લંડનની બૅન્કમાં પડેલા નિઝામના ૨૭૫ કરોડ કોને મળશે?

સંજય પંડ્યા | મુંબઈ | Jun 30, 2019, 14:26 IST

આ સંપત્તિ બ્રિટન પહોંચી કેવી રીતે અને નિઝામની જાહોજલાલીમાં એનું મૂલ્ય કેટલું હતું જેવા પ્રશ્નો પર આજે વિગતવાર વાતો કરીએ

ચૌમહલ
ચૌમહલ

હૈદરાબાદના સાતમા નિઝામ મીર ઓસમાન અલી ખાનની યુકેની બૅન્કમાં પડેલી લગભગ આટલી સંપત્તિનું ભૂત ફરી પાછું ધૂણવા માંડ્યું છે. જોકે મરતાં પહેલાં આ સંપત્તિ ભારતને આપવામાં આવે એવું લેખિતમાં નિઝામ આપતા ગયા છે છતાં પાકિસ્તાન અને નિઝામના વંશજો મીટ માંડીને બેઠા છે ત્યારે આ સંપત્તિ બ્રિટન પહોંચી કેવી રીતે અને નિઝામની જાહોજલાલીમાં એનું મૂલ્ય કેટલું હતું જેવા પ્રશ્નો પર આજે વિગતવાર વાતો કરીએ

હૈદરાબાદના વિશ્વપ્રસિદ્ધ ચારમિનાર અને ગોલકોંડા ફોર્ટે સાતમા નિઝામ અને તેમના પરિવારના જીવનના ચડાવ-ઉતાર જોયા છે. નિઝામ શબ્દ અરબી ભાષાનો છે જે પછી ઉર્દૂમાં વપરાવો શરૂ થયો. ફારુકી નોંધે છે એ પ્રમાણે ભારતના નિઝામ આબિદ ખાનના વંશજ છે. આબિદ ખાન તુર્કસ્તાનના સમરકંદનો હતો અને હજ જતી વખતે ભારતના દક્ષિણ પ્રાંતમાં રોકાયો હતો. એ વખતે યુવાન ઔરંગઝેબ દક્ષિણ પ્રાંતનો સર્વેસર્વા હતો અને તેણે આબિદ ખાનમાં હીર જોઈ તેને કેળવ્યો. એ પછીના દાયકાઓમાં તે ઔરંગઝેબનો જમણો હાથ બનીને રહ્યો. તેનો પુત્ર ગાઝીઉદ્દીન ખાન સમ્રાટ ઔરંગઝેબનો સરસેનાપતિ હતો અને બીજાપુર તથા ગોલકોંડા સલ્તનતને કબજે કરવામાં તેનું મોટું યોગદાન હતું.

ઔરંગઝેબના મૃત્યુ પછી ગાઝીઉદ્દીન ખાન અને તેના પુત્ર કમરુદ્દીનને બહાદુરશાહ પછીના શાસક ફારુખશિયરે ઈ. સ. ૧૭૧૩માં દખ્ખણ વિસ્તાર સોંપ્યો અને કમરુદ્દીનને નિઝામ-અલ-મુલ્કનું બિરુદ આપ્યું. ઈ. સ. ૧૭૨૪માં આસિફ જાહ પહેલાએ મુબારીઝ ખાનને પરાજિત કરીને દખ્ખણ પ્રાંત પર આધિપત્ય સ્થાપ્યું અને એ પ્રાંતને નામ આપ્યું હૈદરાબાદ દખ્ખણ. એ પછીના શાસકોએ પણ નિઝામ બિરુદ વાપરવાનું ચાલુ રાખ્યું. ઔરંગઝેબના મૃત્યુ પછી મરાઠા શાસકોનું જોર વધ્યું હતું. નિઝામ મરાઠાઓ સામે અનેક યુદ્ધ હાર્યા અને મરાઠા શાસકોને ચૌથ નામનો ટૅક્સ ભરવાનું તેમને માથે આવ્યું. બ્રિટિશ સેનાએ મરાઠાઓને હરાવ્યા ત્યાર બાદ ૧૮૦૫માં નિઝામ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની છત્રછાયા નીચે આવ્યા. ભારતની આઝાદી સુધી તેઓ બ્રિટિશ શાસન હેઠળ પોતાનો વહીવટ ચલાવતા.

જેની મિલકતનો હાલમાં વિવાદ ચાલી રહ્યો છે એ સાતમા અને છેલ્લા નિઝામ મીર ઓસમાન અલી ખાનની તાજપોશી ઈ. સ. ૧૯૧૧માં થઈ હતી. જ્યારે આખું રાષ્ટ્ર બ્રિિટશરો સામે આઝાદીનો જંગ લડી રહ્યું હતું ત્યારે પણ નિઝામે ‘અંગ્રેજોના વફાદાર સાથી’ એવી શાખ જાળવી રાખી હતી. એ વખતના હૈદરાબાદ સ્ટેટમાં કર્ણાટકના કેટલાક વિસ્તાર તથા મહારાષ્ટ્રના પણ મરાઠાવાડા, લાતુર જેવા વિસ્તારો સામેલ હતા. બ્રિટિશરોની મદદ વડે નિઝામે હૈદરાબાદનો વિકાસ પણ સારો કર્યો. હૈદરાબાદની પોતાની રેલવે, આર્મી, પોસ્ટલ સર્વિસ, પોતાનું રેડિયો સ્ટેશન અને પોતાની કરન્સી સુધ્ધાં હતી. અઢી સદી જેટલા શાસનને કારણે નિઝામના મહેલો, પોતાની જમીન, મહેસૂલી આવક અઢળક હતી અને એને કારણે છેલ્લા નિઝામને વિશ્વના સૌથી અમીર વ્યક્તિ લેખવામાં આવતા હતા. બ્રિટિશરાજનો સહારો લઈને તેમણે શિક્ષણને ઊંચા સ્તરે લઈ જવાના પ્રયત્ન કર્યા અને ઓસ્માનિયા યુનિવર્સિટીની સ્થાપના કરી.

નિઝામની આ બધી ભૂમિકા પછી પ્રશ્ન એ થાય કે તેમની સંપત્તિનો મોટો હિસ્સો બ્રિટનની બૅન્કમાં કઈ રીતે પહોંચી ગયો જેના માટે ભારત, પાકિસ્તાન અને નિઝામના વારસદાર દાવેદાર છે! એ જાણવા માટે આપણે ૧૯૪૭ના સમયખંડમાં જવું પડશે.

૧૯૪૭માં ભારતને જ્યારે આઝાદી મળી ત્યારે ભારતમાં ૫૬૫ જેટલાં રજવાડાં હતાં. વિદાય લઈ રહેલા બ્રિટિશ શાસને તેમને ભારત અથવા નવા નિર્માણ પામી રહેલા પાકિસ્તાન સાથે જોડાઈ જવાનો અથવા સ્વતંત્ર રહેવાનો ઑપ્શન આપ્યો હતો. સરદાર વલ્લભભાઈ પટેલની દીર્ઘદૃષ્ટિ, સંકલન અને કુશાગ્ર નિર્ણયશક્તિને કારણે મોટા ભાગનાં રજવાડાં ભારતમાં વિલીન થવા તૈયાર હતાં. એ સમયે નિઝામ ભારત સાથે રહેવું કે પાકિસ્તાન સાથે એની અવઢવમાં હતા. અંતે તેમણે સ્વતંત્ર રહેવાનો નિર્ણય લીધો. ભારતના ગૃહપ્રધાન સરદાર પટેલે તેમને ભારત સાથે જોડાવાની વિનંતી કરી, પણ નિઝામે એ માન્ય ન રાખી. ભારતની મધ્યમાં રહેલો પ્રદેશ સ્વતંત્ર હોય એ ભારતની સલામતી માટે સુસંગત નહોતું એટલે ૧૯૪૮ની ૧૩ સપ્ટેમ્બરે ભારતની મિલિટરીએ હૈદરાબાદમાં પ્રવેશ કર્યો અને પાંચ દિવસમાં હૈદરાબાદને ભારતમાં ભેળવી દીધું.

નિઝામના પૈસાની બૅન્ક-ટ્રાન્સફરનો કેસ હવે શરૂ થાય છે. નિઝામ પાસે આલીશાન મહેલો, જમીન, અઢળક જર-ઝવેરાત અને બહુ મોટી બૅન્ક-બૅલૅન્સ હતી. ૧૯૪૮ની ૧૭ સપ્ટેમ્બરે ભારતના ‘ઑપરેશન પોલો’ને કારણે નિઝામનું હૈદરાબાદ ભારતમાં ભળ્યું. એના ત્રણ દિવસ બાદ નિઝામના ફાઇનૅન્સ મિનિસ્ટરે એક મિલ્યન પાઉન્ડ્સ પાકિસ્તાનના બ્રિટન ખાતે એ વખતના જે હાઈ કમિશનર હતા તેમના ખાતામાં ટ્રાન્સફર કર્યા. બૅન્કનું નામ હતું નૅશનલ વેસ્ટમિન્સ્ટર બૅન્ક (નેટવેસ્ટ બૅન્ક) અને પાકિસ્તાનના હાઈ કમિશનરનું નામ હતું હબીબ ઇબ્રાિહમ રહેમતુલ્લા!

૧૯૪૮ના ૧,૦૦,૯૪૦ પાઉન્ડ્સ અને ૯ શિલિંગ આટલા દાયકાઓ બાદ વૃદ્ધિ પામીને ૩૫ મિલ્યન પાઉન્ડ્સ થઈ ગયા છે. આ રકમના ત્રણ દાવેદાર છે. ભારત સરકાર કહે છે કે હૈદરાબાદ ભારતમાં જોડાયા બાદ આ રકમ નિઝામે ટ્રાન્સફર કરી છે જેના પર ભારતની પ્રજાનો અને ભારત સરકારનો હક છે. પાકિસ્તાન દાવો કરે છે કે નિઝામે એ પૈસા હૈદરાબાદના રક્ષણ અને હથિયારોની ખરીદી વગેરે માટે આપ્યા હતા, જ્યારે નિઝામના બે વારસ મકકરમ જાહ અને તેનો નાનો ભાઈ મુફ્ફકમ એ પોતાની પિતૃસંપત્તિ હોવાનો દાવો કરે છે.

નિઝામના આ એક મિલ્યન પાઉન્ડ જે હવે ૩૫ મિલ્યન પાઉન્ડ કરતાં પણ વધુ થઈ ગયા છે એ તો તેમની સમૃદ્ધિનું એક તણખલું ગણાતું હતું. ૫૦ મિલ્યન પાઉન્ડના મોટા હીરાને તેઓ પેપરવેઇટની જેમ વાપરતા હતા. તેમની સંપત્તિનો છેલ્લે અંદાજ લગાવવામાં આવ્યો ત્યારે ૧૦૦ મિલ્યન પાઉન્ડ તો સોના-ચાંદીના અલંકારો અને ૪૦૦ મિલ્યન પાઉન્ડનું હીરા-મોતી જડિત ઝવેરાત હતું (૪૦૦ મિલ્યન પાઉન્ડ એટલે ૪૦૦ને ૧૦ લાખ વડે ગુણો અને આવે એ રકમને ફરી ૮૭થી ગુણો એટલે જે રકમ આવે એટલા રૂપિયા - અંદાજે ૩૪૮૦ કરોડ રૂપિયા).

નિઝામ પોતે બહુ સાદાઈથી અથવા લોકો કહે છે એમ કંજૂસાઈથી જીવતા. ચોળાયેલાં સાદાં વસ્ત્રો અને જૂનો સાફો તેમની ઓળખ હતાં. નિઝામ સુંદર સ્ત્રીઓના શોખીન હતા. પત્ની ઉપરાંત ૮૬ મિસ્ટ્રેસ (ઉપવસ્ત્ર) તેમના મહેલોમાં હતી. એ સ્ત્રીઓ અન્ય પુરુષોની નજરથી દૂર રહેતી અને ફક્ત નિઝામ જ તેમના સંપર્કમાં રહેતા. ૧૯૪૮ પછી પણ બ્રિટનની બૅન્કમાં ટ્રાન્સફર થયેલા પૈસા પાછા મેળવવા નિઝામે પ્રયત્ન કર્યો હતો, પણ બૅન્કે ભારત તથા પાકિસ્તાનના દાવાને ધ્યાનમાં રાખીને જ્યાં સુધી અદાલત તેમને સૂચના ન આપે ત્યાં સુધી એની કાર્યવાહી આગળ વધારવાનો ઇનકાર કર્યો હતો. ૧૯૬૭માં ૮૦ વર્ષની ઉંમરે નિઝામે છેલ્લા શ્વાસ લીધા. ૧૯૯૫માં તેમના વિશાળ ખજાનામાંથી સરકારે મહામહેનતે ૧૭૩ પીસનું ઝવેરાત ૨૧૮ કરોડમાં ખરીદી લીધું જેનું ફક્ત એક વાર દિલ્હીના નૅશનલ મ્યુઝિયમમાં એક્ઝિબિશન રાખવામાં આવ્યું હતું.

લંડનની કોર્ટમાં ચાલી રહેલા કેસના ત્રીજા અરજદાર એટલે કે નિઝામના પૌત્ર મુકકરમ જાહ વિશે આપણે કેમ વધુ નથી જાણતા? ૨૫૦૦૦ કરોડ રૂપિયાથી પણ વધુ મિલકત, ઝવેરાત, અદ્ભુત રાજમહેલો આ બધું જ જેને તાસક પર મળ્યું હતું એ મુકકરમ આજે ક્યાં છે? હૈદરાબાદે એવા ઘણા શાસકો જોયા છે જેઓ સમય સાથે તાલ ન મેળવી શક્યા અને ફેંકાઈ ગયા. બરકતના નામે ઓળખાતો મુકકરમ નિઝામના ગયા પછી મોટી મિલકત સાચવી ન શક્યો. હૈદરાબાદના પાંચ પૅલેસ ચૌમહલ, કિંગ કોઠી, ફલકનૂમા, પુરાની હવેલી અને ચિરનની ઍન્ટિક વસ્તુઓ, ઝુમ્મર, ફર્નિચર, પેઇન્ટિંગ્સ, ચાંદીનાં વાસણો, હાથીદાંતની સુશોભિત કલાકારીગીરી, મોંઘી જાજમો, પુસ્તકો, પોર્સેલીન અને ક્રિસ્ટલનું કલેક્શન એ બધું જ ધીરે-ધીરે પગ કરી ગયું. નિઝામ મીર ઓસમાન અલી ખાનને પોતાની પિતૃસંપત્તિ તો મળી જ હતી, એ ઉપરાંત અંગ્રેજોને સતત પીઠબળ આપી તેણે પોતાની સંપત્તિમાં અઢળક વધારો કર્યો હતો. વર્ષના બે દિવસ, ઈદ અને પોતાના જન્મદિવસે રાજ્યના ધનાઢ્યો, સરકારી અફસરો પાસેથી નિઝામ ખૂબ જ મોંઘી સોના, મોતી અને રત્નોની ભેટ સ્વીકારતા. એક જણે તો આખો ફલકનૂમા મહેલ જ તેમને ભેટ આપ્યો હતો. સામાન્ય માણસની બુદ્ધિ કામ ન કરે એવી આ સંપત્તિને સાચવવામાં બરકતને આંખે અંધારાં આવતાં હતાં.

હા, પણ મુકકરમ ઉર્ફે બરકત તો નિઝામનો પૌત્ર છે તો નિઝામના પુત્રનું શું થયું? આમ તો નિઝામ પછી તેમનો તાજ તેમના પુત્ર આઝમના શિરે મુકાય, પણ એવું બન્યું નહીં. ૧૯૪૮માં ભારત સરકારે હૈદરાબાદને ભારતમાં ભેળવી દીધું, પણ નિઝામની નિઝામ તરીકેની ઓળખ કાયમ રાખી હતી અને તેમની નિજી સંપત્તિને પણ હાથ અડાડ્યો નહોતો. ૧૯૪૮થી મૃત્યુ પર્યંત એટલે કે ૧૯૬૭ સુધી તો નિઝામે જ પોતાનો કારોબાર સંભાળ્યો. દશા તો પછી બેઠી! નિઝામનો પુત્ર આઝમ ટર્કીના ખલીફાની પુત્રીને પરણ્યો હતો જે ફક્ત સુંદર જ નહોતી, યુરોપમાં ભણેલી હતી. આટલી સુંદર, ભણેલી અને રાજઘરાનાની પત્ની હોવા છતાં આઝમે તેના હરેમમાં અનેક સ્ત્રીઓ રાખી હતી. પૈસાના વ્યવહારમાં પણ તે ઉડાઉ હતો. તેની પત્ની માટે આઝમની આ જીવનશૈલી આઘાતજનક હતી. તેણે પુત્ર બરકતને બ્રિટન ભણવા મોકલી આપ્યો. નિઝામ મીર ઓસમાન અલી ખાન પુત્રની ગતિવિધિઓથી નારાજ હતા અને તેમણે ભારત સરકારને જણાવી દીધું કે મારા ગયા પછી મારા પૌત્ર મુકકરમ (બરકત)ને નિઝામ તરીકે ગણવામાં આવે. આમ આઝમના હાથમાંથી નિઝામનું પદ અને મિલકત સરકી ગયાં. બરકતના પિતા આઝમ ૧૯૭૦માં અવસાન પામ્યા.

૧૯૭૧માં એ વખતનાં વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીએ બધાં જ રાજવી ટાઇટલ્સ પાછાં ખેંચી લીધાં અને રજવાડાંને અપાતાં સાલિયાણાં પણ બંધ કર્યાં. એનો મતલબ સાફ હતો કે બરકતે તેના સેંકડો માણસોના સ્ટાફને પગાર, મહેલની જાળવણીનો ખર્ચ પોતાના ખિસ્સામાંથી કરવાનો હતો. એમાં વળી તેના સેંકડો કુટુંબીજન ભાગ લેવા અદાલતે ચડ્યા. બરકત પાસે લીડરશિપની આવડત અને મુત્સદ્દીનો અભાવ હતો. આવા દબાણને એ જીરવી શક્યો નહીં. આખી મિલકતનો પાવર ઑફ ઍટર્ની આપીને એ કોઈ હેતુ વગરના વિશ્વભ્રમણ પર નીકળી પડ્યો.

રાજાની ગેરહાજરીમાં અને યોગ્ય વ્યક્તિના એ ઍડ્મિકનિસ્ટ્રેશન વગર મહેલો લૂંટાય નહીં તો બીજું શું થાય? મહેલોની અઢળક મોંઘી અને પ્રાચીન વસ્તુઓ પગ કરી ગઈ. સદરુદ્દીન ઝવેરી નામની વ્યક્તિ જેને બરકતે પાવર ઑફ ઍટર્ની આપ્યો હતો તેની રહેમનજર તળે આખી સંપત્તિ ખેદાનમેદાન થઈ ગઈ. કેટલીક સંપત્તિના કેસ હજી અદાલતમાં છે!

બરકત મેદાન છોડીને નાસી ગયા બાદ ટર્કી સ્થાયી થયો. ત્રણ પત્નીઓ બાદ તેણે ચોથી પત્ની કરી. વચમાં કેટલોક સમય ઑસ્ટ્રેલિયામાં પશુઓનું ફાર્મહાઉસ પણ ઊભું કર્યું, પણ નિયતિ તેને ફરી તુર્કસ્તાનમાં લાવી. ત્યાં તેણે પાંચમી પત્ની કરી. હાલમાં તે ત્યાં બે બેડરૂમના અપાર્ટમેન્ટમાં જીવન વિતાવે છે.

ઔરંગઝેબના સાથી અને પ્રથમ નિઝામ એવા કમરુદ્દીનથી સંપત્તિ ભેગી કરવાનો જે આરંભ થયો હતો એની ૨૫૦ વર્ષ પછી સાતમા નિઝામના વારસદારોએ ખેદાનમેદાન કરીને પૂર્ણાહુતિ કરી!

હવે એ સંપત્તિના નાના અંશ જેવી ૩૫ મિલ્યન પાઉન્ડ્સની રકમ માટેના કેસની સુનાવણી બ્રિટનમાં બે અઠવાડિયાં ચાલીને પૂરી થઈ છે. ભારત સરકાર અને નિઝામના બે પૌત્રો વચ્ચે કોઈક સમજૂતી થઈ છે. પાકિસ્તાને પણ પોતાનો હકદાવો રજૂ કર્યો છે. પોતાના મૃત્યુ અગાઉ બ્રિટનની બૅન્કમાં પડેલા આ પૈસા ભારત સરકારને મળે એવું નિઝામ ૧૯૬૫માં લખતા ગયા હતા. ભારતે એ દાવો મજબૂતાઈથી રજૂ કર્યો છે તો નિઝામના બન્ને પૌત્રો પિતૃમિલકતના દાવા પર જોર લગાવી રહ્યા છે. દાયકાઓ સુધી આ કેસ બ્રિટનની વિવિધ અદાલતમાં ચાલ્યો છે અને હાઉસ ઑફ લૉર્ડ્સમાં પણ રજૂઆત થઈ છે. હવે ત્યાંની હાઈ કોર્ટના જસ્ટિસ માર્ક્સ સ્મિથે બધી બાજુઓને સાંભળી છે અને દોઢબે મહિનામાં તેઓ પોતાનો ચુકાદો આપશે!

આ પણ વાંચો : કૉલમ : તમે ૪૭ વર્ષની ઉંમરે દરિયામાં તરવાની ડૅરિંગ કરી શકો?

આ કેસે સમગ્ર ૨૫૦ વર્ષના ઇતિહાસને આપણી નજર સામે મૂકી દીધો છે. આ કેસ એ વાત નીચે અન્ડરલાઇન કરે છે કે નબળા શાસક પાસે ગમે એટલી સમૃદ્ધિ હોય પણ ઢીલો વહીવટ તેને હાથમાં ચપણિયું લઈને ફરતો કરી દે છે !

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK