Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ડિજિટલ આળસઃ જાગવામાં સાર છે

ડિજિટલ આળસઃ જાગવામાં સાર છે

06 July, 2019 10:53 AM IST | મુંબઈ
સંજયદૃષ્ટિ - સંજય રાવલ

ડિજિટલ આળસઃ જાગવામાં સાર છે

ડિજિટલ આળસઃ

ડિજિટલ આળસઃ


આળસ છોડો અને કામ પર લાગો. કામ કરશો તો જ આગળ વધશો અને કંઈક બનવું હશે તો કામ કરવું જ પડશે, આળસ કરવાથી મોટા નથી થવાતું.

પાંચેક વર્ષ પહેલાં જો આવું કોઈ બોલે તો સમજી શકાતું કે જુવાન છોકરો કે છોકરી ઘરમાં છે અને આખો દિવસ એદીની જેમ પથારીમાં પડ્યાં રહે છે. ઘરમાંથી બહાર નીકળવાનું તેમને ગમતું નથી અને કામ કરવાનું પણ તેમને ગમતું નથી. જોકે હવે આખું પિક્ચર બદલાઈ ગયું છે. આજકાલ હવે આવું જોવા નથી મળતું, કારણ કે હવેના યુવાનો ઘરમાં રહેતા જ નથી, તેમને ઘરમાં રહેવું પણ નથી એટલે તેમને આળસ માટે કહી શકાય એમ નથી, પણ એમ છતાં આ બધા આળસુ બની ગયા છે, બની રહ્યા છે અને આ એટલી જ સાચી વાત છે જેટલી પાંચેક વર્ષ પહેલાં ઘરમાં આપણા વડીલો બોલતા. ફરક માત્ર એટલો છે કે એ સમયની અને આજની આળસનું સ્વરૂપ બદલાઈ ગયું છે. 



આળસનું રૂપ કેવી રીતે બદલાયું છે એ સમજવાની જરૂર છે.


પહેલાં થતું એવું કે રજાના દિવસે કે પછી રવિવારે આપણા ટીનેજર્સ મોડે સુધી સૂતા કે પછી કૉલેજ કે સ્કૂલમાં એકાદ પિરિયડમાં બન્ક મારીને ઘરે સૂઈ રહેવાની લિજ્જત ઉઠાવી લેતા કે પછી મૅચ જોવા બેસી જતા, પણ હવે એવું નથી. હવે આળસનું સ્વરૂપ એટલી હદે બદલાઈ ગયું છે કે તમારે સાબિત કરવું પડે કે તમે આળસુ છો અને તમારામાં રહેલાં આ બધાં લક્ષણો આળસનાં લક્ષણો છે. આ બધું છોડો અને કામધંધે વળગો. તમે જુઓ કે આજે દરેક યંગસ્ટરના હાથમાં મોબાઇલ ફોન છે. આ મોબાઇલ ફોનનો સદુપયોગ થાય ત્યાં સુધી વાંધો નથી, પણ આ ફોન આળસ આપવાનું કામ પણ એટલી જ ઉમદા રીતે કરે છે જેટલી ઉમદા રીતે એ કામમાં પણ આવે છે. કેવી રીતે એ સમજી લો.

સતત ગેમ રમવાથી, એકધારા કલાકો સુધી પબજી રમવામાં આવે કે પછી એવી જ કોઈ બીજી ગેમ રમવામાં આવે એ સમયે મગજ એ ગેમમાં એટલુંબધું અટવાઈ ગયું હોય છે કે એને લીધે બીજાં બધાં કામ ભુલાઈ જાય છે અને આ ગેમ જ પ્રાયૉરિટી બની જાય છે. એ સિવાય પણ તમે જ્યારે ગેમ રમતા હો ત્યારે તમને આસપાસની કોઈ અવસ્થાનું પણ ધ્યાન નથી રહેતું. અરે, તમને એ પણ યાદ હોતું નથી કે છેલ્લા કેટલા સમય પહેલાં તમે તમારી જગ્યાએથી ઊભા થયા હતા અને છેલ્લે તમે ક્યારે સુસુ કરવા ગયા હતા. મોબાઇલનું અને મોબાઇલમાં રહેલી આ ગેમનું ઍડિક્શન એ ખરેખર તો આળસ જ છે. મગજની આળસ, જે શરીરની આળસ કરતાં વધારે ખરાબ છે. મગજની આળસ પહેલાં મન પર અને પછી વિચારો પર કબજો લે છે, એ પછી એ શરીરને પોતાના ભરડામાં લે છે. આ મગજની આળસને કારણે એવી અવસ્થા આવે છે કે તમારું દિમાગ એક જ જગ્યાએ અને એક જ કામ કરવા માટે ટેવાઈ જાય છે. જેને લીધે એવું બને છે કે એ તમને ગેમ ન રમતા હો એ સમયે પણ ગેમની યાદ અપાવે અને કહ્યા કરે કે ગેમ રમવાનું કામ કરો, બીજું કંઈ કરવું નથી. કારણ, મગજને એ જ કામની આદત પડી ગઈ છે. એવું માનતા નહીં કે એ તમને ગમતું કામ છે એટલે તમે કરો છો. ગમતું તો તમે બનાવી લીધું છે. બાકી આ ગેમ સિવાયનાં ઘણાં કામ એવાં છે જે ગમાડી શકાય છે, પણ એ કરવાને બદલે મોબાઇલના આ ઍડિક્શનને, મોબાઇલની આ લતને આપણે ગમતું કામ કરી દીધું છે. તમે જોજો એકસાથે ૧૫ લોકો ટોળે વળીને બેઠા હશે, પણ કોઈ એકબીજા સાથે વાત નહીં કરતા હોય, વાતો કરવાને બદલે બધા મોબાઇલમાં જ મચેલા હશે. તમે કહેશો કે આવી આદત, આવી આળસ છોડો તો તરત જ જવાબ આવશે કે સૌથી પહેલાં ઘરમાં હું જાગું છું, આખો દિવસ કામ કરું છું અને રાતે સૌથી મોડો હું સૂઉં છું પણ ભાઈ, ગેમ રમવા માટે આ બધું કરો છો તમે. હકીકતમાં શરીરમાં જરા પણ સ્ફૂર્તિ નથી અને આ મોબાઇલ કોઈ એવી તાકાત પણ આપવાનું નથી. અચાનક રાજી થઈને કહે પણ ખરા કે આજે તો મેં ચ‌‌િકન-ડિનર કર્યું. અલ્યા, મોબાઇલનાં આવાં ડિનર કરતાં થોડું દોડવા જા, શરીરમાં ભરાયેલું ટૉક્સિન દૂર કર તો પણ ઘણું છે.


શરીરમાં ભરાયેલી આ આળસ માત્ર ને માત્ર મોબાઇલમાં ગેમ રમવાને કારણે જ નથી આવતી, પણ તમે જ્યારે કોઈ ગૅજેટ્સને આધીન થવા માંડો ત્યારે સમજી લેજો કે હવે તમે આળસુ બનવા માંડ્યા છો. આ જ વાતને આગળ વધારીએ તો ટીવી, મોબાઇલ, પ્લેસ્ટેશન, એક્સ-બૉક્સ કે અમુક અંશે કમ્પ્યુટર જેવાં અનેક ગૅજેટ્સ એવાં છે જે આ ગાંડપણ અને આળસ લઈને આવે છે.  એ આવે ત્યારે જે મજા આવે છે, એમ જ લાગે કે આ કામ કરવામાં સૌથી વધારે મજા આવે છે અને બીજું કશું કરવાની જરૂર જ નથી, પણ ખરેખર તો આ આદત તમારા બૉડી-ક્લૉકને પણ બહુ ખરાબ રીતે ડૅમેજ કરે છે. સૂવાના સમયે જાગવું અને જાગવાના સમયે સૂવું. જેટલેગ લાગ્યો હોય એમ આખા દિવસની દિનચર્યા જ ફરી ગઈ છે. બીજું ખાસ કારણ એ કે આ ગૅજેટ્સને કારણે તમે એક જ જગ્યાએ એક જ કન્ડિશનમાં કલાકો સુધી બેઠા રહો જેને લીધે તમારા શરીરના સ્નાયુઓ પણ શિથિલ બને. શરીરને હરતું-ફરતું રાખવાનું છે, આ શરીરને તમે એક જ જગ્યાએ રાખીને તપ કરતા હો તો સમજાય કે આત્મશુદ્ધિ માટે આ થઈ રહ્યું છે, પણ એને તમે ગૅજેટ્સ સાથે જોડીને બગાડી રહ્યા છો. જે આવતા સમયમાં પ્રૉબ્લેમ ક્રીએટ કરશે જ કરશે. ફેસબુક પર કલાકો સુધી રહેવું કે સ્નૅપચૅટ પર કલાકો સુધી સેલ્ફી મૂક્યા કરવાથી નુકસાન શરીરને જ થવાનું છે.

આ જે ડિજિટલ આળસ છે એ કોઈ એક ખાસ ઉંમરના લોકોને હોય એવું જરા પણ નથી. હવે દરેક પાસે સ્માર્ટફોન છે એટલે યંગસ્ટર્સથી માંડીને હાઉસવાઇફ, નાનાં બાળકો કે પછી વડીલો પણ આ ડિજિટલ આળસનો શિકાર બને છે.

આ ડિજિટલ આળસને છોડવાનું વહેલી તકે જરૂરી છે, પણ એ છોડવાનો રસ્તો કયો એ પણ જાણવું જરૂરી છે. એક રસ્તો છે, જરા અઘરો છે, પણ એ અપનાવ્યા વિના છૂટકો નથી. જેની પાસે મોબાઇલમાં ગેમ ઇન્સ્ટૉલ છે એને ડિલીટ કરી દો. કોઈ દલીલ વિના કે તર્ક વાપર્યા વિના અને કોઈ જાતના જવાબ વિના. દરેકના ફોન એ દેખાડે છે કે કયા સમયે તમે કેટલા ટકા ફોનનો યુઝ કર્યો અને સૌથી વધારે કઈ ઍપ વાપરી કે પછી કઈ ઍપ પર સૌથી વધારે સમય ખર્ચ્યો. જે ઍપને તમે સૌથી વધારે યુઝ કરો છો એને ડિલીટ કરી દો. હા, ઉડાડી જ દો. ત્રીજો રસ્તો, હવે એવી કેટલીક ઍપ્લિકેશન આવી છે જેમાં અમુક સમય પછી એ ઍપ આપોઆપ લૉક થઈ જાય. આવી ઍપ્લિકેશન ડાઉનલોડ કરીને એનો ઉપયોગ ચાલુ કરી દો. આ ઉપરાંત દરેક સ્માર્ટફોનમાં એક ફીચર હોય છે, જે તમારા ફોનનું નેટ લિમિટેડ કરી દે જેથી અમુક લેવલ પર ડેટા ખર્ચાઈ જાય એટલે આપોઆપ ઇન્ટરનેટ ઑ થઈ જાય. વધુ એક સારી આદત સૂચવું તમને. ફોન લઈને બેઠા હો ત્યારે ફોન પૉકેટમાં રાખવાને બદલે ટેબલ પર બધાની વચ્ચે રાખો, જેથી તમે પણ યુઝ ન કરો અને કોઈ બીજું યુઝ કરે તો તેને પણ ખ્યાલ આવે કે ફોન યુઝ નથી કરવાનો, આપણે મળવા માટે અને વાતો કરવા માટે ભેગા થયા છીએ.

આ ડિજિટલ આળસને છોડી દેવા માટે હજી એક રસ્તો છે. ફોન વાપરવાનો સમય નક્કી રાખો કે આ સમય સિવાય હું ફોનને નહીં અડકું. ફોન આવશે તો રિસીવ કરીશ અને કરવાના હશે, અગત્યના હશે તો ફોન કરીશ, પણ કોઈ ઍપ્લિકેશનમાં હું નહીં જાઉં. એક ખાસ વાત, ફોન પર જ જો ગેમ રમાતી હોય તો બુક્સ પણ વાંચવી શક્ય છે એટલે અમુક સમય વેડફવાનો અને અમુક ટાઇમ વાંચવામાં ઇન્વેસ્ટ કરવાનો એ પણ નોંધ કરી લો. જે સમય તમે ફેસબુક અને ટ્‍વિટરને આપો છો એટલો જ સમય બુક્સ કે ન્યુઝપેપર વાંચવામાં આપવાનો, ભલે ફોન પર જ વાંચો. શરૂઆત ભલે ધીમી હોય, આગળ જતાં બુક્સ વાંચવાનો સમય વધારતા જવાનો અને એ જેમ વધતો જાય એમ-એમ સોશ્યલ નેટવર્કને અપાતો સમય ઘટાડતો જવાનો. આ અને આવા રસ્તા અપનાવવા જરૂરી છે. જો શરીરને એદી ન બનાવવું હોય તો.

Whatsapp-channel Whatsapp-channel

06 July, 2019 10:53 AM IST | મુંબઈ | સંજયદૃષ્ટિ - સંજય રાવલ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK