બોલો, થવું છે સુખી તમારે?

Published: Sep 14, 2019, 17:24 IST | સંજયદૃષ્ટિ - સંજય રાવલ | મુંબઈ

સુખ વેચાતું નથી એ જેમ સનાતન સત્ય છે એમ જ સુખ વહેંચી શકાય છે એ પણ એટલું જ સાચું છે

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સંજયદ્રષ્ટિ

તમારે સુખી થવું છે?
બધાનો જવાબ નક્કી જ છે, હા. કોઈ ના પાડે જ નહીં.
હવે બીજો પ્રશ્ન, તમારે સૌથી વધારે સુખી થવું છે?
આ સવાલનો જવાબ પણ નક્કી જ છે. નક્કી પણ છે અને ઝડપથી આવવાનો છે એ પણ નક્કી છે. હા.
હવે ધારો કે તમારી આ ‘હા’ સાંભળીને હું જવાબ આપું કે ‘બહુ સારું, જાઓ, થાઓ સુખી.’
તો?
જો આવો જવાબ આપું તો બધાનાં મોઢાં એકદમ નાનાં થઈ જાય. કેમ? કારણ કે સુખી બધાને થવું છે, પણ સુખ કેવી રીતે મળે અને કેવી રીતે થવાય એની કોઈને ખબર નથી. સુખને ક્યાં શોધવાનું એનો જવાબ તેમને મળ્યો નથી અને સુખને શોધી લીધા પછી એને કાયમ માટે પોતાની પાસે કેમ રાખવું એનો જવાબ પણ તેમને મળ્યો નથી. સુખી થવું છે, બધાને થવું છે, પણ સુખ કઈ માર્કેટમાં અને કયા ભાવમાં મળે છે એની ખબર નથી અને જો એ ખબર હોત તો આપણે ત્યાં એ ખરીદવાવાળા પણ છે. એક વાત યાદ રાખજો કે સુખ વેચાતું નથી એ સનાતન સત્ય છે, પણ સુખ વહેંચી શકાય છે એ પણ એટલું જ સાચું છે. જે દિવસે તમારા મનમાં આ વાત બરાબર ફિટ થઈ ગઈ એ દિવસે તમે સુખની ચરમસીમા પર હશો એ નક્કી છે. હવે તમને સવાલ થશે કે એ ચરમસીમા પહેલાંના પગથિયાની વાત તો કરો, તો ચાલો, કરીએ વાત સુખી થવાની દિશામાં આગળ વધવાની.
પહેલાં તો એ કહી દઉં કે સુખી થવાની કોઈ વ્યાખ્યા નથી, કારણ કે જે મારા માટે સુખ છે એ તમારા માટે કદાચ ન પણ હોય અને તમારા માટે જે સુખ છે એ કદાચ મારા માટે દુઃખ હોય એવું પણ બની શકે. બધાની સુખની વ્યાખ્યા અલગ છે અને બધાની સુખને જોવાની દૃષ્ટિ પણ અલગ છે એટલે ખાસ નોંધ લેવાની કે ક્યારેય કોઈનું સુખ માનીને એમ સમજી નહીં લેવાનું કે એ સૌથી વધારે સુખી છે. સુખી દેખાતો માણસ ઘણી વાર સૌથી વધારે દુખી હોય છે અને એની જાણ તમને હોતી પણ નથી. સુખી થવા માટે આપણે બધા અલગ-અલગ ભાગીએ છીએ, પણ એવું કરવામાં સૌથી મોટો નિયમ આપણે જ તોડી નાખીએ છીએ કે સુખ ક્યારેય જાત માટે કંઈ કરી લેવાથી કે એકલા કંઈ માણી લેવાથી મળતું નથી. સુખ તો હંમેશાં સાથે હોવાથી અને રહેવાથી મળે છે. સુખની પહેલી શરત છે, જાત માટે કરવાથી એ તમને નહીં સાંપડે, પણ બીજા માટે કર્યું હશે તો એ ઘડીવાર પણ દૂર નહીં ઊભું રહે. તમારા ભત્રીજાને મેળામાં લઈ જાઓ અને ત્યાં તેને હસતો જોઈને જે મળે એ સુખ તમે પોતે તમારા દીકરાને ત્રણ વાર રાઇડમાં બેસાડો તો પણ ન મળે, પણ આપણે ઊલટું કરી નાખ્યું છે. સુખની વ્યાખ્યા આપણા પૂરતી સીમિત કરી નાખી છે.
આપણે એકલા આપણા માટે સુખ શોધવા નીકળ્યા છીએ અને ભટકતા રહીએ છીએ, જેને લીધે જે પ્રાપ્ત થાય છે એ થોડી વાર માટે બહુ સારું લાગે છે, પણ પછી તરત જ એનો આનંદ મનમાંથી નીકળી જાય છે અને નવેસરથી આપણે બીજું શોધવા નીકળી પડીએ છીએ. મને લોકો હંમેશાં પૂછતા હોય છે કે તમે આટલા દેશમાં ફરો છો, આટલું સારું કામ કરો છો અને આટલું સારી રીતે રહો છો, તમે કેટલા સુખી છો?!
આવું મને કહેવામાં આવે ત્યારે મને જવાબ આપવાનું મન થતું હોય છે કે આ બધું હું સુખ મેળવવા માટે નથી કરતો, આ મારું કામ છે, પણ તમને જે સુખ દેખાય છે એ મારા કામમાંથી મને મળતા આનંદનું પરિણામ છે, પણ મને સાચા સુખની અનૂભુતિ તો ત્યારે મળે છે જ્યારે હું બધાં કામ પૂરાં કરીને મારી ફૅમિલી સાથે ડિનર કરવા બેસું છું અને એ બધાના નિશ્ચિંત ચહેરાઓ જોઉં છું. આપણે હકીકતમાં સુખ અને સંતોષની વ્યાખ્યા જ બદલી નાખી છે.
આપણને મળતું સુખ પણ લાંબું ટકતું નથી એનું કારણ પણ જ એ છે કે આપણી પાસે દરેક વાતમાં નિયમ છે. આમ કરશો તો તેમ થશે અને તેમ કરશો તો આમ થશે. જમતાં પહેલાં આઇસક્રીમ ખાઈશ તો જમી નહીં શકે,  તાવ આવ્યો છે તો આઇસક્રીમ ન ખવાય અને સાડાદસ વાગ્યે જમ્યા પછી રાત્રે અગિયાર વાગ્યે ટહેલવા ન નીકળવાનું હોય અને ધારો કે નીકળ્યા તો જમ્યા પછી કૉફી તો નહીં જ પીવાની. આ ક્ષુલ્લક નિયમો બનાવીને આપણે ક્યારેય આઇસક્રીમનો આનંદ લીધો જ નહીં. ઘડિયાળના કાંટા જોઈને ઘરની બહાર નીકળો તો મજા ક્યારેય આવશે જ નહીં. તમારી સામે જ્યારે સુખ ઊભું છે ત્યારે એને નિયમોનાં બંધનમાં બાંધીને જાકારો આપવાને બદલે એને મળો, એને પાસે બેસાડો. સુખી થવાની તક મળે ત્યારે એ સુખને પામી લો પણ ના, એવું કરવાને બદલે દુઃખને અપનાવી લેવું છે અને પછી રડવું પણ છે કે હું કેટલો દુખી છું.
હકીકત તો એ છે કે તમારી પાસે જ્યારે સુખી થવાની તક છે ત્યારે તમારે એને માણવી નથી અને માણવી છે તો એ પણ તમારી પોતાની શરતે. સુખ શરતોમાં ન હોય, સુખ કન્ડિશનને આધીન ન હોય પણ ના, તમારી પાસે તો પુષ્કળ શરતો છે તો હવે તમે જ કહો કે તમારે સુખી પણ થવું છે અને એ પણ તમારી શરતો સાથે એ તો કેટલું શક્ય છે? શરતો સાથે જીવનારો હંમેશાં દુખી થઈને રહેતો હોય છે. અમુક લોકોનો તો સ્વભાવ એવો હોય છે કે તે પોતે તો ખુદ સુખી ન થઈને દુખી થવાનું પસંદ કરે છે, પણ સાથોસાથ જો તેની આજુબાજુમાં કોઈ સુખને પસંદ કરે તો તેને પણ હાથ પકડીને દુખી કરવા માટે ખેંચી લાવીએ છીએ. કેમ ભાઈ, હું એકલો દુખી થાઉં. આવ તું પણ મારી સાથે દુખી થા.
મેં આવા પુષ્કળ લોકોને જોયા છે જેઓ પોતે એટલા દુખી હોય છે કે એની આજુબાજુવાળાઓને પણ પોતે દુખી હોવાનો અનુભવ થવા માંડે છે. આવા લોકોથી એક તબક્કા પછી લોકો અંતર રાખવાનું શરૂ કરી દે છે. આ અંતર ધીમે-ધીમે એને સાચી રીતે દુખી કરવાની પ્રક્રિયા ચાલુ કરાવી દે છે. દુખી થવું જ હોય તો વાજબી કારણ માટે થાઓ, ગેરવાજબી કારણો માટે દુખી થવાનો કોઈ અર્થ નથી. સુખી થવું એ એક આદત છે. જો નાની વાત પણ તમને દુખી કરી જતી હોય તો એ દુખ પાસેથી પ્રેરણા લો.
જો નાની-નાની વાત તમને દુખી કરી શકતી હોય તો નાની-નાની વાતમાં સુખી કેમ થઈ ન શકાય? શું કામ આ આદત કેળવીએ નહીં? સુખી થવા માટે અને આનંદ મેળવવા માટે ક્યાંય જરૂર નથી કે તમારી પાસે પુષ્કળ પૈસો હોય, દોમદોમ સાહ્યબી હોય. જો એ હોય તો જ તમે સુખી કહેવાઓ એવું ક્યાંય લખ્યું નથી. ઘર વગરના લોકોને વરસાદમાં ભીંજાઈને આનંદ માણતા મેં જોયા છે અને તમે પણ જોયા હશે. એવી જ રીતે આલીશાન બંગલામાં રહીને પણ બેચાર છાંટા માથા પર પડી જાય ત્યારે દુખી થતા લોકો પણ મેં જોયા છે અને ધારી લઉં છું કે તમે પણ જોયા હશે. કારણ, કારણ કે દુઃખ અને સુખ બન્નેની વ્યાખ્યા જુદી છે અને એ જુદી છે એટલે એક જેને સુખ આપે છે એ જ વાત બીજાને દુઃખ આપે છે.
સુખ પ્રત્યક્ષ નથી, એ પરોક્ષ છે. જો સુખી થવાનો પ્રયાસ કરશો તો એ તમને ક્યારેય સાંપડશે નહીં, પણ જો સુખી હોવાનો અનુભવ લઈને ચાલશો તો પીડામાં પણ તમને સુખની અનુભૂતિ થશે. જો તમે સુખી હો તો દુનિયાની કોઈ તાકાત તમને દુખી ન કરી શકે અને ધારો કે તમે દુખી હો તો દુનિયાની કોઈ તાકાત તમને સુખી ન કરી શકે. સુખી થવું કે દુખી રહેવું એ જોવાનું તમારે છે અને એ તમારા જ હાથમાં છે. જો તમે ધારશો તો સુખી થઈ શકશો અને જો તમે સુખી થશો તો જ તમે તમારી આજુબાજુના સૌકોઈને સુખી કરી શકશો અને ધારો કે તમે દુખી હશો તો ગમે એવો પ્રયાસ કરી લો પણ તમે તમારી આજુબાજુમાં રહેલા કોઈને સુખી નહીં કરી શકો. ક્યારેય નહીં.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK