Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > પોણાચાર લાખમાં નાટકના રાઇટ્સ!

પોણાચાર લાખમાં નાટકના રાઇટ્સ!

05 January, 2021 04:00 PM IST | Mumbai
Sanjay Goradia | sangofeedback@mid-day.com

પોણાચાર લાખમાં નાટકના રાઇટ્સ!

મૂળ જનક: મરાઠી રાઇટર અશોક પાટોળે

મૂળ જનક: મરાઠી રાઇટર અશોક પાટોળે


અમારા નાટક ‘દેરાણી જેઠાણી’માં રાજેશ મહેતાનું રિપ્લેસમેન્ટ આવ્યું, જે મેં જ કન્ટિન્યુ કર્યું. નાટકના રાઇટર-ડિરેક્ટર હરિન ઠાકર પહેલાં નહોતા ઇચ્છતા કે એ રોલ હું કરું, પણ રિપ્લેસમેન્ટમાં મેં જે પર્ફોર્મ કર્યું એ જોઈને તેઓ મનોમન ખુશ થયા હતા અને નાટક જોઈને મારા કપાળ પર પપ્પી કરીને જતા રહ્યા હતા. આ વાત મેં ગયા અઠવાડિયે તમને કહી, તો સાથોસાથ મેં તમને મારા પ્રોડ્યુસર તરીકેના પહેલા અંગ્રેજી નાટક ‘કૅરી ઑન પ્રોફેસર’ની વાત પણ તમને કહી. ૧૯૯પની ૨૬ જાન્યુઆરીએ ઓપન થયેલા એ નાટકના લીડ ઍક્ટર હરીશ પટેલ, મીનલ કર્પે અને ઇમ્ત‌િયાઝ ખાન હતા. એ સિવાય નાટકમાં વ્રજેશ હીરજી, દિલીપ રાવલ, સૂરજ વ્યાસ, અમર બાબરિયા, આશિષ દેસાઈ, રિતેશ ધામેચા અને ક્વિની ડિસોઝા પણ હતા. એ સમયે એ બધા નવોદિત ઍક્ટર. ‘કૅરી ઑન પ્રોફેસર’ નાટક સુપર-ફ્લૉપ થયું. મેં મારી કરીઅરમાં બે અંગ્રેજી નાટક પ્રોડ્યુસ કર્યાં છે, બીજા નાટકની વાત સમયે આવ્યે આપણે કરીશું.

‘દેરાણી જેઠાણી’ના શો મુંબઈમાં ચાલતા હતા અને બીજું કોઈ કામ નહોતું એટલે મેં જાતે જ બીજું કામ ઊભું કર્યું અને મારા પાર્ટનર કૌસ્તુભ ત્રિવેદીને કહ્યું કે મને ‘બા રિટાયર થાય છે’ નાટકના રાઇ્ટસ જોઈએ છે. તમને ખબર છે એમ, આ નાટકમાં હું શફીભાઈ સાથે પાર્ટનર હતો અને શફીભાઈ હતા એટલે હું વધારે પડતી ચંચુપાત કરતો નહીં. શફીભાઈએ અશોક પાટોળે પાસેથી રાઇટ્સ લઈને જ આ નાટક કર્યું હતું, પણ એ બધી વાતો મૌખિક હતી અને શફીભાઈ હવે હયાત નહોતા એટલે ટેક્ન‌િકલી મારી પાસે એના રાઇટ્સ હતા નહીં. બીજું એ કે શફીભાઈ એવો આગ્રહ રાખતા કે નાટકમાં રિપ્લેસમેન્ટ કરવાનાં નહીં. નાટક અમેરિકા અને યુકેની ટૂર પર ગયું અને ત્યાં ઍક્ટરોને અંદરોઅંદર એટલા મતભેદ થયા કે પાછા આવ્યા પછી એ નાટક આગળ વધી શકે એમ નહોતું અને શફીભાઈના કહેવાથી મેં એ નાટક બંધ કરી દીધું, પણ મને એવું લાગતું હતું કે નાટકમાં હજી પણ જીવ છે. એ જ્યારે બંધ થયું ત્યારે પણ નાટક બૉક્સ-ઑફિસ પર હાઉસફુલ જતું હતું અને એમ છતાં અમે એને બંધ કર્યું. મને સતત એવું લાગતું હતું કે નાટક રિવાઇવ કરી શકાય એમ છે તો નાટકના રાઇટ્સ લેવા પાછળનું બીજું એક કારણ, એ નાટક માટે મને પહેલેથી માલિકી ભાવ હતો. મારું પહેલું સફળ બેબી હતું, મને પહેલી વખત એ નાટકથી નામના મળી હતી, જેને લીધે મને થતું હતું કે એ નાટકના રાઇટ્સ તો મારી પાસે હોવા જોઈએ.



બરાબર વિચાર કરીને મેં કૌસ્તુભને કહ્યું કે તું મૂળ લેખક અશોક પાટોળે પાસે જા અને નાટકના રાઇટ્સ માટે વાત કર. મારા મનમાં હતું કે અશોક પાટોળેને કદાચ મારા માટે કોઈ પૂર્વગ્રહ હોય તો હું જાઉં અને વાત બગડે એના કરતાં કૌસ્તુભ જઈને વાત કરી લે. કારણ કે શફીભાઈ ગયા બાદ ભક્તિ બર્વેને મેં કહ્યું હતું કે મારે આ નાટકના રાઇટ્સ જોઈએ છે, ભક્તિબહેને અશોક પાટોળે સાથે વાત પણ કરી અને રાઇટ્સ લેખિતમાં માગ્યા પણ અશોક પાટોળેએ લેખિતમાં આપવાની ના પાડી. તેમણે કહ્યું કે ‘ભક્તિ તારે કરવું હોય તો તું કરને, હું ક્યાં ના પાડું છું, પણ લેખિતમાં હું નહીં આપું.’ કૌસ્તુભે અશોક પાટોળેને સંપર્ક કરીને કહ્યું કે મારે ‘બા રિટાયર થાય છે’ના લાઇફટાઇમ રાઇટ્સ જોઈએ છે. એ સમયે અમને ખબર પડી કે બીજી પણ એક પાર્ટી છે જે આ નાટકના રાઇટ્સ લેવા માટે પાટોળેના કૉન્ટૅક્ટમાં હતી. 


મારી સાથે વાત કરીને કૌસ્તુભે અશોક પાટોળેને ખૂબ મોટી રકમની ઑફર કરી.

રૂપિયા ૨,પ૦,૦૦૦.


હા, અઢી લાખ રૂપિયામાં રાઇ્ટસ ખરીદવાની ઑફર. આજે કદાચ અઢી રૂપિયા જેટલી નાના લાગી શકે, પણ આ એ સમયની વાત છે જે સમયે લોખંડવાલામાં ૨૦૦૦ રૂપિયા સ્ક્વેરફુટના હિસાબે ફ્લૅટ મળતો હતો, એટલે જરા વિચારો કે એ સમયે અઢી લાખ રૂપિયા કેટલા મોટા હતા. જોકે કૌસ્તુભે આનો વિરોધ કર્યો હતો કે આટલા બધા પૈસા ન હોય, પણ મેં કહ્યું કે ગુજરાતી અને હિન્દી બન્નેના રાઇટ્સ લે. સાથોસાથ મેં તાકીદ પણ કરી કે મને કોઈ પણ ભોગે આ નાટકના રાઇટ્સ જોઈએ છે એ ભૂલતો નહીં.

એ સમયે કૌસ્તુભની વાત એવી હતી કે હિન્દી નાટક તું ક્યાં કરવાનો છે કે અત્યારે એના રાઇટ્સ લેવાની વાત કરે છે, પણ મને નાટકના રાઇટ્સ જોઈતા હતા એ સૌથી મહત્ત્વનું હતું અને કૌસ્તુભની દલીલ ખોટી નહોતી. હિન્દી નાટક હું બનાવીશ કે નહીં એ પણ એક મોટો પ્રશ્ન હતો, પરંતુ મારી વાત એટલી જ હતી કે નાટકના રાઇ્ટસના ઊંચા ભાવ આપણે આપીશું તો જ અશોક પાટોળે માનશે. કૌસ્તુભ અશોક પાટોળેને મળ્યો અને ફાઇનલી અઢી લાખ રૂપિયામાં હિન્દી અને ગુજરાતી એમ બન્ને લૅન્ગ્વેજના રાઇટ્સની વાત પાક્કી થઈ.

અશોક પાટોળે મુંબઈમાં બધું વેચીને પુણે રહેવા ચાલ્યા ગયા હતા. થોડા સમય પછી અશોક પાટોળેએ કૌસ્તુભને ફોન કરીને કહ્યું કે મારું સિરિયલનું કામ ખૂબ વધી ગયું છે એટલે મને લાગે છે કે મારે મુંબઈ પાછા આવી જવું જોઈએ, જેના માટે મેં પુણેનું ઘર વેચી નાખ્યું છે અને અહીં હું ઘર લઉં છું, પણ મને થોડા પૈસા ખૂટે છે. મને એક લાખ રૂપિયા આપો અને બદલામાં તમારે મારા બીજા પણ કોઈ એક નાટકના રાઇટ્સ જોઈતા હોય એ મારી પાસેથી લઈ લો. એ સાથે તેમણે એમ પણ કહ્યું કે મને ૨૫,૦૦૦ રૂપિયા ઉધાર પણ જોઈએ છે, જે હું તમને ૬ મહિનામાં પાછા આપી દઈશ. કૌસ્તુભ મૂંઝવણમાં મુકાયો. મને કહે કે હવે આપણે કરવું શું આનું, ના પણ પાડી શકાય એમ નથી.

મેં કૌસ્તુભને કહ્યું કે તું તેમની પાસેથી ‘પતિ નામે પતંગિયું’ નાટકના રાઇટ્સ પણ લઈ લે. કૌસ્તુભે દલીલ કરી,

‘રાઇટ્સ લઈ લઉં, પણ પછી કરવાનું શું એનું?’

‘પતિ નામે પતંગિયું’ નાટકની તમને હું વાત કહું. એ નાટક થોડા સમય પહેલાં જ બંધ થઈ ગયું હતું. લગભગ ૩૦૦થી વધારે શો થયા હતા. જતીન કાણકિયા, સેજલ શાહ, દિલીપ જોષી, અપરા મહેતા અને ભાવિન પટવા એમ માત્ર પાંચ જ કૅરૅક્ટરનું નાટક અને નાટક બહુ સારું ગયું હતું. આ નાટકનું રૂપાંતરણ-દિગ્દર્શન સિદ્ધાર્થ રાંદેરિયાએ કર્યું હતું અને નાટકના નિર્માતા હતા કિરણ સંપટ. નાટકનો સબ્જેક્ટ સારો હતો એટલે મેં કૌસ્તુભને કહ્યું કે અત્યારે નાટકના રાઇટ્સ લાખ રૂપિયામાં લઈ લે, પછી આપણે એ લાખ રૂપિયા કેવી રીતે કમાઈ લેવા એનું વ‌િચારીશું.

આમ, ટોટલ પોણાચાર લાખ રૂપિયા અમે અશોક પાટોળેને આપ્યા. અઢી લાખ ‘બા રિટાયર થાય છે’ના હિન્દી અને ગુજરાતી રાઇટ્સના, એક લાખ રૂપિયા ‘પતિ નામે પતંગિયું’ના રાઇટ્સ પેટે અને ૨૫,૦૦૦ રૂપિયા ઉધાર.

અધધધ...

જ્યારે નાટકલાઇનમાં બધાને આ રકમની ખબર પડી ત્યારે બધાની આંખો ચાર થઈ ગઈ હતી.

જોકસમ્રાટ

જ્યારે ખબર પડી કે કોવિડની મહામારી વચ્ચે કલેક્ટર લગ્નની પરમિશન આપે છે તો ભૂરો પણ કલેક્ટર પાસે પહોંચ્યો. લોકોએ તેને માંડ-માંડ સમજાવ્યો કે જેનાં લગ્ન થઈ ગયાં હોય એને માટે આ નથી, તારે ઘરેથી જ પરમિશન લેવી પડે...

ફૂડ ટિપ્સ: મિસળયાત્રા આગળ વધે છે...

મિત્રો, આપણી મિસળયાત્રા આ વીકમાં પણ આપણે આગળ વધારવાની છે. આ વખતે તમને હું એક અલગ પ્રકારના મિસળનો આસ્વાદ કરાવવા પહોંચ્યો પાર્લા-વેસ્ટમાં આવેલી પણશીકર રેસ્ટોરાંમાં. આ પણશીકર રેસ્ટોરાં ૧૯૨૧માં ચાલુ થઈ એટલે આ વર્ષે એને એક્ઝૅક્ટ ૧૦૦ વર્ષ પૂરાં થાય છે. પણશીકર રેસ્ટોરાંની દાદર, માટુંગા, ‌પાર્લા, ડોમ્બિવલી, ગોરેગામ એમ ઘણી બ્રાન્ચ છે, પણ ગિરગાંવના ઠાકુરદ્વાર પાસે છે એ એની ઓરિજિનલ બ્રાન્ચ. પણશીકરમાં મેં ફરાળી મિસળ ખાધું. પણશીકરની બધી ફરાળી આઇટમ બહુ જ સરસ હોય છે, પણ આ ફરાળી મિસળ જે છે એ તો એકદમ અદ્ભુત આઇટમ છે. ફરાળી મિસળમાં બેઝ નાળિયેરના દૂધનો અને એમાં વાટેલાં લીલાં મરચાં નાખવામાં આવે, સાથે બટાટાની સૂકી ભાજી અને સાબુદાણાની ખીચડી નાખવામાં આવે. આપણી ગુજરાતીઓની જે સાબુદાણાની ખીચડી હોય છે એમાં બટાટા હોય, પણ મરાઠીઓ સાબુદાણાની ખીચડીમાં બટાટા નથી નાખતા, એમાં ટુકડા સીંગદાણાનું પ્રમાણ વધારે હોય. બટાટાની સૂકી ભાજી, સાબુદાણાની ખીચડી અને એની ઉપર તમને ફરસાણમાં સલી વેફર નાખીને આપે છે. અહીં જ બીજું મિસળ મળે છે, પુણેરી મિસળ. મિત્રો, મિસળના ઘણા પ્રકાર પણ મુખ્ય બે પ્રકારનાં મિસળ, પુણેરી અને કોલ્હાપુરી. પુણેરી મિસળનો ટેસ્ટ થોડો ટેંગી હોય, ગળચટ્ટો ટેસ્ટ, બહુ તીખું નથી હોતું. આ પુણેરી મિસળમાં મુખ્યત્વે મટકી (મઠ)નું ઉસળ વાપરવામાં આવે છે. જોકે હવે તો બધાં અલગ-અલગ ઉસળ નાખે છે, પણ મોટા ભાગે એમાં મટકીનું ઉસળ જ હોય. એમાં બટાટાની ભાજી અને સેવ ચેવડો ઉપરથી નાખવામાં આવે. આ જે પુણેરી મિસળ છે એને પાઉં સાથે ન ખવાય. જોકે આજકાલ તો પુણેરી મિસળમાં સાથે પાઉં આપવાની પ્રથા થઈ ગઈ છે, પણ પુણેરી મિસળ એકલું ખાવાની જ મજા છે.

(આ લેખોમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

Whatsapp-channel Whatsapp-channel

05 January, 2021 04:00 PM IST | Mumbai | Sanjay Goradia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK