Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > સિગારેટ, તમાકુ, દારૂ અને કસરતઃ કહો જોઈએ, તમે કઈ દિશાના છો?

સિગારેટ, તમાકુ, દારૂ અને કસરતઃ કહો જોઈએ, તમે કઈ દિશાના છો?

13 July, 2019 04:28 PM IST | મુંબઈ
સંજયદૃષ્ટિ - સંજય રાવલ

સિગારેટ, તમાકુ, દારૂ અને કસરતઃ કહો જોઈએ, તમે કઈ દિશાના છો?

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સંજય દૃષ્ટિ

આપણી યુવા પેઢી વ્યસન કરે છે. કોઈ પણ બાબતનું ભલે હોય, પણ એ વ્યસન કે લતની બાબતમાં પાછી નથી પડતી. ઘણા તો એવું કહે છે પણ ખરા કે મને સિગારેટ ન હોય તો કોઈ ફરક ન પડે, પણ એમ છતાં તે દિવસઆખો ફૂંક્યા કરે અને ચીમનીની જેમ ધુમાડા કાઢ્યા કરે, પણ સિગારેટ મૂકે નહીં. મૂળ વિષય પર આવીએ એ પહેલાં આ વિષય પર એક નાનકડી સલાહ આપી દઉં. જેના વિના ચાલી શકે છે એવી આદતને ક્યારેય જીવનમાં સાથે લઈને આગળ વધવું નહીં. તમને ખબર નહીં પડે કે કયા અને કેવા સંજોગોમાં એ ચીજ કે આદત તમારે માટે અનિવાર્ય બની જશે અને તમે એના આદિ થઈ જશો.



હવે મૂળ વાત કરીએ. વ્યસન, આપણી યુવા પેઢી વ્યસનની ખૂબ શોખીન છે. હા, આ સ્ટેટમેન્ટ સાવ સાચું છે. આપણે વ્યસનના શોખીન થઈ ગયા છીએ અને એટલે જ આપણે એ દિશામાં ધ્યાન જ નથી આપતા જે આપણી જરૂરિયાત છે, જે આપણે માટે અનિવાર્ય હોય છે. વ્યસન કરવું જ છે તો એવી વાતનું કરો જે તમારે માટે લાભદાયી હોય. વ્યસન કરવું જ છે તો કસરતને વ્યસન બનાવો અને દિવસમાં એક નહીં, બે વાર કરો. યાદ રાખજો કે જેની પાસે સારું શરીર નથી એ માણસ ખરા સમયે કોઈની પણ બાજુમાં ઊભો નથી રહેતો. સીધો હિસાબ છે, જે તે પોતાની આવશ્યકતા સમયે પોતાની બાજુમાં ન ઊભો રહેતો હોય તો પછી તમારી જરૂરિયાતના સમયે તે તમારી બાજુમાં ઊભો રહે એવું તમે કઈ રીતે ધારી શકો?


શરીર તંદુરસ્ત હશે તો દુનિયામાં જે મેળવવા માગતા હશો એ બધું મળશે અને જે કરવા માગતા હશો એ બધું કરી શકશો. આમાં કોઈ નવી વાત નથી કે કોઈ રૉકેટ-સાયન્સ નથી વર્ણવવામાં આવ્યું અને છતાં આપણે આ વાતને કેમ માનતા નથી એ મને ક્યારેય સમજાતું નથી. શું મળે છે કોઈ પણ જાતના વ્યસનથી અને એ વ્યસનને આધીન થવાથી શું પામી લે છે એ ખરેખર બહુ મોટું રહસ્ય છે. એ વ્યસન કે લતને કારણે તેઓ શું ગુમાવી રહ્યા છે એ તેમને સમજાતું કેમ નહીં હોય એ આજે પણ મારે માટે સસ્પેન્સ છે. તમાકુ, સિગારેટ કે દારૂ જેવા દૂષણનો સાથ પકડી રાખવાને બદલે શરીરને લાભદાયી બને એવું ખાવાનું રાખો અને એવું જ બીજાને ખવડાવો. એક તો પોતે સિગારેટ પીએ અને પાછા એમાં પણ સામેવાળાને આગ્રહ કરે. ભલા માણસ, એવું શું કામ કરવું છે તમારે? તમને તો તમારી કદર નથી, પણ બીજાની કદર કરતાં તો તમે શીખો. તમે માનશો નહીં, પણ આ રીતે આગ્રહ કરવામાં કે પછી દેખાદેખીમાં મોટા ભાગનાં વ્યસન શરૂ થઈ જતાં હોય છે. શરાબના કેસમાં તો મેં આ જોયું જ છે. શરાબ પીનારો દરેક ત્રીજો યંગસ્ટર એવું કહે છે કે એ પીતો નહોતો, પણ પછી બધાને એવું લાગતું કે હું એમ જ બેઠો છું એટલે તેઓ બધા આગ્રહ કરે અને એ આગ્રહને કારણે મેં પણ શરૂ કરી દીધો, હવે નિયમિત પીઉં છું. જરા વિચારો કે શરીર જ્યારે સરસ છે ત્યારે એમાં નાખેલાં તમાકુ અને દારૂ શરીરને કોઈ પણ બીમારી સામે ટકવા નહીં દે. જો એવું હશે તો વિચારો કે મોટી ઉંમરે એ માણસની હાલત કેવી થશે જ્યારે તેને ઉંમરલાયક થયા પછી બીમારી આવશે. હું આ વાત સેમિનારમાં કહું છું ત્યારે ઘણાને નવીતના લાગે છે કે એવું તે શું હોય કે બીમારી સામે આ વ્યસન ટકવા ન દે. અરે જરા તમે જ વિચારોને, જે સમયે તમારા શરીરને પોષણની અને તાકાતની જરૂર હતી એ સમયે તો તમે એને તમાકુ અને દારૂ આપ્યાં છે તો પછી જ્યારે શરીરને પોષણની આવશ્યકતા આવશે ત્યારે એને અંદરથી શું મળશે, નિકોટીન અને આલ્કોહૉલ! શરીરનો સીધો નિયમ છે કે તમે અંદર જે ઓરશો એને શરીર ડબલ કરીને પાછું આપશે. જો તમે એને સારો ખોરાક આપશો અને સારામાં સારી રીતે શરીરને સાચવશો તો જ્યારે તમારે શરીરની જરૂર હશે ત્યારે શરીર મહેનત માટે તૈયાર હશે, પણ જો તમે આ જ રીતે વ્યસન કરીને શરીરને વહેલું ખતમ કરી નાખશો તો આગળ જતાં શરીર તમને કોઈ જાતનો સાથ નહીં આપે. હું તમને મારા જ એક મિત્રની વાત કરું. થોડા સમય પહેલાં તેમને કૅન્સર થયું. બધી સારવાર એની શરૂ થઈ અને એ સારવાર આજે પણ ચાલે છે, પણ એમ છતાં તમે એને આજે પણ મળો તો લાગે નહીં કે તેને કૅન્સર છે. એકદમ હેલ્ધી દેખાય તે. આવું થવાનું કારણ એ જ કે તેણે જ્યારે શરીરને સાચવવાનું હતું ત્યારે શરીર પૂરા મનથી, દિલથી સાચવ્યું એટલે આજે જ્યારે તેને શરીરની જરૂર છે ત્યારે શરીર તેને બધા પ્રકારનો સાથ આપે છે. બીજા એક મારા મિત્રની વાત કરું.

૧૫ વર્ષ પહેલાં મારા એ મિત્રને ચાંદીનું બહુ મોટું કામ હતું, ખૂબ સારો વેપાર કરે. રોજની હજાર-બારસો કિલો ચાંદીનો વેપાર કરવો એ બહુ મોટી વાત કહેવાય. ઘરમાં તેમનાં પત્ની અને ત્રણ દીકરીઓ. નાની ઉંમર, ખૂબ મોટો ધંધો અને સુખે રહેતું કુટુંબ. દોમદોમ સાહ્યબી અને માગો એ મળે એવું તેમનું જીવન, ખૂબ મહેનત કરે અને ખૂબ સારી રીતે જીવે. ભગવાને બધું જ આપેલું. ખૂબ સારી મિત્રતા અને એ દાવે તેમને કહેવાનો હક પણ ખરો કે વ્યસનની લત છોડી દો. હોઠ વચ્ચે તમાકુ મૂકવાની અને દિવસમાં એકાદ-બે સિગારેટ પીવાનું વ્યસન. માને જ નહીં, સાંભળે જ નહીં. રહે રાજકોટમાં, જ્યારે પણ મળવાનું થાય ત્યારે હું તેમને કહું કે દોસ્ત, બને તો આ છોડી દે. કાજુ, દ્રાક્ષ, બદામ, કિસમિસ એ બધું ખા, પણ બને તો આ બધું છોડી દે. અરે, મોઢામાં કંઈ ભરી રાખવાની આદત હોય તો વરિયાળી રાખ, તલ રાખ, અળસી રાખ, પણ આ વ્યસન મૂકી દે અને એનો પ્રયાસ કર પણ સાંભળે જ નહીં. મારા આ ભાઈબંધને ત્યાં એક કાઉન્ટન્ટ હતા, જે તેના પપ્પાના સમયથી ત્યાં નામું લખતા. મને દરેક વખતે એ અકાઉન્ટન્ટ બતાવીને કહે કે જો સંજય, આ ૧૫ વર્ષના હતા ત્યારથી તમાકુ ખાય છે, થયું તેમને કંઈ? મારા કરતાં વધારે ખાય છે, પણ થયું એમને કંઈ?


મને એ કહેવાનું મન થતું કે તું વાતને સમજ. એને માટે મારે ભગવાનને પ્રાર્થના કરવાની કે હે ભગવાન, પેલા અકાઉન્ટન્ટને કૅન્સર થાય એવું કંઈ કરો!

હું મારું કામ ચાલુ રાખું અને તે એની દલીલો ચાલુ રાખે. અચાનક ગયા વર્ષે તેમને મળવાનું ફરી થયું. એ સમયે તેઓ મુંબઈ જવાની તૈયારીમાં હતા. મને કહે કે હમણાં તબિયત થોડી ડાઉન રહે છે એટલે ચેકઅપ કરાવવા મુંબઈ જાઉં છું. મુંબઈથી પાછા આવ્યા ત્યારે મને ખબર પડી કે તેમને કૅન્સર થયું છે અને એ પણ ફોર્થ સ્ટેજનું. એ મિત્રએ ડૉક્ટરને ૨૦ લાખ રૂપિયા રોકડાની ઑફર કરીને એવું કહ્યું હતું કે મારી બે દીકરીનાં લગ્ન સુધી બધું સચવાઈ રહે એવું કરી આપો, પણ ડૉક્ટરે હાથ ઊંચા કરી દીધા.

એ દિવસે મારા એ મિત્રએ દીવાલમાં માથું પછાડ્યું પણ કંઈ થઈ શક્યું નહીં અને એક્ઝૅક્ટ બાવીસમા દિવસે તેમનો દેહાંત થયો. શું કામના એ લાખો રૂપિયા? શું કામનો એવડો મોટો ધંધો અને શાખ? શું કામની શિખામણો અને શું કામનો પેલો અકાઉન્ટન્ટનો દાખલો?

આ પણ વાંચો : Rathyatra: રાજકોટમાં પણ નગરચર્યાએ નીકળ્યા નાથ, આવો રહ્યો રંગારંગ માહોલ

માણસ કુદરત આગળ અને શરીર આગળ હારી જતો હોય છે. તમે કંઈ પણ કરી લો, પણ પછી એ રિવર્સ નથી થઈ શકતું. તમે ગમેએટલા કૉન્ફિડન્સ દેખાડો અને આજુબાજુવાળાના દાખલા આપો, પણ એનાથી કંઈ વળવાનું નથી. કોઈનું નસીબ તમે છીનવી નથી શકવાના અને કોઈના દાખલાઓને જોઈને જુગાર રમવાની નીતિ પણ ખોટી છે. બીજાનાં ઉદાહરણ કરતાં બહેતર છે કે તમે તમારું ધ્યાન રાખો અને જો ધ્યાન રાખવાનું આવે તો એ શરીરનું રાખો. કોઈની પાસે અમરપટો નથી અને જવાબદારીઓનો ઢગલો ક્યારેય નાનો થવાનો નથી. સારી વાત એ જ છે કે જવાબદારીઓને સમજીને એ કામ કરતા રહેવાનું અને સૌથી સારી રીતે એ કામને પૂરાં કરવાની દિશામાં ફોકસ રાખવાનું. સામે આવતાં વ્યસનો માટે ક્યારેય કોઈ લાલચ ઊભી કરવી નહીં. જો સિગારેટ પીવાથી ટેન્શન હળવું થતું હોત તો સિગારેટ પ્રિસ્ક્રિપ્શિન પર જ મળતી હોત અને એનો ભાવ પણ બહુ વધારે હોત. તમાકુ ખાવાથી જો શરીરમાં તાકાત આવી જતી હોત તો વિરાટ કોહલી અને મહેન્દ્ર સિંહ ધોનીનાં બન્ને ખિસ્સામાં ડ્રાયફ્રૂટ નહીં, પણ તમાકુની પત્તીઓ ભરી હોત. એવું છે નહીં અને એવું હોતું પણ નથી. બહેતર એક જ છે, આ વ્યસનોથી દૂર રહો અને શરીરને એકદમ કસાયેલું રાખો. આ વાત આજે નહીં સમજાય, પણ ૫૦ની ઉંમર વટાવ્યા પછી આ બધું તમને સમજાશે.

Whatsapp-channel Whatsapp-channel

13 July, 2019 04:28 PM IST | મુંબઈ | સંજયદૃષ્ટિ - સંજય રાવલ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK