ગુજરાત લજવાયું : અમદાવાદ, વડોદરા, રાજકોટમાં મહિલાઓ સાથે દુષ્કર્મ

Published: Dec 08, 2019, 11:34 IST | Ahmedabad

શનિવારની સવારે ગુજરાતનાં ત્રણ મોટાં શહેરોમાંથી દુષ્કર્મના કિસ્સાઓ સામે આવ્યા છે. અમદાવાદ, વડોદરા અને રાજકોટમાં દુષ્કર્મની ઘટનાઓ બની છે.

પ્રતિકાત્મક તસ્વીર
પ્રતિકાત્મક તસ્વીર

(જી.એન.એસ.) શનિવારની સવારે ગુજરાતનાં ત્રણ મોટાં શહેરોમાંથી દુષ્કર્મના કિસ્સાઓ સામે આવ્યા છે. અમદાવાદ, વડોદરા અને રાજકોટમાં દુષ્કર્મની ઘટનાઓ બની છે. વડોદરામાં તો ગત અઠવાડિયાના દુષ્કર્મના આરોપીઓ હજી પકડાયા નથી, ત્યાં સંસ્કારી નગરીમાં દુષ્કર્મની બીજી ઘટના સામે આવી છે.

અમદાવાદમાં તાંત્રિક વિધિના નામે દુરાચાર
માહિતી પ્રમાણે અમદાવાદમાં તાંત્રિક વિધિ અને મેલી વિદ્યાના નામે એક ઠગ જ્યોતિષ શખસે બે બહેનો સાથે દુષ્કર્મ આચર્યું છે. આ તાંત્રિક ૨૦૦૮થી દુષ્કર્મ આચરતો હતો. ચંડાળ ચોકડી અને મેલી વિદ્યાના બહાને બન્ને બહેનો પાસેથી તેણે તબક્કાવાર ૨૪ લાખ રૂપિયા પણ પડાવી લીધા હતા. અલગ અલગ ગેસ્ટ હાઉસમાં વિધિના બહાને લઈ જઈ દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદના આધારે વાડજ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.

વડોદરામાં સગીરાનું અપહરણ કરી રેપ
વડોદરામાં એક સગીરા દુષ્કર્મની શાહી સુકાઈ નથી. પોલીસ તપાસ વચ્ચે તાજેતરમાં જ ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ પણ વડોદરા જઈને તપાસને વેગ આપવા ઘટના સ્થળની પણ મુલાકાત લીધી હતી. આ ગુનામાં હજુ આરોપીઓ પોલીસના હાથે ઝડપાય તે પહેલાં વાઘોડિયાના ગુગલીયાપુરા ગામે દુષ્કર્મની વધુ એક ઘટના સામે આવી છે. આ ઘટનામાં સગીરાનું અપહરણ કરી યુવકે તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. વડોદરા પોલીસે આ ઘટનામાં યુપીથી આરોપીની ધરપકડ કરી છે.

રાજકોટની યુવતીને ચોટીલા લઈ જઈને તેની સાથે જબરદસ્તી
સૌરાષ્ટ્રના મુખ્ય શહેર મનાતા રાજકોટમાં દુષ્કર્મની વધુ એક ઘટના સામે આવી છે. ૨૫ વર્ષીય યુવતી સાથે મિત્રતા કેળવી ખોટું નામ ધારણ કરી તેને ચોટીલામાં લઈ જઈને એક શખસ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. આ મહિલાને પીએસઆઇ બનાવવાની લાલચ આપી તેની પાસેથી બે લાખ રૂપિયા પડાવવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે. પીએસઆઇ બનવા માગતી મહિલાએ આ મામલે પોલીસનો દરવાજો ખટખટાવ્યો છે. મહિલાની ફરિયાદ બાદ પોલીસે ચોટીલાના એઝાઝ નૂરમહમદ ગઢવાળા નામના શખસની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે. આ શખસ બિભત્સ ફોટા પાડી વાઇરલ કરવાની ધમકી આપી મહિલા સાથે વારંવાર દુષ્કર્મ આચરતો હોવાનું પણ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો હતો.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK