મીરા-ભાઇંદર સુધરાઈની સ્ટૅન્ડિંગ કમિટીની ચૂંટણીમાં ગેરહાજર રહેવાનું ગુજરાતી નગરસેવિકાને ભારે પડ્યું

Published: 26th December, 2012 05:12 IST

સભ્યપદેથી રિઝાઇન કરવું પડ્યું અને હવે બીજેપીએ પણ નગરસેવકપદેથી રાજીનામું આપવા નોટિસ આપીમીરા-ભાઈંદર મહાનગરપાલિકાની ૧૭ ડિસેમ્બરે થયેલી સ્ટૅન્ડિંગ કમિટીના ચૅરમૅનપદની ચૂંટણીમાં ગેરહાજર રહેનારાં બીજેપીનાં ગુજરાતી નગરસેવિકા સીમા જૈનને હવે તેમની ગેરહાજરીનો ફટકો પડ્યો છે. તેમણે સ્ટૅન્ડિંગ કમિટીના સભ્યપદેથી રાજીનામું આપી દેવું પડ્યું છે અને બીજેપીએ પણ તેમને નગરસેવિકાપદેથી રાજીનામું આપી દેવા નોટિસ મોકલી છે.

સ્ટૅન્ડિંગ કમિટીમાં જુદા-જુદા પક્ષના કુલ ૧૬ મેમ્બર છે, જેમાં ચૅરમૅનપદ માટે બહુજન વિકાસ આઘાડીના રાજુ ભોઈર અને બીજેપીના શરદ પાટીલ ચૂંટણીના મેદાનમાં હતા. બન્ને ઉમેદવારોને આઠ-આઠ વોટ મળવાનો અંદાજ હતો, પણ ચૂંટણીમાં બીજેપીનાં સીમા જૈન ગેરહાજર રહેતાં બહુમતી વોટ સાથે બહુજન વિકાસ આઘાડીના રાજુ ભોઈર વિજયી બન્યા હતા. સીમા જૈનની ગેરહાજરીને કારણે બીજેપીને ભારે ફટકો લાગ્યો હતો એેટલે બીજેપીએ આવા વર્તન બદલ તેમની સામે કડક પગલાં લીધાં છે.

આ વિશે વધુ માહિતી આપતાં બીજેપીના મીરા-ભાઈંદરના જિલ્લા અધ્યક્ષ નરેન્દ્ર મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે વિશ્વાસ રાખીને સીમા જૈનને બીજેપી તરફથી ઉમેદવારી આપી હતી અને તેઓ વિજયી બન્યાં હતાં, પણ સ્ટૅન્ડિંગ કમિટીની મહત્વની ચૂંટણીમાં તેઓ બહાર ગયાં હતાં અને પછી બીમાર પડવાથી હૉસ્પિટલમાં હોવાનું બહાનું આપીને પક્ષ સાથે વિશ્વાસઘાત કર્યો છે એટલે તેમને નોટિસ આપીને નગરસેવકપદ પરથી પણ રાજીનામું આપવાનું જણાવી દીધું છે. તેમના જવાબની અમે રાહ જોઈ રહ્યા છીએ. પદ પરથી તો તેમને રાજીનામું આપવું પડશે અથવા પક્ષ તરફથી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.’

સીમા જૈન બીમાર હોવાનું કારણ આપીને તેમના પતિ મહેન્દ્ર જૈને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે સીમાને નગરસેવિકા પક્ષે બનાવી એટલે તેણે રાજીનામું પક્ષને આપ્યું છે. આ બાદ તેમણે જે કંઈ વાત કરવી હોય એ સવારે કરવી એવું કહીને કોઈ પણ જવાબ આપવાની ના પડી દીધી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK