Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > સપ્તાહના ખાસ > આર્ટિકલ્સ > એક પલકમાં વાંચું તમને

એક પલકમાં વાંચું તમને

29 December, 2012 07:52 AM IST |

એક પલકમાં વાંચું તમને

એક પલકમાં વાંચું તમને




ન અણસાર કોઈ ન કોઈ ઝલક છે

અને બચવાની પણ ન એકેય તક છે

જૂનો પત્ર આવ્યો ફરી વાંચવામાં

ફરી આજ થોડીક ભીની પલક છે


સ્મરણોની કુંજગલીમાંથી પસાર થતાં દૃશ્યોને જોઈને હરીશ ધોબીનો આ શેર યાદ આવ્યો. પલકનો એક અર્થ થાય પળ ને બીજો અર્થ થાય પલકારો. પલક મીંચવા-ઉઘાડવા વચ્ચેની કોઈક ક્ષણે, ગુજરાતી વાંચતી લખતી એક આખી પેઢી ગુમાઈ ચૂકી છે - એવું લખનાર કવિ ઉદયન ઠક્કર કોઈ શાંત ક્ષણે આવું નિરીક્ષણ પણ કરે છે.

બે આંખોના ગલ્લા ઉપર ધસારો થયો દૃશ્યોનો

વરસભરની આવક જુઓ, પલકમાં કમાવી લીધી

પળમાં વરસની ઇન્કમ મળી જાય તો કેવું સારું લાગે, પણ ઓવરટાઇમ કર્યા વગર વધારે પગાર મળે એવું ન બને. રાત્રે પથારીમાં પડ્યા પછી કલાકો સુધી નીંદર ન આવે ત્યારે પલકારાઓ આકરા લાગે. ઉજાગરા એ આંખોનો ઓવરટાઇમ છે. એની ફળશ્રુતિ લાલાશ છે. પ્રિયજનની રાહ જોતી આંખો પ્રતીક્ષામાં જેટલી પરોવાય છે, એટલી જ દર્શન પછી મૂંઝાય છે. ખલીલ ધનતેજવી આવી સ્થિતિ બયાં કરે છે.

તમને જોઈને પલકારાની રસમ ટાળી છે આંખોએ

જ્યારે જ્યારે નજર મળી છે ત્યારે પાંપણ ઢળી છે

પ્રિયતમાને એકીટશે જોઈ હેરાન કરતી રોમૅન્ટિક આંખો ઇશ્કિયાં ફેંકબાજી કરતી હોય ત્યારે પલકારા લેવાનું પણ એને પોસાતું નથી. મીંચકારવાની ક્ષણને બાદ કરી એને ખુલ્લું રહેવું ગમતું હોય છે. સંસ્કૃત ભાષાનો વિનિયોગ કરી ગઝલને ભાષાવૈભવથી સમૃદ્ધ કરનાર શાયર રાજેન્દ્ર શુક્લ એક ગહેરી વાત છેડે છે.

દૃષ્ટિ નિષ્પલક અને હો આંખ આ નિરંજના

અંજનોની મેશમાંથી નીકળી ગયો છું હું


નિરંજના એટલે અંજન વિનાની - દોષ વિનાની આંખો. તેમાંથી ફેંકાતી નજર દૃષ્ટિ બની જાય છે. આંજ્યા વગર પણ અજવાસ દેખાય એવી સ્થિતિએ પહોંચવાનું છે. ક્યાં પહોંચવું, કેવી રીતે પહોંચવું, કોના થકી પહોંચવું એ બધા પ્રશ્નોનો ઉકેલ બધાએ જાતે મેળવવાનો છે. પસંદગી પણ પ્રસ્વેદ પડાવે એવી પ્રવૃત્તિ છે. ઘણા બધા વિકલ્પો હોય ત્યારે મન મૂંઝાય છે. આ જ ગિરનારી શાયરનો શેર અધ્યાત્મની કુંજગલીમાં લઈ જાય છે.

સખત છતાંય ફોતરું, યથેચ્છસિ તથા કુરુ

પલક મહીં થશે પરું, યથેચ્છસિ તથા કુરુ

આધ્યાત્મિક ગુરુઓ કહેતા હોય છે : યથેચ્છસિ તથા કુરુ. અર્થાત્ જેમ ઇચ્છા હોય તેમ કરો, પણ ઈશ્વરેચ્છા સર્વોપરી છે. એ હોય તો પલકમાં પરું - સ્વર્ગ મળી શકે છે. સૂવામાં રમખાણ આંખો જાગે છે ખરી, પણ જાગૃતિ સુધી પહોંચતી નથી. સવારે આંખ ઊઘડે એટલે સીધી નજર મોબાઇલ પર જાય, કોના-કોના મેસેજ છે, કેટલા-કેટલા મિસ કૉલ છે. ઉઘડતાવેંત કામે લાગી જતી આંખો નીરવતાનો અહેસાસ ગુમાવી બેસે છે. વિવેક કાણે પાસેથી સહજ નસીહત પ્રાપ્ત થાય છે.

જાગ્યા પછી નયનને ‘સહજ’ બંધ રાખજો

સપનું પલકની કેદમાં રહી જાય પણ ખરું


સપનાં સરી જવા માટે આવે. સુંવાળી કલ્પનાઓમાં આળોટતી રાતે મખમલી મહેચ્છાને સળમાં છોડી જવી પડે. સ્વીકાર-અસ્વીકારની અસમંજસ હોય તો પણ ઇજન તો મોકલવું જ રહ્યું. દ્વાર ખખડાવ્યા વગર કોઈ દરવાજો નથી ખોલવાનું. શાયર ચાતક આગોતરું રિહર્સલ કરી લેવાની તરકીબ દર્શાવે છે.

સપના કહે છે મને સપનામાં આજકાલ

શું તું મને મળી શકે પલકોની પેલે પાર?

પલકારમાં હતું ન હતું થઈ જાય એવી ઘટનાઓ દુનિયામાં બનતી રહે છે. કુદરત વીફરે તો વસ્તીને ઉજ્જડ કરી મૂકે અને વિસ્તરે તો બાગ-બાગ કરી શકે. આવી કૃપા વરસે કે નહીં એ વિશે વાસ્તવિક ખ્યાલનો શેર ફિરદૌસ દેખૈયા આપે છે.

થયે બાગ ‘ફિરદૌસ’ સદીઓ ગઈ છે

પલકભરમાં ફળવું અતલનો વિષય છે

પલકમાં સામે ઊભરી આવતો ચહેરો ખરેખર તો કેટલો પ્રવાસ કરીને આવ્યો હોય છે એની આપણને જાણ હોતી નથી. આપણે વરસો જીવીએ છીએ, પણ એની પાછળનું કારણ તો ક્ષણનું જ હોય. સાંઈ કવિ મકરન્દ દવે અનુભૂતિની વિરલ ક્ષણોને આકારે છે.

એ આવશે અચાનક, ને આવશે ઘડી પલ

પલકોની મજા ખાતર, સદીઓની સજાવટ છે

ક્યા બાત હૈ

શ્યામ રંગ સમીપે ન જવું

મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાવું

જેમાં કાળાશ તે તો સૌ એકસરખું

સર્વમાં કપટ હશે આવું

કસ્તૂરી કેરી બિંદી તો કરું નહીં

કાજળ ના આંખમાં અંજાવું

કોકિલાનો શબ્દ હું સુણું નહીં કાને

કાગવાણી શકુનમાં ન લાવું

નીલાંબર કાળી કંચુકી ન પહેરું

જમનામાં નીરમાં ન ન્હાવું

મરક્તમણિ ને મેઘ દૃષ્ટે ના જોવા

જાંબુવત્યાંક ના ખાવું

દયાના પ્રીતમ સાથે મુખે નીમ લીધો

મન કહે જે ‘પલક ના નિભાવું’

- દયારામ


Whatsapp-channel Whatsapp-channel

29 December, 2012 07:52 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK