આ ન્યાય માટેની સ્ટ્રગલ છે, મારી લડત ચાલુ રહેશે : સંજીવ ભટ્ટ

Published: 18th October, 2011 17:51 IST

અમદાવાદ: નાગરિકોમાં ‘સિંઘમ’નું બિરુદ પામેલા અને ૧૬ દિવસ પછી જામીન પર છૂટેલા ગુજરાતના આઇપીએસ (ઇન્ડિયન પોલીસ સર્વિસ) સંજીવ ભટ્ટે નિર્ભિક રીતે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘કરણસિંહ પંથના ઍફિડેવિટ કેસની તપાસ ગુજરાત બહારની એજન્સી કરે તો બધું જ બહાર આવશે.

અમે જાણીએ છીએ કે આ કેસમાં કયા અધિકારીઓ હતા? છ દિવસમાં શું થયું? સીએમ-ઑફિસ કેવી રીતે ઇન્વૉલ્વ છે એ બધી વસ્તુ બહાર આવશે.’

સંજીવ ભટ્ટને જામીન મળતાં જ અમદાવાદના તેમના ઘરે આનંદની લહેર છવાઈ ગઈ હતી. સંજીવ ભટ્ટ ૧૬ દિવસ બાદ તેમના ઘરે આવ્યા ત્યારે અમદાવાદમાં ડ્રાઇવ-ઇન રોડ પર આવેલા તેમના નિવાસસ્થાને ઢોલ-નગારાં વગાડીને તેમનું સ્વાગ્ાત કરવામાં આવ્યું હતું. તેમને માટે લડત ચલાવી રહેલા નાગરિકો અને એનજીઓના કાર્યકરો મોટી સંખ્યામાં તેમના ઘરે શુભેચ્છા પાઠવવા ઉપસ્થિત રહ્યા હતા.

તેમના ઘરે પહોંચેલા સંજીવ ભટ્ટે પત્રકારોને સ્પષ્ટ કહ્યું હતું કે ‘આ ન્યાય માટેની સ્ટ્રગલ છે, મારી લડત ચાલુ રહેશે. જે કરવું પડે, જેની સામે કરવું પડે એ બધું જ કરીશ.’

એક પ્રશ્નના ઉત્તરમાં તેમણે કહ્યું હતું કે ‘પોલીસવાળા કેસોથી ડરે નહીં, ક્યારેય દબાયો નથી અને દબાવાનો નથી. મને સાચું લાગ્યું એ પ્રમાણે મેં કર્યું છે. સરકારને જે કરવું હોય એ કરે. મારી પૂરી તૈયારી છે.’

હરેન પંડ્યા કેસ વિશે પૂછવામાં આવેલા સવાલના જવાબમાં સંજીવ ભટ્ટે કહ્યું હતું કે ‘હરેન પંડ્યા હત્યાકેસમાં ૨૦૦૩ની સાલમાં સરકારને પુરાવા સુપરત કર્યા છે. મારી પાસે એના પુરાવા છે. જો કોઈ એજન્સી જોશે તો આ કેસમાં ઘણું બધું બહાર આવશે. કોઈ ગુનો છૂપો નથી રહેતો, ગુનો પોકારીને બહાર આવશે.’

પોતાની ફૅમિલી સાથે પોલીસના વ્યવહાર બાબતે પ્રતિક્રિયા આપતાં સંજીવ ભટ્ટે કહ્યું હતું કે ‘પોલીસ-અધિકારી તરીકે મને શરમ આવે છે અને મારી કમનસીબી છે કે આવા ફોર્સનો હું લીડર છું.’

જોકે તેમણે આઇપીએસ અધિકારીઓ તેમની ફૅમિલીના સર્પોટમાં ઊભા રહ્યા એને સારી બાબત ગણાવતાં કહ્યું હતું કે અત્યારે સ્થિતિ ગુજરાત પોલીસની છે એ તેમને ખ્યાલ આવશે.

મારે માટે દિવાળી વહેલી આવી

૧૬ દિવસ બાદ જામીન પર છૂટીને સાબરમતી જેલમાંથી ઘરે પાછા આવેલા આઇપીએસ સંજીવ ભટ્ટનાં પત્ની શ્વેતા ભટ્ટે કહ્યું હતું કે આજે મારે માટે દિવાળી વહેલી આવી છે.

શ્વેતા ભટ્ટે કહ્યું હતું કે ‘અમારા નવરાત્રિ-દશેરા અને પૂનમના તહેવાર બગડ્યા, પણ દિવાળી વહેલી આવી. સંજીવને જોઈને જે શીખ્યા હતા એ આ દિવસોમાં અમને કામ લાગ્યું.’

સંજીવ ભટ્ટે તેમની ગેરહાજરીમાં તેમનાં પત્ની શ્વેતા ભટ્ટની હિંમતને બિરદાવતાં કહ્યું હતું કે ‘મારી પત્નીએ સંઘર્ષનો એક રોલ અદા કર્યો છે. તે મારા કરતાં હિંમતવાળી અને હોશિયાર છે. મારી ફૅમિલીની મને ચિંતા હતી, પણ એ જાણીને આનંદ થયો કે પરિવાર પણ લડત આપી રહ્યો છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK