Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > શહેરમાં પડેલા કચરા માટે હું જ છું કારણભૂત

શહેરમાં પડેલા કચરા માટે હું જ છું કારણભૂત

12 October, 2019 02:12 PM IST | મુંબઈ
સંજયદૃષ્ટિ - સંજય રાવલ

શહેરમાં પડેલા કચરા માટે હું જ છું કારણભૂત

સફાઈ

સફાઈ


બાપુના જન્મદિવસથી સ્વચ્છતા અભિયાનને વેગ મળ્યો છે, પણ હકીકતમાં આ અભિયાનની શરૂઆત તો બે-અઢી વર્ષથી વધુ સમય પહેલાંથી કરી દેવામાં આવી હતી. આ અભિયાનમાં આપણે સૌકોઈ જોડાયા છીએ અને અનેક રીતે આ અભિયાનમાં સહભાગી થવા લાગ્યા છીએ કે પછી થવા માટે મહેનત કરીએ છીએ. યુવાનો અને બાળકોથી માંડીને દરેક ઉંમરના લોકોએ આ અભિયાનમાં પોતાનાથી બનતું કર્યું છે, પણ એમ છતાં ક્યારેક એમ જ મનમાં વિચાર આવી જાય ખરો કે ગંદગી થાય જ શા માટે, એ થવી જ શું કામ જોઈએ? સીધી વાત છે કે આપણે ઘરમાં સફરજનનાં છીલકાં ગમે ત્યાં નથી ફેંકતા, બટાટા છોલીને એની છાલ ગમે ત્યાં નથી મૂકી દેતા, તો પછી આપણે કચરો રસ્તા પર ફેંકી જ કઈ રીતે શકીએ? ઘરમાં એવું કંઈ કરીએ તો શું થાય, ધૂળ કાઢી નાખે આપણા જ ઘરના લોકો અને એ લોકો ખીજવાય નહીં તો આપણને જ એ ગમે નહીં. ઘરમાં તો વ્યવસ્થિત ડસ્ટબિન રાખીએ છીએ અને કચરો બહાર ન જાય એની પૂરતી તકેદારી રાખીએ છીએ. ઘરમાં નાનું બાળક હોય અને એ ભૂલથી નીચે કચરો ફેંકે તો તરત જ આપણે તેને સમજાવીએ છીએ કે કચરો નીચે નહીં ફેંકવાનો અને એ પછી એ જ કચરો ઉપાડીને આપણે ડસ્ટબિનમાં નાખી દઈએ અને દસમી મિનિટે રસ્તા પર ચાલતી વખતે આપણે આપણે રોડ પર, જાહેરમાં કચરો નાખતા હોઈએ છીએ.

કેમ, શું કામ?



જો એક બાળકને આપણે સમજાવવા માટે ગુસ્સો કરી શકીએ તો કદાચ સરકાર પણ આવતી કાલે સવારે આપણને સમજાવવા માટે કોઈ એવો પ્રયત્ન કરે પણ ખરી અને એ ગુસ્સે થઈને દંડ જ ફટકારે, જેનાથી આપણને ચચરાટ થઈ આવે છે. યાદ રહે કે આપણા જેવા બેપાંચ દેશો જ એવા છે જ્યાં આ રીતે કચરો થાય છે. બાકી જગતના ૯૦થી ૯૫ ટકા દેશોમાં આ જ નિયમ છે. જો તમે કચરો બહાર ફેંક્યો એટલે તમારે દંડ ભરવો પડશે. આપણે પણ હવે એ જ દિશામાં આગળ વધી રહ્યા છીએ અને કચરો કરવા બદલ દંડ કરવામાં આવે એવી નીતિ લાવવા સરકારને ઉશ્કેરી રહ્યા છીએ. જેના માટે આર્થિક દંડ થાય એ કંઈ આપણે કરવા રાજી નથી, પણ સ્વૈચ્છિક નીતિ સાથે જોડાવા આપણે જરા પણ રાજી નથી. આપણે જાતે કચરો નહીં કરવાનું નક્કી નથી કરી શકતા. કોઈની પણ સામે આપણે કચરો ફેંકી શકીએ છીએ. એ જે નિષ્ફિકરાઈ છે એ નિષ્‍ફ‌િકરાઈ જ દેશની આબરૂ બગાડવાનું કામ કરે છે.


પોલીસ ઊભી હશે કે કૅમેરા હશે એવી બીકે આપણે નો-એન્ટ્રીવાળા રોડ પર ગાડી નથી ચલાવતા કે પછી ટ્રાફિક-રૂલ નથી તોડતા. કારણ, બીક છે આપણને કે આપણને દંડ થશે, ‌આપણું વેહિકલ જપ્ત થશે, પણ ટ્રાફિક-પોલીસની હાજરીમાં પાનની પિચકારી મારવામાં કે ખાધેલા આઇસક્રીમનાં રેપર ફેંકવામાં આપણને ડર નથી લાગતો, પણ જરા વિચારજો કે આ જ પોલીસને જો એવો પાવર આપી દેવામાં આવે કે તે ગંદગી કરવા બદલ દંડ લઈ શકશે તો આપણે સુધરી જઈશું. બીકથી સુધરવું એ સુધારો નથી, ડરના માર્યા ડાહ્યા થઈ જવું એ શાણપણની નિશાની નથી. ડરથી લીધેલું પગલું ક્ષણિક હોઈ શકે, પણ બીક કે ડર વિના જે સુધારો આવે એ કાયમી હોય છે. આવો સુધારો ક્ષણભંગુર નથી હોતો. માનવું પડશે, અંતરથી સ્વીકારવું પડશે કે આ મારું શહેર છે, મારું રાજ્ય, મારો દેશ છે. હું એને બગાડીશ નહીં અને હું બીજા કોઈને પણ એમાં ગંદકી કરવા દઈશ નહીં.

આપણા દેશમાં દર વર્ષે સફાઈના ખાતા માટે હજારો કરોડ રૂપિયાનું બજેટ સેન્ક્શન થાય છે. નદીઓ સાફ કરવા માટે આપણે કરોડો રૂપિયા ખર્ચી નાખીએ છીએ. આ બધું કર્યા પછી આપણી પાસે બે આર્ગ્યુમેન્ટ હોય છે; એક તો સરકાર આ કામ નથી કરતી અને ખોટા પૈસા ખર્ચાઈ જાય છે અને બીજી આર્ગ્યુમેન્ટ એ કે આવા બજેટ ખર્ચવાની કોઈ જરૂર જ નથી. પહેલો જવાબ આપું તમને. સરકાર કામ કરે છે અને બજેટ પણ સાચી જગ્યાએ જ ખર્ચાય છે, પણ આપણે સમજતા નથી અને ગંદકી એકધારી કરતા રહીએ છીએ એટલે થયેલી સફાઈ નજરમાં આવતી નથી. બીજી દલીલનો જવાબ, બજેટ તમારી ભૂલને કારણે ખર્ચવું પડે છે. તમે ગંદકી બંધ કરી દેશો તો સરકાર પણ સફાઈનું બજેટ ઓછું કરશે, એણે કરવું પડશે, પણ પહેલાં તમે સુધરો અને તમારામાં સુધારો લાવો.


આજે ભાષા માટે અભિયાન ચાલે, હેલ્મેટની વિરુદ્ધમાં રૅલી નીકળે, પણ ક્યારેય કોઈ રૅલી સ્વચ્છતા માટે કેમ નથી નીકળતી? સ્વચ્છતા અભિયાનની શરૂઆત થઈ ત્યારે મોટા-મોટા કલાકારો અને સેલિબ્ર‌િટીઝ ઝાડુ લઈને બહાર આવ્યા હતા અને બધાએ એ ફોટોગ્રાફ્સ પણ પેપરમાં જોયા, પણ એ પછી શું થયું? કેમ એ સેલિબ‌્ર‌િટી સાવ જ ખોવાઈ ગઈ. કેટલીક જાગૃતિ આઠ-દસ કે બાર દિવસમાં નથી આવતી, એને માટે લાંબો સમય જહેમત ઉઠાવવી પડે છે.

સ્વચ્છતા અભિયાનને એક અભિયાન તરીકે જોવાને બદલે જો એક ક્રાન્તિ તરીકે જોવામાં આવશે તો જ એનો જુવાળ જન-જન સુધી પહોંચશે. આ ક્રાન્તિને આગ આપવી પડશે. આપણે એવું ધારીને ગંદકી કરીએ છીએ કે એ સાફ થઈ જશે, કારણ કે સફાઈ કરનારાઓ છે, પણ આપણે શરમ અનુભવવી જોઈએ કે ભણેલા-ગણેલા થઈને આપણે કચરો કરીએ છીએ અને જેને ભણવાની તક ન મળી એ આપણાથી વધારે સારી સિવિક સેન્સ દેખાડીને આપણો કચરો ઉપાડી લે છે. કોને વધારે ભણેલા માનવાના, ક્લાસરૂમમાં બેસીને સિવિક સેન્સના પાઠ ભણ્યા એ મહાશયને કે પછી ક્લાસરૂમથી વંચિત રહી ગયેલા અને આજે ભણેલા લોકોની ગંદકી સાફ કરે છે એવા લોકોને?

સ્વચ્છતાને અનુસરવાનો નિયમ નાનપણથી, સ્કૂલમાં જવાનું શરૂ કર્યું ત્યારથી જ આપણને શીખવવામાં આવ્યા છે. અરે, હું તો કહીશ કે એકડા-બગડા આવડે એ પહેલાં આ બધું શીખવવામાં આવ્યું છે. સ્કૂલ-ડ્રેસ સાફ રાખો, ખરાબ કપડાં ન પહેરો, નખ કાપેલા હોવા જોઈએ, વાળ સરસ રીતે ઓળેલા હોવા જોઈએ, રોજ સવારે ઊઠીને પહેલું કામ બ્રશ કરવાનું થવું જોઈએ, સાબુ લગાડીને શરીરને સરસ રીતે ઘસીને સાફ કરીને નાહવાનું. આ કોઈ વાત તમને ખબર નથી એવું નથી, જરા પણ નહીં. નાનપણથી તો સાહેબ, શીખવી દીધું છે આ બધું તમને. નાના હતા ત્યારે શીખ્યા અને આપણા ઘરે નાનાં બાળકો આવ્યાં એટલે તેને પણ આપણે શીખવ્યું, પણ આ વાતને આપણે આપણા પૂરતી જ સીમિત રાખી. ઘરની બહારની દુનિયા સાથે જાણે આપણને કંઈ લેવાદેવા જ નથી. સારી આદતોને સીમિત રાખવાની આ જે ભાવના છે એ બહુ ખરાબ છે. યાદ રાખજો કે સારી આદતને ખરાબ આદતમાં બનાવવામાં જેટલો સમય નથી લાગતો એનાથી અનેકગણો વધારે સમય ખરાબ આદતને સારી આદત બનાવવામાં લાગે છે. સારી આદત જલદી છૂટે છે, પણ ખરાબ આદતો છોડવા માટે વર્ષોની જહેમત ઉઠાવવી પડે છે. જ્યાં સુધી આપણે આદતને નહીં બદલીએ ત્યાં સુધી આપણા દેશમાં સ્વચ્છતા અભિયાન ચાલુ રાખવું પડશે. જરા વિચાર કરો કે તમારા દેશને તમે કયા સ્તરે મૂકી દીધો છે.

દુનિયા જ્યારે ઓઝોનના પડને કેવી રીતે બચાવવું એની ચર્ચા કરે છે કે પછી સ્વીડનમાં એક છોકરી ક્લાયમેટ ચેન્જને રોકવા માટે રસ્તા પર ઊતરી આવે છે અને અમેરિકાના સાયન્ટિસ્ટ ઍન્ટાર્કટિકાના ગ્લેશિયર પીગળી રહ્યા છે એની ચિંતામાં છે ત્યારે આપણે ગંદકી કેમ અટકે એની લવારી કરીએ છીએ. જો આગળ વધવું હશે, આકાશને આંબવું હશે તો એને માટે તૈયાર થવું પડશે અને દેશને પણ તૈયાર કરવો પડશે. દેશ આ બધા માટે ત્યારે જ તૈયાર થશે જ્યારે આપણે આ દેશની સરકારને નાની અને ફાલતુ વાતોના બજેટમાંથી બહાર કાઢીશું. અમેરિકાનું સફાઈ-બજેટ જોશો તો તમને અચરજ થશે.

આ પણ વાંચો : કુછ દિન તો ગુઝારો હિન્દુસ્તાન મેં : કહો જોઈએ, આ વેકેશનમાં તમે ક્યાં ફરવા જવાના છો?

દુબઈનું સફાઈ-બજેટ જોશો તો પણ તમને આશ્ચર્ય થશે અને સાવ ચીંટુકડું કહેવાય એવા થાઇલૅન્ડનું પણ તમે સફાઈ-બજેટ જોશો તો તમને નવાઈ લાગશે. એ બધા માટે એ લોકો પૈસા ખર્ચતા જ નથી અને ખર્ચે છે તો એ તમારા દેશના સફાઈ-બજેટની સરખામણીમાં મગફળીના દાણા જેવડું છે. સ્વચ્છતા અભિયાન ત્યારે જ લેખે લાગશે જ્યારે એકેએક વ્યક્તિ એ વાત સ્વીકારશે કે શહેરમાં થનારી ગંદકી માટે તે પોતે કારણભૂત છે.

Whatsapp-channel Whatsapp-channel

12 October, 2019 02:12 PM IST | મુંબઈ | સંજયદૃષ્ટિ - સંજય રાવલ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK