બળબળતી ગરમીમાંથી ચિલ્ડ એસી રૂમમાં જવાથી માંદા પડાય, એવું કેમ?

Published: May 03, 2019, 11:38 IST | સેજલ પટેલ

જે લોકો ગરમીથી બચવા માટે અતિશય લો ડિગ્રી ઍરકન્ડિશનરનો ઉપયોગ કરે છે અથવા તો બરફવાળું પાણી પીને કે એનાથી હાથ-પગ ધોઈને ઠંડક મેળવવાનો પ્રયત્ન કરે છે તેઓ બીમારીને નોતરે છે. આવો જાણીએ આવું થવા પાછળનું વિજ્ઞાન શું છે?

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

બજારમાંથી ખરીદી કરીને તમે બપોરના સમયે ઘરે પહોંચો કે તરત જ ૧૨-૧૩ ડિગ્રી પર ઍરકન્ડિશનર ચાલુ કરી દો છો?

પસીને રેબઝેબ શરીરને ઠંડક આપવા માટે ફ્રિજમાંથી કાઢેલા પાણીથી હાથ-પગ-મોઢું ધુઓ છો?

તરસ છિપાવવા માટે ફ્રિજમાંથી કાઢેલી બૉટલ મોઢે માંડી દો છો?

રસ્તામાં બહુ તરસ લાગી હોય ત્યારે બરફગોળા, બરફવાળો શેરડીનો રસ, લીંબુ શરબત કે ચિલ્ડ કાબોર્નેટેડ ડ્રિન્ક પીઓ છો?

એસી મૉલમાંથી બહાર નીકળીને તાપમાં રખડો અને પછી ફરીથી ઘરે આવીને ચિલ્ડ એસી ચાલુ કરી દો છો...

કહેવાની જરૂર નથી કે આ બધી હાનિકારક આદત છે. દર ઉનાળામાં આપણે આ પ્રકારના લેખ વાંચ્યા છે. આવી આદતો બીમારી નોતરે છે એવું જાણવા છતાં ઘણી વાર આપણે આવું કરતાં આપણી જાતને રોકી નથી શકતા. તો ઘણી વાર પરિસ્થિતિ આપણા કન્ટ્રોલમાં નથી હોતી. જો આવું કરવું કેમ નુકસાનકારક છે અને એનાથી શરીરમાં શું ગરબડ થાય છે એ સમજીશું તો કદાચ આપણે જ્યારે પણ ગરમી-ઠંડી-ગરમી એવી વિરોધાભાસી સ્થિતિમાં મુકાઈએ ત્યારે થોડી વધુ સભાનતા જાળવી શકીશું.

શરીર અને ગરમી-ઠંડીની સાઇકલ

આપણું શરીર એક સૉફિસ્ટિકૅટેડ અને સ્માર્ટ ડિવાઇસ જેવું છે. બહાર અતિશય ઠંડી હોય કે અતિશય ગરમી હોય શરીરમાં એક ચોક્કસ ટેમ્પરેચર જળવાઈ રહેતું હોય છે. શરીરવિજ્ઞાન વિશે સમજાવતાં અનુભવી ફૅમિલી ફિઝિશ્યન ડૉ. સુશીલ શાહ સમજાવે છે કે ‘સામાન્ય રીતે આપણા શરીરનું તાપમાન ૩૭ ડિગ્રી રહે છે. કોઈ પણ મશીનરી બરાબર કામ કરે એ માટે એના તમામ પૂરજા બેસ્ટ પર્ફોર્મન્સ આપે એ જરૂરી હોય છે. શરીરનો એકેએક કોષ બેસ્ટ કૅપેસિટી સાથે કામ કરે એ માટે ૩૭ ડિગ્રીનું તાપમાન જળવાઈ રહે એ જરૂરી છે. આ તાપમાનમાં વધ-ઘટ થાય એટલે તમામ કોષોની કાર્યક્ષમતા પર એની અસર પડે. હવે સમજવાનું એ છે કે તાપમાનને કન્ટ્રોલમાં રાખવાનું કામ કેવી રીતે થાય? એ માટે કુદરતે શરીરમાં ૭૦ ટકા પાણીનો ભાગ રાખ્યો છે. પાણી શરીરમાં અત્યંત વાઇટલ ભૂમિકા ભજવે છે. એ પોષક તત્વોના વહન, શોષણ, ઝેરી કચરાના ઉત્સર્જનથી માંડીને તાપમાનની જાળવણીનું કામ કરે છે. ગરમીમાં પાણી એ બૉડીની થર્મલ રેગ્યુલેટરી મૅકેનિઝમનું બહુ જ મહત્વનું કામ કરે છે. જ્યારે પણ બહારનું તાપમાન ઘટી જાય ત્યારે બૉડી વધુ હીટ જનરેટ કરે અને જ્યારે ગરમી વધુ થઈ જાય ત્યારે શરીર પણ ગરમ થઈ જવાથી એ પાણી વાટે હીટ બહાર છોડે. મતલબ કે પસીના વાટે ગરમી બહાર નીકળે અને શરીરનું આંતરિક ટેમ્પરેચર ૩૭ ડિગ્રી જાળવી રાખવા મથે. આ મેકૅનિઝમ સ્વિચ જેવી નથી હોતી. બટન દબાવ્યું કે તરત હીટ જનરેટ કરવાની અને બટન દબાવ્યું કે તરત હીટ છોડવાની એવું સંભવ નથી. થર્મલ રેગ્યુલેટરી સિસ્ટમને સ્વિચઓવર થતાં ૧૫થી ૩૦ મિનિટ લાગે છે. એટલે જ્યારે અંદર કે બહાર અચાનક ટેમ્પરેચર ડિફરન્સ ક્રીએટ થાય ત્યારે તકલીફ થાય છે.’

સડન ટેમ્પરેચર શૉક

ગરમ વાતાવરણમાં અચાનક ઠંડી કે ઠંડા વાતાવરણમાં અચાનક ગરમી વધી જાય ત્યારે થોડી મિનિટો માટે શરીરમાં હૅવોક ક્રીએટ થાય છે જેને સડન ટેમ્પરેચર શૉક કહેવાય છે. આ વિશે સમજાવતાં ડૉ. સુશીલ શાહ કહે છે, ‘ગરમી વધારે હોય ત્યારે એક તરફ બૉડી પસીના દ્વારા હીટ લૂઝ કરી રહ્યું હોય અને અચાનક જ એ વખતે અતિશય ચિલ્ડ વાતાવારણ થઈ જાય તો સ્વિચઓવરની પ્રક્રિયામાં ગરબડ થાય. હા, જે હેલ્ધી અને નૉર્મલ એજના લોકો છે તેમને કદાચ શરીરની અંદર ચાલી રહેલી અફરાતફરી વિશે ખ્યાલ પણ ન આવે એવું બની શકે, પણ જેમને કાર્ડિઍક પ્રૉબ્લેમ્સ હોય છે, બ્લડપ્રેશર બરાબર નથી રહેતું, હાર્ટના મસલ્સ નબળા હોય છે તેમને તકલીફ થઈ શકે છે. એનું કારણ છે કે જ્યારે ગરમી વધે ત્યારે શરીરની નસો ફૂલતી હોય છે. રક્તવાહિનીઓ ફૂલી જાય એને વેસોડાયલેશન કહેવાય. જ્યારે અચાનક ઠંડી વધી જાય તો રક્તવાહિનીઓમાં સંકોચન થવા માંડે છે. હીટ લૂઝ કરવાની પ્રક્રિયામાંથી અચાનક જ બૉડીને તરત જ હીટ કન્ઝર્વ કરવા લાગવી પડે. આવું થાય ત્યારે નબળી હેલ્થવાળા લોકોને તકલીફ થઈ શકે. રક્તભ્રમણમાં ગરબડ થવાને કારણે મગજને લોહી પહોંચવામાં મુશ્કેલી પડે. ઘણી વાર તમે જોયું હોય તો તડકે રખડીને આવ્યા પછી જો તમે ચિલ્ડ વૉટર પીઓ તો અચાનક ચક્કર આવવા માંડે, ગભરામણ થાય કે તમ્મર આવી જાય એવું બને છે. લોકો માને છે કે આ ગરમી વધવાથી થયું, પણ હકીકતમાં એ ગરમીમાં અચાનક ઠંડક આવવાને કારણે થયું હોઈ શકે છે. અતિશય પસીનો થતો હોય એ વખતે તમે જો ફ્રિજનું પાણી પીશો તો જાણે પેટમાં આંટી પડી ગઈ હોય અને વમળાટ થતો હોય એવું લાગે છે. આ વેગસ નર્વ્સ સ્ટિમ્યુલેશનને કારણે થાય છે. અચાનક ઠંડકને કારણે ઇન્ટર્નલ પ્રેશર ડ્રૉપ થઈ જાય છે અને જઠરના સ્નાયુઓમાં સ્પાઝમ આવે છે. અલબત્ત, આ પણ ટેમ્પરરી જ હોય છે, પરંતુ એ પાચનક્રિયાને નબળી પાડવાનું કામ કરે છે.’

ઠંડુંગાર પાણી જઠરમાંના પાચક રસોને પણ ડાયલ્યુટ કરી નાખે છે જેને કારણે ખાવાનું પચતું નથી અને જરૂરી પોષક તત્વો શરીરમાં શોષાવાની ક્રિયા ખોરવાઈ જાય છે.

વાઇરલ ઇન્ફેક્શન

કહેવાય છે કે ગરમી-ઠંડી-ગરમી એમ અચાનક ટેમ્પરેચર ડિફરન્સ વારંવાર થાય તો શરદી, ખાંસી, તાવ અને વાઇરલ ઇન્ફેક્શન થઈ જાય છે. આમાં ટેમ્પરેચર કઈ રીતે ભાગ ભજવે છે એ વિશે સમજાવતાં ડૉ. સુશીલ શાહ કહે છે, ‘આપણા શ્વસનતંત્રને ધૂળની રજકણ, પૉલ્યુશન પાર્ટિકલ્સ, બૅક્ટેરિયા અને વાઇરસથી બચાવવા માટે નાકથી લઈને ફેફસાંમાં હવાની અવરજવર કરતી નળીની આંતરિક સપાટી પર નાના અસંખ્ય વાળ જેવી રચના હોય છે. એ વાળને સિલિયા કહેવાય. સિલિયા સતત વાઇબ્રેટ થતી રહે છે અને મ્યુકસને ઉપરની તરફ ધકેલે છે. સિલિયાની સતત મૂવમેન્ટને કારણે બહારથી અંદર પગપેસારો કરવા માગતાં બૅક્ટેરિયા, વાઇરસ અને રજકણને એન્ટ્રી નથી મળી શકતી. એ એક પ્રકારના બ્રશ જેવું કામ કરે છે અને શ્વસનતંત્રની સફાઈ રાખે છે. જ્યારે સડન ટેમ્પરેચર શૉક થાય ત્યારે થોડી મિનિટો માટે આ સિલિયા-મૂવમેન્ટ ઘટી જાય. મતલબ કે બહારની ડસ્ટ, પૉલ્યુશન, વાઇરસ અને બૅક્ટેરિયા સામે શરીરની ડિફેન્સ સિસ્ટમ નબળી પડી જાય. જો તમે એકદમ સ્વચ્છ અને સ્ટરાઇલ વાતાવરણમાં રહેતા હો તો કદાચ સડન ટેમ્પરેચર શૉકથી શ્વસનતંત્રને કંઈ ન થાય, પણ આપણે જે વાતાવરણમાં રહીએ છીએ ત્યાં અસંખ્ય વાઇરસ-બૅક્ટેરરિયાનો ફેલાવો છે કે થોડી વાર માટે ધીમી પડેલી ડિફેન્સ સિસ્ટમને કારણે પણ વાઇરલ અટૅક થવાની સંભાવના વધી જાય છે.’

ટૂંકમાં સમજવાની વાત એ છે કે ગરમીમાં ઇન્સ્ટન્ટ ઠંડક મેળવવાનો પ્રયત્ન શરીરની ડિફેન્સ સિસ્ટમને નબળી પાડે છે અને એને કારણે હાર્ટ, શ્વસનતંત્ર અને પાચનતંત્ર ત્રણેયને નુકસાન થાય છે. જેની ઇન્સ્ટન્ટ આડઅસર કદાચ જુવાનીમાં નથી જણાતી, પણ ઉંમર વધવાની સાથે રોગપ્રતિકારક ક્ષમતા પર અસર કરે છે.

આ પણ વાંચો : Summer Tips:ગરમીમાં સૉલ્ટ છોડો સંચળ વાપરો

તો કરવું શું?

ગરમીમાં તમે ઘર કે ઑફિસમાં ઘૂસો એ પછી તરત ઠંડક મેળવવા દોડવાને બદલે શરીરને કુદરતી રીતે ઠંડું પડવા દેવું.

ગરમીમાં હો કે એસીમાં ક્યાંય ચિલ્ડ વૉટર પીવું જ નહીં. તમે જે રૂમમાં છો એ ટેમ્પરેચર પર હોય એવું પાણી પીવું.

પાણી, શરબત કે કોઈ પણ હેલ્ધી સમર ડ્રિન્ક ગટગટાવવું નહીં, ઘૂંટડે-ઘૂંટડે પીવું.

શરીરનું આંતરિક તાપમાન ન વધે એ માટે સુતરાઉનાં ખૂલતાં કપડાં પહેરવાં જેથી હવાની અવરજવરને કારણે ઇન્ટર્નલ હીટ એટલી વધે નહીં.

પસીનો ખૂબ થતો હોય ત્યારે ગરમી દૂર કરવા માટે હાથ-મોઢું ધોવા નૉર્મલ ટેમ્પરેચરવાળું પાણી વાપરવું, ચિલ્ડ નહીં.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK