડિયાએ ચગાવવી ન જોઈએ. આપણા દેશમાં વાણીસ્વાતંત્ર્ય છે એટલે ગમે એમ બોલવું એ ક્યાંનો ન્યાય? સમાજે આવી ટિપ્પણીને અને ટિપ્પણી કરનારને અવગણવા જોઈએ. મીડિયા અને સમાજ તેમને એક વખત, બીજી વખત અને ત્યાર બાદ પણ ઇગ્નૉર કરશે તો આવી વ્યક્તિ વારંવાર ટિપ્પણી કરતી આપમેળે અટકી જશે. જો આપણે તેના પર ધ્યાન જ નહીં આપીએ તો આપોઆપ તેને પોતાનું સ્થાન કયાં છે એની જાણ થઈ જશે. અબુ આઝમી આજે બોલ્યા અને કાલે ભુલાઈ જાય એવું બનવું જોઈએ. જોકે મીડિયા તેમને બીજા અને ત્રીજા પાને ચમકાવી રહી છે. તેમને આટલું બધું મહત્વ આપવાની જરૂર જ નથી. ન્યુઝ-ચૅનલો દસથી પંદર વખત અબુ આઝમીની ટિપ્પણીઓ દર્શાવીને તેમને પ્રોત્સાહન આપી રહી છે. અત્યારે હું કહું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજીનામું આપી દેવું જોઈએ. જો મારી આ ટિપ્પણીને દસથી બાર વખત સતત ટીવીમાં દર્શાવવામાં આવશે તો ભવિષ્યમાં આવી ટિપ્પણી ફરી વખત કરવા માટે મને પ્રોત્સાહન મળશે, પરંતુ જો મારી આ ટિપ્પણીની અવગણના થશે તો હું બીજી વખત આવું કંઈ બોલીશ નહીં અથવા તો બોલતાં પહેલાં વિચાર કરીશ.

Whatsapp-channel Whatsapp-channel

05 January, 2017 03:20 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK