Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > સંયમ અને સંસ્કારના શહેનશાહ

સંયમ અને સંસ્કારના શહેનશાહ

12 October, 2019 02:35 PM IST | મુંબઈ
રાજ ગોસ્વામી

સંયમ અને સંસ્કારના શહેનશાહ

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન


દાસાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત અમિતાભ બચ્ચન માટે તમે શું લખો? ૫૦ વર્ષની કારકિર્દીમાં તેમના વિશે એટલું લખાઈ ગયું છે કે બધું પુનરુક્તિ જ લાગે, પણ એક સવાલ છે જેનો કોઈએ ઉચિત રીતે જવાબ નથી આપ્યો: ખ્વાજા અહમદ અબ્બાસની ‘સાત હિન્દુસ્તાની’ (૧૯૬૯) ફિલ્મમાં અમિતાભ સાતમાંથી એક ઍક્ટર હતા. છતાં એવું તો શું થયું કે સાતમાંથી માત્ર અમિતાભે જ સફળતા અને સર્જનાત્મકતાનો એવરેસ્ટ એવી રીતે સર કર્યો કે તેમણે હિન્દી ફિલ્મોના તમામ સ્ટાર-સુપરસ્ટારને પાછળ મૂકી દીધા? ઘણા પત્રકારો મહેનતને શ્રેય આપે છે તો અમુક નસીબની બલિહારી ગણે છે. અમુક એવાય છે જે અમિતાભની ખંધી ધંધાદારી સૂઝને માર્ક્સ આપે છે તો બીજા અનેક તેમની પ્રતિભાનાં ગુણગાન ગાય છે.

એમ તો અમિતાભના સમકાલીન અને હમઉમ્ર કલાકારો પણ એટલા જ મહેનતુ, નસીબદાર, સૂઝવાળા અને પ્રતિભાશાળી હતા; પણ એ બધામાંથી અમિતાભ જ અલગ તરી આવ્યા. કેમ? હકીકતમાં તેમના સમકાલીન ઍક્ટરોથી વિપરીત, અમિતાભની સફળતામાં તેમના પારિવારિક બૅકગ્રાઉન્ડ અને તેમની આંતરિક પ્રકૃતિએ બહુ મહત્વની ભૂમિકા ભજવી છે. બહુ લોકો આ બે મહત્વનાં પરિબળોને નજરઅંદાજ કરે છે. તેમના સમયના અનેક સ્ટ્રગલરોની સરખામણીમાં અમિતાભ પાસે બહુ નક્કર બૅકગ્રાઉન્ડ હતું અને એના કારણે જ ‘દીવાર’નો સંવાદ યાદ કરીએ તો અમિતાભ ‘લંબી રેસ’નો ઘોડો સાબિત થયા હતા. નેહરુ-ગાંધી પરિવાર સાથેની ઓળખાણ કામ લાગી હતી એ ખરું, પણ એનાથી અમિતાભનો રસ્તો આસાન થવાને બદલે કઠિન થયો હતો.



અમિતાભનાં માતા-પિતા હરિવંશરાય બચ્ચન અને તેજી બચ્ચન બન્ને શિક્ષક હતાં. તેજી ઉર્ફે તેજ કૌર સૂરી લાહોરની ખૂબચંદ ડિગ્રી કૉલેજમાં સાઇકોલૉજીનાં પ્રોફેસર હતાં. હરિવંશરાય હિન્દીના સૌથી લોકપ્રિય કવિ હતા. તેમની સૌથી પ્રસિદ્ધ કવિતા ‘મધુશાલા’ છે. તેમણે અલાહાબાદ યુનિવર્સિટીમાં ૧૯૪૧થી ૧૯૫૭ સુધી અંગ્રેજી વિભાગમાં ભણાવ્યું હતું. એ પછી તે બે વર્ષ માટે કૅમ્બ્રિજ યુનિવર્સિટીમાં પ્રસિદ્ધ ઇંગ્લિશ કવિ ડબલ્યુ. બી. યેટ્સ પર પીએચડી કરવા ગયા હતા. હરિવંશરાયે શેક્સપિયરના મહાન નાટક મૅક્બેથનો હિન્દી અનુવાદ કર્યો હતો અને એમાં તેજી બચ્ચને લેડી મૅક્બેથની ભૂમિકા કરી હતી. તેજીને નાટ્યકલા અને ગીત ગાવાનો શોખ હતો. અમિતાભમાં અભિનયનો શોખ માતા તરફથી આવ્યો હતો.


પિતા હિન્દી ભાષાના દિગ્ગજ કવિ અને અંગ્રેજી સાહિત્યના પંડિત હોય, માતા ગીત-સંગીત-અભિનયની શોખીન હોય અને ઘરમાં કવિઓ, શાયરો તથા નવલકથાકારોની અવરજવર હોય એ કોઈ પણ બાળક માટે બહુ દુર્લભ શિક્ષણ કહેવાય. અમિતાભમાં કળા-સાહિત્યની, ભાષાની અને વિચાર-વર્તનની જે તહજીબ છે એ આ બૅકગ્રાઉન્ડમાંથી આવે છે. લોકો જ્યારે અમિતાભની શોહરત અને દોલત ગણે છે ત્યારે આ મહત્વની વાત ભૂલી જાય છે.

બીજું એક પરિબળ છે આત્મસંયમની ભાવના. ધુંઆધાર સફળતા હોય કે નિષ્ફળતાની ઊંડી ખાઈ હોય, ઘર ગીરવે કરવું પડે એટલું દેવું હોય કે કલાકના કરોડ રૂપિયાની કમાણી હોય, અમિતાભ ન તો સુખમાં છકી ગયા છે કે ન તો દુઃખમાં હતાશ થઈ ગયા છે. અગત્યની વાત એ છે કે તેમણે સુખ અને દુઃખનાં આ બન્ને અંતિમો જોયાં છે. આ સંસ્કાર પણ પારિવારિક બૅકગ્રાઉન્ડની જ દેન છે. હરિવંશરાય મહાન કવિ એટલા માટે હતા, કારણ કે તેમણે કવિતામાં ચિંતન પણ કર્યું હતું. અમિતાભમાં જીવન પ્રત્યેનો ફિલોસૉફિકલ અભિગમ પિતામાંથી આવ્યો છે.


૧૯૧૯માં અમિતાભ બચ્ચને અમિતાભ બચ્ચન કૉર્પોરેશન લિમિટેડ (એબીસીએલ) નામની એન્ટરટેઇનમેન્ટ કંપની શરૂ કરી. હૉલીવુડના ઍક્ટરોની તર્જ પર વ્યક્તિગત બ્રૅન્ડ વૅલ્યુ પર કોઈ ભારતીય ઍક્ટરે કંપની ખોલી હોય એ આ પહેલી ઘટના હતી. એ ફિલ્મો બનાવવાની હતી અને મનોરંજન સંબંધી અન્ય કારોબાર કરવાની હતી. એક જ ઝટકામાં તેમણે ૧૫ ફિલ્મો, બૅન્ગલોરમાં મિસ વર્લ્ડ સ્પર્ધા અને અમુક મ્યુઝિક રાઇટ્સ અંકે કર્યા. પહેલા વર્ષે તો ઠીક ચાલી અને ૧૭૫ કરોડનું ટર્નઓવર અને ૬૫ કરોડનો નફો કર્યો.

બીજા વર્ષથી ધબડકો શરૂ થયો. અમિતાભને ધંધાની નીતિરીતિ આવડતી નહોતી એટલે તેમણે સીઈઓ અને મૅનેજરો પર આધાર રાખેલો. એમાં ખટરાગ શરૂ થયા. જે ફિલ્મો પ્રોડ્યુસ કરી એ ફ્લૉપ ગઈ. મિસ વર્લ્ડ સામે બૅન્ગલોરમાં દેખાવો થયા અને મીડિયામાં બદનામી થઈ. સ્પર્ધાનો ખર્ચો એટલો આવ્યો કે ખાયાપિયા કુછ નહીં, ગિલાસ તોડા બારહ આના જેવો ઘાટ થયો.

એબીસીએલ તૂટી અને ફડચામાં ગઈ, અમિતાભના નામે દેવું ચડી ગયું, ફિલ્મો મળતી નહોતી. મુંબઈ-દિલ્હીમાં તેમની અમુક પ્રૉપર્ટી ટાંચમાં લેવાઈ હતી. અમિતાભનું નામ કૌભાંડી અને ચોરોમાં સામેલ થઈ ગયું હતું. તેમની ઊંઘ શબ્દશઃ હરામ થઈ ગઈ હતી.

આ દિવસોની વાત અમિતાભે પહેલી વાર પ્રસિદ્ધ હિન્દી પત્રિકા ‘ધર્મયુગ’ના સંપાદક ધર્મવીર ભારતીનાં પત્ની પુષ્પા ભારતીને કહી હતી. એક દિવસ અમિતાભને બેચેનીમાં ઊંઘ ન આવી. તેમનો આત્મા ડંખતો હતો. અમિતાભ કહે છે કે તેમને આખી રાત વિચારો આવતા હતા. તેમને થતું હતું કે હું આ કંપનીના ચક્કરમાં કયાં પડ્યો? મારું કામ તો ઍક્ટિંગ કરવાનું હતું. એ સવારે પાંચ વાગ્યે અમિતાભ યશ ચોપડાના ઘરે ગયા અને કહ્યું કે મને કામ આપો. એમાંથી શાહરુખ ખાન સાથેની ‘મોહબ્બતેં’ ફિલ્મ આવી અને હિટ ગઈ. અમિતાભના પુનરાગમનની એ પહેલી હિટ ફિલ્મ અને એ પછી અમિતાભે બીજી ઇનિંગની એવી ધમાકેદાર શરૂઆત કરી કે એ હજી પણ ચાલી રહી છે. એમાં દેવાની એક-એક પાઈ ચુકવાઈ ગઈ અને અમિતાભે માથા પર જે કલંક હતું એ મિટાવી દીધું.

કલંકનો બીજો કિસ્સો બોફોર્સકાંડ છે. બોફોર્સકાંડની તપાસ કરી રહેલી એજન્સીઓએ જ સ્વીડનના સમાચારપત્રમાં અમિતાભ અને ભાઈ અજિતાભ પણ કટકીના ભાગીદાર છે એવા સમાચાર પ્લાન્ટ કરાવ્યા. આ બહુ મોટું કલંક હતું અને અમિતાભના પરિવારમાં એને લઈને બહુ ક્લૅશ હતો. એમાં એક દિવસ પિતા હરિવંશરાયે અમિતાભને બોલાવીને પૂછ્યું હતું, તેં કોઈ ખોટું કામ તો નથી કર્યુંને. એ વખતે પહેલી વાર અમિતાભને લાગ્યું હતું કે આ કલંકને લઈને પિતાના મનમાં પણ સંદેહ પેદા થયો છે અને દુઃખી થયા હતા. અમિતાભની આંખમાં આંસુ આવી ગયાં હતાં. તેણે આ કલંક મિટાવવા કાનૂની લડાઈ લડવાનો નિર્ણય કર્યો હતો અને લંડનની અદાલતમાં સ્વીડિશ પત્ર સામે દાવો દાખલ કર્યો હતો. એમાં આરોપો પુરવાર થયા નહોતા. જ્યારે અમિતાભને ક્લીન ચીટ મળી ત્યારે અમિતાભે પિતાને જ યાદ કરીને કહ્યું હતું કે આજે તે જીવતા હોત તો સૌથી વધુ ખુશ થયા હોત. આ તકલીફમાંથી બહાર આવવાની વાત.

હવે સફળતાની વાત. એક દુર્લભ કહી શકાય એવા ઇન્ટરવ્યુમાં ૧૯૯૦માં ‘મૂવી’ નામની ફિલ્મપત્રિકા માટે અમિતાભ અને રાજેશ ખન્નાએ એકબીજાને સવાલ-જવાબ કરેલા. રાજેશ ખન્નાએ એમાં અમિતાભને પૂછેલું, ‘પણ ‘નમકહરામ’ અને ‘દીવાર’ પછી તું સુપરસ્ટાર બની ગયો ત્યારે તને શું મહસૂસ થયેલું? હું આ એટલા માટે પૂછું છું કારણ કે એક સમયે હું પણ ટોચ પર હતો. અને હું સુપરસ્ટારડમ શબ્દ એટલા માટે વાપરું છું કારણ કે ચાહકો, પ્રેસ અને ફિલ્મ-સર્જકો એ શબ્દ બોલે છે. તને એની અસર થયેલી?’

અમિતાભે જવાબમાં કહેલું, ‘ના, મને એની સહેજ પણ અસર નહોતી. હું માનું કે મારી સફળતા પટકથા, નિર્દેશક અને સહકલાકાર પર નિર્ભર હતી, હું તો નસીબજોગે એમાં હતો.’

રાજેશ : એ તો ટેક્નિકલ પાર્ટ થયો, પણ તારા પોતાના યોગદાનનું શું? અંગત રીતે મને લાગે છે કે ડિરેક્ટર જયારે ‘સ્ટાર્ટ સાઉન્ડ ઍન્ડ એક્શન’ બોલે એ પછી ઍક્ટર સિવાય કોઈ ડિપાર્ટમેન્ટ ત્યાં ન હોય.

અમિતાભ : તદ્દન સાચું. તમને એક રોલ આપવામાં આવ્યો હોય અને તમારે તમારું શ્રેષ્ઠ આપવાનું હોય.

રાજેશ : એકદમ. એટલે સ્ટારડમ પણ ઍક્ટરને જ મળે.

અમિતાભ : મેં એ રીતે વિચાર્યું નથી. 

રાજેશ : તો એનો મતલબ એવો થયો કે તું નિષ્ફળતાનો પણ અસ્વીકાર કરીશ?

અમિતાબ : ઍબ્સલ્યુટ્લી.

રાજેશ : સફળતાય નહીં અને વિફળતા પણ નહીં, એમ?

અમિતાભ : ઍબ્સલ્યુટ્લી.

રાજેશ : તું જશ પણ ન ખાટે અને જૂતિયાં પણ ન ખાય?

અમિતાભ : ઍબ્સલ્યુટ્લી.

જોવા જેવું છે કે લોકો જેના માટે ‘ઉપર આકા અને નીચે કાકા’કહેતા હતા તે રાજેશ ખન્નાને પહેલી વાર એવો સ્ટાર મળ્યો હતો જે તેના સ્ટારડમથી પ્રભાવિત નહોતો. એટલે જ રાજેશ એકની એક વાત ફરી-ફરીને પૂછતો હતો. આ એ જ રાજેશ હતો જે તેની તોતિંગ સફળતામાં અંજાઈને આંધળો થઈ ગયો હતો અને એ ‘આકા-કાકા’ના અહંકારમાં જ તેનું પતન થયું થયું હતું. જ્યારે પતન થયું ત્યારે તે એને પણ સહન ન કરી શક્યો. એ જ ઇન્ટરવ્યુમાં રાજેશે એકરાર કર્યો હતો કે એક રાતે હતાશામાં (અને નશામાં) તે બાંદરાના સમુદ્રમાં કેડસમા પાણીમાં ઊતરી ગયો હતો અને ડિમ્પલ તથા તેનો સ્ટાફ તેને બહાર લઈ આવ્યા હતા. 

અમિતાભ તેમની ફિલ્મોની સફળતા અને નિષ્ફળતા બન્નેથી નિસ્પૃહ હતા. એટલે તેમના માટે છકી જવું કે હતાશ થઈ જવું બન્ને સંભવ નથી. આ તેમની બીજી સૌથી મોટી તાકાત છે. પૈસો તેમને ગુમાન નથી આપતો અને ગરીબી તેમને હતાશ નથી કરતી. તેમના પડદા પરના કિરદાર ‘વિજય’ની જેમ ખરાબ સમયમાં તે ઊઠવાનો સંઘર્ષ કરે છે અને સારા સમયમાં તે જાતને બહેતર બનાવવા પ્રયાસ કરે છે. આજે ૭૯ વર્ષે તે ‘કૌન બનેગા કરોડપતિ’ જે કુનેહથી કરે છે એ ખુદને બહેતર બનાવવાની જરૂરિયાતનું પરિણામ છે.

અમિતાભનો સંયમ તેમના બૅકગ્રાઉન્ડમાંથી, ઘરમાંથી મળેલા શિક્ષણમાંથી આવે છે. પડદા પરનો ‘વિજય’ કે અસલી અમિતાભ જે ગુસ્સામાં સંઘર્ષ કરે છે, કલંક મિટાવે છે, વિજય મેળવે છે કે ન્યાય કરે છે, એ સંયમ અને શિક્ષણની બુનિયાદ પર ઉત્પન્ન થયેલી પોતાની સ્થિતિ પ્રત્યેની જાગરૂકતાનું પરિણામ છે. અચ્છાઈ અને બુરાઈમાં આ જાગરૂકતા જ અમિતાભનો સૌથી મજબૂત સ્તંભ રહી છે. અબ્બાસસાહેબને તે ‘સાત હિન્દુસ્તાની’ માટે મળેલા ત્યારે એ ફિલ્મ હાથમાંથી જતી રહેવાની હતી, કારણ કે હરિવંશરાયનો દીકરો છે એવું જાણીને અબ્બાસસાહેબ અચકાઈ ગયેલા. એ તો કવિની મંજૂરી માગી અને એ મળી એ પછી અમિતાભને ફિલ્મમાં લીધો. 

‘ધર્મયુગ’ના સંપાદક ધર્મવીર ભારતીના કહેવાથી યશ માલવીય નામના હિન્દી કવિએ હરિવંશરાય બચ્ચનનો ઇન્ટરવ્યુ કર્યો એમાં માલવીયે પહેલો જ સવાલ પૂછેલો કે તમે તમારી કઈ રચનાને શ્રેષ્ઠ માનો છો? માલવીયને એમ કે તેઓ તેમની કોઈ કાવ્યરચનાનું નામ આપશે. હરિવંશરાયે જવાબ આપ્યો હતો, ‘અમિતાભ બચ્ચન.’ એ ઇન્ટરવ્યુમાં અમિતાભ પણ હાજર હતો. જવાબ સાંભળીને તેમના ચહેરા પર શરમના શેરડા પડી ગયા હતા.

Whatsapp-channel Whatsapp-channel

12 October, 2019 02:35 PM IST | મુંબઈ | રાજ ગોસ્વામી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK