Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > પહેલા જ અંકથી પાંચ હજાર કૉપી છાપવામાં આવી હતી ‘નવજીવન’ અખબારની

પહેલા જ અંકથી પાંચ હજાર કૉપી છાપવામાં આવી હતી ‘નવજીવન’ અખબારની

07 September, 2019 02:39 PM IST | મુંબઈ
શૈલેષ નાયક

પહેલા જ અંકથી પાંચ હજાર કૉપી છાપવામાં આવી હતી ‘નવજીવન’ અખબારની

નવજીવન

નવજીવન


મહાત્મા ગાંધીજીએ અમદાવાદમાંથી શરૂ કરેલા ‘નવજીવન’ સાપ્તાહિકને આજે ૧૦૦ વર્ષ પૂરાં થશે અને ૧૦૧મું બેસી રહ્યું છે. આઝાદીની લડતના સમયે સત્યાગ્રહ વિશે નાગરિકોમાં પ્રવર્તી રહેલી ગેરસમજને જોઈને ગાંધીબાપુને અખબાર શરૂ કરવાનો વિચાર આવ્યો હતો. એ અરસામાં અમદાવાદમાંથી ઇન્દુલાલ યાજ્ઞિક ‘નવજીવન અને સત્ય’ નામનું માસિક ચલાવતા હતા. ઇન્દુલાલ યાજ્ઞિક અને તેમના સાથીમિત્રોએ આ માસિક ગાંધીબાપુને ચલાવવા માટે આપ્યું અને બાપુએ એને વધાવી લીધું. જોકે બાપુએ એમાં થોડો ફેરફાર કર્યો હતો અને ઇન્દુલાલ યાજ્ઞિકના માસિક ‘નવજીવન અને સત્ય’ને ગાંધીજીએ સાપ્તાહિક કરીને એનું નામ ટૂંકાવીને ‘નવજીવન’ રાખ્યું હતું. ૧૯૧૯ની ૭ સપ્ટેમ્બરે મોહનદાસ કરમચંદ ગાંધીના તંત્રીપદ હેઠળ ૧૬ પેજ સાથે નવજીવન સાપ્તાહિકનો પહેલો અંક પ્રકાશિત થયો, જેની કિંમત એક આનો હતી. આજથી ૧૦૦ વર્ષ પહેલાં આઝાદીની લડતમાં સત્યાગ્રહની વાતો નાગરિકો સમક્ષ મૂકવા માટે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ શરૂ કરેલા નવજીવન સાપ્તાહિક માટે મુંબઈમાં છૂટક વેચાણ માટે બારસો નકલ નોંધાતાં પહેલા અંકથી નવજીવનની પાંચ હજાર નકલો છાપવામાં આવી હતી.

અસહકારની ચળવળના દિવસોમાં નાગરિકો દર અઠવાડિયે નવજીવનની રાહ જોતા હતા



navjivan-01


મહાત્મા ગાંધીજીએ નવજીવન સાપ્તાહિક શરૂ કર્યું ત્યારે નોંધ્યું હતું કે ‘નવજીવન ચલાવવાનું કાર્ય ઊંચકી લેવાને મેં હામ ભીડી છે. તેમાં હું ગુજરાતનો આશીર્વાદ ઇચ્છું છું અને વિદ્વાન વર્ગની એ છાપું ચલાવવામાં અને બીજા બધાની એને ફેલાવવામાં મદદ માગું છું. એ મળશે એવી મને પૂર્ણ શ્રદ્ધા છે.’

એ સમયે અમદાવાદમાંથી ગુજરાતી ભાષામાં પ્રસિદ્ધ થતા નવજીવન સાપ્તાહિકને નાગરિકો તરફથી સારોએવો પ્રતિસાદ મળ્યો હતો. અસહકારની ચળવળના દિવસોમાં નાગરિકો દર અઠવાડિયે નવજીવનની રાહ જોતા હતા. નવજીવનની લોકપ્રિયતા જોઈને અંગ્રેજ સરકારે ઇન્ડિયન પ્રેસ ઍક્ટની કલમ ૮ પ્રમાણે ઇન્દુલાલ યાજ્ઞિકને કોર્ટમાં ૫૦૦ રૂપિયાની અનામત જામીનરૂપે આપવા જણાવ્યું હતું.


નવજીવન સાપ્તાહિક પહેલાં અમદાવાદના ખમાસા ગેટ પાસેથી ત્યાર બાદ ચૂડીઓળ પાસેથી અને ત્યાર બાદ સારંગપુર દરવાજા પાસેથી પબ્લિશ થતું રહ્યું હતું. ૧૯૨૦માં દિલ્હીથી પ્રગટ થતું ‘કૉમરેડ’ બંધ થતાં એના માલિક મૌલાના મહમદઅલીએ છાપકામનાં યંત્રો નવજીવનને ભેટ આપ્યાં હતાં. નવજીવન સાપ્તાહિકમાં જુદા-જુદા તબક્કે ઇન્દુલાદ યાજ્ઞિકે તેમ જ સ્વામી આનંદે સંપાદન કાર્ય સંભાળ્યું હતું. એ વર્ષોમાં અસહકાર આંદોલન થયું અને અનેક ઘટનાઓ બની હતી ત્યારે દેશના નાગરિકોમાં રાષ્ટ્રભાવના જાગૃત કરી સમાચારો નાગરિકો સુધી પહોંચાડવાનું કાર્ય નવજીવન સાપ્તાહિક સતત કરતું રહ્યું હતું.

૧૯૨૯ના વર્ષમાં ગાંધીજીએ નવજીવનનું ટ્રસ્ટ રચ્યું હતું. ટ્રસ્ટી મંડળમાં વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ, જમનાલાલ બજાજ, દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર, મહાદેવ હરિભાઈ દેસાઈ અને મોહનલાલ મગનલાલ ભટ્ટ સામેલ હતા. ઉલ્લેખનીય બાબત એ છે કે ૧૯૨૨થી જ ‘નવજીવન’એ પુસ્તક પ્રકાશનની કામગીરી શરૂ કરીને ગાંધી સાહિત્યના પ્રચારનો આરંભ કર્યો હતો.

navjivan-02

નવજીવન ટ્રસ્ટના કન્ટેન્ટ વિભાગના કન્સલ્ટન્ટ સોહમ પટેલ ‘મિડ–ડે’ને કહે છે, ‘૧૯૪૦માં ગાંધીબાપુએ વિલ કરીને તેમનાં લખાણોના કૉપીરાઇટ નવજીવન ટ્રસ્ટને આપી દીધા હતા. નવજીવન સાપ્તાહિકમાં કાકાસાહેબ કાલેલકર, કિશોર મશરૂવાળા, મહાદેવ દેસાઈ સહિતના મહાનુભાવો લખતા હતા. દાંડીકૂચ સહિતની આઝાદીની લડતના સમાચારો એમાં પ્રસિદ્ધ થતા રહેતા હતા. આ ઉપરાંત નવજીવનમાં બાપુની આત્મકથા ૧૧૬ હપ્તામાં પ્રકાશિત થઈ હતી. ૧૯૨૫ની ૨૯ નવેમ્બરથી ૧૯૨૯ની ૩ ફેબ્રુઆરી સુધી બાપુની આત્મકથા ચાલી હતી. બાપુની આત્મકથા પાંચ ભાગમાં છે.’

અત્યાર સુધીમાં ગાંધીબાપુની આત્મકથા ૧૬ ભાષામાં પ્રસિદ્ધ થઈ છે એમ જણાવીને સોહમ પટેલ કહે છે, ‘હવે કાશ્મીરી ભાષામાં પબ્લિશ થશે. આ ઉપરાંત વિદેશની ૩૦ ભાષાઓમાં બાપુની આત્મકથા પબ્લિશ થઈ છે. આ એક યુનિક ઘટના છે કે કોઈ મહાપુરુષની આત્મકથા વિવિધ ભાષાઓમાં પબ્લિશ થઈ હોય અને એની ૫૫ લાખ ૬૮ હજારથી વધુ નકલો વેચાઈ હોય.’

આજે પણ નવજીનવ ટ્રસ્ટ ગાંધી સાહિત્યનો પ્રચાર પ્રસાર કરી રહ્યું છે અને આજના આધુનિક સમયે ગાંધી સાહિત્યનું ડિજિટાઇઝેશન અને પુસ્તકોને ઈ-બુક્સ સ્વરૂપે ઉપલબ્ધ બનાવવાનું કામ પણ કરી રહ્યું છે.

આઝાદીની લડતના દિવસોમાં નવજીવન આઠ મહિના સુધી ભૂગર્ભમાંથી છપાયું હતું

૧૯૩૦માં અંગ્રેજ સરકારે નવજીવન પાસે સરકાર વિરોધી લખાણો નહીં પ્રગટ કરવા સંદર્ભે રૂપિયા બે હજારની જામીનગીરી માગી હતી. જામીનગીરી આપવાનો ઇનકાર કરવામાં આવતાં અંગ્રેજ સરકારે નવજીવન મુદ્રણાલય જપ્ત કર્યું હતું. અંગ્રેજ સરકારનો હિંમતથી સામનો કરીને નવજીવન સાપ્તાહિક ભૂગર્ભમાં રહીને તૈયાર કરાતું હતું અને નાગરિકો સુધી પહોંચાડવામાં આવતું હતું. આઠ મહિના સુધી નવજીવન સાપ્તાહિક ભૂગર્ભમાંથી પ્રસિદ્ધ થતું રહ્યું હતું. પાછળથી અંગ્રેજ સરકારે નવજીવન મુદ્રણાલયનો હવાલો પરત સોંપ્યો હતો.

ગાંધીબાપુની આત્મકથા અરેબિક અને સંસ્કૃત ભાષામાં પણ પબ્લિશ થઈ છે

મહાત્મા ગાંધીજીની આત્મકથા ગુજરાતી, અંગ્રેજી, હીન્દી, મરાઠી, તેલગુ, તામિલ, કન્નડ, ઉર્દૂ, બંગાળી, મલયાલમ, આસામીઝ, ઓરિયા, મણિપુરી, સંસ્કૃત, કોંકણી, પંજાબી સહિત ૧૬ ભાષાઓમાં પબ્લિશ થઈ છે અને હવે કાશ્મીર ભાષામાં આત્મકથા પબ્લિશ થશે.

આ પણ વાંચો : મુંબઈમાં ગુજરાતી છાપકામ આવ્યું, છાપેલાં છાપાં ને ચોપડીઓ લાવ્યું

બીજી તરફ વિદેશમાં અરેબિક, સ્પૅનિશ, બ્રાઝિલિયન, નેપાલી, ઇંગ્લિશ, જર્મન, ગ્રીક, હંગેરિયન, જૅપનીઝ, કોરિયન, સ્વીડિશ, ટર્કિશ, રશિયન, ઇટાલિયન, ઇન્ડોનેશિયન, હંગેરિયન, ડચ સહિતની ૩૦ વિદેશી ભાષામાં બાપુની આત્મકથા પબ્લિશ થઈ છે.

Whatsapp-channel Whatsapp-channel

07 September, 2019 02:39 PM IST | મુંબઈ | શૈલેષ નાયક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK