મા તો મા હોતી હૈ

Published: May 13, 2020, 22:43 IST | Sejal Ponda | Mumbai

સોશ્યલ સાયન્સ - મા કુદરતનું એક એવું સર્જન છે જેને કોઈ રીપ્લેસ ન કરી શકે. મા પોતે જ એક સર્જનહાર છે. એટલે જ મા ઈશ્વરના સ્થાને પૂજાય છે અને ઈશ્વરે પણ માને એવું વરદાન આપ્યું છે કે માના આશીર્વાદ જરૂર ફળે છે

આમ તો મધર્સ ડે સૌથી વધારે સોશ્યલ મીડિયામાં જ ઊજવાયો છે.
આમ તો મધર્સ ડે સૌથી વધારે સોશ્યલ મીડિયામાં જ ઊજવાયો છે.

૧૦ તારીખનો મધર્સ ડે સહુએ ઘરે રહીને પોતપોતાની રીતે ઊજવ્યો. આમ તો મધર્સ ડે સૌથી વધારે સોશ્યલ મીડિયામાં જ ઊજવાયો છે. મા સાથેના ફોટા...ફેસબુક, ઇન્સ્ટા, વૉટ્સઅૅપમાં અપલોડ થતાં ગયા. લાઇક્સ મળતી ગઈ. કમેન્ટ્સ લખાતી ગઈ. મા સાથેની યાદો તાજી થઈ. યંગ જનરેશન ફોટા અપલોડ કરવામાં, વિડિયો બનાવવામાં બિઝી હતું ત્યારે મા રસોડામાં હોંશે-હોંશે કામ કરતી હતી. પોતાના ફોટા ક્યાં મુકાઈ રહ્યા છે એની કોઈ પરવા નહોતી માને. માને સોશ્યલ થવામાં રસ નહોતો. માને સમયસર રસોઈ બનાવવામાં રસ હતો. 

માનો નાતો ઘર સાથે વધારે હોય છે. એટલે જ લૉકડાઉનમાં મા એટલી જ હોંશીલી અને પ્રેમાળ વર્તાય છે જેટલી એ બધાનું રૂટીન સાચવતી વખતે દેખાતી હતી. માને ઘરે રહેવાનો કંટાળો નથી આવતો. હા, પોતાના થોડા શોખ વિકસાવવાનો માને સમય જરૂર મળી ગયો છે. બીજાના શોખને ઉછેરવામાં એના પોતાના શોખ આડેહાથ મુકાઈ ગયા હતા. એ શોખને ફરી જીવંત કરવાની ખુશી માના ચહેરા પર જરૂર છલકાય છે.
મા કુદરતનું એક એવું સર્જન છે જેને કોઈ રીપ્લેસ ન કરી શકે. મા પોતે જ એક સર્જનહાર છે. એટલે જ મા ઈશ્વરના સ્થાને પૂજાય છે અને ઈશ્વરે પણ માને એવું વરદાન આપ્યું છે કે માના આશીર્વાદ જરૂર ફળે છે.
ધરતીની આ સર્જનહાર પ્રેમ અને કરુણાથી છલકાય છે. એની છલોછલ વહેતી લાગણીની કદર ન કરનારા ખરેખર અભાગિયા કહેવાય. આવા અભાગિયાની મા વૃદ્ધાશ્રમના પગથિયે બેસીને પણ દીકરાની સફળતાની દુઆ માગતી હોય છે.
ફિલ્મોમાં બતાડવામાં આવતી ગરીબ-લાચાર વિધવા મા જોઈ આપણું હૃદય પીગળી જતું. મજૂરી કરતી મા, છોકરાઓને સૂકો રોટલો ખવડાવી ભૂખી રહેતી મા, બીમાર દીકરા માટે હાથ લંબાવતી મા, મંદિરે જઈ ભગવાનની સામે ઊભી રહી ઃ આજ તક મૈંને તુજ સે કુછ નહીં માંગા ભગવાન, આજ તુમ્હારે સામને અપની ઝોલી ફૈલા રહી હું-મેરે બેટે કો બચા લે. એવા ડાયલોગ્સ બોલતી મા- આપણને ખૂબ ગમતી. ફિલ્મોમાં માનો સંઘર્ષ જેટલો વધારે એટલી ફિલ્મો હીટ પણ થતી.
લાચાર માની સામે કપટી હોય એવી મા પણ ફિલ્મોની કથામાં વણાતી ગઈ. જેને વૅમ્પ કહેવામાં આવતી. પૈસાદાર વૅમ્પ પોતાના પૈસાના જોરે લાચાર મા પર દબાણ કરી પોતાના વંઠેલ દીકરાને બચાવવામાં સફળ થાય એવી કથાવસ્તુ સાથેની ફિલ્મો ઘણી ચાલી. પૈસાદાર, ખૂબ સજેલી-ધજેલી મા, એની રેશમી સાડી, ઘરેણાં, હાઈ હિલવાળા સેન્ડલે ગરીબ તવંગરનો ભેદ વધારે ઉજાગર કર્યો, પણ આખરે ડ્રામા એટલે ડ્રામા. વાસ્તવમાં મા પૈસાવાળી હોય તો પણ ઘરમાં દાગીના અને હાઈ હિલ્સ પહેરીને ફરતી નથી હોતી. મા તો ઘરનું ઘરેણું કહેવાય છે, જે પોતાના સમર્પણથી આખા ઘરને ઉજાળે છે.
એવા ઘણા લોકો હશે જેમણે મધર્સ ડેના દિવસે એમનાથી દૂર થઈ ગયેલી માને યાદ કરી આંખોના ખૂણા ભીના કર્યા હશે. માની ખોટ કોઈ પૂરી ન કરી શકે એ બહુ મોટી હકીકત છે, પણ એનો અર્થ એ નથી કે માને યાદ કરી તમે માત્ર દુખી જ થયા કરો. એની સાથે વીતાવેલાં વર્ષો જીવનભરનું સંભારણું હોય છે. દુખી થવાના અનેક કારણ જડી જાય છે. સુખી થવા માટે એક જ કારણ પૂરતું છે અને એ છે આજની ક્ષણ. કોઈક વાતે દુખી થઈને માએ બે-ત્રણ દિવસ રસોઈ ન બનાવી હોય, ઘર-પરિવારની સગવડો ન સાચવી હોય એવું ક્યારેય બનતું નથી. માનો ખાલીપો મન પર કબજો જમાવી લે એ ન ચાલે.
સ્માર્ટ ફોનના જમાનાની સ્માર્ટ મા ભલે સોશ્યલ મીડિયામાં એક્ટિવ હોય. એણે રસોડાને બાયબાય તો ન જ કર્યું હોય. માને ઈશ્વરે બધા કરતાં વધારે ઋજુ હૃદય આપ્યું છે. મા થાક્યા પછીનો વિસામો છે. માના ખોળામાં જીવનભરનું સુખ સમાયેલું છે. પોતાના સંતાનો માટે જીવતી એ દરેક જનેતાને દિલથી વંદન.
મમ્મી આજે તારો જન્મદિવસ
તને શું ભેટ આપું? તને શું ગમશે?
તે ક્યારેય કોઈ વસ્તુ સામે અણગમો દર્શાવ્યો જ નથી,
તને તો બધું જ ગમે છે.
તે અમારા આકાશને રંગીન બનાવી દીધું છે
અમારા બધાં જ દર્દ લઈ લીધાં છે
જ્યારે હું તને નિરૂપા રોય કહી ચીડવું છું
ત્યારે તારા ચહેરા પર છલકાતું સ્મિત
મને બહુ વહાલું લાગે છે
આજે ફરી તારા ખોળામાં સુવાનું મન થાય છે
તારા જન્મદિવસે... તારો ખોળો
મને રીટર્ન ગિફ્ટમાં જોઈએ છે.
-સેજલ પોન્દા

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK