Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ચિત્કારથી મુકેશ રાવલ મેઇન લીગમાં આવી ગયા

ચિત્કારથી મુકેશ રાવલ મેઇન લીગમાં આવી ગયા

30 July, 2019 01:11 PM IST | મુંબઈ ડેસ્ક
સંજય ગોરડિયા - જે જીવ્યું એ લખ્યું

ચિત્કારથી મુકેશ રાવલ મેઇન લીગમાં આવી ગયા

શુભારંભ: 'ચિત્કાર'ના એક દ્રશ્યમાં મુકેશ રાવલ અને સુજાતા મહેતા. આ નાટક પહેલાં મુકેશ રાવલ હંમેશા સેકન્ડ લીડ રોલ કરતા, પણ ચિત્કારથી તેમની કરીઅર નવી જ દિશા તરફ આગળ વધી ગઈ.

શુભારંભ: 'ચિત્કાર'ના એક દ્રશ્યમાં મુકેશ રાવલ અને સુજાતા મહેતા. આ નાટક પહેલાં મુકેશ રાવલ હંમેશા સેકન્ડ લીડ રોલ કરતા, પણ ચિત્કારથી તેમની કરીઅર નવી જ દિશા તરફ આગળ વધી ગઈ.


જે જીવ્યું એ લખ્યું

સુજાતા મહેતાએ નક્કી કર્યું કે એક દિવસમાં ‘ચિત્કાર’નો એક જ શો કરવો એટલે દીપક ઘીવાલાએ પણ બીજું નાટક લીધું, નાટકનું નામ ‘કાનખજૂરો’. એ નાટકના લેખક અનાદી અમ્રિત અને નિર્માતા-દિગ્દર્શક અમૃત પટેલ. નાટકના લીડ સ્ટાર દીપક ઘીવાલા, રાગિણી, અમૃત પટેલ પોતે અને તેમની સાથે પ્રતાપ સચદેવ અને એક નવી છોકરી સોનિયા મહેતા. આ સોનિયા મહેતાએ બે જ નાટકો કર્યાં અને એ પછી તેણે લાઇન છોડી દીધી અને કાં તો પોતાના સાંસારિક જીવનમાં લાગી ગઈ. નાટક લેતાં પહેલાં દીપકભાઈએ મને કહ્યું કે તમારે એ નાટકની થોડી ડેટ ઍડ્જસ્ટ કરવી પડશે, જેની મારી તૈયારી હતી. મિત્રો, આ આખી લાઇન એકમેકના સહયોગ અને સહકારથી ચાલનારી લાઇન છે. આજે કોઈની ગરજ છે તો આવતી કાલે એવી જ ગરજ તમને પણ ઊભી થઈ શકે છે.



‘કાનખજૂરો’નાં રિહર્સલ્સ શરૂ થયાં અને નાટક સારું ગયું. અમૃત પટેલ સાથે સતત કો-ઑર્ડિનેશન કરીને હું ‘ચિત્કાર’ની ડેટ ઍડ્જસ્ટ કરતો. જોકે થોડા શો પછી એક ડેટને કારણે મારા અને અમૃત પટલે વચ્ચે ઘોંચ પડી. મને તો જતું કરવામાં વાંધો નહોતો, મારી તો પૂરી તૈયારી હતી, પણ લતેશ શાહ વાત પર અડી ગયા અને તેમણે મને કહ્યું કે આ ડેટ તો અમૃત પટેલે જ ઍડ્જસ્ટ કરવી પડશે. અહીં વાત આવતી હતી દીપક ઘીવાલાની કે હવે તેઓ શું નિર્ણય લે છે અને કયા નાટક સાથે ઊભા રહે છે. દીપકભાઈએ નિર્ણય લઈ લીધો અને તેમણે ‘કાનખજૂરો’ સાથે ઊભા રહેવાનું નક્કી કર્યું. આ બાજુએ લતેશભાઈ પણ સ્પષ્ટ હતા અને તેમણે પણ નક્કી કરી લીધું કે જો એવું જ હોય અને ‘ચિત્કાર’ સેકન્ડ પ્રાયૉરિટી હોય તો આપણે દીપક ઘીવાલાને રિપ્લેસ કરીશું. દીપક ઘીવાલા બહુ મોટા સ્ટાર, તેમનો રોલ પણ બહુ મહત્ત્વનો અને ડિફિકલ્ટ હતો. તેમને રિપ્લેસ કરવાનું કામ આસાન નહોતું, પણ લતેશભાઈએ નક્કી કરી લીધું હતું એટલે નિર્ણય તો હવે અફર હતો. નવેસરથી આ રોલ માટે શોધખોળ શરૂ થશે અને એને લીધે નાટકના શોને પણ અસર થશે એવું હું ધારતો હતો, પણ લતેશભાઈના મનમાં ઍક્ટર તૈયાર હતો, મુકેશ રાવલ. મુકેશ રાવલ અત્યારે હયાત નથી, બે-અઢી વર્ષ પહેલાં તેમનો દેહાંત થયુો. મુકેશ ખૂબ મહેનતુ ઍક્ટર, પછીથી રામાનંદ સાગરની ‘રામાયણ’ સિરિયલમાં વિભીષણનું કૅરૅક્ટર તેમણે કર્યું અને ઘર-ઘરમાં જાણીતા થઈ ગયા.


‘ચિત્કાર’ના દીપક ઘીવાલાના રોલ માટે મુકેશ રાવલે ખૂબ મહેનત કરી, તેમની સાથે આખી ટીમે પણ ખૂબ મહેનત કરી. ‘ચિત્કાર’ માટે મુકેશ ફાઇનલ થયા એ પહેલાં તેઓ દીપકભાઈના જ ‘કાનખજૂરો’ નાટકમાં પ્રતાપ સચદેવનું રિપ્લેસમેન્ટ કરતા હતા. એ સમયે મુકેશને મોટા ભાગે સેકન્ડ લીડ રોલ જ મળતો, કોઈ નાટકમાં તેમને મેઇન લીડ મળી નહોતી. હા, કાન્તિ મડિયાના ‘કોરી આંખો અને ભીનાં હૈયાં’ નાટકમાં મુકેશ રાવલને લીડ રોલ મળ્યો હતો. એ નાટકના પ્રોડ્યુસર હતા શિરીષ પટેલ અને નાટકના કુલ ત્રણ નિર્માતા હતા, જેમાં એક હતા વ્રજલાલ વસાણી, જેમને આખી ઇન્ડસ્ટ્રી વસાણીકાકા કહીને બોલાવતી. નાટકમાં ભૈરવી વૈદ્ય અને સનત વ્યાસ પણ હતા. આ નાટકનું મરાઠી વર્ઝન ‘માઝ કાય ચુકલં’ સુપરહિટ હતું અને ગુજરાતીમાં ઍવરેજ ચાલ્યું હતું. આ એક નાટક સિવાય મુકેશે હંમેશાં સેકન્ડ લીડમાં જ કામ કર્યું હતું અને એવામાં તેને ‘ચિત્કાર’ જેવા પ્રતિષ્ઠિત નાટકમાં મેઇન લીડ કરવા મળતું હતું. જો આ આઇડિયા સફળ થાય તો મુકેશની કરીઅરને બહુ મોટો લાભ મળે અને એ મેઇન લીગમાં આવી જાય એવો ઘાટ હતો. મુકેશ રાવલે ‘કાનખજૂરો’નું રિપ્લેસમેન્ટ છોડીને ‘ચિત્કાર’નું રિપ્લેસમેન્ટ સ્વીકારી લીધું અને ખૂબ મહેનત કરી. મને હજી પણ યાદ છે દીપક ઘીવાલાના રિપ્લેસમેન્ટ પછી ભાઈદાસ હૉલમાં થયેલો એ પહેલો શો.

ધુળેટીની જાહેર રજાના દિવસે શો હતો. નાટક ઍડ્વાન્સ પૅક હતું. બપોરનો સાડાત્રણ વાગ્યાનો શો હતો અને ભાઈદાસના મૅનેજર સુરેશ વ્યાસ બહુ ડરેલા. આ ડર વાજબી હતો. ઑડિયન્સ દીપક ઘીવાલાને જોવા આવશે અને દીપક ઘીવાલાને બદલે મુકેશ રાવલ જોવા મળે તો કદાચ ઑડિયન્સ ધમાલ કરે તો? વ્યાસસાહેબ થિયેટર પરથી નીકળી ગયા અને ઑડિટોરિયમના એ વખતના બુકિંગ-ક્લાર્ક વિનય પરબ ત્યાં હાજર હતા.


ત્યાર બાદ વિનય પરબ ભાઈદાસમાં અસિસ્ટન્ટ મૅનેજર બન્યા. એ પહેલાં તેઓ ત્યાં બુકિંગ-ક્લાર્ક હતા. મારી અને વિનયની મિત્રતા એ દિવસોથી. હું લાઇનમાં નવોનવો હતો અને એ સમયે વિનય ભાઈદાસમાં બુકિંગ સંભાળતા. અમે બન્ને પહેલી વાર મળ્યા અને મળ્યા એવી જ અમારી ભાઈબંધી ચાલુ થઈ. કહોને, સંબંધોનું ઇન્સ્ટન્ટ કનેક્શન જોડાઈ ગયું. વિનય અને મારી વચ્ચે થોડી સામ્યતા ખરી. એ કંઈ ખાસ ભણેલો નહીં અને ખાસ કોઈ મોટું ફૅમિલી બૅકગ્રાઉન્ડ પણ નહીં. શરીરે બેઠી દડીનો, નમણાશ પણ ખાસ નહીં, પણ હા, જબરદસ્ત વિચક્ષણ બુદ્ધિમત્તા ધરાવતો માણસ. અમે બન્ને કલાકો સુધી ભાઈદાસની બુકિંગ-વિન્ડોમાં વાતો કરતા બેસી રહેતા. એ પછી વ્યાસસાહેબે વિનયને પોતાનો અસિસ્ટન્ટ બનાવ્યો અને ત્યાર પછી તેઓ આ જ ભાઈદાસમાં મૅનેજર પણ બન્યા. અત્યારે પણ તેઓ જ મૅનેજર છે. જોકે અત્યારે તો ભાઈદાસ બંધ છે. ભાઈદાસ ઑડિટોરિયમવાળી જગ્યાએ બહુ મોટું બિલ્ડિંગ બનવાનું છે અને નવું ઑડિટોરિયમ પણ ત્યાં જ બનશે અને સાથે વિશાળ અન્ડરગ્રાઉન્ડ પાર્કિંગ પણ હશે.

આ ભાઈદાસ ઑડિટોરિયમ બન્યું ૧૯૭૩-’૭૪માં. આજે તો ભાઈદાસવાળો આખો વિસ્તાર મુંબઈના પ્રાઇમ લોકેશનમાં આવે, પણ ૭૦ના દસકામાં આ આખો વિસ્તાર જંગલ હતો. જુહુ વિલે પાર્લે ડેવલપમેન્ટ સ્કીમ હેઠળ ત્યાં બંગલા બનવાનું શરૂ થઈ ગયું હતું અને એ જ ગાળામાં આ વિસ્તારમાં ભાઈદાસ હૉલ બનવાનું પણ શરૂ થયું હતું. શ્રી વિલે પાર્લે કેળવણી મંડળનું નામ મુંબઈ માટે જરાય અજાણ્યું નથી. મીઠીબાઈ કૉલેજ, એનએમ કૉલેજ અને એવી જ બીજી આઠેક કૉલેજનું સંચાલન કરતી આ સંસ્થાએ નક્કી કર્યું કે આ વિસ્તારમાં એક ઑડિટોરિયમ તૈયાર કરવું. 

ભાઈદાસ ઑડિટોરિયમના સર્જન અને રિપ્લેસમેન્ટ પછી મુકેશ રાવલ અભિનીત બનેલા ‘ચિત્કાર’ની વાતો આગળ વધારીશું આવતા મંગળવારે.

ફૂડ ટિપ્સ

મિત્રો, ગયા અઠવાડિયે મારા નાટક ‘સુંદર બે બાયડીવાળો’નો શો ભુજમાં હતો. મને એક વાત ખાસ કહેવી છે. મેં નવું નાટક ‘બૈરાઓનો બાહુબલી’ ઓપન પણ કરી દીધું છે અને તો પણ આ સુંદરનાં માગાં આવ્યા જ કરે છે અને એ પણ એકધારો ભાગમભાગ કર્યા કરે છે. ભુજમાં નાટકોના શો બહુ ઓછા થાય છે. જે નાટક સુપરડુપર હિટ થયું હોય એવા જ નાટકના શો ભુજમાં આવે. અમારો શો ટાઉન હૉલમાં હતો અને અમે રાતે જ ભુજ પહોંચી ગયા. બીજી સવારે હું ભુજના મારા મિત્ર ભરતભાઈ સાથે આપણી ફૂડ-ટિપ લેવા માટે નીકળ્યો અને સીધો પહોંચ્યો ખાવડા મેસુક ઘરમાં. 

Sanjay Goradiya Food Tips

ખાવડા કચ્છના એક ગામનું નામ છે. ઇન્ડિયા-પાકિસ્તાનની બૉર્ડર પાસે એ આવ્યું છે. ખાવડાના લોકોને પ્રેમથી આજે પણ ખાવડિયા કહેવામાં આવે છે. વર્ષોથી ખાવડાથી ઘણા લોકો ભુજ આવીને સ્થાયી થયા છે અને તેઓ તમને ભુજમાં ફરતાં-ફરતાં દુકાનો પરથી દેખાઈ પણ આવશે. ભુજની બજારોમાં ખાવડાના આ લોકોની ખાવડા નામથી શરૂ થતી ઘણી દુકાનો જોવા મળશે. હવે વાત કરીએ ખાવડા મેસુક ઘરની. 

આ પણ વાંચો : Divyanka Tripathi: જુઓ આ સીધી સાદી વહુનો છે આટલો મૉર્ડન અંદાજ

આ દુકાન હૉસ્પિટલ રોડ પર આવેલી છે. અહીંના પકવાન અને ગુલાબપાક અદ્ભુત છે. આમ તો આ જગ્યા મેસુક (જેને કાઠિયાવાડમાં મેસુબ કહે છે) માટે ખૂબ જાણીતી છે. મોઢામાં મૂકતાં જ ઓગળી જાય એવો મેસુક બનાવવામાં તેમની હથોટી, પણ મારી વાત કરું તો મને ખાવડા મેસુક ઘરના પકવાન અને ગુલાબપાક ખૂબ ભાવે. આ પકવાન એટલે પેલા દાળ પકવાનમાં આવે એવા સિંધીઓના પકવાન જેવા નથી, પણ એ ખાજલીની સાઇઝના પણ ખાજલીથી સાવ વિપરીત એવા અતિશય કરકરા હોય છે. ચા સાથે એ ખૂબ સ્વાદિષ્ટ લાગે. આજે પણ કેટલાક કચ્છીઓ દરરોજ સવારે મોટી અને ઊંડી રકાબીમાં એક પકવાન મૂકી એના પર ગરમાગરમ ચા રેડીને ખાય છે. મેં એ રીતે એનો ટેસ્ટ નથી કર્યો, પણ પકવાન અને ચા કે પછી એકલા પકવાન પણ ખૂબ મજા આપે એવા હોય છે. આ ઉપરાંત અહીંનો વિખ્યાત ગુલાબપાક મને ખૂબ ભાવે, આવો ગુલાબપાક તમને બીજે ક્યાંય ચાખવા નહીં મળે. આમ પણ ગુલાબપાક મળે જ ઓછી જગ્યાએ. ગુલાબની પાંખડીઓ નાખીને બનાવવામાં આવેલો આ ગુલાબપાક શરીર માટે ઠંડક આપનારો છે. મારું માનવું છે કે કચ્છમાં ગરમી ખૂબ પડતી હોવાથી આ આઇટમ બનાવવામાં આવી હશે.

 પકવાન પરમેશ્વરઃ ખાવડા મેસુક ઘરમાં મળતા પકવાન જો સવારમાં એક વખત ચા સાથે ખાધા હોય તો સાહેબ, કાયમ માટે તમે ફાફડાને ભૂલી જાઓ, ગૅરન્ટી.

Whatsapp-channel Whatsapp-channel

30 July, 2019 01:11 PM IST | મુંબઈ ડેસ્ક | સંજય ગોરડિયા - જે જીવ્યું એ લખ્યું

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK