તમે ખુલ્લા દિલે આભાર વ્યક્ત કરી શકો છો?

Published: 13th December, 2011 07:22 IST

પુષ્કળ ભયાનકતાઓની શક્યતા ધરાવતી દુનિયામાં આપણે સલામત રહી શકીએ છીએ એ માટે કેટલાં બધાં પરિબળો જવાબદાર હશે! એ બધાંના આભારી નથી?(મંગળવારની મિજલસ - તરુ કજારિયા)

ગયા અઠવાડિયે આમિર ખાનને ત્યાં પુત્રજન્મ થયાના સમાચાર મળ્યા અને એ પણ કેવા સરપ્રાઇઝિંગલી! બાકી બાળકનો જન્મ એ કંઈ છાની કે છૂપી રખાય એવી ઘટના નથી, એ તો ‘વાજતેગાજતે માંડવે આવે’ એવો પ્રસંગ છે. પણ માનવું પડે, આ આમિર ખાન છૂપો રુસ્તમ છે. પોતાની ફિલ્મોનો છાપરે ચડીને પ્રચાર-પ્રસાર કરવામાં જેવો માહેર છે એમ જ પોતાની પર્સનલ લાઇફની ખબર સીક્રેટ રાખવામાં પણ બંદો બેમિસાલ છે! નવ-નવ મહિના સુધી કોઈને ક્યાંય ગંધ સુધ્ધાં ન આવી કે આમિર અને કિરણ મા-બાપ બનવા જઈ રહ્યાં છે! અને ખબર મળ્યા એ પણ કોઈ અખબારી કે ટીવીચૅનલના સ્કૂપથી નહીં, આમિરે પોતે લખેલા પત્રથી.

આભારવશ થઈ જવાય

કોઈ પણ ફીલ્ડમાં કામ કરતા પ્રોફેશનલ્સ પછી તે ટીચર હોય, જર્નલિસ્ટ હોય, ફિલ્મ-ઍક્ટર હોય કે બીજા કોઈ પણ; તે સૌ વળતર લઈને જ કામ કરતા હોય છે; પરંતુ જ્યારે તેમાંની કોઈ પણ વ્યક્તિ કોઈ કામ કુશળતાથી, સમયસર, પર્ફે‍ક્ટ્લી કરી આપે તો તેના સિનિયર્સ કે તેનો બૉસ તેનો આભાર માને તો ચોક્કસ પેલી વ્યક્તિને ખૂબ જ સારું લાગે છે. તેને પોતાના કામની કદર થઈ એવો સંતોષ મળે છે. જરા કલ્પના કરો કે તમે સ્કૂલ કે કૉલેજ યા કોઈ ક્લાસિસમાં ફી ભરીને ભણવા જાઓ છો. ત્યાં તમને શીખવતા ટીચર્સ કે પ્રોફેસર્સ પગાર લઈને જ ભણાવતા હોય છે, પરંતુ ખૂબ મહેનત કરીને દિલથી તમને ભણાવતા હોય તે ટીચર કે પ્રોફેસર પ્રત્યે તમે આભાર વ્યક્ત નથી કરતા? આપણાથી આપોઆપ આભારવશ થઈ જવાય છે.

મોટિવેશન મળે

આ રીતે કામની અને કામ કરનારાની કદર કરવાથી તેમને વધુ બહેતર કામ કરવા માટે મોટિવેશન મળે છે. અમારા એક બૉસ હતા. તેઓ કદી પોતાને સર કે બૉસ કહેવડાવવાનો આગ્રહ ન રાખતા અને તેમની સાથે કામ કરતા સૌને સાથી તરીકે જ ઓળખાવે, પછી ભલેને તેમના અને આ સાથીઓના સ્ટેટસમાં આસમાન-જમીનનું અંતર હોય. ક્યારેક જેનું પણ કામ તેમને બહુ ગમી જાય તો તરત નાનકડા યલો પૅડના કાગળ પર પોતાની લાગણી વ્યક્ત કરે અને તે વ્યક્તિને મોકલી આપે. આજે પણ તેમના અનેક સાથીઓ પાસે એ ચબરખીઓ સચવાયેલી પડી હશે.

થૅન્ક્સ કહો

એક મિત્રને વાત-વાતમાં થૅન્ક્સ આપવાની આદત છે. તેમને મેં પૂછ્યું કે તમને નથી લાગતું તમે બહુ વધારે પડતા નમ્ર બની રહ્યા છો? તેમણે કહ્યું, ‘હું વરસો પહેલાં પરદેશ ગયો હતો. ત્યાં લોકો બસમાંથી કે ટૅક્સીમાંથી ઊતરતી વખતે ડ્રાઇવરને થૅન્ક્સ કહેતા. મને એ સિસ્ટમ બહુ ગમી. ત્યાં હતો એ દરમ્યાન મને પણ એવી આદત પડી ગઈ. અને જ્યારે હું ટૅક્સી-ડ્રાઇવરને થૅન્ક્સ કહેતો ત્યારે મને યાદ આવતું કે મુંબઈના આવા હેવી ટ્રાફિકમાં આપણને સહીસલામત આપણા ડેસ્ટિનેશન પર પહોંચાડતા ટૅક્સીવાળા કે બસ-ડ્રાઇવરનો તો મેં ક્યારેય આભાર નથી માન્યો! બસ, ત્યાંથી પાછો ફર્યો ત્યારથી આપણા માટે કંઈક પણ કર્યું હોય તેમને થૅન્ક્સ કહેવાનું શીખી ગયો છું.’

થૅન્ક ગૉડ

આપણામાંથી ઘણાખરા અવારનવાર ભગવાનનો આભાર માને છે. અમારા એક ફ્રેન્ડને એની સામે બહુ ચીડ છે. તેઓ કહે છે મહેનત આપણે કરીએ અને આભાર વળી ભગવાનનો શા માટે માનવાનો? એક વાર તેમને અગત્યના કામે પરદેશની ફ્લાઇટ પકડવાની હતી. તેઓ ટાઇમસર ઘરેથી ઍરર્પોટ જવા નીકળી ગયા, પરંતુ એ દિવસે અચાનક બિનમોસમી વરસાદ કડાકાભડાકા સાથે તૂટી પડ્યો. રસ્તામાં ટ્રાફિક જૅમ નડ્યો અને તેઓ છેલ્લી ઘડીએ માંડ-માંડ ઍરર્પોટ પર પહોંચ્યા. એ દિવસે પહેલી વાર તેમના મોઢામાંથી ‘થૅન્ક ગૉડ’ શબ્દો સાંભળવા મળ્યા. તેમના ભાઈએ સરપ્રાઇઝ થઈ તેમની સામે જોયું ત્યારે તે બોલેલા : ‘હા, યાર. કેટલા બધા ફૅક્ટર્સ કામ કરે છે ત્યારે આપણાં ધારેલાં કામો થાય છે! અને એમાં આ ઉપરવાળાનોય થોડો રોલ તો છે જ. માનવું પડે!

અનોખો સંતોષ

ખરેખર અખબારોમાં ને ટીવી પર રોડ કે ટ્રેન-ઍક્સિડન્ટ કે અન્ય ભયંકર દુર્ઘટનાઓ વિશે વાંચીએ કે જોઈએ ત્યારે મનોમન થાય છે કે આટલી અઢળક ભયાનકતાઓની શક્યતા ધરાવતી દુનિયામાં આપણે સલામત રહી શકીએ છીએ એ માટે કેટલાં બધાં પરિબળો જવાબદાર હશે! આપણે એ બધાના આભારી નથી? આ જ કારણ છે કે દિવસભરના કામકાજ પછી રાત્રે પથારીમાં પડતાં પહેલાં અને સવારે અજવાળાને આંખોમાં ભરતાં પહેલાં આ સૃષ્ટિના સર્જકનો આભાર માનતાં હાથ આપોઆપ જોડાઈ જાય છે. અને સાચું કહું, આપણી જિંદગીમાં બનતી ઘટનાઓ માટે જ્યારે આપણે ખરા હૃદયથી ઋણી હોઈએ છીએ ને ત્યારે આપણા મનના અનેક સવાલોના જવાબ એટલી સરળતાથી અને ઝડપથી મળવા લાગે છે કે દંગ કહી જવાય. કોઈ વાર ખુલ્લા દિલે આભાર વ્યક્ત કરી જોજો, સામેવાળી વ્યક્તિના ચહેરા પર જે સંતોષ જોશો એ અનોખો હશે.

આ ભુલાઈ જાય ભલા?

પોતાના દીકરાના જન્મના ખુશખબર આપતો પત્ર આમિરે મિડિયાવાળાઓને લખ્યો એમાં તેણે કેવી રીતે વિજ્ઞાન-ટેક્નૉલૉજીની મદદથી સરોગસી પદ્ધતિથી પોતાને ત્યાં દીકરાની પધરામણી થઈ એની વાત પણ કરી. પહેલી ડિસેમ્બરે જન્મેલા દીકરાના આગમનના સમાચાર છઠ્ઠી ડિસેમ્બરે તેણે મિડિયાના માધ્યમથી દુનિયા સાથે શૅર કર્યા. છેને માસ્ટર ઑફ સીક્રસી!

આમિરનો પત્ર બહુ સરસ રીતે લખાયો છે. એમાં તેણે પોતાની પ્રસન્નતા વ્યક્ત કરી છે અને આ ઘટના માટે વિજ્ઞાન અને ટેક્નૉલૉજીનો, ડૉક્ટરો, મિત્રો-સ્નેહીઓનો અને બધું હેમખેમ પાર પાડવા માટે ઈશ્વરનો આભાર માન્યો છે, પણ એમાં એક વાતની કમી લાગી! આખા પત્રમાં પેલી સ્ત્રીનો ક્યાંય આભાર નથી માન્યો જેણે તેના અને કિરણના ફરજંદને પોતાની કૂખમાં નવ મહિના પોષ્યો છે! એમાં સરોગસી પદ્ધતિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પણ સરોગેટ મધરની મદદથી આ પુત્રજન્મ થયો છે એવું ફોડ પાડીને ક્યાંય કહેવામાં નથી આવ્યું. ભલે તેણે ડીટેલમાં ન ઊતરવું હોય તો ન ઊતરે અને તે સ્ત્રીની ઓળખ પ્રાઇવેટ રાખવાનું પણ જરૂરી હોય એના વિશે કંઈ ન કહે એ સમજી શકાય, પરંતુ તેનો આભાર માનવાનું પણ ભુલાઈ જાય?

હા, એવી દલીલ થઈ શકે કે તેને તો એ સર્વિસ માટે ફી ચૂકવાઈ જ ગઈ છે પછી આભાર શેનો? ઘણા લોકોનું માઇન્ડસેટ આવું હોય છે.
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK