સ્કૂલનાં બાળકોમાં ચાલી રહ્યો છે ગર્લફ્રેન્ડ-બૉયફ્રેન્ડ રાખવાનો નવો ટ્રેન્ડ

Published: 17th November, 2014 03:43 IST

માત્ર દેખાડા માટે અને સ્ટેટસ સિમ્બૉલ તરીકે નિદોર્ષતા સાથે શરૂ થતો આ સંબંધ આગળ જતાં બાળકનું માઇન્ડસેટ બની શકે છે. અતિ મહત્વનાં એવાં કમિટમેન્ટ, જવાબદારી અને મૂલ્યોની બાબતો મોડેથી પણ બાળકને ન સમજાય એ તો જોખમી છેને? તો પેરન્ટ્સની ભૂમિકા આમાં શું હોવી જોઈએ એ જાણીએસ્પેશ્યલ સ્ટોરી - રુચિતા શાહ

કાંદિવલીની એક ઇન્ટરનૅશનલ બોર્ડ ધરાવતી સ્કૂલમાં સાતમા ધોરણમાં ભણતાં બે બાળકો વચ્ચે જોરદાર મારામારી થઈ ગઈ. આ બન્ને બાળકો એકબીજાના બેસ્ટ ફ્રેન્ડ હતા, પરંતુ તેમની ગર્લફ્રેન્ડના મુદ્દે તેમની વચ્ચે બોલાચાલી થઈ ગઈ. વાત એમ હતી કે તેમણે પોતાને બહુ ગમતી બે છોકરીઓને પોતાની ગર્લફ્રેન્ડ બનાવી હતી. ચારેય જણ એક જ ડિવિઝનમાં ભણતાં હતાં. પરંતુ છોકરાઓની શરત એવી હતી કે તેમની ગર્લફ્રેન્ડ એકબીજા સાથે વાત ન કરે. પોતાની પર્સનલ વાતો તેના ફ્રેન્ડની ગર્લફ્રેન્ડ પાસે ન જાય એવી તેમની ઇચ્છા હતી. બન્નેએ એકમેકની ગર્લફ્રેન્ડને કહી દીધું હતું કે તેઓ એકબીજા સાથે વાત ન કરે. પરંતુ તેમની વાત ગર્લફ્રેન્ડે ન માની. અને વાત-વાતમાં તેમની વચ્ચે બહુ મોટો ઝઘડો થઈ ગયો જેમાં સ્કૂલના પ્રિન્સિપાલથી લઈને ચારેયનાં મા-બાપે પણ ઇન્વૉલ્વ થવું પડ્યું. છેલ્લે એકના પેરન્ટે પોતાના છોકરાને કાઉન્સેલર પાસે લઈ જઈને તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે આ કેસ બહાર આવ્યો.

આવો એક કેસ નથી, આજકાલની સ્કૂલોમાં છોકરાઓ દ્વારા ગર્લફ્રેન્ડ બનાવવી અને છોકરીઓ દ્વારા બૉયફ્રેન્ડ બનાવવા એ બહુ જ સામાન્ય બનતું જાય છે. ચોથા-પાંચમા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ પોતાના કૉમન ફ્રેન્ડની બર્થ-ડે પાર્ટીમાં જવાનું હોય અને પોતાની ગર્લફ્રેન્ડ સાથે કલર મૅચિંગ કરીને ડ્રેસ પહેરીને જાય. ત્યાં સાથે કપલ-ડાન્સ કરે. બન્ને એકબીજાને હોમવર્ક કરીને આપે. એકબીજાને ભાવતી ખાવાની વસ્તુઓ ટિફિનમાં લઈને જાય. મૅક્ડોનલ્ડ્સમાં સાથે બર્ગર-ડેટ પર જાય. જુહુ બીચ પર કૅન્ડી ફ્લૉસ ખાવા જાય. પહેલી નજરે ખૂબ જ ઇનોસન્ટ અને ક્યુટ લાગતો આ વ્યવહાર મોટે ભાગે મા-બાપ પણ એન્જૉય કરતાં હોય છે. જોકે શરૂઆતમાં ખૂબ સામાન્ય લાગે એવી આ વાત ભવિષ્યમાં બાળક માટે જોખમી નીવડી શકે છે. આ બધી નિદોર્ષ હરકતો બાળકના માઇન્ડ પર શું ઇમેજ બનાવે છે, પેરન્ટ્સનું વલણ આમાં કેવું હોવું જોઈએ જેવી બાબતો પર થોડું ફોકસ કરીએ.

નિદોર્ષતા હોય તો પણ?

મૅચ્યૉરિટીના અભાવે કદાચ પાંચમા-છઠ્ઠા ધોરણના છોકરાઓમાં ગર્લફ્રેન્ડ અને બૉયફ્રેન્ડ સાથેના રિલેશનમાં ફિઝિકલ ફૅક્ટર કે આકર્ષણ નથી ભળ્યું હોતું એમ જણાવીને સાઇકોલૉજિસ્ટ શીતલ મહેતા કહે છે, ‘ટીવી-સિરિયલો, કાટૂર્ન્સ, ઍડ્વર્ટાઇઝમેન્ટ વગેરેનો જે સતત મારો થઈ રહ્યો છે એમાં બાળકોનો ઇમોશનલ અને સોશ્યલ ગ્રોથ વહેલો થઈ જાય છે. આપણા વિચારોની અસર આપણા હૉમોર્ન પર થતી હોય છે. સતત આ જ માહોલમાં રહેતા હોવાને કારણે બાળકોમાં હૉમોર્નલ ચેન્જિસ પણ વહેલા થઈ રહ્યા છે જેને કારણે સોશ્યલ લેવલ પર ગર્લફ્રેન્ડ હોવી એક સ્ટેટસની વાત હોય એવું તેમને લાગે છે. અને માત્ર દેખાડા માટે કોઈ પણ જાતની ફીલિંગ્સ કે લાઇકિંગ્સ વગર માત્ર બધાને દેખાડવા માટે ગર્લફ્રેન્ડ રાખવાનો ટ્રેન્ડ બાળકોમાં વધી રહ્યો છે.’

લાંબા ગાળે જોખમી

માત્ર આકર્ષણના ધોરણે થતી ગર્લફ્રેન્ડ અને બૉયફ્રેન્ડની પસંદગી કઈ રીતે મોટા થયા પછી પણ બાળકોના માઇન્ડમાં અંકિત થયેલી રહે છે એ વિશે છેલ્લાં ૨૦ વર્ષથી કાઉન્સેલિંગ કરતાં ડૉ. કીર્તિ સચદેવા કહે છે, ‘નાનપણમાં બાળકો માત્ર દેખાડા પૂરતી ગર્લફ્રેન્ડ રાખતાં હોય છે. જોકે ભવિષ્યમાં આ બાબત તેમના માઇન્ડમાં આ જ રીતે સેટ થયેલી રહે છે. નવમા અને દસમા ધોરણમાં ભણતાં ૫૦ ટકા બાળકો હગ, કિસ જેવી બાબતોનો અનુભવ કરી ચૂક્યાં હોય છે. એ લોકો જ્યારે મોટા થાય એ પછી પણ ગર્લફ્રેન્ડ કે બૉયફ્રેન્ડ રાખવાની બાબતને તેઓ એકદમ સહજ રીતે લે છે. તેમના મનમાં ક્યાંય પણ ગર્લફ્રેન્ડ સાથે કે બૉયફ્રેન્ડ સાથે સિરિયસ થઈને લગ્ન કરવાની માનસિકતા હોતી નથી. કમિટમેન્ટ કે રિસ્પૉન્સિબિલિટીના અભાવવાળો આ સંબંધ માત્ર ટાઇમપાસ અને સ્ટેટસ સિમ્બૉલ બની રહે છે. સાચા ઇમોશન્સ અને સાચી લાગણીઓ સાથે તેઓ કનેક્ટ નથી થઈ શકતા. બે-ચાર બ્રેકઅપ પછી જ્યારે ખરેખર હૂંફની જરૂર હોય છે ત્યારે તેઓ ચારેય બાજુથી ફેંકાઈ ગયા હોય છે.’

પેરન્ટ્સનો રોલ શું?

હંમેશાં પેરન્ટ્સને બાળકોના ફ્રેન્ડ બનીને રહેવાનું કહેવામાં આવે છે. ફ્રેન્ડ બનવા માટે ફ્રેન્ડ વચ્ચે જે બાબતો સામાન્ય રીતે વાતચીતમાં આવતી હોય છે એ વાતો કરવી જોઈએ એવી સમજ પેરન્ટ્સને હોય છે એટલે જ તારી ગર્લફ્રેન્ડનું નામ શું એવું પેરન્ટ્સ હસતાં-હસતાં કૅઝ્યુઅલી પૂછી લેતા હોય છે. શું એ યોગ્ય છે એ વિશે ડૉ. કીર્તિ કહે છે, ‘બાળકો સાથે આ પ્રકારની વાત નહીં કરવાની વાત નથી, પરંતુ પેરન્ટ્સ આ બાબતને બહુ સામાન્ય ન લે અને બાળકને પણ સહજ રીતે એની ગંભીરતા સમજાવતા રહે એ જરૂરી છે. જેમ કે ગર્લફ્રેન્ડ રાખવી એ બહુ જવાબદારીભરી બાબત છે. મૂલ્ય અને નિષ્ઠાની બાબતો પેરન્ટ્સે બાળકોને સમજાવવી જોઈએ. જેના માટે આપણે ગંભીર હોઈએ, આખું જીવન જેની સાથે વિતાવી શકાતું હોય એવી છોકરીને ગર્લફ્રેન્ડ કે એવા છોકરાને બૉયફ્રેન્ડ બનાવવા જોઈએ. માત્ર રૂપાળા દેખાતા હોય એવા નહીં; પણ ભણવામાં પણ હોશિયાર હોય, જેની પાસેથી આપણને કંઈ શીખવા મળવાનું હોય એવા આપણા ફ્રેન્ડ હોય એવી બાબતો નાનપણથી પેરન્ટે પોતાનાં બાળકોના મનમાં ઠસાવવી જોઈએ. બાળકો સાથેનું તમારુ રેગ્યુલર કમ્યુનિકેશન આમાં ખૂબ મહત્વની બાબત છે.’

તાલિબાની સજા નહીં

માની લો કે તમારા દીકરાની ગર્લફ્રેન્ડ છે એવી જાણ થયા પછી તમારો પ્રત્યાઘાત કેવો હોવો જોઈએ એનો જવાબ આપતાં સાઇકિયાટ્રિસ્ટ ડૉ. હરીશ શેટ્ટી કહે છે, ‘ગર્લફ્રેન્ડ કે બૉયફ્રેન્ડ રાખવા એ કંઈ ખરાબ બાબત નથી. અત્યારના સામાજિક એક્સપોઝરને જોતાં બાળકો બહુ નાની ઉંમરમાં આ પ્રકારની બાબતો તરફ ધ્યાન આપવા લાગ્યાં છે. એમાં ઍક્ટિવ લવ હોતો નથી. માત્ર કહેવા ખાતર ગર્લફ્રેન્ડ બનાવાય છે.

એવા સમયે ધારો કે તેણે ગર્લફ્રેન્ડ

બનાવી દીધી હોય કે તેને દેખાદેખીમાં કિસ કે એવું પણ કંઈ કર્યું હોય તો તેને તાલિબાની સ્ટાઇલમાં સમજાવવાની જરૂર નથી, તેને પ્રેમથી અને સમજાવટથી તમારી વાત કહો.’

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK