ચંબુ અને ચંપા ગરબાના ગ્રાઉન્ડ પર પહોંચ્યાં. ત્યાં નહોતું મંદિર કે નહોતાં
માતાજી. ચાની લારીવાળો નવ દિવસ ટેમ્પરરી પૂજારી હતો એ જાણી ‘ઓહ માય ગૉડ’
બોલી ચંબુ ઢળી પડ્યો. આ થઈ ગયા શનિની વાત.
મનોરંજનથી મનોમંથન - સુભાષ ઠાકર
ચંબુ અને ચંપા ગરબાના ગ્રાઉન્ડ પર પહોંચ્યાં. ત્યાં નહોતું મંદિર કે નહોતાં માતાજી. ચાની લારીવાળો નવ દિવસ ટેમ્પરરી પૂજારી હતો એ જાણી ‘ઓહ માય ગૉડ’ બોલી ચંબુ ઢળી પડ્યો. આ થઈ ગયા શનિની વાત. હવે તમને થશે કે શું છે આ બધું? હવે તમે કહો તો આગળ વધું. (ત્યારે આગળ શું અમારે વધવાનું? અરે, અમને આવા લખવાના વિચાર આવતા હોત તો ‘મિડ-ડે’એ તને શું કબડ્ડી રમવા આ જગ્યા આપી છે?) તો વીર વાચક, લોકલાગણી-કમ-માગણીને માન આપી ઠાકર આગળ વધે છે. ઍક્ચ્યુઅલી ચંબુ ઢળી નહોતો પડ્યો, પણ આખેઆખો ઢોળાઈને બેહોશીમાં જતો રહેલો. ચંબુને આવી હાલતમાં જોઈ પુરાતન પથ્થરકાળથી ચાલ્યું આવ્યું છે એમ ઍઝ ઇટ ઇઝ નજર સમક્ષ આખું બેહોશીનું દૃશ્ય દેખાતું હોવા છતાં ‘શું થયું?’ ‘શું થયું?’ના નારા સાથે મદારીના ખેલની જેમ આજુબાજુ ટોળું વીંટળાઈ ગયું. આવા બેહોશીના પ્રસંગે પણ જેનું ઘરમાં કોઈ માન ન હોય કે કોઈ માનતું પણ ન હોય એવા અક્કલમઠાઓ પણ ‘મારું માનો તો’ એટલું બોલી ઘરમાં ચડેલી દાઝો સમાજ પર ઉતારી ખોટી સલાહનો ઢગલો કરી દે. એ વખતે તેને કોણ સમજાવે કે અલ્યા ટોપા, જે બાબતમાં તારી જરાય ટપ્પી ન પડતી હોય ત્યારે તું સારું સ્ટેપલર હોઠ પર મારી મૂંગો મરને! પણ ના, આ તો જાનમાં કોઈ જાણે નહીં ને વરનો બાપ હુંની જેમ ચાલુ પડી જાય. પાછું નજર સામે હોય તોય પૂછે, ‘બેભાન થઈ ગયો છે?’ ના રે ના. આ રીતે રોજ જમીન પર બે કલાક આંખ બંધ કરી સૂવાનો શોખ છે, વાત કરે છે તે. પછી પોતે જ બોલે, ‘આમ ઠોયાની જેમ ઊભા છો શું? જાઓ મોઢા પર પાણીનો છંટકાવ કરો.’ ‘અરે,’ ચંપા બોલી, ‘તેના પર શંકરના લિંગ પર ગળતીમાંથી પડતી દદૂડીની જેમ દદૂડી કરશો તોયે ભાનમાં નહીં આવે.’
ત્યાં વળી પેલા મિ. દારૂવાળાએ નવી જ સલાહ આપી, ‘આમાં પાણી-બાણી ન ચાલે. એના કરતાં મારા હિસાબે પાંચ-સાત ટીપાં બ્રાન્ડીનાં પાઈ દો તો થોડી વારમાં ભાન...’ આ શબ્દોએ ચંબુના કાનમાં પ્રવેશ કર્યો કે શું પણ ચંબુની જીભ નાગની ફેણની જેમ લબુકઝબુક કરતી અંદર-બહાર થવા લાગી. સ્ટાર્ટ થતી ટ્યુબલાઇટની જેમ આંખો બે-ચાર વાર ઝબક-ઝબક થવા લાગી. એ તો ઑન ધ સ્પૉટ ચંપાએ પોતાના ફાટેલા સાડલાનો કાણાંવાળો પાલવ ચંબુના ચહેરા પર ઢાંકી દીધો એટલે આગળનું રહસ્ય ઢંકાઈ ગયું, છુપાઈ ગયું. બાકી ચંબુનું હૈયું ગાતું હશે, ‘મૈં તો પીતા નહીં હૂં પીલાઈ ગઈ હૈ...’ પણ ત્યાં તો કોઈએ નવો ફણગો ફોડ્યો, ‘મારા જ્ઞાન પ્રમાણે એક ડુંગળી કાપીને સુંઘાડી દો. એની વાસથી...’
‘બિલકુલ નહીં.’ ઉગ્ર અને વ્યગ્ર ચંપા બોલી. ‘વાસવાળી કોઈ વાત જ નહીં. બે દિવસ પહેલાં આ ફૂટપાથ પર એક છેલબટાઉએ ચંબુને પૂછ્યું, ‘અંકલ, તમને અહીં ગૅસની વાસ આવે છે?’ ‘હા.’ ચંબુ બોલ્યો. ‘તો લાવો સૂંઘવાના પચાસ રૂપિયા. હું ગૅસ-સિલિન્ડરવાળો છું.’
‘અરે, પણ...’
‘અરે ચંબુ આપી દે.’ મેં સલાહ આપી. ‘થોડી વારમાં તું જો સાત વાર સૂંઘીશ તો રૂપિયા પંચોતેર પડાવી લેશે. આ લોકોનો તો ઈશ્વર પણ ભરોસો નથી કરતો. અને ડુંગળી તો ભૂલથી પણ ન સુંઘાડતા. ભૂતકાળમાં ચંબુ આ રીતે બેભાન થયો ત્યારે ડુંગળી સુંઘાડવાવાળાએ પંદર રૂપિયા માગેલા. મેં પૂછ્યું તો કહે, પાંચ રૂપિયા ડુંગળીના અને દસ રૂપિયા સુંઘાડવાનો સર્વિસ ચાર્જ.’ આટલું સાંભળી ચંબુએ પાછા બેભાન થવા રિટર્ન યાત્રા કરેલી. ‘આગલા દિવસે મળેલી ટોટલ બાર રૂપિયાની ભીખ આપી હતી. હજી ભૈયો ત્રણ રૂપિયા માટે રોજ લોહી પીએ છે.’
‘તો પછી ચંબુ ભાનમાં આવ્યો કઈ રીતે?’ પ્રભુદાસે પૂછ્યું.
‘અરે એ તો કોઈ દયાળુ-કૃપાળુની કૃપા થઈ તો પાંચ-સાત ગાંઠિયાના ટુકડા અને અડધી ચા મોઢામાં સરકાવીને...’
‘અરે તો એમાં મુંઝાય છે શું?’ પ્રભુદાસ બોલ્યા. ‘અલ્યા ભીખલા, જા સો ગ્રામ ભાવનગરી ગાંઠિયા લઈ આવ.’
‘સૉરી શેઠ. અત્યારે ગાંઠિયા લેવા ઠેઠ ભાવનગર નહીં જઈ શકું.’
‘ચૂ...પ... અલ્યા ટણ્યા, તું જ્યારે હોટેલમાં કાશ્મીરી પુલાવ મગાવે છે ત્યારે વેઇટર પુલાવ લેવા છેક કાશ્મીર જાય છે કે વઘારેલા વાસી ભાત તારી ડિશમાં પધરાવી દે છે? જા પૂજા ફરસાણમાંથી સો ગ્રામ ગાંઠિયા અને...’
‘ચા મારા તરફથી...’ અધવચ્ચે પેલો ચાવાળો પૂજારી બોલ્યો. થોડી વારમાં પચાસ ગ્રામ ગાંઠિયા ચંબુના મોંમાં મૂક્યા ને પછી ગંગાજળ પીવડાવતા હોય એમ ચમચી-ચમચી કરી અડધો કપ ચા પીવડાવી. ચંબુ બે ભાનમાંથી એક ભાનમાં આવી ગયો. ચંપાએ સૌનો આભાર માન્યો ને બોલી, ‘આજ તમે બધા ન હોત તો ચંબુએ આખી જિંદગી બેભાન અવસ્થામાં જ વિતાવવી પડત.’
થોડી વારમાં ટોળું વિખેરાઈ ગયું ને ઇડરિયો ગઢ જીત્યો હોય એમ ચંપા આનંદમાં આવી ગઈ અને બોલી, ‘ચંબુડા, ઈશ્વર ભલે જીવનનાં બધાં રહસ્યો એની પાસે રાખતો, પણ આજે તં જે રીતે બેહોશીનું નાટક કરી જે રહસ્ય જાળવ્યું એટલે તું પણ કંઈ ઈશ્વરથી કમ નથી. તારું ચા-ગાંઠિયાના નાસ્તાનું કામ થઈ ગયું. હવે મારું શું?’
‘હવે બીજી ફૂટપાથ પર જઈ તારો વારો.’
‘પણ ચંબુ, આમ ને આમ ક્યાં સુધી ચાલશે?’
‘ચાલશે ચંપુ, હોશવાલો કો ખબર ક્યા જિંદગી ક્યા ચીજ હૈ. બાકી આ તારો ઉપરવાળો આપણી ઉપર પણ ક્યાં મહેરબાની કરે છે? અરે, ઉપરના પ્રભુ કરતાં તો આ જીવતો જાગતો પ્રભુદાસ સારો. નહીંતર ચા-ગાંઠિયાનું ઉપરવાળો ઈશ્વર ક્યારેય ન સાંભળે. નહીંતર આવું નાટક જ કરવું પડ્યું હોત, સમજી?’
‘અરે ડિયર ચંબુ, ઉપરવાળા પ્રભુએ જો આ પ્રભુદાસમાં દયાનો છાંટો ન મૂક્યો હોત તો...’
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK