વરણાગીને કંજૂસાઈ ન પાલવે

Published: 18th August, 2012 07:38 IST

  વરણાગી વ્યક્તિ મને બહુ ગમે છે. વરણાગી માણસ ગમેએટલો ગરીબ હોય તોય તેને ગરીબ કહેવાનું સાહસ મારામાં નથી. એ જ રીતે કોઈ માણસ ભલેને ગમેએટલો માલેતુજાર હોય, છતાં તે જો લઘરવઘર રહેતો હોય તો તેને શ્રીમંત કહેવાની હિંમત પણ મારામાં નથી.

નો પ્રૉબ્લેમ - રોહિત શાહ

વરણાગી વ્યક્તિ મને બહુ ગમે છે. વરણાગી માણસ ગમેએટલો ગરીબ હોય તોય તેને ગરીબ કહેવાનું સાહસ મારામાં નથી. એ જ રીતે કોઈ માણસ ભલેને ગમેએટલો માલેતુજાર હોય, છતાં તે જો લઘરવઘર રહેતો હોય તો તેને શ્રીમંત કહેવાની હિંમત પણ મારામાં નથી.

કોઈ યુવતી આઇબ્રો કરાવતી હોય, વૅક્સ કે ફેશ્યલ કરાવતી હોય, વિવિધ પ્રકારનાં પ્રસાધનોથી પોતાને સજાવતી હોય, પરફ્યુમ વડે થોડી ઉછીની સુગંધ લઈને પોતાને મહેકાવતી હોય તો મને તેના આશિક થવાનું મંજૂર છે. ક્યારેક ભીડમાં કોઈ યુવતીના માથાના કેશમાંથી પ્રસરતી માદક મહેકની પ્રસાદી ખૂબ નજીકથી મળી જાય છે ત્યારે બીભત્સ ગણી શકાય એવી ઝણઝણાટી અનુભવવાની મજા જેણે માણી હોય તેને જ એની મહત્તા સમજાય. વરણાગી સ્ત્રી વધુ મોહક લાગે છે. તેનો સ્પર્શ ન થાય તો છેવટે આંખો વડે તૃપ્ત થવાનું સદ્ભાગ્ય ખાનગીમાં માણી લેવું જોઈએ. સ્ત્રીએ સાધ્વી બનવાનું કે મણિબહેન બનવાનું કમ્પલ્સરી થોડું છે? (‘મણિબહેન’ એક ખાસ રૂઢિપ્રયોગના અર્થમાં લઘરવગર સ્ત્રી માટે પ્રયોજાતું વિશેષણ છે, તેને વ્યક્તિગત નામ તરીકે નહીં સમજવા વિનંતી છે.)

કોઈ પુરુષ પચાસ વર્ષની ઉંમરે હેરડાઈના પ્રયોગ વડે જો પોતાની યુવાનીને થોડો સમય રોકી શકતો હોય, કોઈ પુરુષ સાઠ વર્ષની ઉંમરે જીન્સ અને ટી-શર્ટ પહેરીને પોતાની વીતી ગયેલી યુવાનીને થોડી વાર માટે પાછી વાળી શકતો હોય તો એમાં ખોટું શું છે? મેં સાંભળ્યું છે કે ઘણા પુરુષોને દાઢી કરવામાં ખાસ્સો પોણો કલાક લાગતો હોય છે. ચીવટપૂર્વક ગાલ પરના વાળ દૂર કરીને રૂપાળા દેખાવાના તેમના ઉદ્યમને હું દિલથી સલામ કરું છું. ઢીલાં-ઢીલાં અને કોઈ બીજી વ્યક્તિનાં પહેર્યા હોય એવાં વસ્ત્રો પહેરીને ફરતા અને ‘સાદગી’ શબ્દનું ખુલ્લેઆમ ઇન્સલ્ટ કરતા પુરુષ પ્રત્યે પારકી સ્ત્રી તો ઠીક, તેની ખુદની પત્ની પણ મોહિત ન થાય. બૂટ ભલે થોડા જૂના હોય, એને પૉલિશ તો કરાવી જ શકાયને.

ઘણા માણસો સાવ વેદિયા હોય છે. તેમને વરણાગી થવા પ્રત્યે વૈરાગ્યભાવ હોય છે. એ લોકો કોઈનાં લગ્નમાં જાય કે કોઈના બેસણામાં જાય, તેમના દેદાર (કે દીદાર?) ઍઝ યુઝ્વલ રહે છે. વરણાગી ન હોય એવા બૉસનો પ્રભાવ તેમના સ્ટાફ પર પણ નથી પડતો. એથી ઊલટું, કેટલાક બબૂચક બૉસ તેમના વરણાગી સ્વભાવને કારણે સ્ટાફમાં ‘પ્રિય’ થઈ પડતા સગી નજરે મેં જોયા છે. વરણાગી માણસ કદી વાસી નથી થતો. કોઈ પણ ઉંમરે તે તાજો અને રૂપકડો લાગે છે. વરણાગી થવું એટલે કદરૂપાપણા પર વિજયી થવું.

એક ભાઈને આંખે ચશ્માં આવી ગયાં. ચશ્માંની ફ્રેમ પસંદ કરવા માટે તે ભાઈ અનેક દુકાને ફરતા રહ્યા. ખૂબ પરિશ્રમને અંતે તેમને મનગમતી ફ્રેમ મળી. ચશ્માં પર્હેયા પછી તેઓ વધારે રૂપાળા લાગવા માંડ્યા. તે ભાઈએ તેમના અનુભવોના આધારે એક સરસ તારણ કાઢ્યું. તેમણે કહ્યું કે કપાળની નીચે આપણી બન્ને આંખો વચ્ચે જેટલી પહોળાઈ હોય એના કરતાં એકાદ સેમી વધુ પહોળી ફ્રેમ પસંદ કરશો, તો તમારો ચહેરો દીપી ઊઠશે. બન્ને આંખોની વચ્ચે સપોઝ સાડાચાર ઇંચનું માપ હોય તો ચશ્માંની ફ્રેમ સાડાચાર ઇંચ કરતાં એકાદ-બે સેમી વધારે પહોળી હોવી જોઈએ. જો ફ્રેમ આંખોના અંતર કરતાં સાંકડી કે નાની હશે તો ચહેરો બંદરછાપ લાગશે. ક્યારેક ચશ્માંને બદલે કૉન્ટૅક્ટ લેન્સ પહેરીનેય ખુદના ચહેરાને નવો લુક આપી શકાય.

ઘણા લોકો વરણાગીવેડા પાછળ ખર્ચ કરવાનું પસંદ કરતા નથી. તમે તેમને જરાક સજવા-સંવરવાનું કહો તો એ તરત જ સાદગીમાં કેવું સુખ છે એનો ઉપદેશ આલાપવા મંડી પડશે. કંજૂસ માણસને વરણાગી થવાનું ન પાલવે અને વરણાગી વ્યક્તિને કંજૂસાઈ ન પાલવે.

જોકે મેં કેટલાક એવા વરણાગી લોકોને જોયા છે કે જેઓ ટાઇમ-કિલર હોય છે. ક્યાંય પણ જવાનું હોય તો કલાક-દોઢ કલાક તૈયાર થવામાં ખર્ચી નાખે. ક્યારેક તો જ્યાં પહોંચવાનું હોય ત્યાંનો કાર્યક્રમ પૂરો થઈ ગયો હોય! વરણાગી વ્યક્તિએ ટાઇમ-મૅનેજમેન્ટ જાળવવું જ રહ્યું. બાથરૂમમાં કલાક સુધી કબજો જમાવી રાખનાર માણસ વેતા વગરનો ગણાય. દરેક કામમાં વિલંબ કરનાર વ્યક્તિના કોઈ કામમાં કદીયે ભલીવાર નહીં આવતો હોય. ફટાફટ તૈયાર થવું અને વરણાગી પણ થવું. સજવા-સંવરવા માટેની સઘળી સામગ્રી હાથવગી વ્યવસ્થિત રાખવી જોઈએ. કેવાં કપડાં પહેરવાં છે, એ નક્કી કરવામાં છેલ્લી ઘડીએ ટાઇમ બગાડનાર મૂરખ ગણાય. અગાઉથી બધું પ્લાનિંગ કરી રાખવું જરૂરી છે.

આપણે ત્યાં કહેવત છે કે એક નૂર આદમી, હજાર નૂર કપડાં, લાખ નૂર ટાપટીપ, કરોડ નૂર નખરાં. આદમી વિદ્વાન કે ઈમાનદાર હોય, શ્રીમંત કે ઉદાર હોય તો તે તેનાં કપડાંથી વધુ શોભે છે, કપડાં કરતાં ટાપટીપથી વધુ શોભે છે અને એ બધાથી વિશેષ જેને નખરાં કરતાં આવડે છે તે તો સર્વત્ર છવાઈ જાય છે. જો વરણાગી થતાં આવડી જાય તો નો-પ્રૉબ્લેમ.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK