સંજય ગાંધીએ જ્યોતિષીની મદદથી ગબડાવેલી જનતા પાર્ટીની સરકાર

Published: 25th November, 2014 05:16 IST

જ્યોતિષના સહારે ભવિષ્યને શોધવાનું ભારતીય રાજકારણમાં નવી વાત નથી. ઘણા મોટા નેતાઓ ઉમેદવારી નોંધાવવાથી માંડીને પ્રધાન તરીકે સોગંદ લેવાના અને ઘણી વાર રાજીનામું આપવા સુધીના બધા કિસ્સાઓમાં સારું મુરત જોઈને જ આગળ વધતા હોય છે.
આવા રાજકારણીઓમાં ભૂતપૂર્વ વડા પ્રધાન ચૌધરી ચરણસિંહનો કિસ્સો વિખ્યાત છે. કટોકટી પછી મોરારજી દેસાઈના વડપણ હેઠળ બનેલી જનતા પાર્ટીની સરકાર આંતરિક વિવાદો તથા મતભેદોને કારણે લાંબું ખેંચી શકી ન હતી. ચરણસિંહને એમના જ્યોતિષી પર ભારે ભરોસો હતો અને એ વાતથી કૉન્ગ્રેસના નેતા સંજય ગાંધી સુપેરે વાકેફ હતા. સંજય ગાંધીએ કોઈક તિકડમ ચલાવીને ચરણસિંહના જ્યોતિષીને પટાવી લીધો હતો અને પછી જનતા પાર્ટીની સરકાર તોડવાનો ખેલ પાડ્યો હતો. જનતા પાર્ટીની સરકારના પ્રધાનો એક પછી એક રાજીનામું આપવા માંડ્યા હતા, પણ ચરણસિંહને વડા પ્રધાન બનવું હતું એટલે પર્સનલ જ્યોતિષીએ તેમને સલાહ આપી એ પછી સૌથી છેલ્લે પોતાનું રાજીનામું મોકલ્યું હતું.

જ્યોતિષમાં શ્રદ્ધા રાખતા હોય તેવા રાજકારણીઓમાં ચૌધરી ચરણસિંહ એકલા જ ન હતા. ભૂતપૂર્વ વડાં પ્રધાન ઇન્દિરા ગાંધી પણ સમયાંતરે જ્યોતિષીની સલાહ લઈને આગળ વધતાં હતાં. કૉન્ગ્રેસી નેતા કમલાપતિ ત્રિપાઠીની ગણતરી ઇન્દિરા ગાંધીના વિશ્વાસુ લોકોમાં થતી હતી. સત્તા પર ફરી આવવા માટે કમલાપતિ ત્રિપાઠીના કહેવાથી ઇન્દિરા ગાંધીએ નિર્જળા એકાદશીનું વ્રત કર્યું હતું. એ પછી ગંગાસ્નાન કરીને ભીનાં કપડે વિંધ્યવાસિની માતાનાં દર્શન કરવા ગયાં હતાં. હિન્દુ સ્ત્રીઓ જે વ્રત-ઉપવાસ કરે છે એમાં પણ ઇન્દિરા ગાંધીને શ્રદ્ધા હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK