Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > સ્થળાંતર મુંબઈ ટુ થાણે, નવી મુંબઈ, સસ્તાં ઘરોની કમ્ફર્ટ અને ઍમેનિટિઝ છે

સ્થળાંતર મુંબઈ ટુ થાણે, નવી મુંબઈ, સસ્તાં ઘરોની કમ્ફર્ટ અને ઍમેનિટિઝ છે

14 September, 2019 05:32 PM IST | મુંબઈ
ભક્તિ ડી દેસાઈ

સ્થળાંતર મુંબઈ ટુ થાણે, નવી મુંબઈ, સસ્તાં ઘરોની કમ્ફર્ટ અને ઍમેનિટિઝ છે

ગીચતા

ગીચતા


ઘર એ મૂળભૂત જરૂરિયાત છે, પણ આજના જમાનામાં એટલું જ પર્યાપ્ત નથી, જરૂર છે સુવિધાઓથી ભરપૂર એવા સ્માર્ટ ઘરની. છેલ્લા એક દાયકામાં દક્ષિણ મુંબઈ તથા મુંબઈનાં પરાંના વિસ્તારથી થાણે જિલ્લામાં થયેલા સ્થળાંતર પરથી એમ કહી શકાય કે લોકોની અનેક અપેક્ષાઓ પર એ ખરું ઊતર્યું છે. દક્ષિણ મુંબઈના કેટલાયે વિસ્તારો એવા છે જ્યાં ખૂબ જ નાનાં-નાનાં ઘરો છે. દક્ષિણ મુંબઈમાં વસ્તી ઓછી થઈ રહી છે અને થાણે જિલ્લા તરફ શહેરના જ વધુ ને વધુ લોકો સ્થળાંતર કરી રહ્યા છે. 

તાતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશ્યલ સાયન્સિસની સ્કૂલ ઑફ રિસર્ચ મેથડોલૉજીના પ્રોફેસર તથા અસોસિયેટ ડીન પ્રોફેસર ડી. પી. સિંહે સેન્સસના આધારે આપેલી માહિતી પ્રમાણે જણાય છે કે થાણે અને મુંબઈમાં અંદર-અંદર લોકોનું જે સ્થળાંતર થયું એમાં થાણેથી મુંબઈ આવનારા ઓછા છે, પણ મુંબઈથી થાણે જિલ્લામાં સ્થાયી થનારા વધારે છે.  તેમના કહેવા મુજબ ૨૦૦૧થી ૨૦૧૧ના સમયગાળા દરમ્યાન મુંબઈનાં પરાંમાંથી થાણે જિલ્લામાં સ્થળાંતર કરનારાઓનો આંકડો ૩૮૯૯૧૭ છે, જ્યારે દક્ષિણ મુંબઈથી થાણે જિલ્લામાં સ્થાયી થનારા લોકોની સંખ્યા ૭૯૮૪૩૭ રહી છે. ૨૦૨૧માં જે જનગણના થશે ત્યારે એમાં એ માહિતી મળશે કે  ૨૦૧૨થી અત્યાર સુધીમાં કેટલા લોકોએ ક્યાં સ્થળાંતર કર્યું છે. મુંબઈમાંથી થાણે તરફ જનારા કુલ લોકોની સંખ્યા ૧૧૮૮૩૫૪ છે, પણ એમાંથી ૨૦૦૧થી ૨૦૧૧ના  દાયકામાં થાણે જિલ્લાથી મુબઈનાં પરાં તથા દક્ષિણ મુંબઈમાં સ્થળાંતરિત થયેલા લોકોને બાદ કરતાં ફક્ત થાણેમાં મુંબઈથી જનારા લોકોને કારણે જે વસ્તીવધારો થયો એનો આંકડો ૧૦૮૭૧૪૪ છે, એટલે થાણે જિલ્લામાં મુંબઈથી સ્થળાંતર કરનારાઓની જનસંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે એ વાત ચોક્કસ છે. 
અહીં પ્રોફેસર સિંહના કહેવા મુજબ એક વાત નક્કી છે કે થાણેમાં ૨૦૦૧થી ૨૦૧૧ના દસકામાં લગ્નના કારણે આંતરજિલ્લા સ્થળાંતર કરનારાઓની સંખ્યા ૧૪.૪૩ ટકા અને આંતરરાજ્ય સ્થળાંતર કરનારાઓની સંખ્યા ૧૪.૯૪ ટકા નોંધાઈ છે અને આમાંથી મોટા ભાગે સ્ત્રીઓ જ છે અને કક્ત એક ટકો પુરુષ હોઈ શકે. એક સ્થળ છોડીને બીજા સ્થળે સ્થાયી થનાર મહિલાઓનાં કારણોમાં મહત્ત્વનું કારણ લગ્ન જ હોય છે અને આશરે ૫૦થીયે વધારે ટકા સ્ત્રીઓ લગ્ન માટે જ સ્થળાંતર કરે છે.  
પ્રોફેસર સિંહે આપેલા વસ્તીગણતરીના આંકડાને જોતાં એક પ્રશ્ન મનમાં ઉદ્ભવવો સ્વાભાવિક છે કે આટલા લોકો મુંબઈ છોડીને થાણે જિલ્લામાં જાય એનું કારણ શું હોઈ શકે એનો જવાબ આપતાં આર્કિટેક્ટ તથા નગરઆયોજક નીતિન કિલ્લાવાલા કહે છે, ‘દક્ષિણ મુંબઈમાં જમીન અને મિલકતના ભાવ છેલ્લા એક દાયકાથી વધી ગયા છે અને વધી રહ્યા છે. થોડાં વર્ષોથી જે કમર્શિયલ હબ મોટા ભાગે આ વિસ્તારોમાં હતા એ પશ્ચિમી તથા પૂર્વીય પરાના વિભાગોમાં જેમ કે  વિક્રોલી, ગોરેગામ, મલાડમાં આવી ગયા છે. જે સ્થળાંતર માહિમથી દહિસર તરફ અને માહિમથી ફોર્ટ તરફના વિસ્તારોમાં થયું છે એનાથી વસ્તીનાં દૃષ્ટિકોણથી શહેરમાં એક અસંતુલન સર્જાયું છે. આ વાતનું સમર્થન આઈલૅન્ડ સિટીના પ્રૉપર્ટી ટૅક્સના આંકડા પરથી સમજાય છે. પ્રૉપર્ટી ટૅક્સમાં માહિમથી દક્ષિણ મુંબઈનું યોગદાન ૧૪૦૦ કરોડ  છે અને માહિમથી પશ્ચિમી પરા વિભાગ (થાણે તરફ બીએમસી અંતર્ગત આવતા વિભાગો)ના પ્રૉપર્ટી  ટૅક્સનું યોગદાન રૂપિયા ૩૫૦૦ કરોડ છે, આના પરથી પણ એક વાતનું સમર્થન થાય છે કે દક્ષિણ મુંબઈની વસ્તી ઓછી થઈ રહી છે.  માહિમથી દક્ષિણ મુંબઈ તરફ અને માહિમથી થાણે તરફની વસ્તીમાં અસંતુલન વધી રહ્યું છે. આપણે ત્યાં સરકાર તરફથી કોઈ ટાઉન-પ્લાનર કે ટ્રાન્સપોર્ટ-પ્લાનરની નિયુક્તિ થતી નથી. શહેરના પરિવહન કે નગર આયોજનના નિર્ણયો પણ મુખ્ય પ્રધાન હેઠળ જ છે. આને માટે કોઈ નિષ્ણાતોની નિમણૂક કરવાની જરૂર છે.’
પરિવહનની વ્યવસ્થા વિશે પૂછતાં નીતિનભાઈ કહે છે, ‘મુંબઈમાં કેટલાયે એવા પરિવાર છે જેમાં વ્યક્તિદીઠ એક કાર છે અને એથી જ મેટ્રો આવે કે મોનોરેલ, ટ્રાફિકની પરિસ્થિતિમાં ખાસ્સો ફરક પડે એવું લાગતું નથી. મુંબઈને પરિવહનના દૃષ્ટિકોણથી ગાડીઓની સંખ્યા ઓછી કરવા માટે અમુક કડક નિયમોની જરૂર છે, જેમ કે સિંગાપોરમાં પોતાના જ મકાનની બહાર કાર પાર્ક કરવા માટે જે કિંમત ચૂકવવી પડે છે એની કિંમત સરવાળે કારની કિંમત કરતાંયે વધારે હોય છે. લોકોને પબ્લિક ટ્રાન્સપોર્ટ લેવાની ફરજ પાડવી જ જોઈએ. નવી મુંબઈમાં વસ્તી વધી તો ઇન્ફ્રાસ્ટ્રકચરનો પણ વિકાસ થયો. એમઆઇડીસીની પણ પરિવહનના દૃષ્ટિકોણથી કાબિલે તારીફ છે.’
મુંબઈના વિવિધ રસ્તાઓ અને ત્યાં થતા ટ્રાફિક વિશે ચર્ચા કરતાં નીતિનભાઈ કહે છે, ‘છેલ્લાં પાંચ વર્ષમાં ઝૂંપડપટ્ટીનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે. અંધેરીથી દહિસર તરફ લિન્ક રોડ પરથી પસાર થતાં ઝૂંપડપટ્ટી જોવા મળે છે, ખાસ કરીને મલાડથી દહિસર સુધીના વિસ્તારમાં  ઊડીને આંખે વળગે એ રીતે આ ઝૂંપડાંઓ દેખાય છે. આના ઇલાજ તરીકે આવતાં પાંચ વર્ષની અંદર ઝૂંપડપટ્ટી પુનર્વસનની ઇમારતોનું નિર્માણ થશે અને હાલમાં છે એના કરતાં પણ વધારે ભીડ આ રસ્તાઓ પર વધશે અને સ્વાભાવિક રીતે પરિવહન વધારે જટિલ બનશે.’
અહીં એક વાત ચોક્કસ છે કે જ્યાં સુધી કારની સંખ્યામાં ઘટાડો કરવા માટે કોઈ નિયમો લાગુ નહીં કરવામાં આવે ત્યાં સુધી ટ્રાફિકની સમસ્યાનું કોઈ નિવારણ નહીં થાય.
શહેર અને ઔદ્યોગિક વિકાસ મહામંડળ મહારાષ્ટ્ર મર્યાદિત (સિડકો)ના નિવૃત્ત વરિષ્ઠ આંકડાશાસ્ત્રી તથા હાલના એમજીએમ કૉલેજના પ્રોફેસર રીટા અબી માહિતી આપતાં કહે છે, ‘સિડકો સંસ્થા નવી મુંબઈમાં સ્થળાંતરિત થનાર લોકોનાં કારણો પર દર પાંચ વર્ષે સર્વે કરે છે. એના પરથી જાણવા મળે છે કે જ્યારે પણ લોકો એક શહેરના એક ભાગમાંથી બીજા  સ્થળે રહેવાનો નિર્ણય લે છે તો એ વિસ્તાર ઘણાં કારણસર લોકોને આકર્ષક લાગતો હોય છે. મુંબઈના પરાં વિસ્તારોમાં, થાણે અને નવી મુંબઈમાં એવાં ઘણાં આકર્ષણો છે, જેમ કે સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સારી વીજળી-વ્યવસ્થા અને સૌથી મોટું કારણ છે રોજગારની તકો. થાણે, બેલાપુરમાં નવાં આઈટી સેક્ટર પણ આવી ગયાં છે. સ્કૂલ-કૉલેજો વધી ગઈ છે. કૃષિ ઉત્પાદન બજારનું સ્થળાંતર થવું, મોટા મૉલ્સ બનવા, નવાં કમર્શિયલ અને રિસર્ચ સેન્ટર્સનું નિર્માણ થવું, આ બધાને કારણે રોજગારની તક મુંબઈના પ્રમાણમાં અહીં વધવા લાગી. ધંધા અથવા રોજગાર માટે પહેલાં ઘરની એક વ્યક્તિ સ્થળાંતરિત થાય અને પછી આખો પરિવાર નવી જગ્યાએ સ્થાયી થઈ જાય એવું પણ બનતું હોય છે. દક્ષિણ મુંબઈથી થાણે તથા નવી મુંબઈથી આવનારા લોકોમાં ખાસ કરીને એવા લોકો પણ છે જેઓ પહેલાં સંયુક્ત પરિવારમાં રહેતા હતા અને હવે વિભક્ત પરિવારમાં રહે છે.’
વધુમાં અહીં ધાર્મિક અને સામાજિક સંસ્થાઓમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. એમ જણાવીને રીટા અબી ઉમેરે છે, ‘મુંબઈ કરતાં સસ્તાં ઘરો થાણે જિલ્લામાં તથા નવી મુંબઈમાં સહેલાઈથી મળવા લાગ્યાં, પરિવહન સુવિધાઓ પણ એટલી જ સારી છે. અહીં એક વર્ગ અનઑર્ગેનાઇઝ્‍ડ સેક્ટરનો વધ્યો છે, જેઓ ઑર્ગેનાઇઝ્‍ડ સેક્ટર સ્થળાંતરિત થવાથી આવ્યા છે; જેમ કે રિયલ એસ્ટેટ, બિલ્ડર તથા મોટા પ્રોજેક્ટ્સ આવે એટલે ઇલેક્ટ્રિશિયન, પ્લમ્બર, ઘરકામ કરનારી બાઈઓ, ઑફિસમાં કામ કરનાર પ્યુન-વર્ગ, ડ્રાઇવર આ બધા સ્થાયી થઈ જાય છે.’
વિવિધ નિષ્ણાતોના અભિપ્રાય પરથી કહી શકાય કે મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં જ નહીં, પરંતુ જ્યારે પણ શહેરના એક વિભાગમાંથી અન્ય કોઈ પણ વિસ્તારમાં એકાએક લોકો સ્થળાંતરિત થવા લાગે છે ત્યારે એ વિસ્તારમાં ઘણી એવી મૂળભૂત ખાસિયતો હોય છે જેમ કે પરિવહન, પાણી, વીજળી, સુવિધાસભર મકાનો, જે લોકોને પોતાની તરફ આકર્ષે છે અને બાકીની કમી લોકો આવ્યા પછી લોકોની વધતી જરૂરિયાત એક રોજગારની તક બની જાય છે અને એ જરૂરિયાતો પૂરી કરવા સક્ષમ એવા અન્ય લોકો આ તક ઝડપવા અહીં સ્થાયી થઈ જાય છે. આમ નાનાથી મોટા, ગરીબથી તવંગર, ઑર્ગેનાઇઝ્‍ડથી અનઑર્ગેનાઇઝ્‍ડ, પરિવારના એક સભ્યથી લઈને અનેક સભ્યો સુધી અને એકથી અનેક ધર્મવાળા લોકો અહીં આવવા લાગે છે. 



સ્થળાંતર કરનારા મુંબઈગરાઓ શું કહે છે?


આજની પેઢી સુવિધાસભર મકાનો પસંદ કરે છે અને છેલ્લાં ૧૦ વર્ષમાં આવાં મકાનોની સંખ્યા થાણે તરફ વધી ગઈ છે
કાલબાદેવીના અમુક વિસ્તારોમાં વર્ષો પહેલાં ભાટિયા સમાજના ઘણા લોકો રહેતા હતા. ભાટિયાવાડી, ગીતાગૃહ  તથા મહાજનવાડીમાં રહેતા ભાટિયા જ્ઞાતિની વસતી વધુ હતી. આ સમાજના લોકો સાથે ખૂબ નિકટતાથી સંકળાયેલા બોરીવલી ભાટિયા મિત્ર મંડળના સેક્રેટરી ગોપાલ વેદ કહે છે, ‘પહેલાં અહીં બેઠા ઘાટની ચાલીઓ હતી. આશરે ત્રણસો-ચારસો સ્ક્વેર ફુટનાં ઘર હતાં અને ઘરમાં સભ્યોની સંખ્યા વધારે રહેતી. પાણીની સમસ્યા આજે પણ છે.  અહીં સવારે અને સાંજે અમુક ચોક્કસ સમયે પાણી આવે અને ભરવા માટે ઘરની દીકરી કે વહુ જાય. જોકે હવે ભાટિયા સમાજના લગભગ ઘણા લોકો દક્ષિણ મુંબઈની જગ્યાઓ વેચી મુંબઈના પરામાં અથવા થાણે તરફ સ્થાયી થઈ ગયા છે. લગભગ વીસેક વર્ષ પહેલાં જે લોકોએ  પોતાનાં ઘર વેચ્યા તેમને ઓછી કિંમતે બોરીવલી તથા કાંદિવલીમાં મોટાં ઘર મળી ગયાં. એ સમયે મુંબઈમાં ઘરની કિંમત ઓછી હતી, જ્યારે છેલ્લાં ૧૦ વર્ષમાં પરાનાં મકાનોના ભાવ આસમાને પહોંચી ગયા છે એથી છેલ્લા એક દાયકામાં જે લોકોએ કાલબાદેવીથી પોતાનાં ઘર વેચ્યાં તેમને સસ્તા ભાવમાં મોટી જગ્યાની પોતાની જરૂરિયાતને પ્રાધાન્ય આપવા થાણે જિલ્લામાં ઘર લેવાનો વિકલ્પ વધુ યોગ્ય લાગ્યો. મીરા-ભાઈંદરમાં જગ્યા ઓછા ભાવે મળતી હતી, પણ પાણીની તકલીફ હોવાથી લોકોની પસંદગી એના પર ઊતરી નહીં. હવે લોકો મીરા-ભાઈંદર તરફ પણ જાય છે કારણ કે ત્યાં પાણી, રસ્તા, પરિવહનની સુવિધા વધી ગઈ છે.’

ભાટિયા સમાજના લોકોની માનસિકતા તથા ગમા-અણગમાથી ભલીભાંતિ પરિચિત એવા ગોપાલભાઈ કહે છે, ‘દક્ષિણ મુંબઈથી પરાં તરફ લોકોએ જે સ્થળાંતર કર્યું એનું મુખ્ય કારણ એ છે કે નાનાં ઘર અને પાણીની સમસ્યાને કારણે છોકરાઓને લગ્ન માટે કન્યા મળવામાં મુશ્કેલી થાય છે. બીજું કારણ એ છે કે કાલબાદેવીનાં અમુક મકાનો ૧૦૦ વર્ષથીયે જૂનાં છે અને ત્યાં રહેવું લોકોને સુરક્ષાની દૃષ્ટિએ હિતાવહ લાગતું નથી. હજી એક મુખ્ય કારણ એ પણ છે કે આજની પેઢી સુવિધાસભર મકાનો પસંદ કરે છે અને છેલ્લાં ૧૦ વર્ષમાં આવાં સુવિધાવાળાં મકાનોની સંખ્યા થાણે તરફ વધી ગઈ છે.’ 


નાના ઘરમાં લગ્ન કરીને આવવા આજની કમાતી-ધમાતી તથા આધુનિક વિચારધારાવાળી કઈ છોકરી તૈયાર થાય?
ત્રણ વર્ષ પહેલાં સીએસએમટીથી બોરીવલીના ગોરાઈ વિસ્તારમાં રહેવા આવેલા ભરત ભજરિયા સ્થળાંતર કરવા માટેનાં મુખ્ય કારણ જણાવતાં કહે છે, ‘અમારા દાદાના સમયથી અમે રતનજી મૂળજી ભાટિયા નિવાસમાં રહેતા હતા. આ મકાન ૧૮૫ વર્ષ જૂનું છે. પાંચ માળના આ મકાનના દરેક માળ પર ચાલીની જેમ ૨૫ ઘરો છે; જેમાં મોટામાં મોટી રૂમ ૪૦૦ સ્ક્વેરફૂટની છે, એ પણ આખા મકાનમાં ત્રણ જ.  આજે પણ અમે એ ઘર વેચ્યું નથી અને ગોરાઈમાં ઘર લઈને રહેવા આવ્યા છીએ. એનું મુખ્ય કારણ એ છે કે મારા દીકરાનાં લગ્ન કરવાનાં છે અને આટલા નાના ઘરમાં લગ્ન કરીને આવવા આજની કમાતી-ધમાતી તથા આધુનિક વિચારધારાવાળી કઈ  છોકરી  તૈયાર થાય? એ સમયે અમારાં બાળકો નાનાં હતાં. હવે મોટાં છોકરાંઓના પરિવાર સાથે આટલા નાના ઘરમાં રહેવું શક્ય નથી.’ 
તેઓ પોતાના અને અન્ય પાડોશીઓના અનુભવ પરથી કહે છે, ‘સીએસએમટી સ્ટેશનથી માત્ર ૧૦૦ મીટરના અંતરે આવેલા આ તથા બીજાં ઘણાં મકાન હેરિટેજ બિલ્ડિંગ તરીકે જાહેર કરવામાં આવ્યાં છે એથી અહીં જગ્યા વધારવી અથવા પુનર્વસન કરવું શક્ય નથી એથી પણ આજે લોકો ફોર્ટ, કાલબાદેવી, સીએસએમટી જેવાં સ્થળેથી બોરીવલી, કાંદિવલી, ભાંડુપ, થાણે, વાશી, વિરાર જેવી જગ્યાએ ઘર લેવાનું પસંદ કરે છે. પહેલાં લોકો પોતાના ગજવાને પરવડે એવાં ઘર ખરીદવા ડોમ્બિવલી જતા હતા, આજે ત્યાં પણ ગીચ વસ્તી છે એથી હાલમાં મીરા રોડ, ભાઈંદર, વસઈ, વિરાર પર લોકોની પસંદગી ઊતરી રહી છે.’

ઓછા ખર્ચે મોટી જગ્યા મળે એ માટે અમે વસઈમાં ઘર લીધું, સિક્કાનગર કરતાં અહીંની જિંદગી વધુ શાંતિભરી છે
પોતાના પરિવારને મોટી જગ્યાની સુવિધા મળે તથા ઉત્તમ ગુણવત્તાવાળું  જીવન મળે એ માટે સિક્કાનગરનું મકાન છોડીને વસઈમાં રહેવા ગયેલા તેજ ત્રિવેદી કહે છે, ‘અમારી જગ્યા ખૂબ જ નાની એટલે કે ફક્ત ૩૦૦ સ્ક્વેરફૂટની હતી એથી જગ્યાની અગવડ પડતી હતી. અમારા સમયના લોકો ગમેતેમ કરીને રહી લેતા, પણ આટલી અગવડભરી જિંદગી બાળકો મોટાં થયા પછી કેવી રીતે જીવી શકે? અમે જ્યારે આ નિર્ણય લીધો ત્યારે બોરીવલી-કાંદિવલીમાં જગ્યાના ભાવ વધારે હતા એથી ઓછા ખર્ચે મોટી જગ્યા મળે એ માટે અમે વસઈમાં ઘર લીધું અને સિક્કાનગર કરતાં વસઈની જિંદગી વધારે શાંતિભરી છે તથા ત્યાં સ્વચ્છતા પણ વધારે છે. મને  કામ પર જવા માટે રોજના પ્રવાસની અગવડ પડે છે, પણ પરિવારને  સગવડભર્યું જીવન મળે એને હું પ્રાધાન્ય આપું છું.’

ક્યાંક પોતાનું ઘર લઈએ એ કારણથી અને મોટી જગ્યા મળે એ માટે ઘર બદલ્યું હતું
બોરીવલીથી ૨૦૦૪માં ભાઈંદર રહેવા ગયેલા અને ફરી પાછા હાલમાં ભાઈંદરની જગ્યા વેચીને ચીકુવાડીની જૂની જગ્યામાં સ્થળાંતરિત થનાર નિર્મલ કાપડિયા ૧૯૯૭માં કાલબાદેવીથી બોરીવલીના ચીકુવાડી વિસ્તારમાં રહેવા આવ્યા હતા. ત્રણ વાર સ્થળાંતર કરવાનાં કારણો આપતાં નિર્મલભાઈ કહે છે, ‘અમારા પિતાના સમયથી ત્રણ ભાઈઓ કાલબાદેવીના ઘરમાં રહેતા હતા. અમારી  કુલ ૫૦૦ સ્ક્વેરફૂટની બે જગ્યા હતી. પરિવાર વધે એમ નાના ઘરમાં રહેવાની સમસ્યા તો થાય જ માટે ૧૯૯૭માં અમે એ જગ્યા વેચીને એમાં થોડા પૈસા ઉમેરી ૫૦૦ સ્ક્વેરફૂટનાં ત્રણ ઘર લીધાં. દક્ષિણ મુંબઈનાં જૂના જમાનાનાં ચાલીનાં ઘરો આજે પણ માલિકીનાં નથી અને એ ભાડાનાં જ ગણાય છે. ભલે પાઘડીપ્રથાના કાયદા પ્રમાણે  ઘર વેચ્યા પછી આવેલી રકમમાં  ઘરમાલિકનો ભાગ તેના ભાડૂત કરતાં ઓછો હોય છે, પણ અંતે તેને પોતાની માલિકીનું ઘર તો ન જ કહી શકાય. ક્યાંક પોતાનું ઘર લઈએ એ કારણથી અને મોટી જગ્યા મળે એ માટે ૫૦૦ સ્ક્વેરફૂટની જગ્યાના ભાવમાં બોરીવલીમાં આશરે ૧૨૦૦ સ્ક્વેરફૂટની જગ્યા મળતી હતી. ૨૦૦૪માં મેં ભાઈંદરમાં જગ્યાના ઓછા ભાવ જોઈને એક રૂમ-રસોડાની જગ્યા રોકાણ માટે લીધી અને ભાડે દુકાન પણ કરી. પછી બોરીવલી છોડીને વેપાર ત્યાં હતો એટલે ત્યાં રહેવા ગયા અને હવે ફરી ભાઈંદરથી ચીકુવાડીની જગ્યામાં રહેવા આવી ગયા એનું કારણ એ  છે કે ભાઈંદરની જગ્યા વેચીને એ પૈસામાં કાંદિવલીમાં હું દુકાન ખરીદવાનું નિયોજન કરું છું.’

Whatsapp-channel Whatsapp-channel

14 September, 2019 05:32 PM IST | મુંબઈ | ભક્તિ ડી દેસાઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK