ધનની ભૂખ માણસને ગુનેગાર બનાવે છે

Published: 3rd November, 2012 07:54 IST

થોડા દિવસમાં ધનતેરસ અને દિવાળી આવશે ત્યારે આપણે લક્ષ્મીપૂજા કરીશું. લક્ષ્મીનો એક પૂજક ૨૧મી સદીમાં તેના સેવકને બદલે પ્રથમ ગુલામ બન્યો અને પછી આજે ગુનેગાર બની જેલના દરવાજે ગયો છે.



પ્રેરણાની પળે - કાન્તિ ભટ્ટ

આગાહ અપની મૌત સે

કોઈ બશર (માણસ) નહીં

સામાન સૌ બરસ કે

પલ કી ખબર નહીં

- શાયર અકબર મૈરઠી


થોડા દિવસમાં ધનતેરસ અને દિવાળી આવશે ત્યારે આપણે લક્ષ્મીપૂજા કરીશું. લક્ષ્મીનો એક પૂજક ૨૧મી સદીમાં તેના સેવકને બદલે પ્રથમ ગુલામ બન્યો અને પછી આજે ગુનેગાર બની જેલના દરવાજે ગયો છે. કલકત્તાથી અમેરિકા જઈ છાપાં વેચતો શૅરબજાર અને મૂડીબજારમાં અબજપતિ થનારો રજત ગુપ્તા વધુ ને વધુ ધનની લાલચમાં શૅરબજારમાં ગેરકાનૂની રીતે ઇનસાઇડ ટ્રેડિંગ કરીને અમેરિકન સરકારનો ગુનેગાર બન્યો. એ બદલ બે વરસ જેલમાં ગાળશે. અહીં ભારતમાં નીતિન ગડકરી અને એ પહેલાં સલમાન ખુરશીદ ધનના ઢગલા પર બેસીને પછી સત્તાની ખુરશી પર આવ્યા અને પછી ધનનો લોભ જાગ્યો. અંગ્રેજીમાં આ ધનના લોભને કે કીર્તિના મોહને ગ્રીડ કહે છે. ‘અતિ લોભ એ પાપનું મૂળ’ એ જૂની કહેવતને તો હવે કોઈ ગાંઠતું જ નથી.

અમેરિકામાં વેપારીઓનાં કાળાં કામો અને શૅરબજારના શૅરહોલ્ડરોને છેતરનારા ઉપર નજર રાખવા સરકારે મિસ શીલા બૅરને અધિકારી નીમી હતી. તેણે ભલભલા અમેરિકન અબજપતિની ધનની ભૂખ જોઈ. એ લોકો ગાંડા આખલા જેવા થઈ ગયા હતા. શીલાએ આ ધનની ભૂખના ભડકાને જોઈને અંગ્રેજીમાં લખ્યું કે જગતભરની આખી ફાઇનૅન્શિયલ સિસ્ટમ માનવીની ધનની ભૂખની સતત સળગતી ભઠ્ઠી જેવી છે. ગ્રીડ એ જાણે અમેરિકાથી નિકાસ થઈને ભારતમાં આવી ગયેલું એક કલ્ચર બન્યું છે.

અંગ્રેજીમાં લોભ અને અતિ લોભને ગ્રીડ કહે છે. એ ઉપરાંત બીજો શબ્દ છે: એવેરીસ. એવેરીસ એટલે તૃષ્ણા, અર્થલોભ, લોલુપતા અને અત્યાધિક ધનની વાંછના. ઉપર શાયર અકબર મૈરઠીની પંક્તિ લખી છે એ કેટલીબધી માર્મિક છે! અમેરિકા જઈ અબજપતિ બનેલા રજત ગુપ્તા તો ૭૦ની ઉપરની ઉંમરના છે. એ ઉંમર તો સંન્યાસાશ્રમની ગણાય, પણ એ ઉંમરે અમેરિકાની દૃષ્ટિએ આર્થિક ગુનો કરી કોઈ આધ્યાત્મિક આશ્રમને બદલે તે જેલમાં બેઠા છે. શાયર અકબર મૈરઠી કહે છે કે જાણે આપણે ૧૫૦-૨૦૦ વર્ષો જીવવાના હોઈએ એટલો લોભ રાખીને વધુ ને વધુ ધન ભેગું કરવાનું પાપ કરીએ છીએ.

ધન કમાઈએ એનો વાંધો નથી, પણ એ માટે ગુનેગારી તરફ લઈ જતો શૉર્ટકટ ખતરનાક છે. અરે, માણસને મર્યા પછી પણ અમુક ધન સિવાયની વાસના કે તૃષ્ણા રહે છે. મશહૂર ફિલ્મસ્ટાર શબાના આઝમીના પિતા કૈફી આઝમી સારા શાયર હતા. તેમણે લખેલું કે

ઇન્સાન કી ખ્વાહિશોં કા

કોઈ ઇન્તીહા (મર્યાદા) નહીં

દો ગજ જમીન ભી ચાહીએ

ઉસે દફન કે બાદ


શાયર કૈફી આઝમી ઉપરની શાયરીમાં કહે છે કે અમુક લોકો મર્યા પછી પોતાને ક્યાં દફન કરવા કે તેમને કેવા સ્મશાનમાં બાળવા એનો પણ મોહ રાખે છે. ‘મને અહીં દાટજો કે મારાં અસ્થિફૂલો વિમાનમાંથી ચારે કોર ધરતી ઉપર ફેંકાવજો’ વગેરે-વગેરે તૃષ્ણા મૂકતા જાય છે. ‘ન્યુ સાયન્ટિસ્ટ’ નામના વિજ્ઞાનના મૅગેઝિનમાં એક લેખ હતો, ‘ધ ગ્રીડ વિલ ડિસ્ટ્રૉય અસ.’ એમાં લેખક ડૉ. ગ્રેયલીગે કહેલું કે શૅરબજારમાં માત્ર સટોડિયા જ ગ્રીડી હોત તો વાંધો નહોતો; પણ હવે પત્રકારો, કટારલેખકો, ધર્માચાર્યો અને ફિલોસૉફરો પણ ગ્રીડી બનતા જાય છે. આ લોકો જ જો રોગી બની જશે તો ધનના રોગોનો ઇલાજ કોણ કરશે?

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK