Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > સપ્તાહના ખાસ > આર્ટિકલ્સ > શક્તિના ભંડારને નવપલ્લવિત કરો

શક્તિના ભંડારને નવપલ્લવિત કરો

28 September, 2012 06:16 PM IST |

શક્તિના ભંડારને નવપલ્લવિત કરો

શક્તિના ભંડારને નવપલ્લવિત કરો




પ્રેરણાની પળે - કાન્તિ ભટ્ટ





યા શ્રી: સ્વયં સુકૃતિનાં ભવનેશ્વ લશ્મી:

પાપાત્મનાં કૃત ધિયાં હૃદયેષુ બુદ્ધિ:



શ્રદ્ધા સતાં કુલજન પ્રભવસ્ય લજ્જા

ત્વાં ત્વાં ના: સ્મ પરિપાલય દેવી વિશ્વમ

ચંડીપાઠ (ચોથો અધ્યાય)

મુંબઈ શહેરમાં જરૂર કરતાં પાછોતરો વરસાદ લાંબો ચાલ્યો. મુંબઈગરાની શક્તિ ભયંકર ટ્રાફિકની ગિરદીમાં અને રાજકારણીઓના ‘બંધ’માં વેડફાઈ. પણ સૌથી વધુ તો આપણે કુદરતી તત્વો પ્રમાણે શરીરનું આરોગ્ય ચોમાસા પછી ખાસ જાળવવું જોઈએ એ ન જાળવ્યું હોય તો હવે વેડફેલી શક્તિ પાછી મેળવવા અને નવી ઊર્જા પ્રાપ્ત કરવાના દિવસો આવી રહ્યા છે. નવરાત્રિ બેસે એ પહેલાં મારા ગામડામાં આસો મહિનાથી જ ‘નવા દિવસો’ આવ્યા તેમ કહે છે. પણ આપણે ભાદરવાના શ્રાદ્ધથી એટલે ૨૯-૯-૧૨થી ૧૩-૧૦-૧૨ સુધી આરોગ્ય પર્વ અને નવરાત્રિ બેસે ત્યાં સુધી શક્તિ પર્વની ઉજવણી કરીએ એ પહેલાં ઉપરના ચંડીપાઠના શ્લોકનો અર્થ સમજવો જોઈએ. શ્રાવણમાં હિન્દુઓએ શિવ અને કૃષ્ણની ભક્તિ કરી. એ જ મહિનામાં મુસ્લિમોએ રમઝાન વખતે પયગમ્બરને યાદ કર્યા. હવે દેવીના દિવસોમાં ઉપરના શ્લોકને શ્રદ્ધાપૂર્વક ગાઈએ.

‘હે દેવી! તમે સમસ્ત જગતનું પાલન કરો એવી પ્રાર્થના કરીએ છીએ. જે- જે લોકો પ્રામાણિક રીતે શ્રમ કરતા હોય તેના ઘરમાં તમે લક્ષ્મીરૂપે વસો, પણ પાપીઓને ત્યાં દરિદ્રતારૂપે પ્રભાવ દેખાડો. શુદ્ધ અંત:કરણવાળાના હૃદયમાં બુદ્ધિરૂપે, સત્પુરુષોમાં શ્રદ્ધારૂપે અને ખાસ તો આજના નિર્લજ્જ જમાનામાં હે દુર્ગાદેવી, તમે લજ્જારૂપે અમારામાં નિવાસ કરો. આવી ભાવના સાથે દુર્ગાદેવી, અમે તમારું પૂજન કરીએ છીએ.’

અમે નાના હતા ત્યારે ભક્તિભાવવાળી વાર્તા મારી ફૈબા કહેતાં. ફૈબાને ઘરે મહુવામાં ભણતા. તેની વાર્તામાં એક પ્રસંગ આવતો. કોઈની ભક્તિથી પ્રસન્ન થઈ દેવી પ્રગટ થઈને કહેતી, ‘માગ-માગ. તને શું આપું?’ ત્યારે ભક્ત માત્ર શક્તિ માગતો. આજે નવરાત્રિ આવી રહી છે ત્યારે ડૉ. ગૅય બ્રાઉનના પુસ્તક ‘ધ એનર્જી ઑફ લાઇફ’નો આધાર લઈ નવરાત્રિનું મહાત્મ્ય ગાઉં છું. તમને ઈશ્વર કે દેવીએ અદ્ભુત એનર્જી આપી છે. એ એનર્જીને તમે ફાલતુ લક્ઝરીમાં કે વાદવિવાદમાં ન વેડફો. એ શક્તિના ભંડારને સાચવો અને એને દર વર્ષે નવપલ્લવિત કરો. જે દેવીના ભક્તો છે તેને માટે નવરાત્રિ તેની વેડફાયેલી શક્તિને પ્રાપ્ત કરવાનો મોકો દર વર્ષે આપે છે.

બેન્જામિન ફ્રેન્કલિન જેણે અમેરિકાનું રાજબંધારણ ઘડવામાં મહત્વનો ભાગ ભજવેલો તેણે કહેલું, ‘આ બંધારણ જનતાને પોતાનું સુખ છૂટથી મેળવવાનો હક આપે છે, પણ...‘ધેટ હૅપીનેસ યુ હૅવ ટુ કૅચ ઇટ યોરસેલ્ફ’ અને અમેરિકામાં ‘કૅચ ઇટ યોરસેલ્ફ’ એ સૂત્ર અણમોલ થઈ ગયું. નવરાત્રિમાં આપણે દુર્ગાદેવી કે ચંડી કે કોઈ દેવીની કૃપા જરૂર માગીએ. માત્ર કૃપા માગીએ, સુખ- સમૃદ્ધિ તો - યુ હૅવ ટુ કૅચ ઇટ યોરસેલ્ફ! તમારે જ સખત અને પ્રામાણિક રીતે પુરુષાર્થ કરીને સુખ મેળવવાનું છે. એમાં માત્ર દેવીની કૃપા એક વધારાનું ટૉનિક મળે એ માટે નવરાત્રિ સુધી ભક્તિ કરો. પણ સુખ? સુખને તો કૅચ ઇટ યોરસેલ્ફ. ઉધામા કરો, ભ્રષ્ટાચાર કરો અને કાવાદાવા કે રાજકીય દાવપેચ રમીને દેવીને ભજો તો દેવી રીઝશે નહીં, ખીજશે. છેલ્લે ચંડીપાઠનો આ શ્લોક જરૂર આખો મહિનો રટજો.

દેવ્યા યયા તતમિદં જગદાત્મ શકત્યા

નિ:શેષ દેવગણશક્તિ સમૂહ મૂત્ર્યા

હે દેવી, તેં તારી શક્તિથી આખું જગત વ્યાપ્ત કર્યું છે અને સર્વ દેવોની શક્તિરૂપે છો. તને અમે વંદીએ છીએ. તું રક્ષણ કર.
Whatsapp-channel Whatsapp-channel

28 September, 2012 06:16 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK