મોકલો દેશના જવાનને રક્ષા કવચરૂપે એક રાખડી -પ્રેમભર્યા સંદેશ

Published: Jul 13, 2020, 11:16 IST | Alpa Nirmal | Mumbai Desk

ચાર કચ્છી મિત્રોએ રક્ષાબંધનના તહેવાર પર કચ્છ, કાશ્મીર અને ઇન્ડો-ચાઇના બૉર્ડર પર તહેનાત આર્મીના જવાનો માટે રાખડીઓ મોકલવાનું કાર્ય હાથ ધર્યું છે

કચ્છ સરહદે જવાનોને રાખડી બાંધતી કચ્છ યુવક સંઘની યુવતીઓ.
કચ્છ સરહદે જવાનોને રાખડી બાંધતી કચ્છ યુવક સંઘની યુવતીઓ.

છેલ્લા ત્રણ મહિનાથી આપણે ચોવીસે કલાક પરિવારની સાથે છીએ. પોતાના ઘરમાં સુરક્ષિત છીએ અને મોજથી જીવીએ છીએ, ત્યારે આપણા કેટલાક દેશબાંધવો મા ભોમની રક્ષા ખાતર દેશના સીમાડે ઊભા છે. હાલના ભારત અને ચીન વચ્ચેના યુદ્ધના માહોલમાં આ તમામ સૈનિકોની રજા નામંજૂર થઈ છે. એક તો ચોતરફ ફેલાયેલા કોરોનાના માહોલમાં ફૅમિલીની સુખાકારીની ચિંતા અને નજીક આવતી તહેવારોની મોસમ સૈનિકને હોમસિક કરી શકે છે, ત્યારે મુંબઈમાં રહેતા ચાર કચ્છી મિત્રોએ દેશની સીમાઓ પર ફરજ બજાવતા જવાનો માટે રક્ષાબંધનના તહેવાર પર રાખડીઓ મોકલવાનું બીડું ઝડપ્યું છે. આ આઇડિયાના જનક ઋષભ મારુ ‘મિડ-ડે’ને કહે છે, ‘એક્ચ્યુલી ૨૦૦૯ની સાલથી અમે કચ્છ યુવક સંઘ સંસ્થાના નેજા હેઠળ કચ્છની બૉર્ડર પર ફરજ બજાવતા સૈનિકોને રક્ષાબંધનના દિવસે ત્યાં જઈને રાખડી બાંધવાનો કાર્યક્રમ ગોઠવીએ છીએ, જેમાં સંસ્થાનાં પુરુષો અને મહિલા-કાર્યકરો સરહદ પર જાય છે અને બહેનો પોતાના હાથે જવાનોને રાખડી બાંધે છે. આ નાના પ્રસંગથી પણ સૈનિકો ખૂબ પ્રફુલ્લિત થઈ જાય છે. એમાંય અત્યારની પરિસ્થિતિમાં સૈનિકોને મોરલ સપોર્ટની વધુ જરૂર છે એવામાં એક અજાણી બહેનની રાખડી તેની માટે રક્ષાકવચનું કામ કરશે અને તેનો પત્ર હોંસલો બુલંદ બનાવવાનું. આથી આ કાર્યક્રમ કરવો તો છે જ.’
આ અભિયાન વિશે વિસ્તૃત જાણકારી આપતાં માહિમમાં રહેતા ઋષભભાઈ કહે છે, ‘મુંબઈમાં વિવિધ ઠેકાણે અમે રાખડી કલેક્શન માટે ડીપો રાખ્યા છે, જ્યાં ૨૦ જુલાઈ સુધી રાખડી પહોંચાડવાની રહેશે. રાખડીના કવર એકત્ર કર્યા બાદ ૨૫ જુલાઈએ અમે ભુજ જઈશું. ત્યાં આર્મીનાં વિવિધ થાણાંઓમાં કેટલા સૈનિકો છે એ પ્રમાણે અલગ બંચ બનાવી હેડ ક્વૉર્ટરમાં ઉપરી અધિકારીઓને આપી દઈશું. ભારત-ચીનની બૉર્ડર પરના સૈનિકો માટે પણ અમે થોડો જથ્થો ITBPને મોકલાવશું.’
વેલ, કચ્છ યુવક સંઘનો જ્યારથી રક્ષાબંધન કાર્યક્રમ શરૂ થયો છે ત્યારથી ઋષભભાઈ આ કાર્યક્રમ સાથે સંકળાયેલા છે. પ્લાયવુડ કંપનીના માર્કેટિંગ મૅનેજર તરીકે કાર્યરત ઋષભભાઈ અત્યાર સુધીના પોતાના અનુભવો વર્ણવતાં કહે છે, ‘કચ્છમાં લખપત નજીક આવેલી ગુલેરી પોસ્ટ પર કાશ્મીરથી શરૂ થતાં આપણા સરહદી પીલરનો છેલ્લો ૧૧૭૫મો પીલર છે. આ જગ્યા દુર્ગમ છે. અમે સ્પેશ્યલ મંજૂરી લઈને અહીં રક્ષાબંધનના દિવસે જઈએ છીએ અને અમારાં મહિલા-કાર્યકરો અહીં ફરજ બજાવતા જવાનોને રાખડી બાંધે છે. અમે જઈએ એટલે તેઓ હર્ષોલ્લાસમાં આવી જાય. કોઈ ભાઈને પોતાની સગી બહેન પોતાના ઘરે આવે એનાથી વિશેષ આનંદ આ જવાનોને સાવ અજાણી બહેનોને મળીને થાય છે.’
આ અભિયાનમાં જોડાયેલા અરવિંદ હરિયા કહે છે, ‘સરહદી તનાવ અને કોરોનાને કારણે આ વખતે અમે બૉર્ડર પર નથી જવાના. અમે રાખડીઓ અહીંથી ભુજ જઈ હાથોહાથ ઉપરી અધિકારીઓને આપી આવશું અને ઇન્ડો-તિબેટિયન બૉર્ડર પોલીસમાં પોસ્ટ દ્વારા અમારા ખર્ચે મોકલાવી દઈશું.’

Rishabh Maruઆઇડિયાના જનક ઋષભ મારુ 

કેવી રીતે મોકલશો રાખડી?

સિમ્પલ અને વજનમાં હળવી રાખડીને રાષ્ટ્ર સૈનિકના નામે હિન્દીમાં કે અંગ્રેજીમાં લખેલા પત્ર સાથે એક જ કવરમાં રાખવાની છે. કવરમાં કુમકુમ, ચોખા, કોઈ પોસ્ટલ ટિકિટ કે કૉન્ટૅક્ટ ડીટેલ નથી આપવાની. કવરને સીલ બંધ કરી નજીકના કલેક્શન સેન્ટરમાં પહોંચાડવાનું છે.
વધુ માહિતી માટે સંપર્ક-
અરવિંદ હરિયા:૯૩૨૨૩૩૩૭૩૭
ઋષભ મારુ: ૯૮૧૯૫૩૩૨૧૧૦
પરાગ છેડા : ૯૮૧૯૬ ૫૬૫૧૯

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK