Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > હોળીકામાં ઇલાયચી ને કપૂર નાખવાં કે નહીં?

હોળીકામાં ઇલાયચી ને કપૂર નાખવાં કે નહીં?

18 March, 2019 02:38 PM IST |
સેજલ પટેલ

હોળીકામાં ઇલાયચી ને કપૂર નાખવાં કે નહીં?

હોળી

હોળી


થોડાંક વર્ષો પહેલાં હોળીના પર્વ દરમ્યાન બાબા રામદેવના સહયોગી આચાર્ય બાલકૃષ્ણે વાતાવરણની શુદ્ધિ માટે ઘરમાં કપૂર અને એલચી બાળવાનો પ્રયોગ કરવાનું કહેલું. આચાર્યની આ વાતને કેટલાક લોકોએ એટલી સિરિયસલી લઈ લીધી કે એના ભાવાર્થને ટ્વિસ્ટ કરીને એવા સંદેશા ફરવા લાગ્યા કે હોળીમાં કપૂર અને એલચી બાળશો તો સ્વાઇન ફ્લુના વાઇરસ મરી જશે. હાલમાં પણ દેશના કેટલાક ભાગોમાં સ્વાઇન ફ્લુનો ત્રાસ વર્તાઈ રહ્યો છે ત્યારે દર વર્ષની જેમ ફરીથી વૉટ્સઍપ પર સંદેશાઓ ફરવા લાગ્યા છે. એમાં કહેવાયું છે કે ‘જ્યારે તમે હોલિકાદહન માટે જાઓ ત્યારે સાથે એક ડબ્બો ભરીને કપૂર અને નાની એલચી પણ રાખજો. જવની સાથે આ બે ચીજો પણ હોલિકામાં હોમવાથી એની ખુશ્બૂની અસરમાં સ્વાઇન ફ્લુના વાઇરસ મરી જાય છે. જો દેશભરમાં લોકો આમ કરશે તો સ્વાઇન ફ્લુના ૭૦ ટકા વાઇરસ મરી જશે.’

આ પ્રકારના વાઇરલ વૉટ્સઍપ મેસેજને કારણે હિસાર અને દેશનાં અન્ય અંતરિયાળ ગામોમાં માબાપ સંતાનોને ગળામાં કપૂર-એલચીના ચૂર્ણની પોટલી બાંધીને મોકલવા લાગ્યાં હોય એવા સમાચાર પણ સાંભળવા મળે છે. સ્વાભાવિકપણે સ્વાઇન ફ્લુનો ભય એટલો છે કે જો આટલીક અમથી ચીજો કરવાથી છુટકારો મળી જતો હોય તો કરવામાં શું વાંધો એવું વિચારવાનું સહજ છે, પરંતુ કોઈપણ ચીજની સત્યતા તપાસ્યા વિના એનું આંધળું અનુકરણ કરવાનું ઠીક નથી. ધારો કે વાત સાચી હોય તો કપૂર અને ઇલાયચીમાં એવું શું છે જે સ્વાઇન ફ્લુના વાઇરસને મારી નાખી શકે એમ છે એ પણ જાણવું જરૂરી છે. ધારો કે વાત સાચી ન હોય તો એ પણ જાણવું જોઈએ કે દેખીતી રીતે નિદોર્ષ જણાતા આ પ્રયોગથી કોઈ નુકસાન તો નથીને?



હકીકત શું?


સ્વાઇન ફ્લુને નાથવામાં કપૂર અને ઇલાયચી ખરેખર કારગર છે કે કેમ એ વિશે વાત કરતાં આયુર્વેદનિષ્ણાત ડૉ. પ્રજ્જવલ મ્હસ્કે કહે છે, ‘જુઓ એમાં એવું છે કે કપૂર અને ઇલાયચી બન્ને સુગંધી દ્રવ્યો છે. એની મહેક અલગ પ્રકારની હોય છે જે ખાસ પ્રકારનાં ઉડ્ડયનશીલ દ્રવ્યોને આભારી છે. તમે જોયું હશે કે કપૂરની એક ગોળી પૂજા દરમ્યાન સળગાવો તો આખા ઘરમાં ખાસ પ્રકારની અરોમા ફેલાય છે. આ અરોમા ઍન્ટિ-બૅક્ટેરિયલ અને ઍન્ટિ-ફંગલ છે. એની કૉન્સન્ટ્રેટેડ સુગંધ મચ્છરોને માફક નથી આવતી. પૌરાણિક કાળમાં હવન દરમ્યાન કપૂરનો છૂટથી ઉપયોગ થતો હતો એનું કારણ પણ એ જ હતું કે હવનની સાથે વાતાવરણ પણ શુદ્ધ થાય. હાલમાં પણ મચ્છર ભગાવવા માટેની પ્રોડક્ટ્સમાં કપૂર વપરાય છે. જોકે સ્વાઇન ફ્લુના વાઇરસને મારવાનો દાવો થાય છે એની પાછળ કોઈ પુરાવા નથી. H1N1 વાઇરસ કપૂરની સુગંધથી મરી જાય છે અથવા તો એને અસર થાય છે એવા કોઈ સાયન્ટિફિક સ્ટડી હજી સુધી થયા નથી. એ ગંધ મચ્છર ભગાડી શકે છે એ પુરવાર થયેલું છે, પણ ઇન્ફ્લુએન્ઝાના વાઇરસને મારી શકે છે એવું ક્યાંય નોંધાયું નથી. એવા ભ્રમમાં રહેવાની જરૂર નથી કે હોળીમાં અન્ય ચીજોની સાથે કપૂર અને ઇલાયચી નાખીને તમે સ્વાઇન ફ્લુના વાઇરસનો ખાતમો બોલાવી દીધો. સ્વાઇન ફ્લુ શ્વસનતંત્રનું ઇન્ફેક્શન છે અને એ છીંક અને ઉચ્છ્વાસમાંથી નીકળતા વાઇરસથી ફેલાય છે. એમાં તીવ્ર સુગંધ ધરાવતાં આ બે દ્રવ્યો કઈ રીતે કામનાં છે એ વાતને મેડિકલ સાયન્સે પુરવાર કરવાની બાકી છે. બાકી એલચીની વાત કરીએ તો એને બાળવા કરતાં ખાવામાં એ વધુ ગુણકારી છે એ સમજવું જરૂરી છે. નાની એલચી બાળી નાખવાથી એવો કોઈ વાયુ પેદા નથી થતો જે વાઇરસનો ખાતમો કરે.’

કોઈ નુકસાન ખરું?


આ બે દ્રવ્યોથી સ્વાઇન ફ્લુના વાઇરસને મારવામાં મદદ નથી થતી, પણ શું એનાથી કોઈ નુકસાન થાય ખરું? આ બાબતે વિસ્તૃત સમજણ આપતાં ડૉ. પ્રજ્જવલ મ્હસ્કે કહે છે, ‘એમ જોવા જઈએ તો કોઈ જ નુકસાન નથી જો એનો ઉપયોગ પ્રમાણમાપમાં કરવામાં આવે. કપૂર બહુ જ સારું ડિસઇન્ફેક્ટન્ટ એટલે કે જંતુનાશક છે, પરંતુ એ જ કારણસર એની માત્રાનું ધ્યાન રાખવું જરૂરી છે. લોકો એવી અફવા ફેલાવી રહ્યા છે કે હોળીકામાં ડબ્બો ભરીને કપૂર-ઇલાયચી નાખવાં એ ખતરનાક છે. વધુ કપૂર બાળવાથી વધુ જંતુ નાશ પામશે એવું નથી. તમારે હોળીકામાં એક-બે દાણા કપૂર અને એલચી હોમવા હોય તો જરૂર હોમો, પણ વધુ નહીં. ઇન ફૅક્ટ, ઘરમાં પણ સાંજના સમયે એકાદ ગોળી કપૂરની જલાવીને આખા ઘરમાં એને ફેરવો તો એનાથી પણ ઘરના ખૂણેખાંચરે ભરાઈ રહેલા જંતુઓ નાશ પામશે. હા, આ દરમ્યાન પૂરતું વેન્ટિલેશન રાખવું જેથી કપૂરની ગંધ અંદર જ ભરાઈ ન રહે.’

કપૂરના અન્ય ગુણ

આમ તો આયુર્વેદમાં કપૂરના અનેક ગુણ ગવાયા છે. એનાથી શરદી-કફ દરમ્યાન રાહત મળે છે. પેઇનરિલીફ માટેના તેલ અને મલમમાં પણ એનો છૂટથી ઉપયોગ થાય છે. એની અસર વિશે વાત કરતાં ડૉ. પ્રજ્જવલ મ્હસ્કે કહે છે, ‘કપૂર એક પ્રકારની સુખદ વેદના પેદા કરે છે. એનો અર્ક ધરાવતી પ્રોડક્ટ ત્વચા પર લગાવો તો ઠંડક અને ઝણઝણાટી થવા લાગે છે. એને કારણે જે જગ્યાએ દુખાવો થતો હોય ત્યાંથી મગજનું ધ્યાન હટીને સુખદ વેદના તરફ થાય છે. જેમ પેઇનકિલર્સ જ્યાં પીડા છે ત્યાંની સંવેદના મગજ સુધી પહોંચાડવાનાં સિગ્નલ્સને બ્લૉક કરી દે છે એમ કપૂર જેવાં સુખદ વેદના-દ્રવ્યો મગજનું ધ્યાન પીડાની સંવેદનામાંથી ડાઇવર્ટ કરી દે છે. અલબત્ત, આ અસર ઉપરછલ્લી અને ટેમ્પરરી હોય છે. બીજું, કપૂરથી રેસ્પિરેટરી ટ્રૅક ટેમ્પરરી ધોરણે ખૂલે છે એટલે જ્યારે નાક બંધ હોય ત્યારે કપૂરની સુગંધથી વ્યક્તિને શ્વાસ લેવામાં સાનુકૂળતા પડે છે. જોકે વધુ માત્રામાં આ સુગંધ લેવામાં આવે તો એ શ્વાસનળીની અંદરની ત્વચાને ડ્રાય કરીને ઇરિટેટ કરી શકે છે.’

શુદ્ધતા મોટી સમસ્યા

કપૂરના ગુણ છે, પણ એ બેધારી તલવાર જેવા છે. જો સાવધાનીપૂર્વક ઉપયોગ ન થયો તો ફાયદો નુકસાનમાં પરિણમે. આવું થવાનું બીજું કારણ છે એની શુદ્ધતાની સમસ્યા. અત્યારે માર્કેટમાં જે કપૂર મળે છે એ કુદરતી નથી હોતું એમ જણાવાતાં ડૉ. પ્રજ્જ્વલ મ્હસ્કે કહે છે, ‘આયુર્વેદમાં હંમેશાં ભીમસેની કપૂરની વાત થઈ છે. એ કપૂરના વૃક્ષની છાલને ડિસ્ટિલ કરીને બનેલું હોય છે. આજકાલ આપણે જે કપૂર વાપરીએ છીએ એ કેમિકલી મૅન્યુફૅક્ચર થયેલું છે. મોટા ભાગે ટર્પેન્ટાઇન ઑઇલમાંથી એ બનાવાય છે. એનું રાસાયણિક સંયોજન C10H16O છે. આ કપૂર બાહ્ય ઉપયોગ પૂરતું ઠીક છે, પરંતુ જ્યારે એ શરીરની અંદર જાય ત્યારે ઝેરી અસર કરી શકે છે.’

કેમિકલમાંથી બનતી કપૂરની ગોળીઓ જ્યારે બળે છે ત્યારે એનો ધુમાડો શ્વાસનળીઓને રાહત આપવાને બદલે વધુ ઇરિટેટ કરે છે. એવું કહેવાય છે કે જો કેમિકલયુક્ત કપૂરની ચાર-પાંચ ગોળી બંધ રૂમમાં બાળવામાં આવે તો એની તીવ્ર ગંધથી માણસનો શ્વાસ રૂંધાઈ શકે છે.

આ પણ વાંચો : જો તમને ડાયાબિટીઝ અને બીપી હોય તો કિડની ખાસ સાચવજો

આધ્યાત્મિક મહત્વ

પૌરાણિક સમયથી નકારાત્મક ઊર્જાનો નાશ કરવા માટે હોમ-હવન અને કોઈ પણ સારા કાર્યમાં કપૂર બાળવામાં આવે છે. પોતાનું અસ્તિત્વ મિટાવીને એ ચોમેર સુગંધ ફેલાવે છે એટલે કપૂર બાળવું એ એક પ્રકારે અહંકાર ઓગળવાનું પ્રતીક છે.

Whatsapp-channel Whatsapp-channel

18 March, 2019 02:38 PM IST | | સેજલ પટેલ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK