ક્લાયમૅટ વિલનો સામે એકલેહાથે જંગ છેડનાર ગ્રેટા થનબર્ગ છે કોણ?

Published: Sep 28, 2019, 16:01 IST | સંજય પંડ્યા | મુંબઈ

‘વાતાવરણમાંથી કાર્બન ઓછો કરો અને પૃથ્વીને બચાવો’ જેવાં સૂત્રો તેમણે પોકાર્યાં. આ તમામ અભિયાન પાછળની પ્રેરણા છે ગ્રેટા

ગ્રેટા થનબર્ગ
ગ્રેટા થનબર્ગ

પંદર-સોળ વર્ષની ઉંમરે કૉલેજના દરવાજે ઊભા રહી વિદ્યાર્થીઓ ગપાટા મારતા હોય એ ઉંમરે ગ્રેટા થુનબર્ગ પર્યાવરણની જાળવણી માટેની તેની યુનિક ઝુંબેશ માટે વિશ્વભરમાં પ્રસિદ્ધ થઈ ગઈ છે. યુએનમાં વિશ્વનેતાઓ સામે ક્લાઇમેટ ઍક્શન સમિટમાં બોલતી વખતે ગ્રેટાએ કહ્યું, યુ હૅવ સ્ટોલન માય ડ્રીમ્સ. તમે મારાં સપનાંની પથારી ફેરવી દીધી છે. તમે આવું કઈ રીતે કરી શકો? આખી ઈકો-સિસ્ટમ મરવા પડી છે. લોકો મરી રહ્યા છે, પ્રદૂષણ વધી રહ્યું છે અને તમે લોકોને પરીકથા જેવી વાતોમાં ભોળવી ફક્ત પૈસાની અને આર્થિક સમૃદ્ધિની વાતો કરી રહ્યા છો! હાઉ ડેર યુ? છેલ્લાં ત્રીસ વર્ષથી વિજ્ઞાનીઓ અને પર્યાવરણવિદો કલાઇમેટ ચેન્જ વિશે ચેતવી રહ્યા છે અને તમે ફક્ત આશ્વાસન આપી રહ્યા છો કે પૂરતા પ્રયત્ન થઈ રહ્યા છે. ગ્લોબલ વૉર્મિંગમાં ઘટાડાની ૫૦ ટકા શક્યતા છે અને આ ૫૦ ટકા અમને અસ્વીકાર્ય છે!

કોણ છે આ ગ્રેટા થુનબર્ગ? અચાનક વિશ્વસ્તરે તેને ઓળખ કઈ રીતે મળી? ૧૬ વર્ષની આ કન્યા ૨૦૦૩માં સ્વીડનના સ્ટોકહોમમાં જન્મી છે. તેની માતા મેલીના અર્નમેન ઑપેરા સિંગર છે અને પિતા સ્વાન્તે થુનબર્ગ અભિનેતા છે. તેના દાદા પણ ફિલ્મ ક્ષેત્રનું જાણીતું નામ છે. સ્વીડનની આ કિશોરીને ક્લાઇમેટ ચેન્જ જેવા શબ્દો કાને પડ્યા ત્યારે તે માંડ આઠ વર્ષની હતી. એ પછીનાં ત્રણેક વર્ષ તેને માટે સ્વાસ્થ્ય સામેના સંઘર્ષનાં હતાં. તેણે ભોજન લેવાનું ઓછું કરી નાખ્યું હતું અને લોકો સાથે બહુ ભળતી પણ નહીં. તેની તકલીફનું ઍસ્પરજર્સ સિન્ડ્રૉમ તરીકે નિદાન કરવામાં આવ્યું. ગયા વર્ષના ઑગસ્ટમાં પંદર વર્ષની ઉંમરે ગ્રેટા સ્કૂલને બદલે સ્વીડિશ પાર્લમેન્ટ સામે જઈ ઊભી. એ સમયે તેના હાથમાં બૅનર હતું જેમાં પર્યાવરણમાં બદલાવની સામે ગંભીરતાથી તાત્કાલિક પગલાં લેવાની માગણી હતી. પર્યાવરણની જાળવણી માટેની આ ચળવળને બીજા વિદ્યાર્થીઓએ પણ ઉપાડી લીધી. સ્કૂલ ક્લાઇમેટ સ્ટ્રાઇક મૂવમેન્ટના નામે અનેક શુક્રવારે વિવિધ ઠેકાણે સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા દેખાવો થતા રહ્યા. આ દેખાવો દ્વારા તેમનો હેતુ રાજકારણીઓ તથા સત્તાધીશો પર પર્યાવરણ માટે દબાણ લાવવાનો તો હતો જ સાથે-સાથે પોતાની વાત અનેક લોકો સુધી તેમને પહોંચાડવી હતી.
સુંદરલાલ બહુગુણા અને તેમનું ‘ચિપકો’ આંદોલન યાદ છે? વૃક્ષો અને જંગલોને કપાતાં બચાવવા સુંદરલાલ અને તેમના સાથીઓએ આંદોલનને ભારતભરમાં પ્રસરાવ્યું હતું. ૧૯૭૪ની આસપાસ શરૂ થયેલા આંદોલનમાં વનનાં વૃક્ષો કાપવા અધિકારીઓ જતા ત્યારે ચિપકો આંદોલનના કાર્યકર્તાઓ વૃક્ષને ચોંટી પડી એ વૃક્ષોને બચાવતા. સરકારી વિચારધારા અને પર્યાવરણવિદો હંમેશાં સામસામે છેડે રહ્યા છે. સરકાર વિકાસના નામે પર્યાવરણ તરફ આંખ આડા કાન કરે છે. તેમને ખબર નથી કે પર્યાવરણની જાળવણી આપણા ભવિષ્ય માટેનું ઇન્વેસ્ટમેન્ટ છે. મુંબઈમાં પણ મેટ્રોના કારશેડ માટે બીજા વિકલ્પ હોવા છતાં સત્તાધીશો આરેની લીલીછમ જમીન પર ડોળા ક્યાં નથી નાખતા?
ગ્રેટાની પર્યાવરણ માટેની લડતને તો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર જેવા માધ્યમની મદદ મળી એટલે વાત આગની જેમ ફેલાઈ. વળી ગ્રેટા સ્કૂલની વિદ્યાર્થિની છે અને સ્કૂલ છોડીને આંદોલન કરે છે એટલે સમગ્ર મીડિયાએ એની નોંધ લીધી. યુએનની સમિટને સંબોધતાં તેણે ધારદાર રીતે પૂછ્યું, ‘મારી અહીં જરૂર શું છે? મારે અત્યારે સ્કૂલમાં હોવું જોઈએ અથવા તો સમુદ્રને બીજે છેડે મારા ઘરે હોવું જોઈએ.’ વિશ્વના નેતાઓને આ એક ચાબખો હતો કે પર્યાવરણની જાળવણી એ તમારું કાર્ય છે. તમે એ યોગ્ય રીતે નથી સંભાળ્યું એટલે સ્કૂલના વિદ્યાર્થીઓને રસ્તા પર ઊતરવું પડ્યું છે. ગ્રેટાએ તેની ઝુંબેશની શરૂઆત જ પોતાના પરિવારથી કરી. તેણે પોતાના પરિવારને વીગન બનાવી દીધો. વીગન શાકાહારી હોય છે અને એ ઉપરાંત દૂધ કે દૂધની કે પ્રાણીજ પ્રોડક્ટનો વપરાશ નથી કરતા. વાતાવરણમાં કાર્બનને ઘટાડવા વિમાની મુસાફરી છોડી દેવા તેણે પોતાની માતાને પણ મનાવી લીધી. તેના પરિવારે તેની ઝુંબેશને સમર્થન આપ્યું એટલે ગ્રેટાને શ્રદ્ધા બેસી કે બીજા લોકોમાં પણ તે બદલાવ લાવી શકશે. સ્કૂલના અભ્યાસના ભોગે પણ ગયા આખા વર્ષ દરમિયાન કલાઇમેટ ઍક્ટિવિસ્ટ તરીકેની ઝુંબેશ ચાલુ રહી. સ્કૂલમાં તેની ગેરહાજરી ગ્રેટાના પિતાને ખટકે છે પણ તેમનું એવું કહેવું છે કે ઘરે બેસી રહી તે બેચેન રહ્યા કરે કે પર્યાવરણ માટે અફસોસ વ્યક્ત કર્યા કરે એના કરતાં પર્યાવરણ માટે કાર્ય કરી તે ખુશ રહે એ વધુ અગત્યનું છે. ગ્રેટા પણ કહે છે કે વ્યક્તિ તરીકે તેના ટીચર્સ તેને સપોર્ટ આપે છે, પણ શિક્ષક તરીકે સ્કૂલનો અભ્યાસ બગડે છે એની તેમને ચિંતા છે.
ગ્રેટાએ વિવિધ ઠેકાણે પર્યાવરણને લગતાં જે વક્તવ્ય આપ્યાં છે એ પુસ્તકરૂપે બહાર પડ્યાં છે. એનું નામ છે No one is too small to make a difference. આ પુસ્તકની આવકને પણ ચૅરિટીમાં આપી દેવાઈ છે. ગયા ઑગસ્ટમાં ગ્રેટાએ યુકેથી ન્યુ યૉર્કનો પ્રવાસ ૧૫ દિવસમાં સમુદ્રમાર્ગે યૉટ દ્વારા કર્યો. આ યૉટ સોલર એનર્જી પર ચાલતી હતી અને એના તળિયે પાણીથી ચાલતાં ટર્બાઇન હતાં. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ ઓછામાં ઓછો ફેંકાય એવી પર્યાવરણવિદોની અને ગ્રેટાની થિયરીને અનુરૂપ યૉટ હતી.
યુનાઇટેડ સ્ટેટ્સમાં ગયા વર્ષે સ્કૂલનાં બાળકો પર સશસ્ત્ર હુમલો થયો ત્યારે સ્કૂલનાં બાળકોએ સ્કૂલનો બહિષ્કાર કર્યો હતો. ગ્રેટાએ કહ્યું કે પર્યાવરણ માટે સ્કૂલ સ્ટ્રાઇકનો વિચાર તેને ત્યાંથી મળ્યો હતો. સ્વીડનમાં ગયા વર્ષે પર્યાવરણ વિશેની એક નિબંધ સ્પર્ધામાં તેને ઇનામ પણ મળ્યું હતું, જેમાં તેણે લખ્યું હતું, ‘માનવજાતની આજ સુધીની સૌથી ગંભીર એવી આજની પર્યાવરણની કટોકટીમાં હું મારી જાતને સલામત કઈ રીતે સમજી શકું?’
સ્વીડન જેવો રળિયામણો દેશ જે સામાન્ય રીતે ઠંડો પ્રદેશ ગણાય છે ત્યાં ગયા વર્ષે ભયાનક ગરમી પડી જે છેલ્લાં ૨૬૨ વર્ષમાં નહોતી નોંધાઈ. ગ્રેટાએ ત્યાંની પાર્લમેન્ટ સામે ઊભા રહી વિરોધ કર્યો ત્યારે એ પણ જણાવ્યું કે ‘પૅરિસ ઍગ્રીમેન્ટ’ દરમિયાન વિવિધ દેશોએ વાતાવરણમાં કાર્બન કઈ રીતે ઓછો જાય એ માટે જે સંમતિ આપી છે એ માટે સરકારે ગંભીરતાથી પ્રયત્ન કરવા જોઈએ. ગ્રેટાના વિરોધનાં પિક્ચર્સ ઇન્સ્ટાગ્રામ અને સોશ્યલ મીડિયા પર તરત જ વાઇરલ થયા હતા. તેના વિચારો ફક્ત યુરોપમાં જ નહીં, આખા વિશ્વમાં ફેલાયા. યુનાઇટેડ નેશન્સના સેક્રેટરી જનરલ ઍન્ટોનિયો ગુટર્સે પણ કબૂલ કર્યું, ‘મારી પેઢી વાતાવરણના બદલાવનો સામનો કરવામાં નિષ્ફળ ગઈ છે. આ નિષ્ફળતા નવી પેઢીને ખટકે છે અને એટલે જ તેમનો આક્રોશ યોગ્ય છે.’
ગ્રેટાએ રાજકારણીઓ, અમલદારો, બિઝનેસ માંધાતાઓને આડે હાથે લીધા છે. તેણે કહ્યું, ‘આપણું ઘર સળગતું હોય ત્યારે આપણે હાથ જોડી બેસી રહીએ એ ચાલે નહીં. We must act. પર્યાવરણ ખાડે ગયું છે અને આપણા નેતાઓ બાલિશ રીતે વર્તી રહ્યા છે. જેના હાથમાં સત્તા છે તેને ખબર નથી કે પૈસા કે આર્થિક વિકાસ પાછળની દોડમાં આપણે પર્યાવરણનું કેવું નિકંદન કાઢી રહ્યા છીએ. ગ્રેટાનું એમ પણ કહેવું છે કે ગ્લોબલ વૉર્મિંગ ઘટાડવા, દોઢ ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઘટાડવા બધા જ દેશો પૅરિસ ઍગ્રીમેન્ટ વખતે સંમત થયા હતા પણ એ દિશામાં નક્કર કંઈ થયું નથી. આ બેદરકારીનો ભોગ અમારે બનવું પડશે.
બ્રિટનના પર્યાવરણ પ્રધાન માઇકલ ગોવે પણ ગ્રેટાની પ્રશંસા કરી છે અને કહ્યું છે કે પર્યાવરણની સુરક્ષા માટે આપણે સૌએ હજી ઘણી મહેનત કરવાની છે. ગયા મહિને પ્રકાશિત બાળકોનાં પુસ્તકોમાં પર્યાવરણ અને ક્લાઇમેટ ક્રાઇસિસ સમાવા માંડ્યાં છે. ત્યાંના એક પ્રકાશકે તેને ‘ગ્રેટા થુનબર્ગ ઇફેક્ટ’ તરીકે વર્ણવી છે .
યુએસ અને યુરોપનાં કેટલાંક અખબારોએ જોકે આ અભિયાનને પ્રસિદ્ધિના હેતુ તરીકે પણ વર્ણવ્યું છે. કેટલીક ન્યુઝ ચૅનલોની ચર્ચા દરમિયાન ગ્રેટાની માનસિક સ્થિતિ વિશે ટિપ્પણી પણ કરવામાં આવી. ઑસ્ટ્રેલિયાના પ્રાઇમ મિનિસ્ટરે પણ બાળકોમાં ન જોઈતી ક્લાઇમેટ ઍન્ગ્ઝાયટી પેદા કરવાથી દૂર રહેવા કહ્યું છે.
જોકે પર્યાવરણની રક્ષા વિશ્વને સ્પર્શતો મુદ્દો છે. વાતાવરણમાં બદલાવ, ગ્લૅસિયરનું પીગળવું, કમોસમી વરસાદ, અનિશ્ચિત રીતે વધી જતું તાપમાન, પ્રદૂષણ વગેરે અનેક મુદ્દાઓ માનવજાતને પરેશાન કરી રહ્યા છે. નદી, તળાવ, ઝરણાં, વૃક્ષો, સમુદ્રને પ્રકૃતિનાં પ્રતીક જ નહીં પણ પરમ તત્ત્વના અંશ માનવાની આપણી વિચારધારા સદીઓથી છે. વિકાસના નામે પ્રકૃતિનો ખંગ વાળી દેવા માટે રાજકારણીઓ ફક્ત ભારતમાં જ નહીં સમગ્ર વિશ્વમાં જાણીતા છે. ૧૬ વર્ષની એક કન્યા વિશ્વભરમાં આ મિશનને લગતાં આંદોલન ફેલાવી શકે છે એ મોટી ઉપલબ્ધિ છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK