ચંપલપાક : રાજ ઠાકરેના માણસોને પહેલી જ વાર મળ્યો પોતાની જ સ્ટાઇલનો પરચો

Published: 15th December, 2011 05:14 IST

નેરુલની એક સ્કૂલમાં પ્રિન્સિપાલનું મોઢું કાળું કરી નાખનારા એમએનએસના કાર્યકરોને ટીચરોએ ઝૂડી નાખીને ભગાવ્યા

 

 

 

(સૌરભ કાટકુરવાર)

મુંબઈ, તા. ૧૫

એમએનએસ (મહારાષ્ટ્ર નવનિર્માણ સેના)ના કાર્યકરોને ગઈ કાલે નેરુળમાં આવેલી ડીએવી (દયાનંદ ઍન્ગ્લો વેદિક) પબ્લિક સ્કૂલ ના ટીચરોએ ચંપલથી માર મારીને સ્કૂલની બહાર કાઢી મૂક્યા હતા. હકીકતમાં પાર્ટીના વર્કરો અને સ્કૂલના વહીવટી તંત્ર વચ્ચે સ્કૂલ-બસની સેફ્ટીના મુદ્દે થઈ રહેલી ચર્ચા અત્યંત ઉગ્ર થઈ જતાં આ બનાવ બન્યો હતો. આ ઘટના બાદ પ્રિન્સિપાલ અને સ્કૂલના ટીચરોએ એનઆરઆઇ પોલીસ-સ્ટેશનમાં એમએનએસના છ કાર્યકરો વિરુદ્ધ પોલીસ-ફરિયાદ નોંધાવતાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ મુદ્દે વાત કરતાં નેરુળમાં આવેલી ડીએવી પબ્લિક સ્કૂલના પ્રિન્સિપલ જોસ કુરિયને કહ્યું હતું કે ‘એમએનએસના કાર્યકરો એકાએક મારી ઑફિસમાં ધસી આવ્યા હતા. અમારી સ્કૂલમાં ગાઇડલાઇન પ્રમાણે સ્કૂલ-બસોની સુરક્ષાનાં પગલાં લેવા માટે ટ્રાન્સપોર્ટ કમિટી ન હોવાનો આરોપ મૂકીને તેઓ સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા. મેં તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો કે અમારી પાસે પહેલેથી જ ટ્રાન્સપોર્ટ કમિટી છે, પણ તેઓ મારી વાત સાંભળવાને બદલે ગેરવર્તન કરવા લાગ્યા. તેમણે મારા પર કાળો રંગ ઠાલવ્યો એટલે મારી સ્કૂલના શિક્ષકોએ તેમને સ્કૂલની બહાર તગેડી મૂક્યા.’

એમએનએસ શું કહે છે?

જોકે આ ઘટનાક્રમને પોતાના દૃષ્ટિકોણથી જણાવતાં નવી મુંબઈના એમએનએસના પ્રેસિડન્ટ કૌસ્તુભ મોરેએ કહ્યું હતું કે ‘અમે સ્કૂલમાં જઈને ખાલી તેમને આરટીઓ (રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસ) દ્વારા જાહેર કરવામાં આવેલી નવી માર્ગદર્શિકાનું પાલન કરવા માટે સમજાવી રહ્યા હતા. પ્રિન્સિપાલ અને ટીચરોએ અમારી વાત સાંભળવાને બદલે અમારી સાથે જીભાજોડી કરવાનું શરૂ કરી દીધું હતું અને પછી અમારા પર હુમલો કર્યો હતો. ટીચરોમાં વધારે મહિલાઓ હતી એટલે અમે કોઈ પ્રતિભાવ નહોતો આપ્યો અને સ્કૂલની બહાર નીકળી ગયા હતા.’

પોલીસ શું કહે છે?

આ ઘટના પછી તરત જ સ્કૂલે એનઆરઆઇ પોલીસ-સ્ટેશનમાં એમએનએસના કાર્યકરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેને પગલે પોલીસે તેમને પકડી લીધા હતા. એનઆરઆઇ પોલીસ-સ્ટેશનના પોલીસ-ઇન્સ્પેક્ટર શિવાજી ગાવિતે કહ્યું હતું કે ‘સ્કૂલની ફરિયાદ પછી અમે એમએનએસના છ સભ્યોની ધરપકડ કરી હતી. આ છ પાર્ટી-વર્કર વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ ૩૫૪ અને ૪૫૨ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.’

સ્કૂલ પર એમએનએસના હુમલાનો વિરોધ કરવા માટે મુંબઈ અને નવી મુંબઈની તમામ ડીએવી પબ્લિક સ્કૂલો આજે બંધ રહેશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK