કામની વાત બિલકુલ નહીં

Published: Jul 25, 2020, 09:23 IST | Sanjay Raval | Mumbai

બાળકોને બધું બેસ્ટ આપીએ છીએ; કપડાં, ઘર, એજ્યુકેશન માટે મોંઘીદાટ સ્કૂલ, મોબાઇલ, બેસ્ટ ગાડી અને બેસ્ટ લૅપટૉપ; પણ આ બધું આપવાની સાથે જરૂરી એવી સેક્સની સમજણ તેને નથી આપતા એટલે તેના મનમાં ૨૪ કલાક કામ-વિષયક વાતો જ ઘુમરાયા કરે છે

કામ, ક્રોધ, મોહ, લોભ અને અહંકાર.

માણસના મનમાં રહેલા વિકારોની વાતો કરીએ તો ત્યારે આ જ ક્રમમાં એ નામ લેવાય છે અને આપણે ‘કામ’ શબ્દનો ઉપયોગ કરીએ છીએ. બાકી કામ શબ્દનો કે પછી સેક્સ શબ્દનો ઉપયોગ કે એનો ઉલ્લેખ આપણે જાહેરમાં ક્યારેય કરતા નથી. સેક્સ એટલે સ્ત્રી-પુરુષોની જાતિ દર્શાવવા માટે ઉપયોગમાં લેવાનો શબ્દ અને કામ એટલે પ્રવૃત્તિ, જે તમે આર્થિક ઉપાર્જન માટે કરતા હો છો એ. બસ, આ સીધા અને સરળ અર્થ આપણે કરીએ છીએ અને આ સિવાયના અર્થની વાત કરવાની આવે ત્યારે બધા જાહેરમાં એકબીજાની સામે વિચિત્ર ચહેરા બનાવશે અને જેવું એકાંત મળશે કે તરત જ આપણે બધી તપાસ કરી લઈશું. શું કામ? કારણ કે આજે પણ કામ કે સેક્સ એ આપણા દેશમાં એક ટેબુ છે, એક શરમ છે જેની ચર્ચા આપણે ક્યારેય જાહેરમાં કરતા નથી. કરમની કઠણાઈ તો જુઓ કે જે દેશે દુનિયાને કામસૂત્ર જેવો ગ્રંથ આપ્યો એ દેશમાં જ કામસૂત્રની વાત કોઈ કરી નથી શકતું અને એવું પણ નથી કે યુવાનો જ આ વાતને આભડછેટ માને છે, આપણા વડીલોએ ક્યારેય આપણી પાસે એવી કોઈ વાત કરી નથી અને એને લીધે જ આપણે પણ એ જ સિલસિલો આગળ ધપાવીને આપણાં સંતાનો પાસે ક્યારેય આ વિષય પર વાત નથી કરતા. ઊલટું, આપણે તો ટીવી કે ફિલ્મમાં એકાદ કિસિંગ-સીન આવે કે બેડરૂમ-સીન આવે ત્યારે આઘાપાછા થઈ જઈએ છીએ. અચાનક જ ટીવીમાં કૉન્ડોમની ઍડ આવી જાય તો જાણે ત્રીજા વિશ્વયુદ્ધમાં આપણે જોડાવાનું હોય એવી હાલત ઊભી થઈ જાય અને રિમોટ શોધવાનું કામ એવી ત્વરિત રીતે થાય જેટલી ત્વરા બૉર્ડર પર પેલો સૈનિક બૉમ્બ શોધવામાં લગાડતો હોય. રિમોટ શોધવાનું અને પછી ફટાફટ ચૅનલ ચેન્જ કરવાની.

શું કામ? શા માટે આવું વર્તન થઈ જાય છે આપણાથી?

આપણે જે કરીએ છીએ એ જ આપણી યુવા પેઢી કરે છે અને એ જ જોઈને તેઓ એવી કુતૂહલવૃત્તિથી પીડાઈને એવાં-એવાં ખોટાં પગલાં ભરી બેસે છે કે તેમનું જીવતર બગડી જતાં પણ વાર નથી લાગતી. કારણ માત્ર ને માત્ર એ જ છે કે આપણે ક્યારેય સેક્સ એજ્યુકેશનની વાત ઘરમાં કરી નથી. એજ્યુકેશનની વાત છોડો, સેક્સ વિષયની વાત નીકળે કે તરત જ જાણે કોઈ અપરાધ કરી બેઠા હોઈએ એવા હાવભાવ થઈ જાય અને એટલે જ આપણે એ વિષય પર વાત ક્યારેય કાઢતા જ નથી. થાય છે એવું કે સમય અનુસાર તમારાં યુવાન દીકરી-દીકરાના શરીરમાં ફેરફાર આવે છે, જેને ચકાસવાના રસ્તા તેઓ જાતે જ શોધી કાઢે છે અને એ રસ્તા ક્યાંક ને ક્યાંક તેમને અંધકાર તરફ ધકેલી દે છે.

આપણાં શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે તમારાં લગ્ન ક્યારે, કોની સાથે અને ક્યાં થવાનાં છે એ બધું પહેલેથી જ ઈશ્વરે નક્કી કરી રાખ્યું છે તો પછી યુવાનો કેમ આટલા ભાગે છે. માત્ર ને માત્ર એક કે બે વ્યક્તિને ઇમ્પ્રેસ કરવાની માનસિક વૃત્તિથી યુવા પેઢી આગળ વધે છે. શરૂઆત મૈત્રીથી કરે, પછી બેસ્ટ ફ્રેન્ડ બનાવી દે અને પછી વૅલેન્ટાઇન્સ ડેની રાહ જોવામાં ચાર-છ મહિના ખેંચી કાઢે અને વૅલેન્ટાઇન્સ ડે આવે એટલે પ્રેમનો એકરાર કરે અને પછી લગ્ન.

ના, અહીં તમે ખોટા છો. પ્રેમનો એકરાર પછી મૅરેજ નથી આવતાં હવે. હવે પહેલાં શારીરિક સંબંધો આવે છે, કારણ પણ છે એને માટેનું. આ જ અંતિમ ધ્યેય છે તેમના જીવનનું એવું કહું તો ચાલે અને આ જે અવસ્થા છે એને માટે એ લોકો ક્યાંય જવાબદાર નથી એ પણ એટલું જ સાચું છે. આને માટે જવાબદાર એના પેરન્ટ્સ જ છે, કારણ, આપણે ક્યારેય આ વિષય પર ઘરમાં ખુલ્લા મને કે પછી હૈયું ખોલીને વાત જ નથી કરી. સ્કૂલમાં સેક્સ એજ્યુકેશન આપવામાં આવે છે પણ એનાથી ઊલટી અસર ઊભી થઈ છે. એ એજ્યુકેશનથી જ્ઞાન મળવાને બદલે તેમનું અટ્રૅક્શન વધવાનું શરૂ થાય છે અને એટલે તેઓ આ બાબતમાં ખોટી રીતે આકર્ષાય છે અને પછી યોગ્ય ન કહેવાય એવું ન કરવાનું કરી બેસે છે. જે સમય તેમણે કરીઅર બનાવવા પાછળ આપવાનો છે, જે ૩૦ વર્ષનો સમય તેમણે કરીઅરને બિલ્ટઅપ કરવા ખર્ચવાનો છે એ જ સમય આ યંગસ્ટર્સ કામની કુતૂહલતાને સંતોષવામાં ખર્ચ કરવા માંડે છે અને પછી આગળ જતાં રડવાનો વારો આવે છે. સોગિયું મોઢું કરીને આ લેખ વાંચનારા પેરન્ટ્સને ગમશે નહીં, પણ હકીકત એ પણ છે કે બાળકના મનમાં આખો દિવસ આ સેક્સના જ વિચાર ચાલ્યા કરે છે અને એ જ વિચાર વચ્ચે તે ગમે ત્યાં હવાતિયાં પણ મારે છે અને પછી પરિણામ એ આવે છે કે સેક્સને પામવા માટે જાણે-અજાણે તમારું બાળક પોતાનું ભવિષ્ય દાવ પર લગાવી દે છે.

દાવ પર લાગેલા આ ભવિષ્ય માટે જો કોઈ જવાબદાર હોય તો એ આપણે પોતે છીએ અને આ જવાબદારી આપણે સ્વીકારવી પડશે.

આજે યુવાનોને જે ફ્રીડમ આપવામાં આવે છે એનો હું જરા પણ વિરોધી નથી. જો સ્વતંત્રતા તમારે માગીને લેવી પડે તો એ સ્વતંત્રતા ઉછીની કહેવાય અને એવી સ્વતંત્રતા એ હકીકતમાં તો ગુલામી જ છે. યાદ રાખવું મિત્રો કે જેટલી સ્વતંત્રતા મળે એટલી જ જવાબદારીઓ પણ વધે. સેક્સ શું છે એ કુતૂહલતા શરૂઆત અમુક ચોક્કસ સમયે શરૂ થશે જ થશે, જેને સમાવવા માટે જે રસ્તા વાપરવામાં આવે છે એ રસ્તા યોગ્ય નથી. પહેલાં સસ્તું સાહિત્ય વાપરવામાં આવતું, પણ હવે તો હાથમાં મોબાઇલ છે અને મોબાઇલમાં ઇન્ટરનેટ છે એટલે વિડિયો, આર્ટિકલ્સ, ખોટી

માન્યતા ભરેલા લેખો અને પછી ચૅટ, ચૅટ પછી વિડિયો-કૉલ અને પછી તમામ પ્રકારની આઝાદીનું નિકંદન અને છેલ્લે પૂર્ણવિરામ. 

હું માનું છું અને તમારે પણ માનવું પડશે કે આ બધાને તમે ક્યાંય અટકાવી નથી શકવાના. મોબાઇલ કે ઇન્ટરનેટનો ઉપયોગ તમે બાળકો પાસે બંધ નથી કરાવી શકવાના. સ્કૂલ કે કૉલેજના ફ્રેન્ડ્સ સાથે વાત કરતાં પણ તમે રોકી નહીં શકો. આ હવે તેમના જીવનનો એક ભાગ બની ગયો છે, તમે એને ખાળી ન શકો અને એટલે જ આ દિશા ખૂલે નહીં એ જોવાનું કામ તમારું રહેશે.

સેક્સ એ લગ્નજીવનનો પાયો છે એમ કહીએ તો ચાલે, કારણ કે ગમે એવો ગાઢ પ્રેમ હોય એને વ્યક્ત કરવા માટે તો શારીરિક ચેષ્ટા જ જોઈએ. ફાધર વાલેસનું એક પુસ્તક છે લગ્નસાર. ખૂબ જ અદ્ભુત પુસ્તક છે આ. હું નવમા ધોરણમાં હતો ત્યારે મને એક કૉમ્પિટિશનમાં એ ભેટ મળ્યું હતું. મારી દૃષ્ટિએ આ પુસ્તક આજના લગ્નજીવન માટે અને યુવાનો માટે ખૂબ જ મહત્ત્વનું પુસ્તક છે. મને હજી પણ યાદ છે કે મારાં લગ્ન વખતે ૫૦૦ લોકોની હાજરીમાં જયારે અમારો હસ્તમેળાપ થયો ત્યારે મારી પત્નીનો હાથ મારા હાથ પર મૂકવામાં આવ્યો અને એક ગજબનો કરન્ટ મારા શરીરમાંથી પસાર થઈ ગયો હતો. આજના સમયમાં એ શક્ય છે ખરું?

ના, કારણ કે જે સેક્સનો ક્રમ લગ્ન પછીનો છે એને પામવા દોટ મૂકી દીધી છે. ઓશોનું પુસ્તક ‘સેક્સ સે સમાધિ તક’ છે વાંચવા માટે, પણ આપણે તો એ પુસ્તક પણ આપણાં સંતાનોથી છુપાવીએ છીએ.

આ બધું અટકાવીને ખરેખર માબાપે બાળકો સાથે ચર્ચા કરવાની જરૂર છે. બાળકોના ગાર્ડિયન બનવાનો અને તેમના મિત્ર બનવાનો સમય છે અને જો એવું ન થયું તો કોઈ ભળતીસળતી સલાહ માનીને એ ખોટા રસ્તે ફંટાઈ જશે. એવું ન થાય એ માટે અત્યારથી જ તેમને સાચું શું અને ખોટું શું એ સમજાવવાનું શરૂ કરી દો અને કરીઅર પર ફોકસ કરવાથી થનારા લાભ સમજાવી દો.

આપણે બાળકોને બધી ઉત્તમ સુવિધા પૂરી પડીએ છીએ. સારામાં સારું ભણતર, સારામાં સારું ઘર, સારામાં સારી કાર અને પહેરવા માટે સારામાં સારાં કપડાં તથા હાથમાં રાખવા માટે મોંઘામાં મોંઘો મોબાઇલ પણ આ બધું આપવામાં આપણે અમૂલ્ય એવી સેક્સ વિશેની સમજણ આપવાનું ચૂકી જઈએ છીએ. ક્યાંક આપણને શરમ છે તો ક્યાંક આપણે બાળકોને નાનાં જ માનીને બેસી રહીએ છીએ, પણ એવું ન કરો. બાળક બહાર જઈને ભટકે એના કરતાં ઘરમાંથી જ તેને સાચી સમજણ મળશે તો તે ક્યારેય માર્ગ નહીં ભૂલે અને મને તો લાગે છે કે સાચી સમજણ દ્વારા તે તેના મિત્રોને પણ સાચા રસ્તે વાળવાનું કામ કરતો રહેશે.

(આ લેખોમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK