Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > હોડકું, સ્ટીમર, બિલિયર્ડ ટેબલ, છીપલાંની ચાદર અને ચક્રવર્તી

હોડકું, સ્ટીમર, બિલિયર્ડ ટેબલ, છીપલાંની ચાદર અને ચક્રવર્તી

29 September, 2020 03:58 PM IST | Mumbai
Sanjay Goradia | sangofeedback@mid-day.com

હોડકું, સ્ટીમર, બિલિયર્ડ ટેબલ, છીપલાંની ચાદર અને ચક્રવર્તી

નાટક ‘ચક્રવર્તી’ના મુહૂર્ત સમયની યાદગાર તસવીર. (ડાબેથી) રાઇટર પ્રકાશ કાપડિયા, ડિરેક્ટર રાજુ જોષી, બિપિન શાહ, જેડી મજેઠિયા, મારા ખભા પર હાથ રાખીને રાજેશ મહેતા, હું, મારી પાછળ અમિત દિવેટિયા, મારી બાજુમાં મહાવીર શાહ, અરવિંદ વેકરિયા અને કૌસ્તુભ ત્રિવેદી. મહાવીર શાહે નાટક કરવાની ના પાડ્યા પછી પણ મુહૂર્તમાં ઉમળકાભેર હાજર રહ્યો હતો.

નાટક ‘ચક્રવર્તી’ના મુહૂર્ત સમયની યાદગાર તસવીર. (ડાબેથી) રાઇટર પ્રકાશ કાપડિયા, ડિરેક્ટર રાજુ જોષી, બિપિન શાહ, જેડી મજેઠિયા, મારા ખભા પર હાથ રાખીને રાજેશ મહેતા, હું, મારી પાછળ અમિત દિવેટિયા, મારી બાજુમાં મહાવીર શાહ, અરવિંદ વેકરિયા અને કૌસ્તુભ ત્રિવેદી. મહાવીર શાહે નાટક કરવાની ના પાડ્યા પછી પણ મુહૂર્તમાં ઉમળકાભેર હાજર રહ્યો હતો.


ગયા વીકમાં જેફ્રી આર્ચરની નૉવેલ ‘કેન ઍન્ડ એબલ’માં બે ભાઈઓની વાત હતી, જે મારી સરતચૂક હતી. એ નૉવેલમાં બે ભાઈઓ નહીં, બે અલગ-અલગ જગ્યાએ જન્મેલા વ્યક્તિની વાત હતી. મારાથી એક સ્ટોરીમાં બીજી સ્ટોરી મિક્સ થઈ ગઈ હતી. ‘ચક્રવર્તી’નું કામ શરૂ થયું. લીડ ઍક્ટર મહાવીર શાહ નક્કી થયો, મહાવીરે હા પાડી, પણ મુરતના આગલા દિવસે તેણે કામ કરવાની ના પાડી દીધી એટલે ‘ચક્રવર્તી’માં જેડીને ફાઇનલ કરવામાં આવ્યો. મુંજાલના પાત્રમાં જેડી અને મુંજાલની પ્રેમિકા કપિલાના પાત્રમાં મ્યુઝિક-ડિરેક્ટર પીયૂષ કનોજિયાની વાઇફ મનીષા કનોજિયા. મનીષાને કહ્યા વિના જ પરેશ રાવલે તેને રિપ્લેસ કરી નાખી હતી એટલે અમને મનીષા મળી ગઈ. હવે વાત આવી બાકીના કાસ્ટિંગની.
કપિલાના ધનાઢ્ય પિતા મોતીશેઠના પાત્રમાં કોને લેવા એવું વિચારતા હતા એ દરમ્યાન જ અમારી નજરમાં અમિત દિવેટિયાનું નામ આવ્યું. હું અમિતભાઈને મળ્યો. અગાઉ કહ્યું હતું એ જ વાત હું અહીં રિપીટ કરું છું. અમિતભાઈએ મને ક્યારેય નાટક માટે ના નથી પાડી, આ મારી અને અમિતભાઈ વચ્ચેની એક અન્ડરસ્ટૅન્ડિંગ હતી. હું ક્યારેય તેમના નાટકમાં કામ કરવાની ના ન પાડું અને જો તેઓ ફ્રી હોય તો તેમની હા જ હોય. આ મોતીશેઠનો રોલ બહુ મહત્ત્વનો હતો. એ નાટકને એક નવી જ ઊંચાઈ પર લઈ જતો હતો. નાટકમાં એક કૉમેડિયનનું પાત્ર હતું, જેને માટે અમે રાજેશ મહેતાને ફાઇનલ કર્યા. મહેતા મારા ‘કરો કંકુના’ નાટકમાં ઑલરેડી કામ કરતા હતા એટલે તેમણે તરત જ હા પાડી અને એમ બોર્ડ પર રાજેશ મહેતા આવ્યા. રાજેશ મહેતાના કૅરૅક્ટરની હું તમને વાત કરું. બહુ ઇન્ટરેસ્ટિંગ રીતે એ કૅરૅક્ટર બન્યું હતું, પણ એની વાત કરતાં પહેલાં આપણે નાટકના કાસ્ટિંગની વાત પૂરી કરીએ.
રાજેશ મહેતા પછી નાટકમાં આવી વૈશાલી ઠક્કર. વૈશાલી ઠક્કર એટલે મારા ‘બા રિટાયર થાય છે’ નાટકમાં બાપુજીનું કૅરૅક્ટર કરતા અશોક ઠક્કરની દીકરી. અશોકભાઈને બે બાળકો, હેમંત અને વૈશાલી. એ બન્નેને નાનપણથી મેં જોયાં હતાં, પણ હવે તો વૈશાલી મોટી થઈ ગઈ હતી. વૈશાલીએ એકાદ નાટકમાં કામ પણ કર્યું હતું, જે જોઈને હું ખૂબ પ્રભાવિત થયો હતો. મેં અમારા ડિરેક્ટર રાજુ જોષીને કહ્યું કે આપણે વૈશાલીને બીજા પાત્રમાં કાસ્ટ કરીએ. રાજુ પણ તૈયાર થઈ ગયો એટલે અમે વૈશાલી સાથે વાત કરી અને તે પણ કામ કરવા રાજી થઈ ગઈ. મિત્રો, એ વખતે ઇન્ટરકૉલેજિયેટ ડ્રામા કૉમ્પિટિશનમાં રાજુ જોષી અને પ્રકાશ કાપડિયાનું નામ બહુ સારું, જેને લીધે કલાકારોની નજરમાં પણ તેમને માટે આદર ખૂબ. રાજુ અને પ્રકાશ સાથે કામ કરવા મળે છે એ વાતથી કલાકારો રાજી થઈને કામ કરવા તૈયાર થઈ જતા. વૈશાલી ઠક્કર પછી અમે નીતિન ત્રિવેદીને પણ નાટકના એક પાત્રમાં કાસ્ટ કર્યો, તો બીજા એક પાત્રમાં અરવિંદ વૈદ્યને ફાઇનલ કર્યા. એ રોલ અમે પહેલાં અરવિંદ વેકરિયાને ઑફર કર્યો હતો.
હવે વાત કરીએ રાજેશ મહેતાવાળા કૅરૅક્ટરની. મિત્રો, કૅરૅક્ટર તમને તમારી આજુબાજુમાંથી મળતાં હોય છે. નજર ખુલ્લી રાખો તો તમને આસપાસમાં જ પાત્રો હરતાં-ફરતાં દેખાય. રાજેશ મહેતાનું પાત્ર પણ મને આ જ રીતે મળ્યું હતું. હું એક એવા માણસને ઓળખતો હતો જે વાલકેશ્વરના બંગલા જેવા નાના ઘરમાં રહે. દરરોજ સવારે વહેલો જાગીને બે-અઢી કલાક નરીમાન પૉઇન્ટ પર વૉક કરે, આ વૉક એ ભાઈનો બિઝનેસ. હા. આ વૉકમાં એ બધા મિત્રોને મળે. વૉક માટે મોટા-મોટા વેપારીઓ આવતા હોય તેમને મળે. ભાઈનું કામ ફાઇનૅન્સ આપવા-લેવાનું. કોઈને પૈસા વ્યાજે ચડાવવાના હોય તો કોઈને વ્યાજે પૈસા જોઈતા હોય. વ્યાજે આપવાના હોય તો આ ભાઈ લઈ લે અને વ્યાજે જોઈતા હોય તો આ ભાઈ પાસેથી પૈસા મળી જાય. બેઉ કામ એ ભાઈ કરે અને પોતાનું બ્રોકરેજ લઈ લે. વાત છે ૧૯૯૪-’૯પની. એ સમયે બૅન્કો બહુ ફૂલીફાલી નહોતી અને પ્રાઇવેટ બૅન્કોનો તો જન્મ પણ નહોતો થયો એટલે એવું નહોતું કે તમે માગો ત્યારે લોન મળી જાય. ફાઇનૅન્સનો ધીકતો ધંધો ચાલે, જેને લીધે આવા બ્રોકરોની પણ બહુ મોટી ડિમાન્ડ રહેતી. વાલકેશ્વરવાળા ભાઈનો આ નિત્યક્રમ. વૉક લેવાની, વૉક દરમ્યાન પૈસા આપવા-લેવાવાળા એમ બેય પ્રકારની જરૂરિયાતવાળા લોકોને મળીને આખા દિવસનું કામ પતાવી લેવાનું.
આ વાલકેશ્વરવાળા ભાઈ જેવું જ એક બીજું કૅરૅક્ટર પણ મેં અમારા રાઇટર પ્રકાશ સામે આ નરેટ કર્યું હતું, પણ પ્રકાશે આ કૅરૅક્ટર પકડી લીધું અને એને નાટક માટે મસ્ત ડેવલપ કર્યું, જે રાજેશ મહેતાએ ભજવ્યું. અહીં મારે એક નાનકડી ચોખવટ પણ કરવી છે. જો મેં પ્રકાશને આ કૅરૅક્ટર ન આપ્યું હોત તો પણ પ્રકાશ પોતાની રીતે કૅરૅક્ટર ડેવલપ કરવાનો જ હતો, પણ નાટક એક સહિયારું સર્જન હોય છે એનું આ એક ઉદાહરણ છે તો નવા રાઇટર માટે આ એક દૃષ્ટાંત પણ છે કે તમે આંખો ખુલ્લી રાખો તો તમને તમારી આજુબાજુમાંથી જ કૅરૅક્ટર મળતાં હોય છે. તમને એમ થશે કે મેં જે પ્રકાશને બીજું કૅરૅક્ટર આપ્યું હતું એનું શું થયું? એ મેં બીજા નાટકમાં વાપર્યું. જેની વાત સમય આવ્યે તમને સૌને કહીશ, અત્યારે વાત કરીએ, ‘ચક્રવર્તી’ની.
‘ચક્રવર્તી’ના મેકિંગના ઘણા કિસ્સાઓ છે. અમે નાટકને સાચા અર્થમાં લખલૂટ ખર્ચે તૈયાર કર્યું હતું. એ સમયે બધા કહેતા કે આ લોકો ‘મુગલે આઝમ’ બનાવી રહ્યા છે. રાજુને જે જોઈએ એ કરવાની છૂટ હતી, જે જોઈએ એ આપવાની તકેદારી મેં રાખી હતી. નાટકમાં પાંચ સેટ હતા અને અમે સ્ટેજ પર સ્ટીમર પણ લાવ્યા હતા એ મેં તમને અગાઉ કહ્યું છે. અમારા સેટ-ડિઝાઇનર છેલ-પરેશ હતા. રાજુએ છેલ-પરેશ પાસે પૂલ-ટેબલ એટલે કે બિલિયર્ડ ટેબલની માગણી કરી. મિત્રો, તમને ખબર જ છે કે આ બિલિયર્ડ ટેબલ કેવડું મોટું હોય છે. છેલભાઈએ કહ્યું કે તું કહે છે તો હું તને બિલિયર્ડ ટેબલ આપી દઈશ, પણ એ સ્ટેજ પર બહુ બધી જગ્યા રોકી લેશે, એનાથી તને મૂવમેન્ટ કરવામાં બહુ તકલીફ પડશે, પણ રાજુ ન માન્યો તે ન જ માન્યો. મોતીશેઠ એ બિલિયર્ડ ટેબલ પર પૂલ રમતાં-રમતાં ડાયલૉગ બોલે અને સીન ચાલે એ પ્રકારની મૂવમેન્ટ રાજુએ ગોઠવી હતી. નાટકમાં સ્ટીમર પણ હતી, મુંજાલ પોતાની એ સ્ટીમરની સીડી પરથી નીચે ઊતરે છે અને મોતીશેઠ સામે આવીને ડાયલૉગબાજી કરે છે એવો પણ આખો સીન હતો. નાટકમાં એક નાનકડું હોડકું પણ બનાવવામાં આવ્યું હતું, જેમાં બેસીને મુંજાલ મોતીશેઠ સામે બદલો લેવા વેરાવળથી મુંબઈ આવે છે. આ ઉપરાંત છીપલાંની ચાદર બનાવી હતી. એમાં હતું એવું કે મુંજાલ અને કપિલા નાનાં હતાં ત્યારે મુંજાલ કપિલા માટે દરરોજ દરિયામાંથી એક છીપલું લઈને તેને આપતો. નાનાં હતાં ત્યારે બધા મુંજાલને ‘મુંજો’ અને કપિલાને ‘કપલી’ કહેતા. મુંજાલ અને કપિલાનો સંબંધ મોતીશેઠને માન્ય નહોતો. કારણ કે મુંજો સાવ ગરીબ હતો અને માટે મોતીશેઠ દીકરી કપિલાને લઈને મુંબઈ જતા રહ્યા. મુંજો વેરાવળ હતો ત્યારે રોજ એક છીપલું કપિલા માટે ભેગું કરતો. મુંજો ખૂબ મોટો માણસ બનીને મુંબઈમાં મોતીશેઠને મળે છે અને કપિલાનો હાથ માગે છે, પણ કપિલાની સગાઈ નીતિન ત્રિવેદી જે પાત્ર કરતો હતો તેની સાથે થઈ હતી. છેવટે કપિલા પોતાના જીવનું બલિદાન આપે છે. છીપલાની ચાદરનો કન્સેપ્ટ એવો હતો કે છેલ્લે જ્યારે કપિલા મરી જાય છે ત્યારે મુંજો છીપલાંની એ ચાદર કપિલાને ઓઢાડે છે.
ગ્રૅન્ડ રિહર્સલ્સ શરૂ થયાં અને ઍક્ચ્યુઅલ સેટ જ્યારે લાગ્યો ત્યારે છેલભાઈએ કહ્યું હતું એમ, પૂલ-ટેબલથી આખું સ્ટેજ ભરાઈ ગયું. રાજુને લાગ્યું કે પૂલ-ટેબલથી હાલવા-ચાલવાની મૂવમેન્ટમાં લિમિટેશન આવી જશે, ચાલો જવા દો, કૅન્સલ કરો પૂલ-ટેબલ. એ પછી આવ્યું પેલું હોડકું. અમુક કારણસર રાજુએ હોડકું પણ કૅન્સલ કરાવ્યું. શનિવારે રાતે નાટક બિરલા ક્રીડા કેન્દ્રમાં ઓપન થવાનું હતું ત્યારે સાંજે ચાર-પાંચ વાગ્યાની આસપાસ રાજુએ ક્લાઇમૅક્સનો સીન સેટ કરવાનો શરૂ કર્યો અને છીપલાંની ચાદરની મગાવી. શું થયું એ છીપલાંની ચાદરનું?
‘ચક્રવર્તી’ માટે બનાવવામાં આવેલી એ છીપલાંની ચાદર અને વધુ રોચક વાતો સાથે મળીશું આવતા મંગળવારે, પણ ત્યાં સુધી, રાબેતા મુજબની સલાહ. જરૂર ન હોય તો ઘરમાં રહેજો અને કોરોનાથી બચતા રહેજો.

જોકસમ્રાટ
જિગો-તમે ક્યાં રહો છો?
ભૂરો-લંડન જોયું છે?
જિગોઃ ના, ખાલી નામ સાંભળ્યું છે.
ભૂરોઃ બસ, એ લંડનથી ૭૦૦૦ કિલોમીટર દૂર અમદાવાદમાં રહું છું.


Whatsapp-channel Whatsapp-channel

29 September, 2020 03:58 PM IST | Mumbai | Sanjay Goradia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK