યાદ રાખજો કે માણસ સૂએ ત્યારે ઘડિયાળના કાંટા થંભી નથી જતા

Published: 16th January, 2021 17:12 IST | Sanjay Raval | Mumbai

‘સમયની સાથે ચાલો’ એવું કહેવાને બદલે એવી સલાહ આપવાનો સમય આવી ગયો છે કે ‘સમયની સાથે ભાગો.’ જો આગળ વધવું હોય તો મનમાં એક વાત સ્ટોર કરી લેવી પડશે કે જે છે એ સમય બેસ્ટ છે, આવનારો કે પછી વીતી ગયો એ સમયને પ્રાધાન્ય આપવાનું છોડી દો

ઘડિયાળ
ઘડિયાળ

પહેલાંનો સમય સારો હતો, અત્યારે પહેલાં જેવું નથી.

આવું બહુ સાંભળ્યું છે મેં. તમે પણ સાંભળ્યું હશે અને એવું પણ સાંભળ્યું હશે કે આજના આ સમય કરતાં પહેલાં શાંતિ હતી, મોંઘવારી નહોતી. સંસ્કાર હતા, સંયમ હતો અને માણસ એકબીજાને ઓળખતો હતો, પણ હવે એવું નથી રહ્યું. પહેલાં વડીલોની આમન્યા રહેતી, માણસો સારા હતા, કોઈ કપટ નહોતું રમતું. આ અને આવી બીજી અનેક પ્રકારની વાતો...

આ દરેક વાતમાં જે પહેલાંના સમયની વાત છે એ પહેલાંનો સમય એટલે કયો સમય એની પૃચ્છા કરશો તો ખબર પડશે કે એ વ્યક્તિ પોતાના સમયની કે પછી એની પણ પહેલાંના સમયની વાત કરે છે. એ સમયની વાત જે સમયમાં તમે હાજર નહોતા, જેમાં તમે હાજર નથી, જે તમે જોયું નથી અને જે તમને જોવા મળવાનું નથી એની વાતોનો કોઈ અર્થ રહેતો નથી અને હું તો કહીશ કે પહેલાંના સમયમાં જ સારા લોકો હતા એવું નહોતું, આજે પણ સારા લોકો છે જ. પહેલાંના સમયમાં સોંઘવારી હતી અને અત્યારે મોંઘવારી છે એવું પણ નથી. પહેલાં પણ મોંઘવારી હતી અને આજે પણ મોંઘવારી છે અને આવનારા સમયમાં પણ આ મોંઘવારી અકબંધ રહેવાની છે. માણસની ઇન્કમ વધી છે તો નૅચરલી એ ઇન્કમની સાથે દુનિયાની બાકીની બધી ચીજોના ભાવ પણ વધવાના છે. જો એ વધશે તો જ એ લોકોની ઇન્કમ પણ વધશે. સીધો હિસાબ છે, આવક વધે તો મોંઘવારી વધે જ. મૉડર્નાઇઝેશનની વાત કરતા હો તો કહેવાનું કે એ સમયે પણ મૉડર્નાઇઝેશન લોકોને ખૂંચતું હતું. બ્લૅક ઍન્ડ વાઇટ ફિલ્મમાં કિસ દેખાડવાને બદલે બે ફૂલ એકબીજાને સ્પર્શે એવું સિમ્બૉલિક દર્શાવવામાં આવતું તો પણ એવું કહેવાતું કે લજ્જા રહી જ નથી, સમય બદલાઈ ગયો છે, માણસ મૉડર્ન થઈ ગયો છે અને આ જે મૉડર્નાઇઝેશન છે એ આવતી કાલે તમે ઘરડા થશો ત્યારે સંયમિત સમાજજીવન લાગવાનું છે. એ સમયે તમારી મૉડર્નાઇઝેશનની વ્યાખ્યા આવી પડતર થઈ જવાની છે. તમે બોલવાના છો કે સમય બદલાઈ ગયો છે.

અયોગ્ય વાતો છે આ બધી. અયોગ્ય ફરિયાદો છે આ બધી. પહેલાં પણ સમય સારો જ હતો અને આજે પણ સારો જ સમય છે. પહેલાં પણ લોકો સારા હતા અને આજે પણ લોકો સારા જ છે. પહેલાં પણ જમાનો આગળ વધતો હતો અને આજે પણ જમાનો એ જ રીતે આગળ વધે છે. બસ, તમે તમારી સ્પીડ ઘટાડી નાખી છે જેને લીધે તમને બધું બદલાતું નજર આવે છે. સ્પીડ તમારી ઘટી છે એટલે તમને સમય ભાગતો દેખાય છે. સમયે નથી અટકવાનું, તમારે એની સાથે ભાગવાનું છે.

એવા લોકોની વાત સાંભળીને મને હંમેશાં આશ્ચર્ય થાય જે પોતાનું બધું પોસ્ટપોન કર્યા કરતા હોય. સામાન્યમાં સામાન્ય વાતને પણ પોસ્ટપોન કરવામાં માનતા લોકોને મળ્યા પછી મને હસવું કે રડવું એ સમજાય નહીં. મારે તો ગયા વીકમાં જ શૅર લેવા હતા, પણ થયું કે માર્કેટ થોડું ડાઉન આવે એટલે લઈશ, પણ માર્કેટ તો ભાગતું જ જાય છે.

અરે ભલામાણસ, માર્કેટ ભાગવાનું જ છે અને શૅરના ભાવ વધવાના જ છે. એ એનું કામ કરે છે, તમે ધીમા પડી ગયા એટલે તમને એવું લાગે છે કે એણે ઝડપ વધારી દીધી. ફ્લૅટના ભાવ ગયા વર્ષે ઓછા હતા, આ વર્ષે ઑલમોસ્ટ ડબલ થઈ ગયા. એ વધશે અને વધવું એ એનો સ્વભાવ છે. આ વધી રહેલા ભાવો એ ભાગતા સમયની નિશાની છે. જો એની સાથે ચાલવામાં તમે ફેલ થયા તો લખી રાખજો કે તમે પણ બહુ ઝડપથી પહેલાંના અને અત્યારના સમયની સરખામણી કરતા થઈ જવાના છો અને ધારો કે એવું ન થવા દેવું હોય તો એક વાત મનમાં સ્ટોર કરીને રાખી દેવાની કે આજે જે સમય છે એ શ્રેષ્ઠ સમય છે.

પહેલાંનો સમય સારો હતો કે આવનારો સમય સારો હશે એવું તમે કહી શકવાના નથી અને એ ‌નક્કી કરવાની જવાબદારી પણ તમારી નથી. તમારે આજના સમયને શ્રેષ્ઠ માનીને જ ચાલવાનું છે અને આ હકીકત છે. જો માનવામાં ન આવતું હોય તો અરીસામાં જઈને જોઈ લો. તમારા હાથપગ ચાલે છે, આંખો સાબૂત છે, શરીર મજબૂત છે, શ્વાસ અકબંધ છે, તમે પરિવારજનો સાથે હસી-બોલી શકો છો. આનાથી વધારે સારો સમય બીજો કયો હોઈ શકે. જે કરવું હોય એ આજમાં રહીને કરો. ફ્લૅટ લેવો છે તો એ આજે લેવાનો છે, કાલે એના ભાવ વધવાના જ છે. કોવિડના સમયમાં પણ આ જ વાત કહીશ તમને. કોવિડ એ મહામારી છે અને મહામારીની આવરદા ક્યારેય લાંબી નથી હોતી એટલે મોંઘવારી આગળ વધવાની જ છે. શૅર લેવા હોય તો એ પણ આજે અને ગોલ્ડ લેવું હોય તો એ પણ આજે. આવતી કાલે આ બધાના ભાવ વધશે, માર્કેટ ઊંચે જશે અને એવું બનશે ત્યારે તમારામાં ખચકાટ આવી જશે. આજ ધી બેસ્ટ છે. આજ છે એવી ગઈ કાલ રહેવાની નથી અને આજ છે એવી આવતી કાલ પણ રહેવાની નથી. તમારી પાસે એક જ સત્તા છે, સમયની સત્તા. આજે એ સમયની વૅલ્યુ કરો અને એનો બેસ્ટ ઉપયોગ કરો.

પહેલાંની સારપની વાતો પણ ગેરવાજબી છે અને એ તમે તમારા તકલાદી વિચારોથી જ દલીલમાં વાપરો છો. જો એ સમય સારો હતો અને એ વાત તમે દૃઢપણે સ્વીકારો છો તો પછી તમે બુદ્ધ અને મહાવીરની વાત ક્યાં માન્યા. તેમણે આપેલી સલાહ મુજબ ક્યાં ચાલ્યા? તમને મહાત્મા ગાંધીની વાત પણ ક્યાં સરળતાથી ગળે ઊતરી હતી? તમે સહજ રીતે કૃષ્ણના મુખે કહેવાયેલી ગીતાજીને પણ સમજી ક્યાં શક્યા? એ સમય સાથે ચાલ્યા હતા અને તેમણે તમને પણ સમય સાથે ચાલવાની સલાહ આપી હતી, પણ તમે તેમને પણ માન્યા હતા ખરા?

ના, શું કામ?

જવાબ છે, તમને અનુકૂળતા આવે એવી નહોતી એટલે.

સમય સાથે ચાલો એટલે બધું સારું લાગે, બધા લોકો સારા લાગે અને બધું સારું થાય. આ સીધો, સાદો અને સરળ સિદ્ધાંત છે અને એ સિદ્ધાંતને સહજ રીતે સમજવાનો છે. આવું શું કામ નથી થતું એ પણ સમજી લેવું જોઈએ. તમારે માટે જે એક સામાન્ય વાત છે એ જ વાત અન્ય કોઈ માટે દૃષ્‍ટિકોણ છે. તેણે દૃષ્ટિકોણનો ઉપયોગ કર્યો એટલે તેને સફળતા મળી અને તમે એની મુલવણી કરવામાં સમય ખર્ચ્યો એટલે તમારે એને માટે રાહ જોવાનો વારો આવ્યો.

સમય વહેતો જાય છે, પણ એની સાથે માણસે પણ વહેતા રહેવું પડે. જે વહેતો નથી એ ભૂતકાળમાં અટવાય છે અને અટવાયેલા લોકોના હાથ આજે પણ ખાલી હોય છે. આગળ વધવું એ માણસનો સ્વભાવ છે. આ સ્વભાવના આધારે જ આજે બળદગાડાને બદલે એક કરોડની મર્સિડીઝ જોવા મળે છે. ઘડિયાળને બદલે સ્માર્ટવૉચ હાથ પર આવી ગઈ છે. જો માણસ અટકી ગયો હોત તો આજે પણ સૂરજના આધારે ટાઇમિંગ નક્કી કરવા પડતા હોત. તમે સમયની સાથે આગળ વધ્યા અને સમયને સ્વીકારી લીધો એ જ દેખાડે છે કે તમારો વિકાસ અકબંધ છે, પણ આ લાર્જ સ્કેલની વાત થઈ. અંગત રીતે પણ આગળ વધતા રહેવું એ જ સ્વભાવ હોવો જોઈએ. માણસ સૂઈ જાય ત્યારે ઘડિયાળ અટકતી નથી અને એટલે જ કહું છું કે ઘડિયાળ સાથે ચાલવું હોય તો આજમાં જીવવાનું શરૂ કરી દેજો.

આજ ઉત્તમ છે, આજનો કોઈ પર્યાય‌ નથી, વિકલ્પ નથી. ગઈ કાલ પાછી ફરવાની નથી અને આવતી કાલ તમે જોઈ શકવાના નથી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK