Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > મુંબઈના ટ્રાફિકથી તમે પણ ત્રાહિમામ પોકારી ચૂક્યા છો?

મુંબઈના ટ્રાફિકથી તમે પણ ત્રાહિમામ પોકારી ચૂક્યા છો?

20 July, 2019 12:02 PM IST | મુંબઈ
રુચિતા શાહ

મુંબઈના ટ્રાફિકથી તમે પણ ત્રાહિમામ પોકારી ચૂક્યા છો?

ટ્રાફિક

ટ્રાફિક


ટ્રાફિકની હાલાકીમાં આખા વિશ્વમાં મુંબઈ પહેલા નંબર છે. એક વિદેશી ઇન્સ્ટિટ્યૂટનો આ સર્વે થોડાક સમય પહેલાં ઘણાંબધાં અખબારોની હેડલાઇન બન્યો હતો. ટોમ ટોમ ટ્રાફિક ઇન્ડેક્સે વિશ્વના ૪૦૩ શહેરોમાં કરેલા સર્વેક્ષણનું તારણ કહે છે કે મુંબઈના લોકો ટ્રાવેલિંગ દરમ્યાન ૬૫ ટકા વધારાનો સમય ટ્રાફિકને કારણે વેડફે છે. જોકે મુંબઈનો ટ્રાફિક સમયની બરબાદી સાથે બીજી અનેક સમસ્યાઓને પણ નોતરી રહ્યો છે. ચોમાસામાં આ સમસ્યા વધુ વિકટ બને છે અને

એને કારણે અન્ય પણ અનેક પ્રકારની અવળી સ્થિતિનો સામનો લોકો કરી ચૂક્યા છે. આજે કેટલાક મુંબઈકરો ‘મિડ-ડે’ સાથે શૅર કરે છે પોતાના ટ્રાફિક સાથેના કડવા અનુભવો.



રિસેપ્શન માટે ઘરેથી નીકળ્યા પણ પહોંચ્યા ત્યારે બધું પતી ગયું હતું


લગભગ ત્રીસેક વર્ષ સાઉથ મુંબઈમાં રહેનારા વિનય શાહે મુંબઈના ત્રાહિમામ પોકારાવી દેતા ટ્રાફિકનો અનુભવ કર્યો જ છે. એક કિસ્સો વર્ણવતાં તેઓ કહે છે, ‘અમારે કાંદિવલીમાં એક લગ્ન અને રિસેપ્શનમાં હાજરી આપવા જવાનું હતું. પુણેથી મુંબઈ આવવાનું હતું અને સામાન્ય રીતે ત્રણેક કલાક લાગે. સાજે સાત વાગ્યે પહોંચવાનું હતું છતાં ટ્રાફિકનો જ વિચાર કરીને ઘરેથી એકાદ વાગ્યે નીકળ્યા હતા. સામાન્ય રીતે પીક અવર ન ગણાય એવો સમય હતો. વાશી સુધી તો અમે સડસડાટ પહોંચી ગયા, પણ ખરી મજલ વાશી પછી શરૂ થઈ. ભયંકર કરતાં પણ વધુ તીવ્ર શબ્દ હોય એ મારે અહીં વાપરવો છે. ભયંકરથી પણ ભયંકર ટ્રાફિક, જેમાં ગાડી હલે જ નહીં. જે રીતે નીકળ્યા હતા એ જોતાં તો હતું કે પાંચ પહેલાં પહોંચી જઈશું. એને બદલે રાતના અગિયાર વાગ્યા. લગભગ આઠેક કલાકનો પ્રવાસ થયો. કેટરર્સવાળા પોતાનો સામાન ઊંચકી રહ્યા હતા અને રિલેટિવ્સ તો બધાય નીકળી ગયા હતા. એ દિવસે માત્ર એટલું જ માનીને આશ્વાસન લીધું કે ભગવાનની કૃપા કે બીજે દિવસે તો ન પહોંચ્યા. હમણાં થોડાક સમયથી અમે પુણે શિફ્ટ થયા એ પાછળનું કારણ પણ મુંબઈનો ટ્રાફિક જ છે. આવનારા સમયમાં ફરી પાછા મુંબઈ નહીં આવવાનું નક્કી કરવા

પાછળનું કારણ પણ મુંબઈનો ટ્રાફિક. મુંબઈમાં હતા ત્યારે મારો દીકરો સાડાછએ ડ્યુટી અવર્સ પૂરા થઈ જતા હોવા છતાં બે કલાક ઑફિસમાં બેસી રહેતો, કારણ કે તેને ખબર છે કે સાડાછએ નીકળીશ તો પણ દસ પહેલાં નહીં પહોંચું અને સાડાઆઠે નીકળીશ તો પણ દસ પહેલાં નહીં પહોંચું. ટ્રાફિકમાં બ્લડ-પ્રેશર વધારીને ફ્રસ્ટ્રેટ થવા કરતાં ઑફિસમાં શાંતિથી બેસી રહેવું વધુ સારું.’


મારી દૃષ્ટિએ સૉલ્યુશન

હવે સમય છે મુંબઈમાં નવા લોકો ન આવે એ માટે નિયમો બનાવવાનો. મુંબઈમાં સતત વધી રહેલી વસ્તી વચ્ચે આ સમસ્યાને અટકાવવી અશક્ય છે. હવે મુંબઈમાં આવવા માટે પરમિટ લેવી પડે એવી વ્યવસ્થા કરવાનો સમય છે.

મુંબઈના ટ્રાફિકને કારણે આ ભાઈ મોતને હાથતાળી આપી ચૂક્યા છે

મુલુંડમાં રહેતા પ્રકાશ બારોટ લગભગ ૧૨ દિવસ હૉસ્પિટલમાં રહ્યા છે. ત્રણેક દિવસ પહેલાં જ ઘરે આવ્યા છે. નાયગાંવથી મુલુંડ ટૂ-વ્હીલર પર જઈ રહ્યા હતા અને ત્યાં તેમને અકસ્માતનો સામનો કરવો પડ્યો, જેમાં કમરમાં ત્રણ સર્જરી કરવી પડી અને ડાબા પગના હલનચલનમાં તેમને ભારે તકલીફ સહન કરવી પડે છે. ટીવી-સિરિયલોના ડિરેક્ટર તરીકે સક્રિય પ્રકાશભાઈ પાસે ટ્રાફિકના આવા એક નહીં પણ એક હજાર અનુભવ છે. ટ્રાફિકથી ત્રાસીને જ તેમણે કારમાં જવાને બદલે બાઇક લઈને એના પર જવાનું શરૂ કર્યું અને અકસ્માત વહોર્યો. પ્રકાશભાઈ કહે છે, ‘થોડાક સમય પહેલાંનો એક અનુભવ કહું. હું ગોરેગામ ફિલ્મસિટીમાં કામ કરી રહ્યો હતો. ત્યાં રસ્તામાં મારી બાઇકની આગળ જ એક ઍમ્બ્યુલન્સ જાય, પણ ટ્રાફિક અંશમાત્ર આગળ ન વધે. ચક્કાજામ. ઍમ્બ્યુલન્સના કાચમાંથી દેખાઈ રહેલા લોકોના ચહેરા પરની ચિંતા સ્પષ્ટ દેખાઈ રહી હતી એટલે મેં આગળ જઈને બાઇક પરથી જ ટ્રાફિકને મૅનેજ કરવાના પ્રયત્ન કર્યા. કમ સે કમ ઍમ્બ્યુલન્સ જઈ શકે એવી જગ્યા થવા માંડી. થોડો આગળ ગયો તો ખબર પડી કે કોઈ વીઆઇપીનાં લગ્ન હતાં અને એના કારણે મેઇન રોડ પર ડબલ પાર્કિંગ કરવામાં આવ્યું હતું અને એને કારણે અમુક જ હિસ્સામાં ટ્રાફિક જૅમ થઈ ગયો હતો. સાચું કહું? એ વખતે ખૂબ ગુસ્સો આવ્યો. તમારાં લગ્નના સેલિબ્રેશનમાં કોઈનો જીવ જતો રહે એટલી બેદરકારી કેમ રાખી શકાય? શું કામ એવા સમયે પોલીસ પણ કાયદો અને વ્યવસ્થા ન જાળવી શકે? આવી રીતે પાર્કિંગની પરમિશન જ કેમ આપી શકાય? જોકે આપણે ત્યાં પૈસો અને પાવર હોય ત્યાં નિયમો ક્યાં હોય જ છે? આજકાલ સસ્તાં ભાડાંને કારણે સિરિયલના સેટ લોકેશન ‌સ‌િટીથી દૂર વધુ રાખવામાં આવે છે. પહેલાં હું મુલુંડથી નાયગાંવ ગાડી લઈને જતો ત્યારે પાછા આવતાં મિનિમમ ચારથી પાંચ કલાક લાગી જતા. એટલે કંટાળીને મેં બાઇક લીધી, પણ એમાં આ અકસ્માત થવાને કારણે જીવનભરની તકલીફ આવી પડી. ટ્રાફિક ઘટાડવો હોય તો નિયમો જ્યાં જરૂરી છે ત્યાં સ્ટ્રિક્ટ થવા જોઈએ. આજે ગેરકાયદે પાર્કિંગ માટે આકરા નિયમો બનાવાયા છે. તમે પાંચ અને દસ હજાર રૂપિયા ફાઇન લઈ જાણો છો, પણ હકીકતમાં પાર્ક કરી શકાય એવી કોઈ વ્યવસ્થા તો તમારી પાસે છે જ નહીં. જ્યાં લોકોની અવરજવર પણ ભાગ્યે જ હોય ત્યાં પાર્ક કરેલી ગાડી માટે પણ તમે ફાઇન લઈ લો છો, પણ આ ગાડી ક્યાં પાર્ક કરી શકાય એના કોઈ પર્યાયો તો તમે ઊભા જ નથી કર્યા.

મારી દૃષ્ટિએ સૉલ્યુશન

મારી દૃષ્ટ‌િએ જો પબ્લિક ટ્રાન્સપોર્ટ સરસ થઈ જાય તો કોઈ ગાડી લે જ નહીં. આજે તકલીફ જ એ છે કે પબ્લિક ટ્રાન્સપોર્ટની કોઈ વ્યવસ્થા નથી. રેલ નેટવર્ક વિકસ્યું છે, પણ એમાંય પાર વગરની ભીડ હોય છે. ધારો કે ભીડ પણ સહન કરીને તમે જાઓ તો આગળ પછી સ્ટેશનથી દૂરના લોકેશનમાં કેમ પહોંચવું એ પ્રશ્ન અકબંધ રહે છે. સરકાર દ્વારા સંચાલિત બસોની ફ્રીક્વન્સી ન હોય. રાતે મોડું જવું હોય તો કોઈ વાહન ન મળે. આપણે ત્યાં સરકારી સ્કૂલો સારી નથી એટલે પ્રાઇવેટ સ્કૂલમાં છોકરાઓને ભણાવવાની ફરજ પડી. સરકારી હૉસ્પિટલો સારી નહોતી એટલે પ્રાઇવેટની જરૂર પડી. પબ્લિક ટ્રાન્સપોર્ટ ઘણી સમસ્યાનું સમાધાન લાવી આપશે.

એક કલાકનો પ્રવાસ ત્રણથી ચાર કલાકે રોજ પૂરો કરું છું

મલાડમાં રહેતા પુષ્કર રાજના જીવનમાં મુંબઈનો ટ્રાફિક વણાઈ ગયો છે. તેઓ કહે છે, ‘ન સ્વીકારો તો જાઓ ક્યાં? ક્યાં સુધી હૈયાબળતરા કરીને જાતને પીડતા રહેવાનું? અહીં તમે ગમે તેટલી

હાઈ-એન્ડ ગાડી લો, તમારી ગાડીની સ્પીડ ૧૦થી ૧૫ની ઉપર જવાની જ નથી. મુંબઈના ટ્રાફિકને હૅન્ડલ કરવા મેં મારામાં ઘણાં પરિવર્તન લાવ્યાં છે. મારું ટાઇમ મૅનેજમેન્ટ એ રીતે કરી લીધું છે જેનો ફાયદો એ થાય છે કે મોટા ભાગે હું ધારેલા સમયે પહોંચી જાઉં છું. જોકે એનું નુકસાન એ છે કે મારો વધારાનો ઘણોબધો સમય બિનજરૂરી રીતે ટ્રાફિકમાં વીતી જાય છે. એની જગ્યાએ હું એ સમય ખૂબ પ્રોડક્ટિવ કામમાં વાપરી શક્યો હતો.

મારી દૃષ્ટિએ સૉલ્યુશન

રિક્ષા અને ગાડીઓની લેન અલગ કરી દેવી જોઈએ. કમ સે કમ મુખ્ય હાઇવે પર તો આ નિયમ લાગુ કરવો જ જોઈએ. આજે ઘણોબધો સમય અચાનક કટ મારીને જતાં અને વારંવાર લાઇન બદલનારાં વાહનોને કારણે પણ બગડે છે. ટ્રાફિક જૅમ થવા માટે આ કારણ હંમેશાં નજરઅંદાજ કરાય છે. જે માત્ર વાહનની ગતિને જ નહીં, પણ ગાડી ચડાવી રહેલી વ્યક્તિની ઍન્ગ્ઝાયટી વધારવાનું કામ પણ કરે છે.

ફુટપાથ પર ગાડી ચલાવીને માંડ ઍરપોર્ટ પહોંચેલા

કાંદિવલીમાં રહેતા કીર્તિ શાહ થોડાંક વર્ષો પહેલાંનો પોતાનો અનુભવ શૅર કરતાં કહે છે, ‘અમે અષ્ટવિનાયકનાં દર્શન કરીને પાછા આવી રહ્યા હતા. મારી સાથે રહેલા પરિવારના અમુક સભ્યોની અમદાવાદની ફ્લાઇટ હતી. લગભગ દોઢેક કલાકનું અંતર ઍરપોર્ટ પર પહોંચવાનું બાકી હતું ત્યાં સાધારણ વરસાદ આવ્યો અને આખો a ચક્કાજામ થઈ ગયો. લગભગ પાંચેક કલાક અમને ઍરપોર્ટ પહોંચવામાં લાગ્યા. સિક્યૉરિટી ચેકઇનનો સમય પાર થઈ ચૂક્યો હતો. ડ્રાઇવર સારો હતો કે તેણે જરૂર પડી ત્યાં ફુટપાથ પર ગાડી ચલાવીને પણ અમને પહોંચાડ્યા. રૂટીનમાં એક કલાકના પ્રવાસમાં અઢીત્રણ કલાક ટ્રાફિકમાં લાગે એની તો હવે આદત પડી ગઈ છે. જોકે આ કિસ્સો એવો હતો જેમાં અમારા સહુના જીવ અધ્ધર હતા.

મારી દૃષ્ટિએ સૉલ્યુશન

આપણે ત્યાં ટ્રાફિક થવાનું મુખ્ય કારણ છે ઇલીગલ પાર્કિંગ અને ફેરિયાઓ દ્વારા થયેલું એન્ક્રોચમેન્ટ. એમાં જો રોક લગાવાય અને પાર્કિંગની ઉપયુક્ત વ્યવસ્થા પૂરી પડાય તો ટ્રાફિકને હળવો કરી શકીએ છીએ.

સોનિયા ગાંધીની રૅલીને કારણે અમે અમારી કલકત્તાની ટ્રેન ચૂકી ગયાં હોત

ઘાટકોપરમાં રહેતી જિનલ મોદીને ઘણી વાર મુંબઈના ટ્રાફિકના માઠા અનુભવો થયા છે, પણ સૌથી વધુ યાદગાર છે તેમનો સપરિવાર કલકત્તાનો પ્રવાસ. જિનલ કહે છે, ‘સીએસટીથી અમારે દુરૉન્તો પકડવાની હતી કલકત્તા જવા માટે. અમે કાંદિવલીથી આવી રહ્યાં હતાં એટલે બે કલાકની ગણતરી હતી અને એમાં અમે અડધો કલાક વધારાનો ગણીને થોડા વધુ વહેલાં નીકળ્યાં હતાં. પીક અવર્સ નહીં હોવાને કારણે ટ્રાફિક નડે એની કોઈ સંભાવના નહોતી. એના બદલે થયું સાવ ઊંધું. એ દિવસે બીકેસીમાં સોનિયા ગાંધીની રૅલી હતી. પરિવારની એક વ્યક્તિ સીએસટી પહોંચી ગઈ હતી, પણ અમારો કોઈ અતોપતો નહોતો. રૅલીને કારણે બધા રસ્તા ડાઇવર્ટ કરી દેવામાં આવ્યા હતા. અમે બધા જ ટેન્શનમાં હતાં, કારણ કે બધાની ટિકિટ અમારી પાસે હતી. ત્યાં સ્ટેશન પર રહેલા ચાર લોકોની ટિકિટ પણ અમારી પાસે હતી. લગભગ પોણાછની અમારી ટ્રેન હતી. મારા અંકલે ટ્રેનના મોટરમૅનને ખૂબ રિક્વેસ્ટ કરી હતી કે થોડીક વાર માટે ટ્રેન થોભી રાખો. અમારા સંબંધી ફસાઈ ગયા છે. ખૂબ વિનવણી પછી તેણે ત્રણ મિનિટ વધારાની રાહ જોવાની તૈયારી દેખાડી. અમારો ડ્રાઇવર ખૂબ સ્માર્ટ હતો. તેણે પ્લૅટફૉર્મ સુધી અમારી ટૅક્સી લઈને અમને ટ્રેનમાં પહેલાં જે ડબ્બો આવ્યો એમાં બેસાડી દીધા. ઑસ્કર મળે એના કરતાં હજારગણી ખુશી એ સમયે અમને ટ્રેન મળી એની થઈ હતી. બે કલાકને બદલે લગભગ પાંચ કલાકે અમે સીએસટી પહોંચ્યા હતા.’

મારી દૃષ્ટિએ સૉલ્યુશન

નિયમો બધા માટે સરખા હોવા જોઈએ. વીઆઇપી વ્યક્તિ આવે એટલે આમ જનતાને તકલીફ ભોગવવી પડે એ પરિસ્થિતિ તો ન જ થવી જોઈએ. ટ્રાફિકને નડતરરૂપ બને એવી એક પણ પરમિશન ન આપવી જોઈએ.

ટ્રેન છૂટી અને છેલ્લે કસ્ટમરે ફ્લાઇટમાં જવું પડ્યું હતું

ઘાટકોપરમાં રહેતા સમીર શાહ અત્યારે સ્કૂલ વૅન ચલાવી રહ્યા છે અને બાળકોને લેવા-મૂકવામાં પણ તેમને ભારે ટ્રાફિકનો સામનો કરવો પડી રહ્યો જ છે. જોકે એ પહેલાંનો એક કિસ્સો વર્ણવતાં તેઓ કહે છે, ‘મારી પોતાની ગાડી છે એટલે શરૂઆતમાં રેન્ટલ કાર ચલાવતો હતો. એમાં એક પૅસેન્જરને મારે ઘાટકોપરથી બાંદરા કુર્લા કૉમ્પ્લેક્સમાં પહોંચાડવાના હતા. કલાકનો રસ્તો ગણાય સામાન્ય રીતે. જોકે થોડોક સમય સ્પેરમાં હતો એટલે ‌ચિંતા નહોતી. શરૂઆતમાં તો ગાડી સડસડાટ ચાલી, પણ પછી લગભગ ૧૫ મિનિટનું ડિસ્ટન્સ બાકી હતું ત્યાં ગાડી ટ્રાફિકમાં ફસાઈ. તમે હલી ન શકો એટલો ખરાબ ટ્રાફિક. ટ્રેનનો સમય ચૂકી ગયા રસ્તામાં જ અને ત્યાંથી ગાડી યુ ટર્ન લઈને અમે ઍરપોર્ટ ગયા અને એ ભાઈએ આખરે ફ્લાઇટમાં જવું પડ્યું. આવું તો ઘણી વાર બને છે. ઘાટકોપરમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે તમે ચાલીને ૧૫ મિનિટમાં પહોંચો, પણ ગાડીમાં જાઓ તો એક કલાક તો સામાન્ય રીતે પકડીને ચાલવાનો. સ્કૂલ વૅન ચલાવતો હોવાથી મારાં બાળકો રાહ જોતાં હોય, પણ હું ટ્રાફિકને કારણે પહોંચી ન શકું. રોજના લગભગ ૩૦૦ રૂપિયાનું એક્સ્ટ્રા સીએનજી હું ટ્રાફિકને કારણે વેડફું છું. ટ્રાફિકને કારણે અઢળક અકસ્માતો પણ થઈ રહ્યા છે.’

આ પણ વાંચો : વર્લ્ડ કપની ફાઇનલે તમને શું શીખવ્યું?

મારી દૃષ્ટિએ સૉલ્યુશન

ઑટોમેટેડ ટ્રાફિક સિગ્નલની એરિયાવાઇઝ ટ્રેઇનિંગ આપીને એની વ્યવસ્થા કરવી જોઈએ. રૉન્ગ સાઇડથી આવતાં વાહનોની પરમિ‌ટ રદ કરવી જોઈએ. નિયમો માત્ર કાગળ પર જ નહીં, પણ વ્યવસ્થામાં આવે એવા પ્રયત્નો થવા જોઈએ.

Whatsapp-channel Whatsapp-channel

20 July, 2019 12:02 PM IST | મુંબઈ | રુચિતા શાહ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK