Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > સપ્તાહના ખાસ > આર્ટિકલ્સ > પ્રેમ: હા, પણ પ્રથમ તું તને પ્રેમ કર

પ્રેમ: હા, પણ પ્રથમ તું તને પ્રેમ કર

20 October, 2012 06:56 AM IST |

પ્રેમ: હા, પણ પ્રથમ તું તને પ્રેમ કર

પ્રેમ: હા, પણ પ્રથમ તું તને પ્રેમ કર




પ્રેરણાની પળે - કાન્તિ ભટ્ટ

પ્રીત

આ પ્રીત જીવનની ચાવી છે સોનાની સાવ બનાવી છે

એ જતન કરીને જાળવજો, કહીં ખબર વગર ખોવાઈ જશે

જે વેપારી હિસાબ કરે પ્રેમમાં લાભ-હાનિના ખ્યાલ કરે

જે લાંબા માંડે સરવાળા ગિનતીમાં ગોથાં ખાઈ જશે


- કવિ નાથાલાલ દવે

ભગવાન ગૌતમ બુદ્ધનો માત્ર બે શબ્દોમાં જબ્બર સંદેશ હતો - લવ યૉરસેલ્ફ. પ્રથમ તો તું તને પ્રેમ કરતાં શીખ. આ લેખ હું સુરતમાં રજનીશપ્રેમી વાચકમિત્ર કિલ્લોલ પરીખના ઘરેથી લખું છું. રજનીશની સાથે મારે ગુરુ-શિષ્યનો નહીં, મૈત્રીનો સંબંધ હતો. તેની પ્રેમ વિશેની વાતો આજે બહુ સાચી નીવડે છે.

હું જર્મની ગયો ત્યાં મહાન સંગીતકાર રિચર્ડ વેગ્નર જાણે ભગવાનની જેમ પુજાતા હતા. તેણે પ્રેમ વિશે જર્મન ભાષામાં કાવ્ય લખેલું એનો અંગ્રેજી અનુવાદ નીચે આપું છું.

Not goods nor gold

Not house nor court

Blessed in joy and grief

Let there only be love and love thyself


મારા ઘરે વિશાળ લાઇબ્રેરી છે. અગિયારસો ચોરસ ફૂટની જગ્યામાં ૧૦૦૦ ચોરસ ફૂટમાં પુસ્તકો ફેલાયેલાં છે. આ પુસ્તકપ્રેમનો હું વ્યસની છું. એમાં પ્રેમ વિશેનાં ૯૦ ટકા પુસ્તકો પણ કહે છે કે પ્રેમ એ તારા આત્મા માટેનું નરિશમેન્ટ છે. શરીરનું અને આત્માનું પોષણ છે. બીજી એક મહત્વની વાત પરસ્પર રિસ્પેક્ટની છે. બીજાઓ આપણને માન આપે એ પહેલાં આપણે પોતાને માન આપતાં શીખીએ. પોતાની નજરમાં પોતાને ઊંચે ચડાવવા માટે આપણામાં પરિવર્તન આણવું જોઈએ. આપણે બીજાઓ માટે કેટલાબધા પૂર્વગ્રહો રાખીએ છીએ? તમે માનસશાસ્ત્રીની વાતને માનો. પૂવગ્રહો આપણને બીમાર બનાવે છે. આપણને સંકુચિત બનાવે છે. સંકુચિતતા થકી આપણા શરીરના કોષો વિકસતા નથી. સુકાઈને કોષો મરતા જાય છે. આ કોષો જો તમે પ્રેમાળ હો તો આ આફૂડા-આફૂડા તમને પોષે છે. એટલે હું તો રજનીશથીયે આગળ જઈને કહું છું કે પ્રેમ એક ધર્મ છે.

મારા સૌથી પ્રિય લેખક પ્રોફેસર અને ફિલોસૉફર વિલ ડૂરાં છે. તેની વિદ્યાર્થિની જ તેને પ્રેમ કરીને પરણી ગયેલી. વિલ ડૂરાં એને તેના મિત્ર જોસેફ હેલર પણ કહેતા કે આપણે દુનિયાને બદલવાની જરૂર નથી, પ્રથમ આપણામાં પરિવર્તન લાવવાનું છે. પ્રો. વિલ ડૂરાંને કોઈકે પૂછ્યું, ‘જિંદગીભર તમે ઇતિહાસમાં ગોથાં ખાધાં. ૨૦૦૦ વર્ષની માનવીના જીવનની વિકાસગાથા લખી, પણ તમે જીવનમાંથી શું તારણ કાઢો છો?’

ત્યારે વિલ ડૂરાંએ કહ્યું કે ‘તારણ ટૂંકું છે. લવ વન અનધર ઍન્ડ ઑલ્સો લવ યૉરસેલ્ફ.’

 પ્રેમ કર્યા વગર છૂટકો જ નથી. ધિક્કાર તો બહુ કર્યો. અવિશ્વાસ પણ ખૂબ કર્યો. તિરસ્કાર પણ કર્યો. તમે જોયું કે દેશના ભાગલા પછી પાકિસ્તાને આપણી સાથે ત્રણ-ત્રણ યુદ્ધો કયાર઼્. આજે એને સત્ય સમજાય છે કે હિન્દુસ્તાનને પ્રેમ કર્યા વગર છૂટકો નથી.

ઑશો રજનીશે કહેલા શબ્દો યાદ આવે છે, ‘મનુષ્યને ભગવાને ઘડ્યો ત્યારે તેને એક જ પોર્ટફોલિયો આપ્યો - પ્રેમ કર.’

મનુષ્યને કંઈ એક વ્યર્થ વાસનાના પૂતળારૂપે જીવવા પેદા કર્યો નથી. મનુષ્ય માત્ર પરમાત્માનો અંશ જ નથી, તે પૂર્ણ પરમાત્મા બની શકે છે અને એ માટેનું શસ્ત્ર છે પ્રેમ. પ્રેમ જ માનવીને નર્મિળ આત્મા બક્ષે છે. તમારી સામે વીણા પડી છે. એના પર તાર પણ છે, પરંતુ માત્ર તાર થકી વીણા બજતી નથી. એના પર પંડિત રવિ શંકરનો (તમે) હાથ અડે ત્યારે જ એ સિતાર બને છે. જેવી તમે પ્રેમની આંગળીઓ કોઈના હૃદયને અડકાડશો એવું જ તેના કઠોર હૃદયમાં પરિવર્તન આવી પ્રેમનું સંગીત વાગી ઊઠશે. ખાસ તો અન્ય માનવ જેવો હોય તેવો તેને સ્વીકારતાં શીખવું જોઈશે. જો તેને ચાહશો તો તે સારો બનશે. સારો હશે તો વધુ સારો બનશે.

છેલ્લે કવિ દાગની પંક્તિ યાદ આવે છે -

જિસને દિલ ખોયા, ઉસીકો કુછ મિલા

ફાયદા દેખા ઈસી નુકસાન મેં


Whatsapp-channel Whatsapp-channel

20 October, 2012 06:56 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK