Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > સપ્તાહના ખાસ > આર્ટિકલ્સ > Wife ની Exchange offer નીકળે તો? પતિદેવોની પડાપડી થાય, નહીં?

Wife ની Exchange offer નીકળે તો? પતિદેવોની પડાપડી થાય, નહીં?

25 March, 2012 07:51 AM IST |

Wife ની Exchange offer નીકળે તો? પતિદેવોની પડાપડી થાય, નહીં?

Wife ની Exchange offer નીકળે તો? પતિદેવોની પડાપડી થાય, નહીં?


(ગુજ્જુભાઈ LIVE - સિદ્ધાર્થ રાંદેરિયા)

આજકાલ મોટા ભાગના લોકોનું બીપી હાઈ રહે છે. મારું પણ રહે છે. એનું કારણ શું? લાઇફસ્ટાઇલ? ખોરાક? વજન? ના. એનું કારણ મેં શોધી કાઢ્યું છે અને એ છે છાપું, અખબાર. રોજ સવારે છાપામાં એવા-એવા સમાચાર હોય છે કે એ વાંચીને ગમે તેવા તંદુરસ્ત માણસનું પણ બીપી વધી જાય. રોજ નવાં કૌભાંડો, રાજકારણની ટાંટિયાખેંચ, મોંઘવારી, બચત પરના વ્યાજમાં ઘટાડો ને લોન પરના વ્યાજમાં વધારો. સાથે લૂંટફાટ અને ખૂનામરકી તો ખરાં જ. રોજ સવારે આવો મસાલો મગજમાં જાય તો આડઅસર તો થવાની જ. મને તો થાય છે કે કદાચ ડૉક્ટરો હવે દરદીઓને સલાહ આપશે : તમારી આદત બદલો. પરેજી પાળો. રોજ છાંપુ વાંચવાનું વ્યસન છોડો. એનાથી હૃદય અને મગજને નુકસાન પહોંચે છે. Newspaper kills.



આનો અર્થ એ થશે કે શિક્ષિત માણસ કરતાં અશિક્ષિત (જેને વાંચતાં નથી આવડતું એવા માણસો) છાપું ન વાંચવાને લીધે વધારે તંદુરસ્ત રહેશે. જોકે ટીવીના ન્યુઝ માણસોનું પ્રેશર વધારતા જ રહેશે. હાઈ બીપીની બીમારી માટે મારો એક મિત્ર ડૉક્ટર પાસે ગયો. ડૉક્ટરે સલાહ આપી, ‘રાત્રે ટેન્શન સાથે સૂવાનું છોડી દો.’ મિત્રે એ જ દિવસથી પોતાની પત્ની સાથે સૂવાનું છોડી દીધું. જોકે કેટલો ફાયદો થયો એની તપાસ મારે હજી કરવાની છે.


આ તો થઈ લોહીના દબાણ પર અખબારની આડઅસરની વાત. આ ઉપરાંત છાપાને લીધે મારા ખિસ્સા અને ઘરખર્ચ પર પણ દબાણ આવે છે. મારી પત્ની પણ નિયમિત છાપું વાંચે છે; સમાચાર માટે નહીં, સેલની જાહેરાત માટે. ‘ગ્રૅન્ડ રિડક્શન સેલ’, ‘ડિસ્કાઉન્ટ ધમાકા’, ‘By one get on free અને ‘Exchange offer’ જાહેરાતો વાંચી-વાંચીને હરખપદૂડી થઈને તે શૉપિંગ કરવા દોડે છે અને દર મહિને બિનજરૂરી ચીજો ખરીદી લાવે છે. ક્યારેક મને તરંગી વિચાર આવે છે કે Wife ની Exchange offer  નીકળે તો? પતિદેવોની પડાપડી થઈ જાય નહીં? જોકે છેવટે પતિઓ પણ બાર્ગેઇનમાં બિનજરૂરી વસ્તુ જ લઈ આવે. પણ આવા તરંગી વિચારો માણસ માટે સ્વાસ્થ્યવર્ધક હોય છે. આજે છાપામાં વાંચ્યું કે નજીકના ભવિષ્યમાં વળી પેટ્રોલનો ભાવવધારો થશે. મને થડકો લાગ્યો. નાના પ્રકારનો હાર્ટઅટૅક જ હશે. દોસ્તો, મેં અઢી રૂપિયે લિટર પેટ્રોલના દિવસો પણ જોયા છે એટલે આઘાત વધારે લાગે, પણ ત્યાં જ મારી નજર પડી એક નાનકડા ન્યુઝ પર : પેટ્રોલને બદલે પાણીથી ચાલતી મોટર બનાવવાના પ્રયોગો ચાલી રહ્યા છે.

અને હું તરંગે ચડી ગયો. જો ખરેખર વાહનો પેટ્રોલને બદલે પાણીથી ચાલવા લાગે તો શું થાય?


પેટ્રોલપમ્પને બદલે કૂવા, નદી, તળાવ પર ગાડીઓની લાઇન લાગે. જો દરિયાનું પાણી પણ ઉપયોગમાં લેવાય તો દરિયાકિનારાનાં શહેરો-ગામડાંઓમાં બહારગામથી બસ-ટ્રકનો ધસારો થાય. સરકારે રાતોરાત પેટ્રોલ-વિતરણની જેમ વૉટર-વિતરણની વ્યવસ્થા ઊભી કરવી પડે. સૌથી પ્રથમ પગલારૂપે તમામ જળસ્થાનોનું રાષ્ટ્રીયકરણ કરી નાખવામાં આવે.

જળાશયોની આસપાસ સુરક્ષાદળ ગોઠવી દેવું પડે, જેથી પાણીની ચોરી શરૂ ન થાય. જોકે આપણા દેશમાં એવો નિયમ છે કે જે વસ્તુ વેચી શકાય છે એ દરેક વસ્તુની ચોરી શરૂ થઈ જ જાય છે. લોકો આજે પણ જાહેર શૌચાલયો અને બગીચાઓમાંથી પાણીની ચોરી કરે જ છે, પણ જો પાણી પેટ્રોલનો પર્યાય બની જાય તો વૉટર-માફિયાની જમાત ઊભી થાય. પાણીની ભૂગર્ભ પાઇપલાઇનમાંથી અને શૌચાલયની ટાંકીઓમાંથી છૂપી રીતે પાણી ખેંચી કાળાં બજારમાં વેચાય. મિનરલ વૉટરની બાટલીઓ બનાવનારા માલામાલ થઈ જાય અથવા તો સરકાર એના પર પ્રતિબંધ લાગુ કરી દે. બનવાજોગ છે કે નાહવા-ધોવા પર પણ પ્રતિબંધ જાહેર થાય, નાહવા માટેની ગોળીઓ શોધાય, પેટ્રોલની કમાણી પર તાગડધિન્ના કરતા તેલિયા-રાજાઓ હતા ન હતા થઈ જાય. પચીસ વરસ પછી આપણે આપણાં પૌત્ર-પૌત્રીને વાર્તા કહીએ : can you believe?  અમારા જમાનામાં પાણીની પરબો હતી.

‘What is પરબ?’

ÒFree drinking water.Ó અને બાળકની આંખ પહોળી થઈ જાય.

‘What? You were drinking water?’ કદાચ પાણી પણ દોઢસો રૂપિયે લિટર વેચાવા લાગે અને આપણે હતા ત્યાંના ત્યાં જ અને એક દિવસ છાપામાં સમાચાર આવે : હવા વડે ચાલતી મોટર બનાવવાના પ્રયોગ ચાલી રહ્યા છે.

હવે હવાનું રાષ્ટ્રીયકરણ થાય તો? હવા બંધ થઈ જાય, ખરુંને?

છેવટે... છાપાં છે તો આવા તરંગ અને તુક્કા છે.

અને ‘મિડ-ડે’ છે તો આવી કૉલમ પણ છે.   

Whatsapp-channel Whatsapp-channel

25 March, 2012 07:51 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK