જ્યારે આખા દેશે મુંબઈથી ગાંધીજીની હાકલ સાંભળી : ક્વિટ ઇન્ડિયા – કરેંગે યા મરેંગે

Published: Oct 12, 2019, 14:36 IST | ચલ મન મુંબઈ નગરી - દીપક મહેતા | મુંબઈ

1942ના એ યાદગાર દિવસો

૮ ઑગસ્ટની સાંજે અધિવેશનમાં ગાંધીજી
૮ ઑગસ્ટની સાંજે અધિવેશનમાં ગાંધીજી

માત્ર મુંબઈના ઇતિહાસમાં જ નહીં, આખા દેશના ઇતિહાસમાં વીસમી સદીની ત્રણ તારીખો અત્યંત મહત્વની બની ગઈ – ગાંધીજીના લીધે. ૧૯૧૫માં દક્ષિણ આફ્રિકાથી પાછા આવીને ગાંધીજી જાન્યુઆરીની ૯ તારીખે મુંબઈના ઍપોલો બંદરે ઊતર્યા એ પહેલી તારીખ. ૧૯૩૧ના ઑગસ્ટની ૨૯ તારીખે ગાંધીજી બીજી ગોળમેજી પરિષદમાં ભાગ લેવા ગ્રેટ બ્રિટન ગયા એ બીજી મહત્વની તારીખ. અને ત્રીજી મહત્વની તારીખ એ ૧૯૪૨ના ઑગસ્ટની નવમી તારીખ.

ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી પાછા આવ્યા એ પછી બરાબર ૨૭ વર્ષ અને સાત મહિને તેમણે અંગ્રેજ સરકાને ‘ભારત છોડો’ – ક્વિટ ઇન્ડિયા – નો આદેશ આપ્યો અને દેશવાસીઓને ‘કરેંગે યા મરેંગે’નો સંદેશ આપ્યો. અને પહેલી બે ઘટનાઓની જેમ આ ત્રીજી ઘટના પણ બની મુંબઈમાં.

૧૯૪૨ના ઑગસ્ટની ત્રીજી તારીખે ગાંધીજી મુંબઈ આવી બિરલા હાઉસમાં રહ્યા. તારીખ ૪,૫,૬ના કૉન્ગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળી, બિરલા હાઉસમાં જ. પાંચમી તારીખે તો સવારે ત્રણ કલાક અને સાંજે ત્રણ કલાક એની બેઠક ચાલી. આ બેઠક શરૂ થતાં પહેલાં જ કેટલાક મતભેદોને કારણે ચક્રવર્તી રાજગોપાલાચારી, ખાનસાહેબ અને ભુલાભાઈ દેસાઈ રાજીનામાં આપી કૉન્ગ્રેસમાંથી છૂટા થયા હતા. સામ્યવાદીઓ, મુસ્લિમ લીગ, હિંદુ મહાસભા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને કેટલાંક દેશી રાજ્યોએ કૉન્ગ્રેસના ઠરાવનો વિરોધ કર્યો હતો અને તેઓ ‘ક્વિટ ઇન્ડિયા’ ચળવળથી અળગા રહ્યા હતા. આ બેઠકમાં ગાંધીજીએ લગભગ એક કલાકના ભાષણમાં કૉન્ગ્રેસ પર મુકાયેલા આરોપોનો જવાબ આપ્યો.

ત્યાર બાદ ઑગસ્ટની ૭ અને ૮ તારીખે ઑલ ઇન્ડિયા કૉન્ગ્રેસ કમિટીનું અધિવેશન મળ્યું હતું. એને માટે ગોવાલિયા ટૅન્ક મેદાન પર ખાસ મંડપ બાંધ્યો હતો. ૧૮૮૫માં જે ગોકુલદાસ તેજપાલ પાઠશાળામાં કૉન્ગ્રેસનો જન્મ થયો એની નજીક જ આ મંડપ બાંધ્યો હતો. પ્રમુખસ્થાને હતા અબુલ કલામ આઝાદ. આ અધિવેશન અંગેની તૈયારીનો બધો ભાર પછીથી જે મુંબઈના બેતાજ બાદશાહ તરીકે ઓળખાયા તે સદોબા પાટીલે (૧૮૯૮-૧૯૮૧) ઉપાડ્યો હતો. ૭ ઑગસ્ટે લગભગ ૧૦ હજાર માણસોએ અધિવેશનમાં હાજરી આપી હતી. એના કરતાં વધુ માણસો મંડપમાં સમાઈ શકે એમ નહોતું એટલે બીજા પાંચ હજાર લોકોએ બધાં ભાષણ મંડપની બહાર ઊભા રહીને સાંભળ્યાં હતાં. સાંજ સુધીમાં આ સંખ્યા વધીને ૧૦ હજારે પહોંચી હતી એમ સીઆઇડીના અહેવાલમાં જણાવ્યું હતું. આ લોકો માટે ખાસ લાઉડસ્પીકરની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ બેઠકમાં દેશની આઝાદી માટે છેવટની લડાઈ – અહિંસક લડાઈ – લડવા માટે તૈયાર રહેવા દેશવાસીઓને હાકલ કરવામાં આવી અને ગાંધીજીએ ‘કરેંગે યા મરેંગે’નો મંત્ર આપ્યો.

બીજી બાજુ અંગ્રેજોને ‘ક્વિટ ઇન્ડિયા’નો આદેશ અપાયો. આ લડતની સરદારી લેવા માટે ગાંધીજીને વિનંતી કરવામાં આવી. આ અંગેનો ઠરાવ પંડિત જવાહરલાલ નેહરુએ રજૂ કર્યો હતો અને સરદાર પટેલે એને ટેકો આપ્યો હતો. જોકે આ ઠરાવ સર્વાનુમતે પસાર થયો નહોતો. ૧૩ મત એની વિરુદ્ધમાં પડ્યા હતા. ઠરાવ પસાર થયા પછી ગાંધીજીએ ભાષણ કર્યું હતું. સીતારામૈયાએ પછીથી નોંધ્યું છે કે એ ભાષણ કરતી વખતે ગાંધીજી પ્રોફેટ જેવા જણાતા હતા. તેમના શબ્દોમાં અગ્નિ હતો પણ બાળનારો નહીં, પાવન કરનારો. એક અખબારને આપેલી મુલાકાતમાં ગાંધીજીએ કહ્યું હતું કે આ પૃથ્વી પર મારે કોઈ દુશ્મન નથી, અંગ્રેજો પણ નહીં જ. હું વિરોધ કરું છું એ તેમના શાસનનો. બેઠકને અંતે જાહેર કરવામાં આવ્યું કે રવિવાર તારીખ ૯ ઑગસ્ટની સવારે અધિવેશનના સ્થળે ધ્વજવંદન સાથે લડતનો આરંભ થશે.

પણ ૯ ઑગસ્ટની સવાર પડે એ પહેલાં લગભગ આખી રાત મુંબઈના પોલીસ-કમિશનરની કચેરીમાં ચહલપહલ ચાલુ રહી હતી. નવમીની સવારે બરાબર પાંચ વાગ્યે બિરલા હાઉસની બહાર પોલીસની ગાડી આવીને ઊભી રહી. એમાંથી ઊતર્યા મુંબઈના પોલીસ-કમિશનર હેરલ્ડ ઍડવિન બટલર અને બીજા બે પોલીસ-અધિકારીઓ. મહાદેવભાઈ દેસાઈએ તેમને આવકાર્યા.

nehru

પોલીસ કમિશનરે તેમને કહ્યું કે ગાંધીજી, મીરાબહેન અને તમારી ધરપકડ કરવાનું વૉરન્ટ લઈને આવ્યો છું. પછી ઉમેર્યું કે કસ્તુરબા અને પ્યારેલાલની ધરપકડ કરવાનો હુકમ નથી, પણ જો તેમની ઇચ્છા હોય તો તેઓ ગાંધીજીની સાથે પોલીસ-સ્ટેશન આવી શકે છે. પણ તે બન્નેએ બિરલા હાઉસમાં જ રહેવાનું પસંદ કર્યું. મહાદેવભાઈએ પૂછ્યું કે અમારે કેટલા વખતમાં તમારી સાથે આવવા નીકળવાનું છે? જવાબ મળ્યો: તમારી પાસે અડધો કલાક છે. પછી ગાંધીજીએ રોજની જેમ બકરીનું દૂધ અને ફ્રૂટ જૂસનો નાસ્તો કર્યો. પછી બિરલા હાઉસમાં હાજર હતા તે બધાએ સાથે મળીને ‘વૈષ્ણવ જન તો તેને રે કહીએ’ ગાયું. પછી પવિત્ર કુરાનનો પાઠ થયો. પછી પોતાની થોડીક અંગત જરૂરિયાતની વસ્તુઓ, ભગવદ્ગીતા અને કુરાનની નકલો, આશ્રમ ભજનાવલીની નકલ અને પોતાનો ચરખો એટલી વસ્તુઓ સાથે લઈને ગાંધીજી બિરલા હાઉસથી પોલીસ-કમિશનર સાથે રવાના થયા.

ખાનગી અહેવાલો પ્રમાણે ગાંધીજી અને બીજાઓની ધરપકડ થવાની છે એવા સમાચાર ગાંધીજી અને તેમના સાથીઓને દિલ્હીથી અગાઉથી જ મળી ગયા હતા અને એટલે તેઓ ધરપકડ માટે તૈયાર હતા. ગાંધીજી અને તેમની સાથેના કેદીઓને વિક્ટોરિયા ટર્મિનસ (આજનું છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ) લઈ જવામાં આવ્યા. કૉન્ગ્રેસના બીજા પણ ઘણા આગેવાનોની ધરપકડ કરીને તેમને પણ વી. ટી. સ્ટેશને લાવવામાં આવ્યા હતા.

ગાંધીજી અને બીજા કેટલાક મહત્વના નેતાઓને પુણેની યેરવડા જેલમાં લઈ જવામાં આવ્યા અને બીજાઓને અહમદનગરની જેલમાં. નવમીની સવારે ગોવાલિયા ટૅન્ક મેદાન પર ધ્વજવંદન કરી શકે એવો કોઈ મોટો નેતા જેલની બહાર રહ્યો નહોતો. પણ ત્યાં તો વીજળીની ઝડપે ૩૩ વરસની એક યુવતી ઝડપથી દોડીને ધ્વજસ્તંભ સુધી પહોંચી ગઈ અને આંખનાં પલકારામાં ઝંડો ફરકાવી દીધો અને પછી તરત ત્યાંથી અલોપ થઈને ભૂગર્ભમાં ચાલી ગઈ. એ યુવતી તે અરુણા અસફઅલી. તેની ધરપકડ માટે બ્રિટિશ સરકારે પાંચ હજાર રૂપિયાનું ઇનામ જાહેર કર્યું, પણ સરકાર તેને પકડવામાં સફળ થઈ નહીં. સ્વેચ્છાએ આત્મસમર્પણ કરવાની તેને ગાંધીજીએ આપેલી સલાહ અરુણાએ સ્વીકારી નહીં. ૧૯૪૬માં તેની સામેનું વૉરન્ટ રદ થયા પછી જ તેઓ ભૂગર્ભમાંથી બહાર આવ્યાં.

અરુણા અસફઅલી ધ્વજ ફરકાવીને અલોપ થઈ ગયા પછી સરકારી દમનનો કોરડો વિંઝાયો. પોલીસે મંડપ સીલ કરીને એનો કબજો લીધો. મોટી માનવ મેદની પર પહેલાં લાઠીચાર્જ કર્યો અને પછી ટિયર ગૅસ વાપર્યો અને કરફ્યુ જાહેર કર્યો. ગાંધીજીની સાથે કસ્તુરબા અને પ્યારેલાલને પકડવામાં આવ્યાં નહોતાં, પણ નવમીની બપોરે શિવાજી પાર્કમાં યોજાયેલી એક સભામાં જવા તેઓ નીકળ્યાં ત્યારે તેમની ધરપડ કરીને ગાંધીજી પાસે પુણે મોકલી દેવામાં આવ્યાં. કૉન્ગ્રેસના લગભગ બધા મહત્વના નેતાઓ જેલમાં હતા છતાં લોકોએ પોતાની મેળે લડત શરૂ કરી દીધી. ઠેર ઠેર સભા, સરઘસ, હડતાળ શરૂ થઈ ગયાં.

લાઠીચાર્જ અને ટિયર ગૅસથી પરિસ્થિતિ કાબૂમાં ન આવી એટલે પોલીસે ગોળીબાર શરૂ કર્યા. એમાં ૮ જણ માર્યા ગયા અને ૧૬૯ ઘવાયા. એટલે લોકોએ પોસ્ટ-ઑફિસ, પોલીસ ચોકી, રેલવે-સ્ટેશન જેવી સરકારી ઇમારતોને આગ ચાંપવાનું શરૂ કર્યું. ધરપકડ પહેલાં ગાંધીજીએ કહ્યું હતું કે આજે જે કોઈ દેશવાસી આઝાદી ઇચ્છે છે તે કૉન્ગ્રેસી છે અને દરેક કૉન્ગ્રેસી પોતાનો ‘લીડર’ છે. એટલે લોકોએ જ આ લડત ચલાવવાની છે. આ લડત કઈ રીતે ચલાવવી એ અંગે પણ ગાંધીજીએ જણાવ્યું હતું. લગભગ બે અઠવાડિયાં સુધી સ્કૂલ-કૉલેજ અને ઘણાંખરાં બજારો બંધ રહ્યાં.

સાથોસાથ હિંસાનું તત્વ પણ લડતમાં ઉમેરાયું. બીજી ઑક્ટોબરથી એક અઠવાડિયા સુધી ‘ગાંધી સપ્તાહ’ ઊજવવાનું નક્કી થયું અને રોજેરોજ માટેનો કાર્યક્રમ જાહેર થયો. એમાં હડતાળ, પ્રાર્થના, ધ્વજવંદન, પ્રભાતફેરી, કાંતણ વગેરેનો સમાવેશ થતો હતો. લડતને દોરવણી આપવાનું કામ ભૂગર્ભ પત્રિકાઓ અને ભૂગર્ભ રેડિયો દ્વારા થતું હતું. જોકે ૧૨ નવેમ્બરે એ ચલાવતાં ઉષાબહેન મહેતા, ચંદ્રકાન્ત ઝવેરી અને બીજા કેટલાક પકડાયાં અને તેમને લાંબી જેલની સજા થઈ.

વર્ષો પછી અરુણા અસફઅલીએ કહ્યું હતું કે ‘૧૯૪૨માં લોકોના પુણ્યપ્રકોપનો જે જ્વાળામુખી ફાટ્યો હતો એની હું તો એક નાનકડી ચિનગારી માત્ર હતી.’ આમ જે જ્વાળામુખી મુંબઈમાં ફાટ્યો એના લાવારસનો પ્રવાહ પછી તો આખા દેશમાં ફેલાયો.

સ્વતંત્રતા સૌકોઈ માટે હશે અને એકસરખી હશે

આજના જેવો પ્રસંગ હરકોઈની જિંદગીમાં આવતો નથી. આજે હું જે કાંઈ કહી અને કરી રહ્યો છું એમાં શુદ્ધતમ અહિંસા સિવાય બીજું કશું નથી એટલું તમે સૌ જાણો અને અનુભવો એમ હું ઇચ્છું છું. વર્કિંગ કમિટી પાસે ઠરાવનો જે ખરડો રજૂ કરવામાં આવ્યો છે એનો આધાર અહિંસા છે અને એમાં જે લડતની વાત છે એનાં મૂળ પણ અહિંસામાં જ રહેલાં છે. એટલે તમારામાંથી જેમને અહિંસામાં શ્રદ્ધા ન હોય અથવા જે અહિંસાની વાતથી થાક્યા હોય તેમને હું કહીશ કે આ ઠરાવની તરફેણમાં મત ન આપશો. મારી વાત જરા વિગતે સમજાવું. ઈશ્વરે મને અહિંસારૂપી અણમોલ શસ્ત્ર ભેટ આપ્યું છે. આજે મારી અને મારી અહિંસાની કસોટી છે... આપણી લડત સત્તા માટેની નથી, પણ હિન્દુસ્તાનની આઝાદી માટેની સંપૂર્ણપણે અહિંસક લડત છે.

આ પણ વાંચો : સંયમ અને સંસ્કારના શહેનશાહ

હિંસક ક્રાંતિ પછી ઘણી વાર કોઈ સફળ નેતા આપખુદશાહી શાસન સ્થાપી દે છે. પણ કૉન્ગ્રેસનો કાર્યક્રમ, જે મૂળભૂત રીતે અહિંસક છે એમાં આપખુદશાહીને તો અવકાશ જ નથી. આઝાદી માટેનો અહિંસક સેનાની પોતાના માટે કશું મેળવવાનો તો પ્રયત્ન પણ ન કરે. એ લડી રહ્યો છે એ તો દેશની આઝાદી માટે. આઝાદી મળ્યા પછી કોનું રાજ્ય હશે એ અંગે કૉન્ગ્રેસને કશી જ ચિંતા નથી. જ્યારે પણ આઝાદી આવશે ત્યારે ખરી સત્તા તો લોકોના હાથમાં હશે અને રાજકારભાર કોને સોંપવો એ લોકો જ નક્કી કરશે. દાખલા તરીકે સત્તાની લગામ પારસીઓના હાથમાં સોંપાય એવું પણ બને. આવું બને તો એ મને બહુ જ ગમે. કે પછી કૉન્ગ્રેસમાં જેનું કોઈએ નામ પણ ન સાંભળ્યું હોય એવા કોઈના હાથમાં પણ સત્તા સોંપાય. ત્યારે આ તો એક સાવ નાનકડું જૂથ છે કે આ પક્ષે તો આઝાદી માટેની લડતમાં ભાગ જ નહોતો લીધો – તો એને સત્તા કેમ સોંપી શકાય એવો વાંધો કૉન્ગ્રેસ ઉઠાવી શકે નહીં. લોકશાહી અંગેની મારી જે કલ્પના છે એમાં, અહિંસા પર આધારિત લોકશાહીમાં, સ્વતંત્રતા સૌકોઈ માટે હશે અને એકસરખી હશે. દરેક વ્યક્તિ પોતાની માલિક હશે. આવી લોકશાહી માટેની લડતમાં જોડાવા માટે આજે હું તમને સૌને આમંત્રણ આપું છું.

મહાત્મા ગાંધી, ૮ ઑગસ્ટ, ૧૯૪૨ના રોજ કરેલા પ્રવચનમાં
(અંગ્રેજી પરથી મુક્ત અનુવાદ)

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK