Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > જળપ્રલય કુદરતનો પ્રકોપ કે માનવનિર્મિત દુર્ઘટના?

જળપ્રલય કુદરતનો પ્રકોપ કે માનવનિર્મિત દુર્ઘટના?

18 August, 2019 10:27 AM IST | મુંબઈ ડેસ્ક
સંજય પંડ્યા

જળપ્રલય કુદરતનો પ્રકોપ કે માનવનિર્મિત દુર્ઘટના?

જ્યાં જુઓ ત્યાં પાણી પાણી

જ્યાં જુઓ ત્યાં પાણી પાણી


પ્રકૃતિ શિવજી જેવી છે! બધું સમુંસૂતરું હોય તો તમારા પર સતત કરુણા વરસાવતી રહે, પણ શિવજીની જેમ એનું ત્રીજું નેત્ર ખૂલે તો બધું ખેદાનમેદાન કરી નાખે. જળ એ જીવન છે એમ આપણે કહીએ છીએ અને એ સત્ય પણ છે છતાં એ જળ જ્યારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરે ત્યારે કેટલી જિંદગીઓને તથા માલમિલકતને પોતાની અડફેટમાં લે એ આપણે છેલ્લા ૧૦ દિવસમાં જોયું છે.

મુંબઈમાં બે દિવસ ધોધમાર વરસાદ પડે ત્યારે હંમેશની જેમ સાયન, માટુંગા, કિંગ્સ સર્કલ વિસ્તારમાં ગોઠણ સમાં પાણી ભરાઈ જાય. એમાં તો ટીવી -ચૅનલ્સને ગોળનું ગાડું મળી જાય. આકાશમાંથી આફત વરસી એવા વાહિયાત હેડિંગ સાથે ન્યુઝ-ઍન્કર બકવાસ કરતો રહે! અરે ભાઈ, મુંબઈનાં આ બે-ચાર પૉકેટ્સ નીચાણવાળા વિસ્તાર છે અને જ્યાં સુધી વરસતા વરસાદ કરતાં પાણી ઉલેચવાની ક્ષમતા ન વધારાય ત્યાં સુધી આ પ્રૉબ્લેમ રહેવાનો જ છે. દરિયાના ભરતી-ઓટના સમય પણ અહીં અગત્યનો ભાગ ભજવે છે. હા, ૨૦૦૫માં ૨૬ અને ૨૭ જુલાઈના દિવસ મુંબઈગરાને જીવનભર યાદ રહી જાય એવા હતા. ધોધમાર વરસાદે એ સમયે મુંબઈને ભાંખોડિયાં ભરતું નહીં, પણ સાવ સ્થિર કરી દીધું હતું. હદ બહારના નુકસાન ઉપરાંત વરસાદી જળપ્રપાતે ૧૦૯૪ જેટલી માનવજિંદગીનો ભોગ લીધો હતો.



છેલ્લાં બે અઠવાડિયાંમાં મહારાષ્ટ્ર, કર્ણાટક અને કેરળના અનેક વિસ્તારોને પૂરનાં પાણીએ ધમરોળ્યા છે. આર્મી, નેવી, કોસ્ટગાર્ડ, એનડીઆરએફની વિશેષ ટીમો, પોલીસ ડિપાર્ટમેન્ટ, કેટલીય સંસ્થાના સ્વયંસેવકોથી લઈને સ્થાનિક માછીમારો પણ બચાવ અભિયાનમાં જોડાયા હતા. ૧૩મી ઑગસ્ટ સુધીમાં પુણે, સાંગલી, કોલ્હાપુરમાં ૫૦ જણનાં મૃત્યુ નોંધાયાં છે અને ત્રણ લાપતા છે. પોણાપાંચ લાખ લોકોને સલામત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે, તો ૫૯૬ જેટલાં કામચલાઉ આશ્રયસ્થાનો ઊભાં કરવામાં આવ્યાં છે. મહારાષ્ટ્રમાં સાંગલી અને કોલ્હાપુર ૮થી ૧૦ દિવસ પાણીમાં તરતાં શહેર જેવાં રહ્યાં. શ્રાવણી નામની કિશોરી મે મહિનામાં મુંબઈમાં ટ્રેઇની તરીકે આવી હતી .હાલમાં એ ફૅશન-ડિઝાઇનિંગ અને મર્ચન્ડાઇઝિંગનો કોલ્હાપુરમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરી રહી છે. ફોન પર તેણે જણાવ્યું, ‘અમારું ઘર પંચગંગા નદીની નજીક છે. બે-ત્રણ દિવસ સુધી અમારા ઘરમાં પાંચ ફૂટ જેટલાં પાણી ભરાયેલાં રહ્યાં હતાં. જેમનાં ઘર નદીની વધુ નજીક છે ત્યાં તો આખાં ને આખાં ઘર પાણીમાં ગરકાવ થઈ ગયાં હતાં. એનડીઆરએફની ટીમ છેલ્લા ૮ દિવસથી રોજ આવે છે. તેઓ જેને જોઈએ તેને ભોજનનો સામાન અને પીવાનું પાણી લાવી આપે છે. કેટલાંય ઠેકાણે પાવર પણ દિવસો સુધી નહોતો.’


બીજી એક ટ્રેઇની મનાલી કહે છે, ‘પંદર દિવસથી અમારી ઇન્સ્ટિટ્યૂટ બંધ જ છે. છોકરીઓ આજુબાજુના ગામથી કોલ્હાપુર ભણવા આવે છે, પણ આટલા પાણીમાં તો રસ્તાઓયે ડૂબી ગયા છે. વળી એ છોકરીઓના ગામમાં કેટલાં પાણી હશે કોને ખબર? એટલે પાણી ઊતરે અને બધું નૉર્મલ થાય પછી જ કૉલેજ ખૂલશે.’ મનાલી ઉમેરે છે, ‘મારું ઘર તો કણકવલી પાસે છે એટલે પાણી જરા ઊતર્યાં તો મારા ઘરે જવાના રસ્તા ખૂલ્યા. ૧૫ દિવસ અમે હૉસ્ટેલમાં જ બંધ હતાં. અત્યારે હું હૉસ્ટેલ છોડીને મારા કનકવલીના ઘરે આવી છું, પણ પૂરને કારણે જોયેલો વિનાશ કંપાવી દે એવો છે. મારાં સગાં રહે છે એ વિસ્તાર તો એટલોબધો પાણીમાં હતો કે નેવીવાળાએ તેમને બોટમાં રેસ્ક્યુ કર્યા. અનેક લોકોએ અહીં જીવ ખોયા છે તો કેટલાયે લોકો પૂરના પ્રવાહમાં લાપતા થઈ ગયા છે. લાખો લોકોનાં ઘરનું ફર્નિચર, પલંગ, ટીવી બધું પૂરમાં ખતમ થઈ ગયું છે. પાણી એટલું ઝડપથી આવ્યું કે લોકોને પોતાની વસ્તુઓ ઊંચી જગ્યાએ લઈ જવાનો મોકો જ નહોતો મળ્યો.’

કોલ્હાપુર પાસે રાધાનગરી નામનો બંધ છે. એ સિવાય કોયના અને વારણા બંધ કૃષ્ણા નદીના ઉપરવાસમાં છે. ધોધમાર વરસાદ અને બીજી બાજુ આ ત્રણેય બંધમાંથી છોડવામાં આવેલાં વધારાનાં પાણી એ બન્નેએ સાંગલી અને કોલ્હાપુર જિલ્લાની બુંદ બેસાડી દીધી એવું સ્થાનિક પ્રજાનું કહેવું છે. સૅન્ડ્રપ (SANDRAP - સાઉથ એશિયન નેટવર્ક ફૉર ડૅમ્સ, રિવર્સ ઍન્ડ પીપલ) નામની સંસ્થા જે પાણીને લગતી સમસ્યાઓ માટે કાર્ય કરે છે એનું પણ એ જ કહેવાનું છે. IMD (ઇન્ડિયન મિટિયરોલૉજિકલ ડિપાર્ટમેન્ટ)ની જ્યારે આગાહી હતી કે આ વિસ્તારોમાં ખૂબ વરસાદ પડશે ત્યારે બંધ ફુલ થઈ જાય એની રાહ જોયા વગર એમાંથી પાણી અગાઉથી જ છોડવાની શરૂઆત કરવા જેવી હતી. ૨૮ જુલાઈએ આ ત્રણેય ડૅમ ૭૦-૮૦ ટકા ભરાયેલા હતા. ૪ ઑગસ્ટે જોરદાર વરસાદની શરૂઆત થઈ અને સાથે-સાથે ડૅમ પણ ઓવરફ્લો થવા માંડ્યા. એવામાં નદી પોતાનાં તટ વટાવીને શહેરમાં અને ખેતરમાં ન પ્રવેશે તો બીજું શું થાય? ૨૮ જુલાઈએ જ બંધના દરવાજા થોડા ખોલીને પાણી જવા દીધું હોત તો ૪ ઑગસ્ટ પછીના સતત ૮ દિવસના વરસાદ દરમ્યાન બંધમાં ઉપરવાસથી થતી પાણીની આવક સહન કરવાની ક્ષમતા હોત. એક વાર ડૅમ ફુલ થઈ જાય પછી સિંચાઈ વિભાગ પાસે ડૅમના દરવાજા ખોલવા સિવાય વિકલ્પ રહેતો નથી. રાધાનગરી ડૅમ તો ૨૫ જુલાઈએ જ ૮૦ ટકા ફુલ હતો, પણ સિંચાઈ વિભાગની દીર્ઘદૃષ્ટિના અભાવે એ વખતે ડૅમના દરવાજા ખોલવામાં ન આવ્યા અને એને કારણે ૯ દિવસ પછી ધોધમાર વરસાદ અને પૂર અનેક જિંદગીઓ માટે મોત લઈને આવ્યાં. ૨૦૦૫માં પણ સાંગલી અને કોલ્હાપુર જળપ્રલયનો ભોગ બન્યાં હતાં. સરકારે એ વખતે એક કમિટી નીમી હતી, પણ એનો રિપોર્ટ પ્રજા સમક્ષ ક્યારેય આવ્યો જ નહીં. સરકારના જળ સંસાધન વિભાગના સેક્રેટરી રાજેન્દ્ર પવારે કહ્યું, ‘હા આઇએમડીની આગાહીની જાણ હતી, પણ એ જિલ્લા જેવા મોટા વિસ્તાર માટે હોય છે. તાલુકા લેવલનું ફોરકાસ્ટ નથી હોતું. વળી અમે છેલ્લાં ૪૦ વર્ષના ડેટાને અનુસરીને બંધમાંથી પાણી છોડવું કે નહીં એ નક્કી કરીએ છીએ, પણ ધાર્યા કરતાં ચાર ગણો વરસાદ ખાબકશે એવું અમે ધાર્યું નહોતું.’


લ્યો બોલો, જિલ્લા સ્તરની આગાહી હોય તો પ્રશાસને સમગ્ર જિલ્લાના હિસાબે પૂર સામે બાથ ભીડવાની તૈયારી કરવાની હોય, પણ આપણી કમનસીબી છે કે આવી આફત સામે લડવાની આગોતરી તૈયારી પ્રશાસન દાખવતું નથી અને એનો ભોગ ગરીબ લોકો તથા તેમની માલ-મિલકત બને છે.

સાંગલી અને કોલ્હાપુરનાં પૂરનું બીજું એક કારણ કૃષ્ણા નદી પરનો અલમટ્ટી ડૅમ છે જે કર્ણાટકમાં છે. આ અલમટ્ટી ડૅમ પણ ભરાઈ ગયો હતો એટલે નદીનાં પાણી કોલ્હાપુર અને સાંગલીના વિસ્તારમાં ફેલાયાં. મહારાષ્ટ્રના સિંચાઈ વિભાગે કર્ણાટકને વિનંતી કરી કે નહીં એની જાણ નથી, પણ કોલ્હાપુર અને સાંગલીમાં પરિસ્થિતિ વણસી ગયાના ૪ દિવસ બાદ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કર્ણાટકના મુખ્ય પ્રધાન યેદિયુરપ્પાને વિનંતી કરી કે અલમટ્ટી ડૅમમાંથી પાંચ લાખ ક્યુસેક પાણી છોડો તો અહીં અમારા વિસ્તારમાંથી પાણી ઊતરે. આ વિનંતીના બે દિવસ પછી યેદિયુરપ્પાએ જણાવ્યું કે તેમણે અલમટ્ટી બંધમાંથી ચાર લાખ એંસી હજાર ક્યુસેક પાણી છોડવાની સૂચના આપી છે. મહારાષ્ટ્ર અને કર્ણાટક બન્ને ભાજપશાસિત રાજ્યો હોવા છતાં આવી આપત્તિ વખતે નિર્ણય લેતાં દિવસો પસાર થાય એ આશ્ચર્યજનક છે.            

આ તરફ કર્ણાટક માટે પણ પરિસ્થિતિ ડામાડોળ છે. ૧૪ ઑગસ્ટ સુધીમાં પૂરને કારણે અહીં ૬૧ લોકોએ જિંદગીથી હાથ ધોયા છે અને બીજા ૧૪ લોકો ગાયબ છે. કર્ણાટકનું ઐતિહાસિક સ્થળ હમ્પી ભારતના અને વિદેશના પર્યટકોનું માનીતું સ્થળ છે. ઍરમાર્શલ એસ. કે. ઘોટિયાએ ૧૩ ઑગસ્ટે જણાવ્યું કે ૮ ઑગસ્ટથી હમ્પીમાં રેસ્ક્યુ ઑપરેશન ચાલુ છે અને ત્યાં ફસાયેલા લોકોને બચાવકાર્ય દ્વારા વિજયનગર લઈ જવાયા છે. કર્ણાટકના ૧૭ જિલ્લાના ૮૦ તાલુકા વરસાદ અને પૂરથી અસરગ્રસ્ત થયા છે. ૬ લાખ જેટલા લોકોને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે. ૧૧૬૮ જેટલા કૅમ્પમાં સવાત્રણ લાખ લોકો આશરો લઈ રહ્યા છે. ૫૦,૦૦૦થી વધુ પ્રાણીઓને પણ પૂરના સ્થળેથી બચાવી લેવાયાં છે. ત્યાંના મુખ્ય પ્રધાને નુકસાનનો અંદાજ ૧૦,૦૦૦ કરોડ રૂપિયા જેટલો માંડ્યો છે અને તેમણે તાત્કાલિક રીતે ૩૦૦૦ કરોડ રૂપિયા રાહતકાર્યો માટે ફાળવવા કેન્દ્રને વિનંતી કરી છે. અગ્નિશામક દળ, SRDF, NDRF, ઍરફોર્સ તથા પાંચ હેલિકૉપ્ટર્સ બચાવકાર્યોમાં જોડાયેલાં હતાં. આ વિસ્તારનાં કેટલાંક ગામ ૧૦થી ૧૨ ફુટ પાણીમાં ડૂબેલાં હતાં. જોકે ત્યાંના એક ઘરના છાપરા પર મગર નિરાંતે આરામ ફરમાવતો હતો એની તસવીરો વૉટ્સઍપ પર વાઇરલ થઈ હતી.

ડુંગરો, લીલોતરી, નારિયેળીનાં વૃક્ષો અને રમણીય સાગરતટ ધરાવતા કેરળને જળપ્રલયે સતત બીજા વર્ષે પીંખી નાખ્યું છે. ૧૫ ઑગસ્ટ સુધી પૂરને કારણે કેરળમાં ૧૦૪ લોકોનાં મૃત્યુ થયાં છે અને બીજા ૫૮ લોકો લાપતા છે. જેણે કેરળની પ્રકૃતિને માણી છે એને સબરીમાલા, ટેકડી અને મુન્નારના લીલાછમ પર્વત ઢોળાવો અને ટી પ્લાન્ટેશનની ખૂબસૂરતી યાદ હશે. ધોધમાર વરસાદ રમણીય ઢોળાવવાળા આ પ્રદેશના રસ્તાઓ તો ખેદાનમેદાન કરી નાખે છે, પણ સાથે-સાથે ટેકરીઓના મોટા હિસ્સાને નીચે ખેંચી જાય છે. નીચાણવાળા વિસ્તારમાં રહેલાં કેટલાંક ગામોમાં તો પાણી અને કાદવે દસ-બાર ફુટ સુધી ઘરને ઢાંકી દીધાં છે. મલ્લાપુરમ, કન્નુર અને કોઝિકોડ (કાલિકટ)ના વિસ્તારો પૂર અને લૅન્ડસ્લાઇડનો ભોગ બન્યા. ૯-૧૦ ઑગસ્ટ આસપાસ ઘણી ટ્રેનો કૅન્સલ કરવામાં આવી અને રનવે પર પાણી ભરાઈ જવાને કારણે બે દિવસ માટે કોચી ઍરપોર્ટ પણ બંધ કરી દેવામાં આવ્યું. કેરળમાં અઢી લાખ જેટલા લોકોનાં સ્થળાંતર કરવામાં આવ્યાં અને ૧૬૦૦ ઉપરાંત રાહત-કેન્દ્રોમાં તેમને મૂળભૂત સુવિધા આપવામાં આવી.

બચાવકાર્યમાં આર્મી, નેવી, એનડીઆરએફ વગેરે ટીમોએ ખડેપગે કામગીરી નિભાવી હતી. કમર સમાણાં પાણીમાં ચાલીને આ જવાનોએ બાળકોને, સગર્ભા સ્ત્રીઓને, વયોવૃદ્ધ લોકોને સલામત સ્થળે પહોંચાડયાં છે. કેટલાંક ઠેકાણે તો તેમણે વૃદ્ધો તથા બાળકોને ઊંચકી પણ લીધાં છે. બચાવકાર્ય બાદ આ ટીમની મદદ પામેલા લોકોએ જવાનોને ભગવાનની જેમ પૂજ્યા છે, તો ક્યાંક તેમની આરતી ઉતારી છે. ક્યાંક મહિલાઓએ તેમના હાથે રાખડી પણ બાંધી છે. ભગવાન ક્યારેક આફત મોકલે છે તો એમાંથી ઉગારવા દેવદૂત જેવા આ જવાનોને પણ મોકલી દે છે એવો ભાવ દરેક રાજ્યના પૂરની અસર પામેલા લોકોમાં જોવા મળે છે. 

વિશ્વસ્તરે જોવા જઈએ તો કેટલીક કુદરતી આપદાઓ એવી છે જેમાં લાખો માનવીઓએ જીવ ખોયા છે. પીટર હોએ ૨૦૦૮માં પ્રકાશિત પોતાના પુસ્તકમાં ચીનમાં ૧૯૩૧માં આવેલાં પૂરમાં ૧૦થી ૪૦ લાખ લોકો મૃત્યુ પામ્યા હોવાનો ઉલ્લેખ કર્યો છે. ૧૮૮૭માં ચીનની યલો રિવરમાં આવેલાં પૂરમાં ૯ લાખથી ૨૦ લાખ લોકો મૃત્યુ પામ્યાનો ઉલ્લેખ છે. ૧૫૫૬માં ચીનના ભૂકંપમાં ૮ લાખ ૩૦ હજાર પ્રજાજન મૃત્યુના મુખમાં હોમાઈ ગયા હતા.૧૯૭૦માં પૂર્વ પાકિસ્તાન (હાલનું બંગલા દેશ)માં ‘ભોલા’ નામના વાવાઝોડાએ પાંચ લાખ કરતાં વધુ માનવીઓનો ભોગ લીધો હતો. ભારતમાં ૧૮૩૯માં આવેલા વાવાઝોડામાં અને ૧૮૩૭માં કલકત્તામાં આવેલા વાવાઝોડામાં ૩ લાખ લોકો મૃત્યુ પામ્યાનું નોંધાયું છે.

યુરોપ, અમેરિકા અને લેટિન અમેરિકાને તો પૂર ઉપરાંત ટૉર્નેડો અને વોલ્કેનો (જ્વાળામુખી) પણ પજવતા હોય છે. ૨૦૧૪માં આઇસલૅન્ડના જ્વાળામુખીની ટોચ પર ટૉર્નેડો જોવા મળ્યો હતો. જ્વાળામુખીની અંદરથી નીકળતો ઝેરી સલ્ફર ડાયોક્સાઇડ ગૅસ ટૉર્નેડોને કારણે દોરડાની જેમ આકાશમાં એક કિલોમીટર જેટલો અધ્ધર ગયો હતો.

૧૯૦૦થી આજ સુધીના વિશ્વના આંકડા જોઈએ તો કુદરતી આફતો દરેક દાયકે વધતી રહી છે. જોકે જાનહાનિના આંકડા ૧૯૨૦થી ૧૯૪૦ વચ્ચે વધારે છે. મૃત્યુના આંકડા ક્રમશઃ ઘટી રહ્યા છે એનું કારણ વધુ આધુનિક ટેકનૉલૉજી અને વાતાવરણની આગોતરી જાણ હવે ઉપયોગમાં લેવાય છે એ હોઈ શકે.

ભારતમાં કુદરતી આફતો વધી છે એ તો કોઈ પણ સામાન્ય બુદ્ધિની વ્યક્તિ કહી શકે. જોકે આ બધી આપદા સામે ‘ભગવાન કરે એ ખરું’ કહી હાથ જોડીને બેસી રહેવાનો સમય નથી. આ આફતો પાછળ વાતાવરણનો બદલાવ અને ભૂમિ પર માણસની સખણા ન રહેવાની વૃત્તિ જવાબદાર છે. 

વનસ્પતિ, વૃક્ષો, નદીઓ, ઝરણાં, તળાવ, પર્વતો એ બધામાં પરમતત્ત્વનો વાસ છે એવું આપણાં શાસ્ત્રોએ કહ્યું છે. વિદેશની ધરતી પરના આદિમાનવનેય પ્રકૃતિનાં આ તત્ત્વોને સાચવવાની સમજણ હતી. વિકાસના નામે માનવે પ્રકૃતિનો ખંગ વાળ્યો છે. કેટલાંક વર્ષ અગાઉ ગણેશ નાઈક નામના સજ્જન મહારાષ્ટ્રના વનપ્રધાન હતા. આરે કૉલોની-નૅશનલ પાર્કનાં જંગલો સાફ કરી ત્યાં મકાનો બાંધવાનું સૂચન તેમણે કર્યું હતું. આ જંગલો તો પ્રદૂષિત મુંબઈનાં ફેફસાં છે એટલી સાદી સમજણ તેમને નહોતી. ઉત્તર મુંબઈના એક સંસદસભ્યને પૂછવામાં આવ્યું કે બિલ્ડર-લૉબી જમીનની ભરણી કરીને કેમ મૅન્ગ્રોવ્ઝનો નાશ કરે છે? તો તેમનો જવાબ હતો, ‘પર્યાવરણની જાળવણી વગેરે વિદેશી પ્રચાર છે. એ લોકો આપણો વિકાસ ન થાય એમ ઇચ્છે છે.’ આવા અભણ રાજકારણીઓની પેઢીએ પર્યાવરણને લાંબા ગાળાનું નુકસાન પહોંચાડયું છે. મૅન્ગ્રોવ્ઝ સમુદ્રના પાણીથી કિનારાનું ધોવાણ અટકાવે છે અને અતિવૃષ્ટિ વખતે પણ એ બફર ઝોન તરીકે મદદ કરે છે. એની અંદરની કરચલા કે માછલી જેવી જીવસૃષ્ટિ પણ આપણી ઇકો-સિસ્ટમના ભાગરૂપ છે. પોતાની બે-ચાર પેઢીઓ તરી જાય એ માટે રાજકારણીઓ તથા બિલ્ડરોની નજર મૅન્ગ્રોવ્ઝ  પર હંમેશાં હોય છે. આવા રાજકારણીઓ અને બિલ્ડરો દરેક રાજ્યમાં જોવા મળે છે.

ઇન્ટર ગવર્નમેન્ટ પૅનલ ઑન ક્લાઇમેટ ચેન્જ (IPCC) નામની એક સંસ્થા ૧૯૮૮માં સ્થપાઈ છે. વર્લ્ડ મિટિયરોલૉજિકલ ઑર્ગેનાઇઝેશન અને યુનાઇટેડ નેશન્સ એન્વાયર્નમેન્ટ પ્રોગ્રામ દ્વારા એની સ્થાપના થઈ છે. વિશ્વના મોટા ભાગના દેશો એના સભ્ય છે. વિશ્વના પર્યાવરણ, વાતાવરણમાં બદલાવ, એની અસરો અને એને રોકવાના પ્રયાસો પર વિશ્વભરના પર્યાવરણ નિષ્ણાતોએ તૈયાર કરેલાં રિસર્ચ-પેપર્સનું એ સંકલન કરી આપે છે. વિશ્વના ૧૨૦ જેટલા દેશો આ માહિતીનો ઉપયોગ કરી આગળની દિશા નક્કી કરે છે.

યુનાઇટેડ નેશન્સ કહે છે કે માનવીની કેટલીક પ્રવૃત્તિઓ વૈશ્વિક સ્તરે વાતાવરણમાં એવા બદલાવ લાવે છે જે હાલની અને પછીની પેઢીના માનવ માટે આર્થિક અને સામાજિક મુશ્કેલી પેદા કરશે. IPCCનો રિપોર્ટ કહે છે કે ઉદ્યોગીકરણ શરૂ થયું એ અગાઉ જે વિશ્વનું ઉષ્ણતામાન હતું એમાં ૧.૫ ડિગ્રી સેલ્સિયસ વધારો થયો છે જેને કારણે ગ્લેશિયર્સ પીગળી રહ્યાં છે અને સમુદ્રના પાણીનું સ્તર વધી રહ્યું છે જે માનવવસાહતો માટે ખતરાની ઘંટી છે. ગ્રીનહાઉસ ગૅસ (કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, નાઇટ્રેસ ઑક્સાઇડ, ઓઝોન તથા પાણીની વરાળ)નું પ્રમાણ ભયજનક રીતે વધી રહ્યું છે . 

કેદારનાથમાં ભયંકર પૂર આવ્યાં એ પછીના વર્ષે ગંગોત્રી ટ્રૅક પર જવાનું થયું હતું. ગંગોત્રીમાં મંદિરની બરાબર સામે ભાગીરથીના પ્રવાહની ઉપર હોય એવા ગેસ્ટહાઉસની રૂમ મને મળી હતી. દૃશ્ય અદ્ભુત હતું. ગેસ્ટહાઉસ મંદિરના પૂજારીનું હતું. આ જગ્યા નદીના પટની ઉપર જ હતી અને ઉપરવાસમાં ગૌમુખથી હિમશિલાનો વિશાળ ટુકડો નીચે ગંગોત્રી પાસે આવે તો આવા પચીસ-પચાસ ગેસ્ટહાઉસને સાથે નીચે લઈ જાય એવું એ સ્થાન! ગંગોત્રીથી ઉપરવાસમાં ગૌમુખ પહેલાં ચારેક કિલોમીટર અગાઉ ભોજવાસા છે. ત્યાં માનવવસ્તીના નામે વેધર બ્યુરોનો થોડો સ્ટાફ છે અને ગેસ્ટહાઉસના બે-ત્રણ માણસો છે. ગૌમુખ એ બીજું કંઈ નથી, પણ ગ્લેશિયરનો છેડો છે જ્યાંથી ભાગીરથી ઉદ્ભવે છે. એ સ્થાન દાયકાઓ અગાઉ ભોજવાસા નજીક હતું જે હવે ગ્લોબલ વૉર્મિંગને કારણે પાછળ જઈ રહ્યું છે.      

મુંબઈની પોઇસર નદીની વાત હોય કે સાંગલી-કોલ્હાપુરની કે કેરળની નદીઓ હોય, માનવીએ નદીને સાંકડી કરી નાખીને એના કાંઠા પર અતિક્રમણ કર્યું છે. વધુ ને વધુ માનવવસાહતોએ નદીના પટનો કબજો લઈ લીધો છે. રાજકારણ અને બિલ્ડરોની મિલીભગતે  મૅન્ગ્રોવ્ઝની જમીનમાં ભરણી કરી છે. આ બધાં કારણને લીધે ૫૦ વર્ષ અગાઉ નહોતો એવો માનવજીવનના પૂર્ણવિરામનો આંક જળપ્રલય દરમ્યાન જોવા મળે છે.

શું ગરીબો આ કુદરતી દુર્ઘટનાઓનો ભોગ વધુ બને છે? હા, ચોક્કસ! વાવાઝોડું હોય, સુનામી હોય કે પૂરની આફત, ૯૦ ટકાથી વધુ જાનમાલની નુકસાની કાચા ઘરમાં રહેનાર ગરીબો જ ભોગવે છે. પાણી અચાનક ભરાઈ જાય ત્યારે પાકા મકાનમાં રહેનારી પ્રજા તો પહેલા માળે કે છત પર આશરો લઈ લેશે, પણ ગરીબ પ્રજાના કુબા સેંકડોની સંખ્યામાં તણાઈ જાય છે. ધરતીકંપ વખતે પણ તેમને જ ભોગવવાનું આવે છે.

વાતાવરણમાં બદલાવ આવી રહ્યો છે એ વાત ચોક્કસ છે. અગાઉ આપણે વાત કરી એ ત્રણે રાજ્યોમાં ખૂબ ઓછા સમયમાં જ અઢળક પાણી વરસ્યું છે અને આ પૅટર્ન પાંચથી છ રાજ્યોમાં જોવા મળે છે. આટલું પાણી વરસ્યા છતાં વરસાદની ખાધ પણ ૩૬થી ૪૦ ટકા જેટલી બરકરાર છે!

ઑસ્ટ્રેલિયાનો અભ્યાસ પણ જણાવે છે કે ત્યાં વાવાઝોડા ઓછા આવશે પણ જે આવશે એની તીવ્રતા ગજબની હશે! જોકે કોઈ પણ કુદરતી આફત તારાજીમાં ત્યારે જ પલટાય જ્યારે એના માર્ગમાં સહેલાઈથી ધ્વસ્ત થઈ જાય એવી માનવવસાહત આવે. જપાનમાં ધરતીકંપ અવારનવાર આવે છે, પણ તેમણે ધરતીકંપને ખમી શકે એવાં મકાન ઊભાં કરીને જાનહાનિ સાવ ઓછી કરી છે. અમેરિકામાં પણ ટૉર્નેડો અને સાઇક્લોન અવારનવાર આવે છે, પણ જાનમાલને નુકસાન ન થાય એવાં પગલાં તેમણે લીધાં છે. ભારતમાં પણ પર્યાવરણની સમજ ધરાવતા રાજકારણીઓ અને અમલદારોને આગળ કરવાની જરૂર છે.

આ બધી કુદરતી આપદા વચ્ચે એક સારી વાત પણ સામે આવી છે. વર્ષો અગાઉના વાવાઝોડા વખતે ઓડિશા અને બંગાળમાં ઘણી જાનહાનિ થઈ હતી. IMD જોકે હવે વધુ સજ્જ બન્યું છે. ‘ફણી’ (જેને બંગલાદેશીઓ ‘ફોની’ ઉચ્ચાર કરે છે) વાવાઝોડા વખતે IMDની આગાહી ઓડિશાની સરકારે સિરિયસ્‍લી લીધી અને એની આગોતરી તૈયારી કરી, લાખો લોકોને સલામત સ્થળે ખસેડ્યા. એ જ પૅટર્ન તાજેતરમાં ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ‘વાયુ’ વાવાઝોડું આવ્યું ત્યારે જોવા મળી. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના નિરીક્ષણ હેઠળ NDRFની ટીમોએ દોઢ લાખ લોકોને સલામત સ્થળે ખસેડી દીધા હતા. આવી પૂર્વતૈયારી પણ કુદરતી પ્રકોપને ખાળવામાં પૂર્ણપણે સહાયભૂત બને છે.

તો હવે આપણી જવાબદારી શું?   
ગ્રીનહાઉસ ગૅસ ઓછા બને એ જોવાની સામૂહિક જવાબદારી, નદી-નાળાં કે સમુદ્ર પર અતિક્રમણ ન થાય એ જોવાની સરકારની જવાબદારી તથા કોઈ પણ પ્રકારની કુદરતી આપત્તિનો સામનો કરવાની આગોતરી તૈયારી, આ ત્રણેય દિશામાં સામાન્ય માણસથી લઈને રાજ્ય અને દેશની બાગડોર સંભાળનાર શાસકોએ વિચારવું પડશે અને તો જ જાનમાલના નુકસાનના આંકડા ઓછા થશે!

આ પણ વાંચો : નીરવ બારોટ: જાણો આ લોકગાયકની સફળતાની કહાની

ગ્રીનહાઉસ ગૅસ કઈ રીતે ઓછો થઈ શકે?
૧) જે વસ્તુ ખરીદો એનું પૅકિંગ ઓછું કરો. વસ્તુઓ રીસાઇકલ કરો.
૨) હીટર કે એસીનો વપરાશ ઓછો કરો.
૩) જુનવાણી બલ્બને બદલે CFL અથવા LED વાપરો.
૪) ચાલવાનું વધારો કે સાઇકલનો ઉપયોગ વધારો. કાર ઓછી વાપરો. 
૫) એનર્જીની બચત કરે એવી લાઇટ વાપરો.
૬) વૉટરહીટર કે ગિઝરનો ઉપયોગ ઓછો કરો. 
૭) જરૂર ન હોય ત્યારે રૂમનાં લાઇટ-પંખા બંધ કરો.
 ૮) પાડોશીઓ અને મિત્રોને પણ ઊર્જાની બચત કરવા પ્રોત્સાહન આપો.
૯) વધુમાં વધુ વૃક્ષો વાવો. એક વૃક્ષ પોતાના જીવનમાં એક ટન જેટલો કાર્બન ડાયોક્સાઇડ શોષી લે છે.
આ બધાં પગલાં લેવાથી ગ્રીનહાઉસ ગૅસ તો ઓછો થશે જ સાથે તમારા ગજવામાં ગુલાબી રંગની નોટોની સંખ્યા પણ વધશે!

Whatsapp-channel Whatsapp-channel

18 August, 2019 10:27 AM IST | મુંબઈ ડેસ્ક | સંજય પંડ્યા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK