Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > તંદુરસ્તીનો અરીસો તમારી જીભ છે

તંદુરસ્તીનો અરીસો તમારી જીભ છે

16 July, 2019 11:08 AM IST | મુંબઈ ડેસ્ક
સેજલ પટેલ

તંદુરસ્તીનો અરીસો તમારી જીભ છે

સોનમ કપૂર (ફાઈલ ફોટો)

સોનમ કપૂર (ફાઈલ ફોટો)


ચાલો, આ... કરીને મોં ખોલો જોઉં!

તમે કોઈ પણ ડૉક્ટર પાસે જાઓ, તમારી કોઈ પણ ઉંમર હોય, તમારી કોઈ પણ ફરિયાદ હોય, ડૉક્ટર અચૂક તમારી જીભડી બહાર કઢાવે છે. એવું તો શું હોય છે જીભમાં જે જોઈને ડૉક્ટર તમારી તબિયતમાં શાની ખરાબી છે એનો અંદાજ લગાવે છે? શરીરમાં અંદર શું ચાલી રહ્યું છે એ આપણી જીભ પરથી જોઈ શકાય છે. પેટની અંદર કૅમેરા જેવું મશીન નાખીને એન્ડોસ્કોપી કરવાનાં મશીન તો હવે આવ્યાં; પરંતુ લિવર, સ્પ્લીન, સ્વાદુપિંડ, જઠર અને આંતરડાંમાં શું તકલીફ હશે એ પહેલાંના જમાનામાં વૈદ્યો જીભ જોઈને પણ કહી શકતા હતા.
જેમાં એકેય હાડકું નથી એવી જીભ આપણા શરીર, સ્વાસ્થ્ય અને જીવનનો અતિ મહત્ત્વનો હિસ્સો છે. મહાત્મા ગાંધી સવારે ઊઠીને થયેલા પહેલા મળત્યાગનું દર્શન કરવાના આગ્રહી હતા. તેમનું કહેવું હતું કે મળ તમારા શરીરમાં શું ચાલી રહ્યું છે એનું દર્પણ છે. મળની જેમ જ સ્વાસ્થ્યના દર્પણ જેવું કામ આપે છે આપણી જીભ. ખાસ કરીને આપણા પાચનતંત્રમાં શું ચાલે છે એ સમજી શકાય છે. આયુર્વેદમાં પેટને ઑલમોસ્ટ તમામ રોગના મૂળમાં ગણવામાં આવ્યું છે ત્યારે જીભનું નિરીક્ષણ બહુ મહત્ત્વનું થઈ જાય છે. એ વિશે વાત કરતાં આયુર્વેદ નિષ્ણાત ડૉ. રવિ કોઠારી કહે છે, ‘આયુર્વેદમાં કોઈ પણ રોગનું નિદાન કરવા માટે આઠ પ્રકારની પરીક્ષાઓ કરવાની કહી છે. સૌથી પહેલાં તો નાડીનું પરીક્ષણ થાય, જેના પરથી ખબર પડે કે દરદીના શરીરમાં જે-તે સમયે વાત, પિત્ત અને કફમાંથી કયા દોષમાં અસંતુલન કે વિકાર છે. એ પછી આવે છે મળ, મૂત્ર, જિહ્‍વા, શબ્દ, સ્પર્શ, નેત્ર અને આકૃતિનું પરીક્ષણ. આ તમામ પરિમાણોનાં લક્ષણોનો સમન્વય કરીએ તો ચોક્કસપણે રોગનું મૂળ પકડાઈ જાય. એમાંય જીભ પાચનતંત્રનો અરીસો છે. પેટની બદલાતી સ્થિતિની તો રોજેરોજ તમને જીભ દ્વારા ખબર પડી શકે છે.’
જિહ્‍વા પરીક્ષણ
જીભ જોઈને આપણને શરીરની કઈ-કઈ અવસ્થાની ખબર પડે એ સમજાવતાં ડૉ. રવિ કોઠારી કહે છે, ‘સામાન્ય રીતે હેલ્ધી જીભનો રંગ ગુલાબી હોય અને એની પર કોઈ છારી બાઝેલી ન હોય. જીભ પર કોઈ છારી વિનાની નૅચરલ કલર ધરાવતી જીભ હોય તો એ બતાવે છે કે તમારો પાચકાગ્નિ બરાબર છે. ડાઇજેશનમાં જરા પણ ગરબડ થાય એટલે તરત જ એની અસર જીભના રંગ અને છારીમાં વર્તાય છે. વ્યક્તિની જીભના આકાર, સાઇઝ, કલર અને ટેક્સ્ચર પરથી વ્યક્તિની પ્રકૃતિ શું છે એ પણ કહી શકાય છે. કફપ્રકૃતિવાળાની જીભ મોટી, જાડી અને પહોળી હોય છે. સ્પર્શ કરતાં એ લીસી અને રંગમાં થોડીક વાઇટ ઝાંયવાળી હોય છે. પિત્તપ્રકૃતિવાળાની જીભની લંબાઈ-પહોળાઈ મીડિયમ હોય અને વાતપ્રકૃતિવાળાની જીભ લાંબી અને પાતળી હોય છે. પિત્તવાળાની જીભ વધુપડતી લાલાશ ધરાવતી હોય છે, જ્યારે વાતવાળાની જીભ પીળાશ પડતી હોય છે. વાત રોગોમાં જીભ ડ્રાય, ખરબચડી, ક્રૅકવાળી અને ફાટેલી હોય છે. પિત્તની સમસ્યાઓમાં જીભ સૂજેલી અને લાલાશપડતી હોય. જ્યારે જીભ પર સફેદ લેયર હોય છે એ બતાવે છે કે એ સામ એટલે કે આમવાળી છે. આયુર્વેદમાં આમ એટલે કોષ્ઠમાં પડી રહેલો અપક્વ આહારરસ. જ્યારે વાતજ સમસ્યાને કારણે આમ જમા થયો હોય તો જીભની સાઇડ્સમાં કાળા અને બ્રાઉન રંગની ઝાંય જોવા મળે, જ્યારે પિત્તજ સમસ્યા હોય ત્યારે વચ્ચે લાલાશ અને પીળાશ પડતાં ટપકાં અને ઝાંય હોય. કફજ સમસ્યામાં ઝાંય અગ્ર ભાગમાં હોય છે. જ્યારે જીભ પર ડાર્ક પર્પલ રંગની ઝાંય છવાઈ જાય તો એ ધાતુગત સામતા દર્શાવે છે. ધાતુગત સામતા હોય એટલે લિવર, હાર્ટ અને કિડની જેવા મર્મ અવયવોમાં તકલીફ હોય. જીભ પરનાં આવાં બીજાં પણ ઘણાં બારીક અવલોકનો દરદીની સ્થિતિ સમજવામાં મદદરૂપ થાય છે.’
સવારે ઊઠીને સફેદ છારી કેમ બાઝે?
તંદુરસ્તી માટે જીભ સ્વચ્છ અને સ્વસ્થ હોય એ જરૂરી છે. રાધર, તનમાં તકલીફોની શરૂઆત થવા લાગી છે એની બાંગ જીભ પર થતા ફેરફારો બહુ પહેલેથી જ પોકારવા લાગે છે એટલે જો સભાન થઈ જઈએ તો જરૂરી સારવારનાં પગલાં લઈ શકાય. એેવું કઈ રીતે કરવું એ વિશે ડૉ. રવિ કોઠારી કહે છે, ‘એ માટે રોજ સવારે ઊલ ઉતારવાની આદત રાખવી. રોજ રાતે જ્યારે પાચનક્રિયા આરામમાં હોય છે ત્યારે પેદા થયેલો આમ જીભ પર આવે છે. રોજ એ આમને સાફ કરવામાં ન આવે તો એ દિનપ્રતિદિન જમા થતો રહે છે. આમ જમા થવો અસ્વસ્થતાને આમંત્રણ આપવા બરાબર છે એટલું જ નહીં, સફેદ છારી બાઝવાને કારણે ઓરલ હાઇજીન પણ ઘટે છે.’
ઊલ કેમ જરૂરી?
જીભની સ્વચ્છતા જાળવવાના બીજા પણ ઘણા ફાયદા છે એ વિશે ડૉ. રવિ કોઠારી કહે છે, ‘તમે નહીં માનો પણ જીભની સ્વચ્છતા કેટલેક અંશે તમારા ખોટા ફૂડ-ક્રેવિંગને કન્ટ્રોલમાં લઈ શકે છે. એનું કારણ એ છે કે જીભ પર કોઈ પણ પ્રકારનું કોટિંગ ન જામેલું હોય તો સ્વાદેન્દ્રિયો સતેજ થાય છે. એનાથી તમે જે ખાઓ છો એનો સ્વાદ વધુ સારી રીતે ફીલ થાય છે. ખાધાનો ધરવ
થયો હોય તો વ્યક્તિને આપમેળે બિનજરૂરી ખાવાનું મન નથી થતું. એ ઉપરાંત ઊલ ઉતારવાની આદતથી બૅડ બ્રેથની સમસ્યા પણ ઘણે અંશે ટળે છે. એટલું યાદ રહે કે બૅડ બ્રેથનું કારણ પેટની ગરબડમાં છે અને જો જીભને સ્વચ્છ અને સ્વસ્થ રાખીએ તો આપમેળે મોંમાંથી વાસ આવવાની સમસ્યા ઘટે છે. મોંમાં બૅક્ટેરિયાની જમાવટ માત્ર દાંતના ખાંચાઓમાં જ નથી હોતી, જીભ પર જામેલી છારીમાં પણ હોય છે. એને કારણે જો તમે બ્રશ કરો, પણ ઊલ ન ઉતારી હોય તો બૅડ બ્રેથની સમસ્યા રહે જ છે. ઊલ ઉતારવાથી છારી નિયમિતપણે સાફ થતી રહેતી હોવાથી મોંની વાસ દૂર થાય છે.’



આ પણ વાંચો : ડિમ્પલ ભાનુશાલી: જાણો આ ગુજરાતી એન્કરની જર્ની જેણે જીતી લીધા લોકોના મન


ટિપ્સ
રોજ જેટલી વાર બ્રશ કરો એટલી વાર ઊલ ઉતારવી જોઈએ.
જીભને સાફ કરવાની છે, ખોતરવાની નહીં. પાંચથી દસ વાર ઊલિયું જીભ પર ફેરવવાનું પૂરતું છે.
નવજાત બાળકથી લઈને વૃદ્ધોએ ઊલ ઉતારવી જરૂરી છે. બાળકની જીભ સાફ કરવા સૉફ્ટ સુતરાઉ કપડું ભીનું કરીને જીભ અને પેઢાં પર ફેરવવું.
પ્લાસ્ટિકના ઊલિયાને બદલે સ્ટેનલેસ સ્ટીલ અથવા તો તાંબાનાં બહુ ધારવાળાં ન હોય એવાં ટંગ સ્ક્રેપર વાપરવાં.
ઊલિયું સાફ રાખવું જરૂરી છે. પ્લાસ્ટિકનું હોય તો દર એક-બે મહિને બદલી નાખો અને સ્ટીલ કે કૉપરનું હોય તો રોજ એને સાફ રાખો અને સાફ કર્યા પછી જ મોંમાં નાખો.
જીભ પર છાલાં પડ્યાં હોય તો ઊલ ન ઉતારવી.


Whatsapp-channel Whatsapp-channel

16 July, 2019 11:08 AM IST | મુંબઈ ડેસ્ક | સેજલ પટેલ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK