સેવિંગ્સના મામલે નડી રહ્યો છે જનરેશન ગૅપ?

Published: 31st October, 2014 05:18 IST

એક પેઢી એવી છે જે માને છે કે બચત એ સંકટ સમયની સાંકળ છે. બીજી એક જનરેશન એવું માને છે કે કાલ કોણે જોઈ છે; એટલે કાલની ચિંતા કર્યા વિના વર્તમાનમાં ખાઓ, પીઓ અને ઍશ કરો. આજે વર્લ્ડ સેવિંગ્સ ડે નિમિત્તે બચત વિશે આ બન્ને પેઢીના પ્રતિનિધિઓ પોતાના વિચારો અહીં રજૂ કરે છેસ્પેશ્યલ સ્ટોરી - રુચિતા શાહ

૧૯૨૪માં ઇટલીના મિલાનો શહેરમાં પહેલી આંતરરાષ્ટ્રીય સેવિંગ્સ બૅન્ક કૉન્ગ્રેસનું આયોજન થયું એના છેલ્લા દિવસને એટલે કે ૩૧ ઑક્ટોબરને આંતરાષ્ટ્રીય સેવિંગ્સ ડે તરીકે ઊજવવામાં આવે છે. લગભગ ૨૯ દેશોના પ્રતિનિધિઓએ એ દિવસે વિશ્વભરમાં સેવિંગનું મહત્વ સ્થાપિત કરવા માટે સેવિંગ દ્વારા પોતાના દેશની ઇકૉનૉમીને સ્ટ્રૉન્ગ બનાવવા માટે જાગૃતિ લાવવાના પ્રયત્ન કર્યા હતા. જોકે આપણે ત્યાં સદીઓથી સેવિંગનો મહિમા છે. એક કહેવત પણ તમે સાંભળી હશે કે સંઘરેલો સાપ પણ કામ લાગતો હોય છે. બચત કરશો તો તમે જ ભવિષ્યમાં સુખી થશો. પૂર આવે એ પહેલાં પાળ બાંધેલી હોય તો આસાની રહે એ જ રીતે પહેલેથી પૈસા થોડા બચાવ્યા હોય તો ભવિષ્યમાં કોઈ મુસીબત આવે તો એ કામ લાગે છે. એટલે જ કરકસર કરીને જીવો અને પૈસા બચાવો. આડેધડ પૈસાનો ખર્ચ ન કરો. અત્યારે એક પેઢી એવી છે જે આજે પણ આ વિચારને વળગી રહી છે અને બીજી એક પેઢી એવી છે જેનું માનવું છે કે કાલ કોણે જોઈ છે. આજને રંગીન બનાવીએ, આજમાં જીવીએ, આવતી કાલે જે થશે એને પહોંચી વળીશું. પણ આવતી કાલની ચિંતામાં આજની મજાનો ભોગ શું કામ આપીએ એવું વિચારે છે આજની મોટા ભાગની જનરેશન. એક તરફ છે થોડી તકલીફ વેઠીને પણ ભવિષ્યને સુરક્ષિત બનાવો અને બીજા વર્ગનું કહેવું છે કે ભવિષ્યની પરવાહ કરીને આજને બગાડવાની જરૂર નથી. આ બે જનરેશનના પ્રતિનિધિ તરીકે કેટલાક પેરન્ટ્સ અને કેટલાક યંગસ્ટર્સ પાસેથી સેવિંગ્સ વિશેના તેમના વિચારો જાણીએ.

બજેટ બનાવીને જેટલી મોજમજા કરવી હોય એ કરો : જયતી શાહ

ડાયટિશ્યન તરીકે કામ કરતી ૨૩ વર્ષની ચેમ્બુરમાં રહેતી જયતી જયેન્દ્ર શાહનું માનવું છે કે સેવિંગ્સ કરવાની વાત આપણાં વડીલો કરે છે એ સાવ કાઢી નાખવા જેવી નથી. તે ઉમેરે છે, ‘ભલે તમે પ્રેઝન્ટમાં જીવો, પરંતુ એ પછી ફ્યુચરનું પ્લાનિંગ થોડુંક તો કરવું જ જોઈએ. યુ નેવર નો, કાલે શું થઈ જાય. અફકોર્સ, હું એમ નથી કહેતી કે તમે તમારી ઇન્કમમાંથી ૫૦ ટકાની બચત કરી નાખો, તમારું બધું એન્જૉયમેન્ટ મૂકી દો. મારે તો માત્ર એટલું જ કહેવું છે કે મન્થ્લી ઍટ લીસ્ટ ઇન્કમના ૨૦ ટકા તો તમારે સેવિંગ્સમાં નાખવા જ જોઈએ. હું બહુ બ્રૅન્ડ-ક્રેઝી નથી. સસ્તી જ વસ્તુ લેવી એમ પણ નથી કહેતી, પણ વસ્તુ સારી હોવી જોઈએ એવું ચોક્કસ માનું છું. એટલે ભલે તમે મોંઘી વસ્તુ ખરીદો, પણ એક બજેટ બનાવીને ખરીદો. ૧૦,૦૦૦ રૂપિયાની આવકમાં ૫૦૦૦ રૂપિયાનું જીન્સ ખરીદો એ બિલકુલ ન ચાલે.’

જીવનમાં સંઘર્ષ કર્યો હોય તેને સમજાય બચતનું મહત્વ : ચારુ દોશી

ઘાટકોપરની એક સ્કૂલમાં ટીચર તરીકે કામ કરતાં ચારુ દોશીનું માનવું છે કે બચત એ સંકટ સમયની સાંકળ છે. તેઓ કહે છે, ‘અમે લોકો બચત કરી-કરીને આગળ આવ્યાં છીએ. જાતની સુખસુવિધાઓનો વિચાર કર્યા વિના કરકસર કરીને દીકરાઓને ભણાવ્યા છે. બચતનું મહત્વ જેણે જીવનમાં અતિશય સંઘર્ષ કર્યો હોય તેને વધુ સારી રીતે સમજાય. જ્યાં ચાલીને જઈ શકાતું હોય ત્યાં બસ ત્યજીને અને જ્યાં બસથી કામ ચાલતું હોય ત્યાં ટૅક્સીનો આગ્રહ રાખ્યા વિના જીવન જીવ્યાં છીએ. અમે લોકોએ જે કર્યું છે એ મારાં બન્ને બાળકોએ જોયું છે. મેં પણ સતત કહી-કહીને તેમનામાં બચતના સંસ્કાર પાડ્યા છે. મારું તો માનવું છે કે બાળકો બચત કરે એ પણ મા-બાપ પાસેથી મળેલા સંસ્કાર જ છે. અમારી જેટલી બચત તો તેઓ નથી કરતાં; છતાં અત્યારના ખાઓ, પીઓ, ઍશ કરોની માનસિકતા ધરાવતા બીજા છોકરાઓ કરતાં તેઓ સારીએવી બચત કરી જાણે છે.’

એન્જૉયમેન્ટ પણ કરું છું અને સાથે સેવિંગ્સ પણ કરું છું : પૂરવ દોશી

પોતાની મમ્મીની વાતને સહમતી આપતો ૨૩ વર્ષનો પૂરવ કહે છે, ‘મેં માસ્ટર ઑફ બિઝનેસ ઍડ્મિનિસ્ટ્રેશન (MBA) કર્યું છે. મને ભણવામાં આવેલું કે વિશ્વમાં રિસેશન આવ્યું ત્યારે અમેરિકાની ઇકૉનૉમીને સૌથી વધુ અસર થઈ હતી, કારણ કે એ દેશના લોકો સેવિંગના કન્સેપ્ટને ફૉલો નહોતા કરતા. ત્યાં બધા જ કામ પ્લાસ્ટિક મની એટલે કે ક્રેડિટ કાર્ડના આધારે થતાં હતાં. જ્યારે એ અરસામાં પણ ભારત ટકી રહ્યું હતું, કારણ કે આપણા દેશમાં બચતનું મહત્વ હજી પણ રહ્યું છે. હું બેહિસાબ ખર્ચ નથી કરતો. એન્જૉયમેન્ટ પણ કરું છું અને સાથે સેવિંગ્સ પણ કરું છું.’

માણસ તરીકે મળેલી બુદ્ધિનો ઉપયોગ કરવો જોઈએને? : તૃપ્તિ ગાલા

કાંદિવલીમાં રહેતાં તૃપ્તિ રાહુલ ગાલા એ વાત સાથે બિલકુલ સહમત થાય છે કે આજની પેઢીને બચત કરવી જરાય નથી ગમતી. તે કહે છે, ‘ભવિષ્યનું પ્લાનિંગ તો હોવું જ જોઈએ. બધેબધું તમે મોજશોખમાં ઉડાવી દો એમાં તો કોઈ સેન્સ નથી. આજે જીવી લો, કાલે જીવવા મળે ન મળે; હમણાં માણી લો, કાલે માણવા મળે ન મળે એવું જ જો માણસ થઈને પણ આપણે વિચારીએ તો આપણને ભગવાને જે બુદ્ધિ આપી છે એનો તો કોઈ અર્થ જ ન રહે. દૂરંદેશીપણું એ બુદ્ધિનો ઉપયોગ કરીને કેળવવું જોઈએને. મેં મારાં બન્ને બાળકોમાં નાનપણથી સેવિંગની આદત પાડી છે. પિગી બૅન્કમાં પૈસા જમા કરે અને રકમ ભેગી થયા પછી એકસાથે જે મોટો આંકડો દેખાય એ બાળકને પણ ગમતો હોય છે. માત્ર એક રૂપિયાની રોજ બચત કરીએ તો મહિને ૩૦ રૂપિયા સાથે જોવા મળે તો કેવા મીઠા લાગે અને એ ૩૦ રૂપિયામાંથી કેટલું બધું કરી શકાય એ બાળકોને પ્રૅક્ટિકલી મેં સમજાવ્યું છે એટલે મારે તેમને સેવિંગ વિશે બહુ કહેવું નથી પડતું.’

મરી-મરીનેય ન જીવવું અને ઉડાઉ રીતે પણ ન જીવવું : અનુજ ગાલા

આજ વિશે તેમનો ૧૭ વર્ષનો એન. એમ. કૉલેજમાં ભણતો દીકરો અનુજ કહે છે, ‘મારું માનવું છે કે મરી-મરીને પણ ન જીવવું અને ઉડાઉ રીતે પણ ન જીવવું. ધેર શુડ બી અ બૅલૅન્સ. જેમ કે તમને કંઈ કરવાની ઇચ્છા હોય તો એ ઇચ્છાને મારવાની નહીં. ભલે એમાં થોડા વધારે પૈસા જવાના હોય, પણ પહેલાં ચેક કરવાનું કે એ ઇચ્છા વર્થ છે કે નહીં. આઉટ ઑફ ધ લિમિટ ઇચ્છાઓ તો ક્યારેય પૂરી નથી થવાની. હું દર મહિને ૫૦૦ રૂપિયા પૉકેટ-મની લઉં છું અને બીજા ૫૦૦ રૂપિયા એક ડબ્બામાં અલગથી સેવિંગ કરું છું.’

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK