જમી ખા ગઈ યા આસમા નિગલ ગયા! : લાપતા વિમાન જળ સમાધિ લીધાની આશંકા

Published: 29th December, 2014 08:09 IST

ગઈ કાલે 162 લોકો સાથે લાપતા થયેલા મલેશિયાના વિમાનની 30 કલાક બાદ પણ કોઈ ભાળ મળી નથી. ઈન્ડોનેશિયા સહિત અનેક દેશો વિમાનને શોધવાના અભિયાનમાં જોતરાયેલા છે અને તપાસ ઈન્ડોનેશિયાના સમુદ્રી વિસ્તાર સુધી લંબાવવામાં આવી છે. એવામાં એક રાહત અધિકારીએ લાપતા વિમાન QZ8501એ સમુદ્રના પેટાળમાં જળસમાધિ લઈ લીધી હોવાની આશંકા વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે અગાઉ માર્ચ મહિનામાં લાપતા થયેલા મલેશિયાના MH 370 વિમાનની હજી સુધી કોઈ ભાળ મળી શકી નથી.

જકાર્તા : તા. 29 ડિસેમ્બર

જોકે વિમાનની શોધ આગામી મંગળવાર સુધી લંબવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારત અને ચીને પણ મલેશિયાના આ વિનાનની શોધ માટે સહયોગ આપવાની પહેલ કરી હતી.

ઈન્ડોનેશિયાઈ તપાસ અભિયાન એજન્સીના ચીફ સિયોલિસ્તોએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે અમારા તપાસ અભિયાન દરમિયાન હાથ લાગેલી માહિતી અનુસાર વિમાન સમુદ્રમાં ખાબક્યું હોઈ શકે છે અને બાદમાં તે સમુદ્રના પેટાળમાં જતુ રહ્યું હોવાની શક્યતા છે. જોકે ગુમ થયેલા વિમાનની શોધ આવતી કાલે મંગળવારે પણ યથાવત રાખવામાં આવશે.

ઈન્ડોનેશિયાઈ એરફોર્સના એક અધિકારીએ જણાવ્યું હતું કે અમે વિમાનને શોધ માટે બેલીતુંગ દ્વીપ (ઈન્ડોનેશિયા)ના પૂર્વ અને ઉત્તર ભાગમાં આવેલા સમુદ્રી વિસ્તાર પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યાં છીએ.

મલેશિયાના વિમાનની શોધ એકદમ રોકેટ ગતિએ કરવામાં આવી રહી છે. માધ્યમોના અહેવાલો અનુસાર એરફોર્સના વિમાનો, સબમરીન, ઈન્ડોનેશિયા, મલેશિયા, સિંગાપોર અને ઓસ્ટ્રેલિયાના ચાલક દળ તપાસ અભિયાનમાં જોતરાયેલા છે. આ વિમાનની શોધ ઈન્ડોનેશિયાના 12 સમુદ્રી જહાંજો, ત્રણ હેલિકોપ્ટર અને પાંચ મિલિટરી એરક્રાફ્ટ કરી રહ્યાં છે. આ ઉપરાંત મલેશિયાનું એક C-130 વિમાન, 3 જહાંજ અને સિંગાપુરનું એક C-130 વિમાન પણ તપાસ અભિયાનમાં શામેલ છે. સમાચાર એજન્સી સિન્હુઆના જણાવ્યા પ્રમાણે રૉયલ ઓસ્ટ્રેલિયા એર ફોર્સ એપી-3સી ઓરિયન પ્લેન ઈન્ડોનેશિયાની આગેવાનીમાં હાથ ધરાયેલા તપાસ અભિયાનમાં સહયોગ કરી રહ્યાં છે.

લાપતા બનેલા વિમાનમાં 162 લોકો સવાર હતાં જેમાં 155 મુસાફરો અને અન્ય સાત ક્રૂ મેમ્બર્સ હતાં. વિમાનમાં સવાર મુસાફરોમાં 149 ઈન્ડોનેશિયાના, 3 દક્ષિણ કોરિયાના, 1 બ્રિટિશર, 1 મલેશિયાના અને 1 સિંગાપુરના નાગરિકનો શમાવેશ થાય છે. જ્યારે 7 ક્રૂ મેમ્બર્સમાં 6 ઈન્ડોનેશિયાના અને 1 ફ્રાંસનો હોવાનું જાણવા મળે છે. આ વિમાન ગઈ કાલે ઈન્ડોનેશિયાના સુરાબાયાથી ઉડાન ભર્યાના 45 મીનીટમાં સવારે 7:24 કલાકે લાપતા બન્યું હતું. ચાલુ વર્ષે મલેશિયાનું આ ત્રીજુ વિમાન છે જે વિમાની દુર્ઘટનાનો શિકાર બન્યું છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK