સરદાર ધ ગેમ-ચેન્જર - પ્રકરણ ૧૯

Published: 23rd December, 2018 21:05 IST | ગીતા માણેક

લોહી રેડ્યા વિના હિન્દુસ્તાનને છિન્નભિન્ન થતા રોકવાનો જંગ આલેખતી ડૉક્યુ-નૉવેલ

સરદાર પટેલ
સરદાર પટેલ

‘હું તમારી વાત પર વિચાર કરીશ...’ જૂનાગઢના નવાબ મહાબતખાને આવો મોળો જવાબ આપ્યો ત્યારે જામસાહેબ સમજી ગયા કે તેમના પ્રયાસો નિષ્ફળ ગયા છે.

સરદાર પટેલ સાથે દિલ્હીમાં નવાનગરના જામસાહેબની મુલાકાત થઈ એ પહેલાં ભલે તેમણે યુનિયન ઑફ કાઠિયાવાડની રચના કરી હોય, પણ હવે તેમનું મન બદલાઈ ગયું હતું. દેશી રાજ્યો હિન્દુસ્તાનમાં જોડાઈ જાય એમાં જ સૌનું સહિયારું હિત છે એ તેમને સમજાઈ ચૂક્યું હતું. સરદારના આ કાર્યમાં પોતાનો બધો જ સહયોગ આપવાનું તેમણે વચન આપી દીધું. કાઠિયાવાડના રાજવીઓનો જે કાફલો દિલ્હી ઍરપોર્ટ પર તેમની રાહ જોઈ રહ્યો હતો એને લઈને તેઓ રાજસ્થાન તો ગયા, પરંતુ હવે આ પ્રવાસનો એજન્ડા બદલાઈ ગયો હતો. રાજસ્થાન પહોંચીને તેમણે ત્યાંના રાજાઓને પણ હિન્દુસ્તાનમાં જ જોડાવાની સલાહ આપી.

૧૭ ઑગસ્ટે જ્યારે જામસાહેબે અખબારમાં નિવેદન વાંચ્યું કે જૂનાગઢ પાકિસ્તાનમાં જોડાય એવો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે તેઓ સીધા નવાબ મહાબતખાનને મળવા પહોંચી ગયા. યુનિયન ઑફ કાઠિયાવાડની રચના કરનાર જામસાહેબ હવે જૂનાગઢના નવાબને સમજાવી રહ્યા હતા કે તેમણે પાકિસ્તાનમાં જોડાવાની જાહેરાતને પાછી ખેંચી લેવી જોઈએ. નવાબ કોઈનું સાંભળવાના મૂડમાં નહોતા. નહીં તો કમસે કમ જૂનાગઢની પ્રજાની ઇચ્છા તો તેમણે કાને ધરી હોત. ઊલટું તેમણે તો પ્રજામાંથી ઊઠતા વિરોધના સૂરનું ગળું ટૂંપી દેવાનો પ્રયાસ કર્યો. એક તબક્કે જૂનાગઢમાં નવાબ અને તેમના મળતિયા મુસલમાનો દ્વારા હિન્દુઓની કનડગત એટલી વધી ગઈ કે આની ફરિયાદ લઈને ખુદ જામસાહેબે દિલ્હી સરદાર પાસે જવું પડ્યું. તેમણે સïïરદારને કહ્યું, ‘જૂનાગઢની પ્રજા તમારા તરફ નજર માંડીને બેઠી છે. કાઠિયાવાડની પ્રજાને ભરોસો છે કે ભારત સરકાર તેમને આ મુસીબતમાંથી ઉગારશે. સરદાર, તમારે ગમે એ ભોગે જૂનાગઢને બચાવવું જ જોઈએ. આપણાં હિન્દુ ભાઈઓ-બહેનોનું તમારા સિવાય કોઈ નથી.’

સરદારે જામસાહેબની વાત ધીરજપૂર્વક સાંભળી અને તેમને આશ્વાસન આપ્યું, ï‘હું જાણું છું કે રોગ અને શત્રુને ઊગતા જ ડામવા જોઈએ, પણ કેટલીક વાર તકની પણ રાહ જોવી પડે છે. જૂનાગઢની પ્રજાને નિરાશ નહીં થવું પડે એની હું તમને ખાતરી આપું છું.’

€ € €

૧૫ ઑગસ્ટે જૂનાગઢે તો પાકિસ્તાનમાં જોડાવાની ઇચ્છા જાહેર કરી દીધી હતી, પણ પાકિસ્તાન હજી મગનું નામ મરી પાડતું નહોતું. જૂનાગઢના મામલે પાકિસ્તાન શું કરવા માગે છે એ જાણવા માટે ભારત સરકાર દ્વારા વારંવાર પત્રો મોકલવા છતાં સામા પક્ષેથી કોઈ જ પ્રતિભાવ આવતો નહોતો. પાકિસ્તાનના આવા વલણથી જવાહરલાલ નેહરુ અકળાઈ અને અધીરા થઈ ઊઠ્યા. તેમણે પાકિસ્તાનના વડા પ્રધાન લિયાકત અલીને સંબોધીને એક ટેલિગ્રામ ઘસડી નાખ્યો : ‘ભારત સરકાર જૂનાગઢની પ્રજાના નિર્ણય અને ચુકાદાને સ્વીકારીને અમલમાં મૂકશે. પ્રજા ભારત કે પાકિસ્તાન જેની સાથે જોડાવા માગતી હશે એ અમે મંજૂર રાખીશું.’

આ ટેલિગ્રામ મોકલવામાં આવી રહ્યો હતો એ જ વખતે ભારતના એક ઉચ્ચ અધિકારી લૉર્ડ ઇસમે પાકિસ્તાન જઈ રહ્યા હતા એટલે એ તાર તેમના હાથે મોકલવામાં આવ્યો.

સરદારને જ્યારે આ ટેલિગ્રામ વિશે જાણ થઈ ત્યારે તેઓ અસ્વસ્થ થઈ ગયા.

‘આવું લખીને મોકલતા પહેલાં જવાહરે એક વાર પૂછવું તો જોઈતું હતું. આ રીતે તો આપણે સામે ચાલીને જિન્નાહની જાળમાં ફસાયા છીએ. આ જ તો તેઓ ઇચ્છે છે.’ સરદારે પોતાની નારાજગી મેનન પાસે વ્યક્ત કરતાં કહ્યું.

‘જિન્નાહ કરવા શું માગે છે?’ મેનને પૂછ્યું.

‘જૂનાગઢને પ્યાદું બનાવીને જિન્નાહ આપણને માત આપવા માગે છે, પરંતુ જવાહરને આ વાત સમજાતી નથી. જૂનાગઢમાં શાસક મુસ્લિમ છે અને બહુમતી પ્રજા હિન્દુ. હૈદરાબાદમાં પણ બરાબર આવી જ સ્થિતિ છે. નિઝામ તો ક્યારનાય આવા જ કોઈ લાગની તાકમાં બેઠા છે. જો જૂનાગઢનો મુસ્લિમ શાસક હિન્દુ પ્રજાને લઈને પાકિસ્તાનમાં જઈ શકે તો હૈદરાબાદને કઈ રીતે અટકાવીશું? પ્રજામત લેવાની વાત આવે તો કાશ્મીરની બહુમતી મુસ્લિમ પ્રજાની છે.’

‘મતલબ આપણે પ્રજામત લેવાની વાત પણ ન કરી શકીએ.’

‘જિન્નાહ એક કાંકરે બે નહીં બાવીસ પક્ષીઓ મારવાનો ખેલ કરી રહ્યા છે. જૂનાગઢમાં પ્રજામત લઈએ તો કાશ્મીરમાં પણ એ જ કરવું પડે. કાશ્મીરમાં મુસ્લિમ બહુમતી પર બળજબરી કરીને પાકિસ્તાન તેમને ભારત વિરુદ્ધ મત આપવા માટે ફરજ પાડી શકે. જિન્નાહ માટે તો છાપ આવે તો હું જીતું અને કાંટો આવે તો તમે હારો જેવો ઘાટ થાય.’

જોકે સદ્ભાગ્યે જવાહરલાલ નેહરુએ ઉચ્ચ અધિકારી લૉર્ડ ઇસમેના હાથોહાથ મોકલાવેલા એ તારમાં વડા પ્રધાન નેહરુની સહી નથી એવું કહીને પાકિસ્તાને એને સ્વીકાર્યો જ નહીં, જેને લીધે ભારત જિન્નાહની જાળમાં સપડાવામાંથી ઊગરી ગયું.

જૂનાગઢના નવાબે પાકિસ્તાનમાં જોડાવાની ઇચ્છા વ્યક્ત કરી એના લગભગ એક મહિનામાં જ એટલે કે ૧૩ સપ્ટેમ્બરે સત્તાવાર રીતે લિયાકત અલીએ એક નિવેદન બહાર પાડ્યું.

‘પાકિસ્તાનની સરકારે બે અઠવાડિયાં વિચારણા કરી કે જૂનાગઢના પાકિસ્તાનમાં સામેલ થવાના પ્રસ્તાવને સ્વીકારવો કે નહીં. આને કારણે કેટલીક મુશ્કેલીઓ સર્જા‍શે એ વિશે અમે વાકેફ છીએ. જૂનાગઢના શાસક મુસલમાન છે અને કરાચી તેમ જ વેરાવળનું બંદર એકબીજાની નજીક છે. પાકિસ્તાનની સરકાર એવા નિષ્કર્ષ પર પહોંચી છે કે અમારે નવાબના પ્રસ્તાવને નકારવો ન જોઈએ. જૂનાગઢ આજથી પાકિસ્તાનનો હિસ્સો બને છે.’

લિયાકત અલીની જાહેરાતના પગલે તાત્કાલિક ધોરણે કૅબિનેટ મીટિંગ બોલાવવામાં આવી. જોકે કૉન્ગ્રેસી પ્રધાનો જૂનાગઢ મેળવવા સેના મોકલવાના મિજાજમાં છે એવી માહિતી માઉન્ટબેટન સુધી અગાઉ જ પહોંચી હતી. માઉન્ટબેટને કૅબિનેટની મીટિંગ પહેલાં જ સરદાર અને નેહરુ સાથે એક બેઠક યોજી.

‘આઇ હૅવ હર્ડ ધેટ યુ આર પ્લાનિંગ ટુ ટેક મિલિટરી ઍક્શન અગેઇન્સ્ટ પાકિસ્તાન ફૉર જૂનાગઢ (મેં સાંભળ્યું છે કે તમે જૂનાગઢના મુદ્દે પાકિસ્તાનમાં સૈન્ય મોકલવાનું આયોજન કરી રહ્યા છો).’ વાઇસરૉય હાઉસની તેમની ઑફિસમાં માઉન્ટબેટને સામે જ બેઠેલા સરદાર અને નેહરુને કહ્યું.

‘તો શું અમે હાથમાં બંગડી પહેરીને બેસી રહીએ?’ માઉન્ટબેટને પહેલી વાર સરદારને આટલા ઉગ્ર મિજાજમાં જોયા.

‘સરદાર, નવાબે જે કર્યું એ નૈતિક ધોરણ અનુસારનું નથી, પણ કાયદેસર રીતે એ તેમનો હક છે. આપણે જ બધાં રાજ્યોને એ વિકલ્પ આપ્યો હતો કે તેઓ હિન્દુસ્તાન કે પાકિસ્તાન જેમની સાથે જોડાવા માગે એની સાથે જઈ શકે છે. હું સમજી શકું છું કે ગુજરાત તમારું વતન છે અને...’

‘જૂનાગઢ ગુજરાતમાં છે એટલે નહીં, દેશના કોઈ પણ ખૂણામાં હોત મેં આ જ કર્યું હોત.’ સરદારના અવાજમાં ઉશ્કેરાટ હતો.

‘ડિકી, હું પણ તમારી સાથે સહમત થઈ શકતો નથી. અત્યાર સુધી તમે જ કહેતા રહ્યા કે રાજ્યની ભૌગોલિક સ્થિતિ અને ત્યાંની પ્રજાની ઇચ્છાને ધ્યાનમાં લઈને નિર્ણય લેવો જોઈએ. હવે જ્યારે જૂનાગઢ આ બન્નેનું ઉલ્લંઘન કરી રહ્યું છે ત્યારે તમે અમને કહો છો કે અમે કંઈ જ ન કરીએ?’ જવાહરલાલ નેહરુએ પણ દલીલ કરી.

‘મિસ્ટર ગવર્નર જનરલ, અમે મિલિટરી ઍક્શન લઈએ કે ન લઈએ, પાકિસ્તાન પોતાની સેના જૂનાગઢમાં મોકલશે. એક વાત તમે ભૂલી જાઓ છો કે આ દેશના બે ભાગલા હિન્દુ-મુસ્લિમના મુદ્દે થયા છે. હવે તમે કહો છો કે બળજબરીથી જૂનાગઢના ૮૦ ટકા હિન્દુઓને પાકિસ્તાનમાં સામેલ કરી દેવામાં આવે અને અમે એને જોતા રહીએ?’ સરદાર હજી આક્રમક મિજાજમાં જ હતા.

‘મને ભરોસો છે કે જ્યાં સુધી હું ભારતમાં છું ત્યાં સુધી તમે આવું કોઈ પગલું નહીં લો...’ માઉન્ટબેટને નેહરુની સામે જોઈને ખાતરીપૂર્વક કહ્યું.

‘અમને ડોશી મરે એની ચિંતા છે એનાથી વધુ મોટી ફિકર એ છે કે જમ ઘર ભાળી જશે. જૂનાગઢ પાકિસ્તાનને લઈ જવા દઈએ તો એ બીજાં રાજ્યોમાં પણ આ જ નીતિને અનુસરશે.’ સરદારે તાર્કિક દલીલ કરી.

‘સરદાર, હું એવું હરગિજ નથી કહી રહ્યો કે પાકિસ્તાનની બધી વાત તમે સ્વીકારી લો, પરંતુ દરેક સમસ્યાનો ઉકેલ આક્રમણ તો ન જ હોઈ શકેને! મારું માનવું છે કે પહેલાં વાતચીત અને સમજાવટથી કામ લો. જો એ ઉપયોગી ન નીવડે તો જ આવાં અંતિમ પગલાં લેવાનું વિચારવું જોઈએ. જૂનાગઢના મુદ્દે તમે ઉતાવળ કરી રહ્યા છો.’

‘મને તો લાગે છે કે આ તબક્કે પગલાં નહીં લઈએ તો મોડું થઈ જશે...’ સરદાર સહેજ પણ ઢીલું છોડવા માગતા નહોતા.

‘તમે એ વાત કેમ નથી સમજતા કે જો પાકિસ્તાનનો હિસ્સો બની ચૂકેલા જૂનાગઢમાં કોઈ પણ આકરાં પગલાં લેશો તો એ ભારત માટે મૂર્ખામીભર્યું સાબિત થશે. પાકિસ્તાન છટકું ગોઠવી રહ્યું છે અને તમે એમાં સામે ચાલીને જઈ રહ્યા છો. જૂનાગઢ માટે લશ્કરી હુમલો કરવાથી વિશ્વની નજરમાં ભારતની નાલેશી થશે અને પાકિસ્તાન તરફ સહાનુભૂતિ વધશે. અહિંસાનો સિદ્ધાંત આપનાર ભારતે જગતભરમાં જે આટલું પ્રતિષ્ઠિત સ્થાન હાંસલ કર્યું છે એ ગુમાવી બેસશે.’ માઉન્ટબેટન ગમે એ ભોગે ભારત-પાકિસ્તાન વચ્ચે લશ્કરી હુમલો ખાળવા માગતા હતા.

માઉન્ટબેટન જાણતા હતા કે પાકિસ્તાન પાસે યુદ્ધ લડવા માટે લશ્કરી કે આર્થિક સામથ્યર્‍ નહોતું. જો આ તબક્કે બન્ને દેશો વચ્ચે જંગ છેડાઈ જાય તો પાકિસ્તાન નક્ટ થઈ જાય અને ભારતની પણ પાયમાલી થાય. ઉપરાંત માઉન્ટબેટનની અંગત પ્રતિષ્ઠા પણ દાવ પર હતી. બ્રિટનના શાસનમાંથી હમણાં જ અલગ થયેલા અને હજી બ્રિટિશ ગવર્નર જનરલ ત્યાં હાજર હોય ત્યારે આ બન્ને દેશ વચ્ચે યુદ્ધ થાય તો એમાં બ્રિટન અને માઉન્ટબેટન બન્નેનું નાક કપાય. અન્ય કારણો ઉપરાંત આ યુદ્ધ રોકવાના પ્રયાસ પાછળ પોતાની અને પોતાના દેશની આબરૂ જગતમાં સચવાઈ રહે એ પણ એક મહત્વનો આશય હતો.

‘જો જૂનાગઢને ગમે એ ભોગે પાકિસ્તાન સાથે જોડાતું અટકાવવામાં નહીં આવે તો હું મારું રાજીનામું ધરી દઉં છું.’ અત્યાર સુધી ચૂપચાપ આખી વાત સાંભળી રહેલા વી. પી. મેનને આખરનામું આપી દીધું.

(ક્રમશ:)

 

તમે એ વાત કેમ નથી સમજતા કે જો પાકિસ્તાનનો હિસ્સો બની ચૂકેલા જૂનાગઢમાં કોઈ પણ આકરાં પગલાં લેશો તો એ ભારત માટે મૂર્ખામીભર્યું સાબિત થશે. પાકિસ્તાન છટકું ગોઠવી રહ્યું છે અને તમે એમાં સામે ચાલીને જઈ રહ્યા છો. જૂનાગઢ માટે લશ્કરી હુમલો કરવાથી વિશ્વની નજરમાં ભારતની નાલેશી થશે અને પાકિસ્તાન તરફ સહાનુભૂતિ વધશે. અહિંસાનો સિદ્ધાંત આપનાર ભારતે જગતભરમાં જે આટલું પ્રતિષ્ઠિત સ્થાન હાંસલ કર્યું છે એ ગુમાવી બેસશે.’

- ગમે એ ભોગે ભારત-પાકિસ્તાન વચ્ચે લશ્કરી હુમલો ખાળવા સરદાર અને નેહરુને સમજાવતા માઉન્ટબેટન

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK