બુધવારની બલિહારી - કિરણ કાણકિયા
હવે સિનિયર સિટિઝન સુરક્ષિત નથી રહ્યા. ગયા મહિનામા ત્રણથી ચાર સિનિયર સિટિઝનની હત્યા થઈ. જાણીતાં લેખિકા અમૃતા પ્રીતમના ફોટોગ્રાફર, પ્રોડ્યુસર, રાઇટર એવા ૬૫ વર્ષના પુત્ર નવરાજ કવાત્રાની હત્યા ગળું દબાવીને કરવામાં આવી અને ૫૫,૦૦૦ હજાર રૂપિયા રોકડા તથા એક હૅન્ડિકૅમ લઈ હત્યારાઓ નાસી ગયા હતા.
હજી તો આ હત્યાના સમાચારની શાહી સુકાઈ નહોતી ત્યાં તો પછીના ચાર દિવસ બાદ ચેમ્બુરમાં ૭૮ વર્ષનાં પત્ની રાજમ્મા પર તીક્ષ્ણ હથિયારથી હુમલો અને તેના ૯૦ વર્ષના પતિ પરશુરામની નિર્મમ હત્યા કર્યા બાદ ત્રણ લૂંટારાઓ ફ્લૅટમાંથી દાગીના લૂંટીને ફરાર થઈ ગયા હોવાની ઘટના બની હતી.
ત્યાર પછી એક સિનિયર સિટિઝનની મુલુંડમાં હત્યા કરવામાં આવી. આરબીઆઇના નિવૃત્ત ક્લર્ક ૬૧ વર્ષના સુધીર ચિંતામણિ ઝેમસેની હત્યા તેના જ પુત્ર અતુલે દારૂ પીવાના રૂપિયા ન આપવા બદલ પિતાના ગળા પર કાતરના ઘા ઝીંકીને હત્યા કરી. હત્યા બાદ પોલીસે પુત્રની ધરપકડ કરી હતી. છેને કલિયુગની કારમી બલિહારી.
આંકડા શું કહે છે?
શહેરના ગુના વધી રહ્યા છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી ગુનેગારોનાં લક્ષ્ય બદલાઈ રહ્યાં છે. એકલા રહેતા અને તરત લાગણીવશ થઈ જતા લોકો પાસેથી નાણાં પડાવવાનું ગુનેગારોને સહેલું લાગી રહ્યું છે. મુંબઈ અને અન્ય મેટ્રોસિટીમાં રહેતા વરિષ્ઠ નાગરિકોની ચિંતા વધી રહી છે, કારણ કે તેમની સાથે થતા ગુનાના પ્રમાણમાં ચિંતાજનક વધારો નોંધાયો છે. છેલ્લાં છ વર્ષમાં શહેરભરમાં ૪૦ વરિષ્ઠ નાગરિકોની હત્યા થઈ હતી અને દર વર્ષે આ આંકડામાં વધારો થઈ રહ્યો છે અને માત્ર બે આરોપીને સજા ફટકારવામાં આવી હતી.
નૅશનલ ક્રાઇમ રેકૉર્ડ બ્યુરોના આંકડામાં દર્શાવ્યા મુજબ ૨૦૦૭થી અત્યાર સુધી રાજ્યમાં ૧૬૭૯ વરિષ્ઠ નાગરિકોની હત્યા થઈ છે અને આ બાબતે રાજ્યોમાં મહારાષ્ટ્રનો ત્રીજો ક્રમ છે. કાયદાકીય નિષ્ણાતો જણાવે છે કે સખત અને ફૉરેન્સિક પુરાવાને અભાવે ફરિયાદી પક્ષ સજા અપાવવા માટે દબાણ કરી શકતા નથી. તપાસ કરનારાઓ કહે છે કે તેઓ તેમનો શ્રેષ્ઠતમ દેખાવ કરે છે અને ર્કોટમાં ચાલતી કાયદાકીય પ્રક્રિયાને દોષ આપે છે.
હત્યા થવાનાં કારણો
મુંબઈમાં વરિષ્ઠ નાગરિકો સામે ભયજનક વાતાવરણ નિર્માણ થયું છે, જે ચિંતાજનક અને ગંભીર બાબત છે. આ માટેનાં કારણોની વિગતવાર ચર્ચા કરીએ તો મુખ્ય કારણ સિનિયર સિટિઝનની હત્યા પાછળ લૂંટફાટ હોઈ શકે. આજે લોકોને જલદી પૈસાદાર બની જવું છે અને પૈસા મેળવવા માટે તેઓ કંઈ પણ કરતાં અચકાતા નથી. થોડા વખત પહેલાં ઘાટકોપરમાં બે મહિલાઓની હત્યા પણ આ જ કારણસર થઈ હતી. બીજું કારણ એ નજરે ચડે છે કે આપણે ત્યાં કામ કરતા નોકર, રસોઈયા, ડ્રાઇવર કે માળી હોય અને તેઓ પગારવધારો માગે કે એક્સ્ટ્રા પૈસા માગે ત્યારે તેને આપવાની ના પાડતાં તેઓ ઝનૂની બનીને કંઈ પણ પગલું લેતાં અચકાતા નથી. એટલે શું તેઓ માગે એટલા પૈસા આપી દેવાના. ના, એવું પણ નથી, પરંતુ પરિસ્થિતિ અને તેની જરૂરિયાત સમજી વચલો માર્ગ કાઢીને સમાધાન કરી લેવું. ત્રીજું, ક્યાંક સ્વજનો જ હત્યાનું કારણ બને છે. થોડા વખત પહેલાં અખબારમાં કિસ્સો ગાજ્યો હતો કે પૈસાની ના પાડતાં પૌત્રે દાદીની હત્યા કરી. તાજેતરના કિસ્સામાં પણ આવું જ બન્યું. દારૂ પીવાના પૈસા ન આપતાં પુત્રે પિતાને કાતરના ઘા મારીને પતાવી દીધા. લેશમાત્ર શરમ બચી નહીં કે ન થઈ અરેરાટી કે પસ્તાવો. ચોથું, ક્યારેક એવું પણ બને છે કે કોઈક પ્લમ્બર, કાર્પેન્ટર, પેઇન્ટર કે ઇલેક્ટ્રિશ્યન કે પછી કોઈક બીજો કારીગર કામ કરી ગયો હોય અને તેણે માગ્યા હોય એના કરતાં પૈસા ઓછા આપ્યા હોય તો વેરભાવથી, એકલા જાણી લૂંટવાના ઇરાદે આવે છે અને મોકો ન મળતાં તેઓ હત્યા કરી બેસે છે અને ઘરમાંથી જે મળે તે લઈને પલાયન થઈ જાય છે.
એક એવું પણ કારણ નજરે ચડે છે કે વયસ્ક વ્યક્તિ એકલી રહેતી હોય તો તેની બધી માહિતી જાણભેદુ એકઠી કરી લે છે અને લાગ જોઈને તેના પર ત્રાટકે છે. ટૂંકમાં, દરેક લૂંટ અને ખૂન માત્ર પૈસાને કારણે જ થાય છે અને એમાં ઘરનોકર, વૉચમૅન, ડ્રાઇવર અને અંદરની વ્યક્તિ જ ભળેલી હોય છે એથી જ આવું બને છે.
એકલા રહેવાનું કારણ
અત્યારે સંયુક્ત કુટુંબ તૂટતાં જાય છે. વિભક્ત કુટુંબમાં દીકરા-દીકરી પરણી જાય પછી ક્યારેક જગ્યાને અભાવે, મનમેળના અભાવે કે પછી ઝઘડા-ટંટાને કારણે કે નોકરીને કારણે દીકરા-વહુ જુદાં થઈ જવાથી માતા-પિતા એકલાં પડી જાય છે. જેનાં સંતાનો પરદેશ રહેતાં હોય તેનાં માતા-પિતા એકલાં રહે છે. જેને માત્ર દીકરીઓ હોય કે જેઓ નિ:સંતાન હોય તેવા વડીલો એકલા રહે છે. જ્યારે દંપતીમાંથી એકનું મૃત્યુ થાય છે ત્યારે બીજી વ્યક્તિ એકલી પડી જાય છે. તો ક્યારેક પોતાન અલગ સ્વભાવને કારણે એકલા રહેતા હોય છે.
સુરક્ષા માટે સાવધાની
વયસ્ક નાગરિકો શરીર અને મનથી થાકેલા હોય છે. અણધાર્યો બનાવ બનતાં તેઓ ચોંકી ઊઠે છે અને લૂંટારાનો પ્રતિકાર નથી કરી શકતા. આથી એકલા રહેતા નાગરિકોએ સુરક્ષા માટે કેટલીક સાવધાની રાખવી જરૂરી છે.
તમારા પાડોશીઓ સાથે સંબંધ રાખો. તેને તમારાં સગાંસંબંધીઓ, મિત્રો, કામ કરતા માણસોથી વાકેફ રાખો, કેમ કે પહેલો સગો તે પાડોશીના ન્યાયે તે જ તમને માંદો-સાજો કામ લાગશે. સાથોસાથ પાડોશીઓએ પણ આવા નાગરિકોનું ધ્યાન રાખવું જોઈએ. ઘણી વાર એકલી રહેતી વ્યક્તિને પાડોશી સાથે ઝાઝી લપ્પન-છપ્પન ગમતી નથી છતાં તમે બોલ-ચાલ રાખશો તો કપરા સમયે પાડોશી જ કામ આવશે.
ઘરમાં ઝાઝી રોકડ રકમ કે દાગીના ન રાખવાં.
અજાણ્યા માણસોને ઘરમાં આવવા ન દેવા. સેફ્ટી ડોર રાખો. એક જ દરવાજો ખોલવાથી આવનાર વ્યક્તિને ઓળખી શકશો.
સુરક્ષા માટે સતત સજાગ રહો.
તમારો મોબાઇલ હંમેશાં સાથે રાખો. તમારાં સગાંસંબંધીઓ, મિત્રો પાસે તમારો ફોન નંબર હોવો જરૂરી છે. બધી જ હેલ્પલાઇનના નંબર મોબાઇલમાં સેવ કરી રાખો.
તમારી અંગત વાતો કે તમારી માલ-મિલકત વિશે કોઈને જાણ ન કરો.
સંબંધો મીઠા રાખવાની કોશિશ કરો.
તમારી પાસે એક પૅનિક અલાર્મ રાખો. તમારા પર હુમલો થાય તો એ અલાર્મ જોરથી વાગવા માંડશે, જેથી હુમલાખોર ડરીને ભાગી જશે.
તમારે ત્યાં કામ કરતા માણસોને રાજી રાખો.
કામ કરતા માણસોના ફોટો, ઍડ્રેસ, ટેલિફોન નંબર તથા અન્ય વિગત અવશ્ય રાખો.