સૌ ચાલો પાઠશાળા સ્કીમમાં ૧૦૦૦૦ના અંદાજ સામે ૩૪૨૨૭ જૈનો જોડાયા

Published: 27th July, 2020 09:27 IST | Prakash Bambhrolia | Mumbai Desk

મને તેમનું સૂચન ગમ્યું એટલે હું નિયમિત પાઠશાળામાં જતી હતી. ભગવાનની કૃપાથી મને ધાર્મિક શિક્ષણની સાથે લકી પ્રાઇઝ પણ મળ્યું એનો ઘણો આનંદ છે.’

ગોરેગામના સરદાર વલ્લભભાઈ પટેલ હૉલમાં આયોજિત પાઠશાળા સ્કીમનો લકી ડ્રૉ.
ગોરેગામના સરદાર વલ્લભભાઈ પટેલ હૉલમાં આયોજિત પાઠશાળા સ્કીમનો લકી ડ્રૉ.

મલાડનાં જિજ્ઞા સાવલા જીત્યાં પચીસ લાખ રૂપિયાનું ઇનામ
પાઠશાળામાં જઈને ધાર્મિક શિક્ષણ મેળવવાની સ્કીમમાં પહેલી વખત જોડાઈને પચીસ લાખ રૂપિયાનું ઇનામ મલાડ-વેસ્ટની શ્રી વાસુપૂજ્ય જૈન સંઘ લિબર્ટી ગાર્ડન ખાતેની આનંદ કલ્યાણ પાઠશાળામાં જોડાયેલાં ૩૭ વર્ષનાં જિજ્ઞા ગૌરાંગ સાવલાને મળ્યું છે. તેમણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દીકરીને લઈને હું પાઠશાળા જતી હતી ત્યારે મને મારાં બહેને કહ્યું કે તારે પણ પાઠશાળાની સ્કીમમાં જોડાઈને શિક્ષણ લેવું જોઈએ. મને તેમનું સૂચન ગમ્યું એટલે હું નિયમિત પાઠશાળામાં જતી હતી. ભગવાનની કૃપાથી મને ધાર્મિક શિક્ષણની સાથે લકી પ્રાઇઝ પણ મળ્યું એનો ઘણો આનંદ છે.’

જૈન શાસનનું શિક્ષણ-જ્ઞાન મેળવવા વધુ ને વધુ યુવા પેઢી પાઠશાળામાં જોડાય એ માટે શ્રીમદ્ વિજય આચાર્ય અભયશેખરસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી મુંબઈના સમકિત ગ્રુપે ‘સૌ ચાલો પાઠશાળા’ સ્કીમની ગયા વર્ષે જાહેરાત કરી હતી, જેમાં શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ સંચાલિત મુંબઈ, સુરત, અમદાવાદ, વડોદરા અને જૂનાગઢની પાઠશાળાના સંચાલકો અને વિદ્યાર્થીઓ સહિત ૩૪,૨૨૭ લોકો સહભાગી થયા હતા. પહેલા ઇનામ તરીકે ઐતિહાસિક ૨૫ લાખ રૂપિયા રખાયા હતા. ગઈ કાલે આ સ્કીમના ૧૦૦ લકી ડ્રૉ કરવામાં આવ્યા હતા, જેમાં મલાડની ૩૭ વર્ષની એક જૈન ગૃહિણીને પહેલું પ્રાઇઝ મળ્યું હતું. આ બહેન ક્યારેય પાઠશાળામાં નહોતાં ગયાં, પરંતુ ધર્મનું શિક્ષણ મેળવવાની સ્કીમમાં જોડાતાં તેમને ધાર્મિક શિક્ષણ સાથે ઇનામનો લાભ પ્રાપ્ત થયો છે. ૧૦,૦૦૦ના અંદાજ સામે ૩૪,૨૨૭ લોકો સામેલ થતાં લકી ડ્રૉનો કન્સેપ્ટ સફળ રહ્યો હતો.

સ્થાપનાનાં પચીસ વર્ષ નિમિત્તે સમકિત ગ્રુપ દ્વારા જૈન ધર્મના શિક્ષણ માટે કાર્યરત પાઠશાળાઓને પ્રોત્સાહન મળે અને વધુ ને વધુ યુવા પેઢી એમાં જોડાય એ માટે ગયા વર્ષે ‘સૌ ચાલો પાઠશાળા જઈએ’ સ્કીમ લૉન્ચ કરવામાં હતી. ૮થી ૪૮ વર્ષના મુંબઈ, અમદાવાદ, સુરત, વડોદરા અને જૂનાગઢમાં રહેતા શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈનો ૨૦૧૯ની બીજી જુલાઈથી ૨૦૨૦ની ૨૯ ફેબ્રુઆરી દરમ્યાનના સમયમાં ૧૨૫ દિવસથી વધારે સમય પાઠશાળામાં શિક્ષણ લેવાની સાથે ૬૮થી વધારે ગાથા ભણે તેઓ સ્કીમમાં જોડાઈ શકે એવી જાહેરાત કરવામાં આવી હતી.
આજકાલ બહુ ઓછા જૈનો પાઠશાળામાં રસ ધરાવતા હોવાથી આયોજકોને ૧૦થી ૧૨ હજાર લોકો આ સ્કીમમાં જોડાય એવો અંદાજ હતો. જોકે તેમના આશ્ચર્ય વચ્ચે સ્કીમ પૂરી થતી હતી એના થોડા સમય પહેલાં ૧૨થી ૧૫ હજાર લોકો જોડાયા હતા અને કુલ ૩૪,૦૦૦ લોકો એમાં સામેલ થયા હતા. અંદાજ કરતાં ત્રણ ગણા જૈનોએ પાઠશાળામાં જોડાવામાં રસ લેવાથી આ સ્કીમ સુપરડુપર હિટ થઈ હોવાનો આનંદ આયોજકોએ વ્યક્ત કર્યો છે.
ડિજિટલ ડ્રૉ
સમકિત ગ્રુપના અલ્પેશ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગોરેગામમાં સરદાર વલ્લભભાઈ પટેલ હૉલમાં ૧૦ સ્વયંસેવક અને ૧૦ મહેમાનોની હાજરીમાં પાઠશાળા સ્કીમના ડ્રૉનું આયોજન કરાયું હતું. ત્રણેક કલાક ચાલેલા આ કાર્યક્રમમાં જૈન સમાજના ૨૫ જેટલા મોભી-અગ્રણીઓ વિડિયો-કૉલ પર હાજર રહ્યા હતા અને તેમના હાથે જ લકી ડ્રૉ કરાયો હતો. પહેલા ઇનામની જાહેરાત જૈન સમાજના ખૂબ જ આદરણીય એવા કુમારપાળ વી. શાહના હસ્તે કરવામાં આવી હતી. તેઓ પ્રાચીન તીર્થ કમ્બોઈમાં સેવામાં હતા. ફેસબુક અને યુટ્યુબ પર ૧૮,૦૦૦થી વધારે જૈન પરિવારોએ આ કાર્યક્રમ લાઇવ જોયો હતો.
મુંબઈમાં જબરદસ્ત રિસ્પૉન્સ મળ્યો
‘સૌ ચાલો પાઠશાળા જઈએ’ સ્કીમમાં સૌથી વધારે રિસ્પૉન્સ મુંબઈમાં મળ્યો હતો. સ્કીમમાં જોડાયેલા ૩૪,૨૨૭ લોકોમાંથી સૌથી વધારે ૧૯,૩૫૫ મુંબઈના છે. અમદાવાદથી ૬૮૫૩, સુરતથી ૬૫૦૧, વડોદરાથી ૧૪૨૩ અને જૂનાગઢથી ૯૫ લોકો જોડાયા હતા. પચીસ લાખના પહેલા પ્રાઇઝ સહિત આ સ્કીમમાં ૧ લાખના ત્રણ, ૫૦,૦૦૦ના પાંચ, ૨૫,૦૦૦ના ૧૦, ૧૦,૦૦૦ના ૨૭ અને ૫૦૦૦ રૂપિયાના ૫૪ લકી ડ્રૉ રખાયા હતા.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK