ખેતરમાં સ્કૂલ

Published: 29th October, 2020 08:41 IST | Preeti Khuman Thakur | Mumbai

નથી મોબાઇલ કે નથી ઇન્ટરનેટ, શું કરવું? આ સવાલનો જવાબ પાલઘરના ગામના શિક્ષકે શોધ્યો ને સોશ્યલ ડિસ્ટન્સિંગ સાથે ગરીબ સ્ટુડન્ટ્સને ખેતરમાં ભણાવે છે

ખેતરમાં સ્કૂલ
ખેતરમાં સ્કૂલ

મોબાઇલ, ઇન્ટરનેટ જેવી સુવિધા ઉપલબ્ધ થવી શક્ય ન હોવાથી પાલઘરના અનેક ભાગોમાં વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર થઈ હતી. આ બાબતને ધ્યાનમાં રાખીને અને વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત ન રહે એ માટે તલાસરીના એક શિક્ષકે એક અનોખી પહેલ શરૂ કરી છે. શિક્ષકે ખેતરમાં જ ‘આમચી પાઠશાળા’ એટલે કે સ્કૂલ શરૂ કરી દીધી છે. શિક્ષક દ્વારા શરૂ કરાયેલી આ પહેલને સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
કોરોનામાં સ્કૂલો બંધ હોવાથી વિદ્યાર્થીઓને ઑનલાઇન ભણાવવામાં આવી રહ્યા છે, પરંતુ પાલઘરનાં અનેક ગ્રામીણ ક્ષેત્રો એવાં પણ છે જ્યાં લોકો પાસે ઍન્ડ્રૉઇડ મોબાઇલ ન હોવાથી તેઓ ઑનલાઇન અભ્યાસથી વંચિત છે. અહીંના ગરીબ રહેવાસીઓ પાસે સાદો મોબાઇલ પણ હોતો નથી. જો કોઈની પાસે ઍન્ડ્રૉઇડ ફોન હોય તો પણ ઇન્ટરનેટ નથી હોતું અથવા તો રીચાર્જ કરવા માટે પૈસા નથી હોતા.
આ બાબતને ધ્યાનમાં લઈને તલાસરીના સૂત્રકાર ગામમાં સ્થિત મહારાષ્ટ્ર વિદ્યા મંદિર સ્કૂલના ટીચર વિવેકાનંદ દેસલે આસપાસના ગામમાં પોતે ઘરે-ઘરે જઈને બાળકોને ભણાવતા હતા, પરંતુ એમાં બાળકો ભણતાં જ નહોતાં અને સમય પણ વધુ આપી શકાતો નહોતો. એથી તેમણે પરિવારજનો સાથે સંપર્ક કર્યો હતો અને ત્યાર બાદ તેમણે બાળકોને ખેતરમાં જ ભણાવવાનો નિર્ણય લીધો હતો.
શિક્ષક વિવેકાનંદ દેસલેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને બાળકોની સ્કૂલ ખેતરની ખુલ્લી હવામાં શરૂ કરવાનો મને વિચાર આવ્યો હતો. ચોથા ધોરણથી લઈને છઠ્ઠા ધોરણ સુધીનાં બાળકોને ખેતરમાં ભણાવવાની શરૂઆત કરી હતી. બાળકો પોતાનો સમય અભ્યાસમાં આપી શકતાં હોવાથી તેમના પેરન્ટ્સ પણ ખૂબ ખુશ થઈ ગયા છે અને રાહત અનુભવી રહ્યા છે. મારા આ કામમાં પ્રિન્સિપાલ સખારામ થાપડનો મોટો સહયોગ છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK