પારસી ભોણુંમાં પણ છે થોડુંક ગુજરાતીપણું

Published: Aug 16, 2019, 12:09 IST | સેજલ પટેલ - સેજલને સવાલ | મુંબઈ ડેસ્ક

ચાલો જોઈએ પારસી ફૂડનો ઇતિહાસ અને એમાં આપણને ગમી જાય એવી વાનગીઓ કઈ છે

પારસી ભોણું : ઑથેન્ટિક પારસી ખાણું પીરસતા કેટીઝ કિચનની વેજિટેરિયન ડિશમાં લગનનું સ્ટુ, સંભારિયા ભીડા, રવૈયા, વેજ પુલાવ, મસાલાની દાર અને કચુંબર.
પારસી ભોણું : ઑથેન્ટિક પારસી ખાણું પીરસતા કેટીઝ કિચનની વેજિટેરિયન ડિશમાં લગનનું સ્ટુ, સંભારિયા ભીડા, રવૈયા, વેજ પુલાવ, મસાલાની દાર અને કચુંબર.

ગુજરાતીઓ સાથે દૂધમાં સાકરની જેમ ભળી ગયેલા પારસીઓનું આવતી કાલે નવું વર્ષ બેસશે. પારસીઓ મોટા ભાગે નૉન-વેજ ખાવા માટે બહુ ફેમસ છે, પરંતુ પારસી ક્વીઝિનમાં એવી ઘણી વાનગીઓ છે જેમાં ગુજરાતી છાંટ હજીયે વર્તાય છે. ચાલો જોઈએ પારસી ફૂડનો ઇતિહાસ અને એમાં આપણને ગમી જાય એવી વાનગીઓ કઈ છે

ફૂડ કલ્ચર
‍‍
કોઈ ઐતિહાસિક પુરાવા નથી છતાં દરેક પારસી અને ગુજરાતીએ એક દંતકથા જરૂર સાંભળી હશે. ઈરાનથી જ્યારે પારસીઓઓનું એક મોટું ઝૂંડ ભારત આવ્યું ત્યારે દરિયાઈ માર્ગે તેઓ સૌપ્રથમ દીવ પહોંચ્યા અને ત્યાંથી સંજાણ આવ્યા. પારસીઓના એક મુખિયાએ ત્યાંના રાજા જાદીરાણાને કહેણ મોકલાવ્યું અને વિનંતી કરી કે તેમના પરિવારોને રાજ્યની ધરતી પર શરણું આપવામાં આવે. જોકે જાદીરાણાએ તેમની સામે એક દૂધથી છલોછલ કટોરો મૂક્યો અને સાંકેતિક ભાષામાં કહ્યું કે મારું રાજ્ય ઑલરેડી આ કટોરાની જેમ ફુલ છે અને એમાં વધુ કશું જ સમાવી શકાય એમ નથી. ત્યારે પેલા પારસીભાઈએ ખિસ્સામાંથી ખડીસાકર કાઢીને દૂધમાં ઓગાળી દીધી અને સંજ્ઞામાં જ કહ્યું કે અમે પણ તમારે ત્યાં દૂધમાં સાકરની જેમ ભળી જઈશું. અને ખરેખર તેઓ સાકરની જેમ ભળી ગયા. ફૂડ હિસ્ટોરિયન કુરુશ દલાલની સાથે મળીને ગુજરાતી-પારસીઓના ફૂડ અને કલ્ચર વચ્ચેના અનુસંધાન પર રિસર્ચ કરી રહેલાં તેમનાં પત્ની રિયા મિત્રા દલાલ ઉપરોક્ત દંતકથાની વાત કરતાં કહે છે, ‘લગભગ શરૂઆતનાં ૮૦૦ વર્ષ પારસીઓ સંજાણ, ઉદવાડા, નવસારી જેવા ગુજરાતના જ વિસ્તારોમાં રહ્યા છે. આટલો લાંબો સમય તમે ગુજરાતીઓ સાથે રહો તો કલ્ચરલ મિક્સિંગ તો થયે જ છૂટકો. હજારો વર્ષ પછી પણ પારસીઓમાં ગુજરાતની છાંટ છે જ. ગુજરાતીની જેમ ઊંધો છેડો નાખીને સાડી પહેરીએ છીએ, અમારી ભાષામાં પણ ગુજરાતીનું બહુ પ્રભુત્વ છે અને ફૂડમાં પણ. એ બહુ સ્વાભાવિક છે. તમે જે વિસ્તારમાં રહેતા હો ત્યાં જે ચીજો મળતી હોય એની અસર કિચન અને વાનગીઓ પર પણ પડે. પાડોશીઓના ઘેર બનતી વાનગીઓ ચાખીને અને વાટકીવહેવારમાંથી જ તો બે સંસ્કૃતિ વચ્ચે આપ-લે થાય છે.’‍

જેમ એક સમયે ગુજરાતી વાનગીઓ માટે રસોઈનાં રાણી તરલા દલાલ ગણાય એમ પારસી ખાણા માટે કેટી દલાલ ગણાય. બન્ને હવે હયાત નથી. જોકે કેટી દલાલે લખેલી ‘જમવા ચાલોજી’ નામની કુકબુકમાં એવી અઢળક રેસિપીઓ મળી જાય છે જેમાં પારસી-ગુજરાતી કનેક્શન મળે. કેટી દલાલનાં પુત્રવધૂ એવાં રિયા મિત્રા દલાલે સાસુમાના ઑથેન્ટિક પારસી ભાણું પીરસતા કેટીઝ કિચનમાં પણ કેટલીક વેજિટેરિયન વાનગીઓનો સમાવેશ કર્યો છે અને એમાંથી કેટલીક વાનગીઓ વિશે વાત કરતાં રિયા કહે છે, ‘સૌથી પહેલી વાનગી મને યાદ આવે છે રવૈયા. નાનાં બેઠા ઘાટનાં રીંગણને ભરીને ગુજરાતીઓ વાનગી બનાવે છે જે અમે પણ બનાવીએ. મસાલો થોડોક જુદો હોય. એમાં કેરીના સંભારામાં વપરાય એ મસાલો નાખીએ. સંભારો ગુજરાતી પિકલનું અભિન્ન અંગ છે. અમે ગુજરાતી ફૂડમાંથી ફ્લેવર્સ લીધી છે એટલે ટિપિકલ ગુજરાતી વાનગીને ટ્વિસ્ટ સાથે બનાવીએ. રવૈયામાં અમે ગ્રીન ચટણી નાખીએ છીએ. આ ચટણી બટાટાના પડવાળી પૅટીસમાં પણ વપરાય. વેજ-નૉનવેજ બન્ને પ્રકારની પૅટીસમાં ગ્રીન ચટણી સેમ જ હોય. કેરી નાખેલી ચણાની દાળ, મુંગદાળ અને પપેતા, ટિટોરી એટલે કે વાલનું શાક પણ ગુજરાતીઓની જ ડિશમાંથી જન્મ્યાં છે. સાઉથ ગુજરાતમાં ઉંબાડિયું બહુ ફેમસ છે. પારસીઓમાં પણ અમે એ બનાવીએ. કંદ, જાતજાતની પાપડી, વાલોળ, તુવેર, રીંગણ જેવાં શાક વાપરીએ. અમે એમાં નૉન-વેજ પણ નાખીએ. જોકે બનાવવાની રીત ઉંબાડિયા જેવી જ. ઘડામાં ભરીને જમીનમાં દાટીને ઉપર આગ કરીને ધીમી આંચે પકવવાનું. સ્વીટમાં રવો અને દૂધના પફ જેવી વાનગીઓ હોય. વેજિટેરિયન્સને બહુ જ ભાવે એવી એક ડિશ છે લગનનું ઇસ્ટુ. એમાં ગાજર, રતાળુ, કંદ, પપેતાને અમે એકદમ ડીપ ફ્રાય કરીને એ બનાવીએ. એ બેઝિકલી ડ્રાય અને ફ્રાઇડ વેજિટેબલની ડિશ છે. હા, એક વાત કહી દઉં, પારસીઓમાં કોઈ હેલ્ધી રેસિપી તમને નહીં મળે. અમે ખાવાના બહુ શોખીન. તેલ-ઘી, મસાલા ભરપૂર હોવાં જોઈએ. એ બાબતમાં પણ ગુજરાતીઓ સાથે ફૂડ મૅચ થાય. પારસી સ્વીટ ડિશ ચાપટ, કરકરિયા અને કસ્ટર્ડમાં એલચી અને જાયફળની ફ્લેવર બહુ જ વપરાય. વૅનિલાનો ઉપયોગ પણ બ્રિટિશરોના આવ્યા પછી વધ્યો. ’

ધાનસાક અશુભ મનાતું હોવાથી સારા પ્રસંગોમાં ન બને
પારસીઓની બહુ જ ફેમસ અને નૉન-પારસીઝમાં પણ બહુ ફેમસ એવી વાનગી એટલે ધાનસાક. એ વેજ અને નૉન-વેજ બન્ને વર્ઝનમાં બને. જોકે બહુ ઓછા નૉન-પારસીઝ જાણતા હોય છે કે આ વાનગી ભલે બહુ સ્વાદિષ્ટ હોય; પરંતુ એ કદી લગ્ન, જન્મદિવસ, નવજોત કે કોઈ પણ ખુશીના પ્રસંગમાં પિરસાતા ભોણું (મિજબાનીનું ભોજન)માં ન હોય. ધાનસાકમાં શું હોય અને એ કેમ અશુભ મનાય છે એ વિશે સમજાવતાં રિયા કહે છે, ‘એમાં અમે બે-ત્રણ દાળ ભેગી કરીએ. સાથે રિંગણ, કોળું, મેથી, ટમાટર અને ઘણીબધી ભાજીઓ પણ નાખીએ. ટ્રેડિશનલી આ વાનગી નૉન-વેજ હોય જે બ્રાઉન રાઇસ સાથે સર્વ થાય.

આ પણ વાંચો : આ રીતે ગુજરાતીઓ ઉજવે છે રક્ષાબંધનનું પર્વ

એમાં રાઇસ સફેદ જ હોય, પણ એમાં સાકરને બાળીને ભાતને કૅરેમલાઇઝ કરવામાં આવ્યા હોય. આ વાનગી સામાન્ય રીતે મૃત્યુભોજમાં બને છે. જેમ હિન્દુઓમાં કોઈના મૃત્યુ પછી બારમા-તેરમાની ક્રિયા કરીને લોકોને જમાડાય છે એમ પારસીઓમાં ફ્યુનરલ પછી ચોથા દિવસે આ વિધિ થાય. પ્રિયજનને ગુમાવ્યા હોવાને કારણે આટલા દિવસ પરિવારજનોએ દુઃખને કારણે સરખું ખાધું ન હોય, સરખું સૂતા ન હોય. ચોથા દિવસે શોક પૂરો કરીને પરિવાર નૉર્મલ લાઇફના રૂટીનમાં જોડાય એ માટે એવું ભોજન બનાવાય જે તેમને પોષણ પણ આપે અને આરામ પણ. ધાનસાક ટેસ્ટી હોવા ઉપરાંત બહુ હેવી છે. એ ખાઈને વ્યક્તિ સૂઈ જ જાય. આ ટ્રેડિશનને કારણે એને અશુભ વાનગી ગણી લેવામાં આવી છે. જોકે એવું નથી કે એ સિવાય પારસી ઘરમાં એ ક્યારેય બને જ નહીં. એ બનાવવામાં પણ વધુ સમય જતો હોવાથી પારસીઓ મોટા ભાગે રવિવારે ધાનસાક બનાવે. મોડેથી જમે અને પછી આખી બપોર ચાદર ઓઢીને સૂઈ જાય. બાકી અશુભ ગણાતી વાનગી હોવાથી કોઈ સારા પ્રસંગે એ ન બનાવાય.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK