નાની-નાની વાતોમાં ગુસ્સે નહીં થાઓ

Published: 28th July, 2012 05:43 IST

      ભ્રષ્ટાચાર સામે અણ્ણા હઝારે અને તેમના સાથીદારો આક્રોશ કરે છે એ ઝનૂની આક્રોશ છે. ફન્ડામેન્ટલિસ્ટ જેવો ગુસ્સો દેખાય છે.

angry-girlપ્રેરણાની પળે - કાન્તિ ભટ્ટ

ભ્રષ્ટાચાર સામે અણ્ણા હઝારે અને તેમના સાથીદારો આક્રોશ કરે છે એ ઝનૂની આક્રોશ છે. ફન્ડામેન્ટલિસ્ટ જેવો ગુસ્સો દેખાય છે. ૨૦૦ વર્ષ પહેલાં જે. કે. મૉરલી નામના સમાજશાસ્ત્રી અને ફિલસૂફે સરસ સૂત્ર આપેલું, ‘ધ સાઇઝ ઑફ અ મૅન કૅન બી મેઝર્ડ બાય ધ સાઇઝ ઑફ ધ થિન્ગ ધૅટ મેક હિમ ઍન્ગ્રી.’ અર્થાત્ તમે કેટલા પાણીમાં છો કે તમારામાં કેટલું ઉચ્ચ તત્વ છે એ તમે કેવી ક્ષુલ્લક બાબતમાં ગુસ્સો કરી નાખો છો એના પરથી તમારું માપ નીકળી જાય છે. ગાંધીજી સત્યના આગ્રહી હતા. પછી તેમના સેવકો સવાયા સત્યના આગ્રહી તો થયા, પણ પછી નાની વાતમાં ચેપળાવેડા કરીને ગુસ્સો કરી નાખતા. આજે તો માનવીએ તેનામાં જે સુપ્ત શક્તિ છે એ જગાડવા માટે તમામ શરીર-મનની ઊર્જાને એકત્રિત કરીને એ શક્તિને સાચવવી જોઈએ. પોતાની માન્યતા માટે ફન્ડામેન્ટલિસ્ટ બનવું ન જોઈએ. જે વિરોધ કરવાનો છે એ શાંતિપૂર્ણ હોવો જોઈએ.

અમેરિકનો ભલે સાયન્સ-ટેક્નૉલૉજીમાં આગળ વધ્યા, પણ તેમણે માનવીયતા ગુમાવી દીધી છે. લગરીકે ઇમ્પર્ફે‍ક્શન ચલાવી નથી લેતા. અમેરિકન બિઝનેસમેનોને તો ‘પીક પર્ફોર્મન્સ’ જોઈએ. દરેક માનવ ભૂલને પાત્ર એ માનવીની મર્યાદાને ઘણા ધર્માત્મા પણ સ્વીકારતા નથી. પૂર્ણતાનો આગ્રહ ખોટો નથી, પણ અમેરિકનો કે યુરોપિયનો કે તેમને વાદે-વાદે કેટલાક અમેરિકાના કૂવાના પાણી પી ભારતીયો વતન આવ્યા છે તેઓ પણ પીક પર્ફોર્મન્સનો ડંડો પકડે છે. એમાં અંદરખાનેથી બીજી વાત નીકળે છે. અમેરિકનો અને અમેરિકન માનસિકતા ખરેખર તો નિષ્ફળતાથી ડરે છે. જે માણસ ડરપોક હોય છે તે વધુ ગુસ્સાવાળો બને છે. ડર લાગે છે કે ખોટો નિર્ણય લેવાઈ જશે તો? ચાર્લ્સ ગારફીલ્ડ નામના મનોવિજ્ઞાનીએ ‘પીક પર્ફોર્મન્સ’ નામનું પુસ્તક લખ્યું છે. તેમણે સરસ પ્રૅક્ટિકલ દાખલો આપ્યો છે.

ચન્દ્રને આંબવા માટે અપોલો યાન ઊપડેલું. એ અવકાશયાન ચન્દ્ર સુધી પહોંચતાં સુધીમાં રસ્તામાં ૯૦ ટકા વખત આડે રસ્તે ગયેલું. તમારું બાળક બચપણમાં તોફાની હોય જ. મોટું થઈને ઊંધે રવાડે ચડ્યું પણ હોય. અરે! દોસ્તોને રવાડે બીડી-સિગારેટ કે બિયર પીવા માંડ્યું હોય, પણ તેના નામનું નાહી ન નખાય. ભગવાને કાંઈ એક જ ચાકડે સૌને નથી ઘડ્યા. સૌના જુદા-જુદા ઘાટ છે. આડે રસ્તે જનારો કાળક્રમે તેની મેળે કે તમારા પ્રેમ થકી પાછો ફરશે જ. જો દારૂડિયા પતિને કે ધૂમ્રપાન કરનારા પતિને ભારતીય સન્નારીઓ તત્કાળ ધિક્કારીને છોડી દેતી હોય તો આજે ગુજરાતમાં તો ‘વાંઢા’ જ રખડતા હોત, પણ ગુજરાતી નારી ડાહી છે. થોડુંક સહન કરીને કે થોડુંક ટપારીને કે થોડુંક બાળકના સોગંદ દઈને પતિને સખણો કરે છે.

અપોલો યાનના ભૂમિગત ચાલક-સાયન્ટિસ્ટોએ કેટલીયે ટ્રિકો કરીને અપોલો યાનને સાચે માર્ગે મૂકેલું. આ માત્ર દાખલો છે, પણ આપણા જીવનના ઉદ્દેશો પાર પાડવા માટે ઘણી વખત આપણે અનાયાસ કે ભાગ્યાધીન દૃષ્ટિએ ખોટે રસ્તે જઈએ જ છીએ. અપવાદ વગર આપણે સૌ થોડા-થોડા વંઠેલ, વટકેલ કે રેઢિયાળ બન્યા જ છીએ.

ચાર્લ્સ ગારફીલ્ડે વ્યાપાર-ઉદ્યોગ, રાજકારણ અને રમતગમત તેમ જ કલાના ક્ષેત્રના ૧૦૦ જેટલા ટોચની કીર્તિ પામનારાઓના જીવનનો અભ્યાસ કર્યો તો તેમાંના કેટલાય લોકોએ કબૂલ કર્યું કે સફળતાની ટોચે ચડતાં પહેલાં તે બધાએ ખોટી શરૂઆત કરી હતી, પણ સૌએ એક બીજી વાતનો એકરાર કર્યો કે અમે અમારી નાસીપાસીને દાબવા માટે અને અમારી નિષ્ફળતાને ઢાંકવા પતિ કે પત્ની કે બાળકો કે નોકરો કે ડ્રાઇવરો પર ક્ષુલ્લક બાબતમાં ગુસ્સો કરી ઊકળી ઊઠ્યાં છીએ. આ રીતે ગુસ્સો કરતાં ઘણી શક્તિ વેડફાય. આ જટિલ યુગમાં હવે એકવીસમી સદીમાં તમારી ધીરજને પડકારનારા ઘણા પ્રસંગો આવશે એ તમામ માટે શક્તિ બચાવો. ઓ.કે.?

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK