મિડ-ડેના અહેવાલને પગલે જશોદા નરેન્દ્ર મોદીના મનમાં ઊભા થયા અનેક સવાલ

Published: 25th November, 2014 02:46 IST

ગઈ કાલે મહેસાણામાં RTI ઍક્ટ હેઠળ અરજી કરીને જવાબ માગ્યા


jashodabenવડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં ધર્મપત્ની જશોદાબહેન મોદીને પ્રોટોકોલ મુજબ સિક્યૉરિટી આપવામાં આવી છે; પણ બને છે એવું કે તેઓ પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ફરે છે અને જ્યારે તેમના સિક્યૉરિટી-ગાર્ડ્સ સરકારી કારમાં તેમની સુરક્ષા માટે પાછળ ફરે છે એ સંદર્ભનો સ્પેશ્યલ રિપોર્ટ ‘મિડ-ડે’માં પ્રસિદ્ધ થયા પછી જશોદાબહેને ગઈ કાલે મહેસાણામાં ડેપ્યુટી પોલીસ-સુપરિન્ટેન્ડેન્ટની પાસે RTI ઍક્ટ હેઠળ ઍપ્લિકેશન દાખલ કરીને ઉપરોક્ત સહિત દસથી વધુ બાબતનો ખુલાસો ભારત સરકાર પાસે માગ્યો છે. જશોદાબહેને ગઈ કાલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ બાબતમાં મારી પાસે કોઈ જાણકારી નહોતી, પણ પેપરમાં આવ્યા પછી મને આ વિશે ખબર પડી એટલે મેં તમામ માહિતી માગી છે અને સરકાર મને ૪૮ કલાકમાં જવાબ આપે એ બાબતની વિનંતી પણ કરી છે. મને બીજી શું-શું સુવિધા મળે છે એ વિશે પણ મેં પૂછ્યું છે.’

જશોદાબહેન મહેસાણામાં ઍપ્લિકેશન આપવા ગયાં ત્યારે પણ સામાન્ય નાગરિકની જેમ લાઇનમાં બેઠાં હતાં અને તેમનો વારો વીસ મિનિટ પછી આવ્યો હતો. જશોદાબહેને કહ્યું હતું કે ‘મને કોના આદેશથી અને કયા આધારે સિક્યૉરિટી આપવામાં આવી છે એ આજ સુધી ખબર નથી એટલે મેં એ માહિતી માગી છે. ઉપરાંત આવી બીજી કઈ-કઈ સુવિધાઓ મળવી જોઈએ એની પણ વિગતો માગી છે.’

જશોદાબહેને કરેલી ઍપ્લિકેશનમાં તેમણે કુલ આઠ જવાબ સરકાર પાસે માગ્યા છે જે તમામ તેમની સિક્યૉરિટીને લગતા છે.

કોના હુકમથી રક્ષણ?


ગઈ કાલે ય્વ્ત્ની અરજી દ્વારા જશોદાબહેને સરકાર સામે સૌથી પહેલો પ્રશ્ન એ કર્યો હતો કે મને આપવામાં આવેલું રક્ષણ કયા હુકમથી, કયા કાયદા મુજબ અને કોના હુકમથી આપવામાં આવી રહ્યું છે એનો તાત્કાલિક જવાબ આપવામાં આવે અને જે હુકમ કરવામાં આવ્યો હોય એની સર્ટિફાઇડ નકલ મને આપવામાં આવે. આ ઉપરાંત જશોદાબહેને એ મુદ્દો પણ ઉઠાવ્યો છે કે હું વડા પ્રધાનનાં વાઇફ હોવાના નાતે જો મને પ્રોટોકોલ મુજબ સિક્યૉરિટી આપવામાં આવી રહી હોય તો આ જ પ્રોટોકોલ મુજબ મને બીજી કઈ-કઈ સુવિધા મળી શકે એની પણ તમામ વિગતો આપવામાં આવે.

સરકારી વાહન કોના હુકમથી?


જશોદાબહેને એ પણ પ્રશ્ન ઉઠાવ્યો છે કે હું જ્યારે પણ ટ્રાવેલિંગ કરું છે ત્યારે પબ્લિક ટ્રાન્સપોર્ટથી કરું છે, જ્યારે મારી સુરક્ષા માટે આવેલા અધિકારીઓ સરકારી ગાડીમાં ફરે છે તો તે સૌ સરકારી વાહનમાં કયા હુકમથી ફરી રહ્યા છે એની વિગત પણ આપવામાં આવે. જશોદાબહેને કહ્યું હતું કે અત્યાર સુધી મારી પાસે આ બાબતનો કોઈ કાગળ આવ્યો નથી તો એ બધા કાગળ પણ મને પહેલેથી આપવા જોઈએ.

મહેમાન જેવું સ્વાગત શું કામ?

જશોદાબહેને તેમની ઍપ્લિકેશનમાં લખ્યું છે કે સુરક્ષા-અધિકારીઓ મારી પાસે મહેમાન જેવું સ્વાગત માગી રહ્યા છે તો આવું સ્વાગત કરવાની કાયદાની કઈ બાબતમાં જોગવાઈ છે કે પછી કયા પ્રોટોકોલનો ભાગ છે એ બાબતનો જવાબ પણ સરકાર આપે અને એ જવાબની સાથોસાથ જશોદાબહેને એ બાબતનો પણ જવાબ માગ્યો છે કે મને જે સિક્યૉરિટી ઑફિસર આપવામાં આવ્યા છે તેમની કામગીરી શું છે અને શું-શું ફરજ છે.

સિક્યૉરિટી ગાર્ડનો લાગે છે ડર

જશોદાબહેનની સિક્યૉરિટી કોના કહેવાથી કરવામાં આવી રહી છે એ સંદર્ભનો કોઈ લેટર આ સિક્યૉરિટી-ગાર્ડ્સ પાસે હોતો નથી એવો દાવો કરતાં જશોદાબહેને પોતાની ઍપ્લિકેશનમાં કહ્યું છે કે આ પ્રકારનો ઑથોરિટી-લેટર કોના કહેવાથી તેમની પાસે નથી એનો સત્તાવાર જવાબ આપવામાં આવે. ઑથોરિટી-લેટર સાથે ન હોવાથી મને એ સિક્યૉરિટી ગાર્ડનો ડર લાગી રહ્યો છે એવું કહેતાં જશોદાબહેને અરજીમાં ઇન્દિરા ગાંધીની હત્યાનો ઉલ્લેખ કરીને લખ્યું છે કે ‘વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા તેમના સિક્યૉરિટી ગાડ્ર્સે જ કરી હતી એથી મને આ સિક્યૉરિટી-ગાર્ડ્સથી બહુ ડર લાગે છે. આ કારણે સરકારે મને આપવામાં આવેલા સુરક્ષા-કર્મચારીઓની તમામ માહિતી આપવામાં આવે.

આ માગણીની સાથોસાથ જશોદાબહેને એ પણ કહ્યું છે કે મારી સુરક્ષા માટે આવેલા અધિકારીઓ પાસે મારા રક્ષણના હુકમની નકલ હોય એવું પણ થવું જોઈએ અને જો એવું ન થાય તો એવું કયા કાયદાની રૂએ કરવામાં આવે છે એની સ્પષ્ટતા કરવામાં આવે.

જશોદાબહેનના ભાઈ અશોક મોદીએ કહ્યું હતું કે ‘સરકારી કાગળો ન હોય એવા સમયે ગાર્ડ તરીકે કોઈ પણ વ્યક્તિ આવી જાય. જો એવું બને તો ઊલટાનું જીવનું જોખમ વધે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK