માઇક્રો પ્લાનિંગ એટલે સપનાંને સાકાર કરવાની હાથવગી દિશા

Published: Nov 02, 2019, 18:24 IST | મુંબઈ ડેસ્ક

ડાયરી લખવાની આદત કેળવશો તો એ આદત તમને માઇક્રો પ્લાનિંગ શીખવશે, જેનો સીધો લાભ તમને તમારાં સપનાં પૂરાં કરવામાં થશે

સંજય દ્રષ્ટિ

દોસ્તો, નવા વર્ષમાં આપણે પહેલી વાર મળી રહ્યા છીએ ત્યારે અઢળક શુભકામનાઓ સાથે આજે હું તમને એક નવી દિશા પણ બતાવવા માગું છું.
દરેક વખતે એવું બનતું હોય છે કે નવું વર્ષ નજીક આવે એટલે એક લિસ્ટ બનાવવાનું શરૂ થાય. ખાસ કરીને દિવાળી અને ૩૧ ડિસેમ્બર પહેલાં. રેઝોલ્યુશનનું આ લિસ્ટ હોય. આ વર્ષે હું આ છોડી દઈશ કે પછી પેલું કામ શરૂ કરી દઈશ વગેરે વગેરે. ખરાબ આદત છોડીને સારી આદત અપનાવવાની દિશામાં પણ વાતો થાય અને નવી સારી આદતોને જીવનમાં ઉતારવાનું પ્રણ પણ લેવામાં આવે. શરૂઆત પણ સરસ થાય. પેલી કહેવત છેને કે આરંભે શૂરાની જેમ પણ પછી સમય જતાં એવું થાય કે એ સારી આદતો કન્ટિન્યુ થતી નથી અને ખરાબ આદતો ફરી ધીમા પગલે જીવનમાં આવીને ગોઠવાઈ જાય છે. જાતને ટપારવાનું કામ પણ કરવામાં આવે અને જાતને છેતરવાનું પણ શરૂ કરવામાં આવે અને પછી જોતજોતામાં કાં તો નવી દિવાળી આવી જાય અને કાં તો ક્રિસમસ પછીનું નવું વર્ષ પણ શરૂ થઈ જાય. જો તમે આ કૅટેગરીમાં આવતા હો, તમને પણ આ આદત હોય અને પાછળનાં વર્ષોમાં આ જ ભૂલ કરી હોય તો પછી આજે એ આદત કાઢવાનું તમને સૉલ્યુશન આપવાનું છે.
સૌથી પહેલાં તો નવા વર્ષની શરૂઆતમાં જ એક નિયમ લઈ લો કે રોજ ડાયરી લખીશ. જી હા, ડાયરી. જે પહેલાંના સમયમાં લખવાની ઘણા લોકોને આદત હતી, પણ મોબાઇલ અને ટીવીને કારણે એ આદત છૂટી ગઈ. આ આદતને પાછી લાવવાની છે. જઈને તમને ગમે એવી અને એની સામે જોઈને તમને એમાં લખવાની પ્રેરણા આપે એવી સરસમજાની ડાયરી ખરીદો અને એ ડાયરી ખરીદીને પછી એમાં તારીખ મુજબ તમારાં જે પણ રેઝોલ્યુશન છે એ લખી નાખો. હવે રોજ સવારે જાગીને જ્યારે ડાયરી હાથમાં લો ત્યારે નવા પેજ પર બીજું કશું લખો કે ન લખો, પણ ફરી પાછું એ જ રેઝોલ્યુશન લખો. એનાથી એક ફાયદો એ થશે કે તમને તમારું રેઝોલ્યુશન ભુલાશે નહીં અને બીજો લાભ એ થશે કે તમારા હાથ દ્વારા તમારા મગજને પણ સંદેશો પહોંચશે કે તમારે આ કામ કરવાનું છે અને તમે આ નિર્ણય લીધો છે, જેનું પાલન કરવાનું છે. તમારા જ અક્ષર રોજ તમારી સામે આવશે તો એનું પાલન કરવું પણ સરળ થઈ જશે. આ પ્રક્રિયા તમારા વિલપાવરને બળવત્તર બનાવવાનું કામ કરશે અને તમારા મનોબળને દરરોજ ઑક્સિજન પણ આપશે. રેઝોલ્યુશન કે નિર્ણય એક છોડ જેવો હોય છે. જો તમે એને રોજ પાણી પીવડાવીને એનું જતન કરો તો એ ધીમે-ધીમે ઝાડ બની જાય, પણ જો તમે એને ઘરમાં લઈ આવીને એક ખૂણામાં મૂકી દો તો ચોથા કે પાંચમા જ દિવસે એ કરમાઈ જાય. નિર્ણયોને, લીધેલા સંકલ્પોને કરમાવા નહીં દો, એને પ્રેમથી પોસવાનું કામ કરો, દરરોજ પાણી પીવડાવો અને એનું જતન કરો. જો એ કરી શક્યા તો જ તમારા સંકલ્પોનું પાલન થશે. સંકલ્પોના પાલનમાં ડેઇલી ડાયરી તમને આ રીતે ઉપયોગી બનશે.
આ ડાયરીમાં કંઈ પણ લખો. તમે આખા દિવસમાં કંઈ પણ બન્યું એ લખી શકો છો અને એવું ન કરવું હોય તો તમે એ ડાયરીમાં હવે પછીના દિવસે તમારે શું કરવાનું છે એ લખવાનું ચાલુ કરો. એનાથી એક ફાયદો એ થશે કે દિવસ પૂરો થયા પછી ખબર પડશે કે તમે તમારા જ નક્કી કરેલાં કામ પૂરાં કરી શકો છો કે નહીં?
આ બે જ કારણસર ડાયરી લેવાની નથી. આ ડાયરી લખવાની આદત તમને ઘણીબધી જગ્યાએ ઉપયોગમાં આવી શકે છે. એક ફાયદો એ પણ થશે કે તમને શિસ્તના ભાગરૂપે પણ કંઈક લખવાની આદત પડશે. બીજો મહત્ત્વનો ફાયદો એ કે લખેલું વંચાશે અને વંચાશે તો ક્યાંક ને ક્યાંક તમે એને ઉપયોગમાં લાવવાનો પ્રયત્ન કરશો અને એ થશે તો સ્વાવલંબન પણ આવશે અને આત્મનિરીક્ષણ તથા આત્મપરીક્ષણ પણ થતું રહેશે. જીવનમાં ઘણાંબધાં કામ કરવાં હશે, જોયેલાં બધાં સપનાં પૂરાં કરવાં હશે તો આ આદત પાડવી પડશે. દરેક વખતે તમારે જાતને મૂલવવી પડે અને એ મુલવણી કરતા રહો તો જ આગળ વધવાના રસ્તા ખૂલતા જશે અને ધારો કે એ ન ખૂલે તો બીજા રસ્તા શોધવાનું કામ પણ આવશે. આ બધું તો જ શક્ય બને, ત્યારે જ શક્ય બને જ્યારે તમને ખ્યાલ હોય કે ભૂતકાળમાં મેં કઈ ભૂલ કરી છે અને એનો જો ખ્યાલ આવી જાય તો ભૂતકાળમાં કરેલી ભૂલથી શીખીને ભવિષ્યમાં એ ભૂલનું પુનરાવર્તન ન થાય એની ચીવટ રહે. જો ચીવટ હોય તો આગળ વધવું શક્ય અને સરળ બને અને માઇક્રો પ્લાનિંગની આદત પડવાનું શરૂ થઈ જાય.
માઇક્રો પ્લાનિંગનું મહત્ત્વ સમજવું પડશે. પહેલાં સમય હતો પ્લાનિંગનો, પણ હવે સમય માઇક્રો પ્લાનિંગનો છે. એકેએક પાસાં ચકાસી લેવાનાં અને એ પાસાંઓમાંથી જે નડતર હોય એને બાજુ પર ધકેલીને આગળ વધતા જવાનું. દસકાઓ પહેલાં આપણા વડીલોના મોઢે એક વાત બહુ સંભળાતી, ઝીણું કાંતો. આ ઝીણું કાંતવું એટલે આજના આ મૉડર્ન સમયનું માઇક્રો પ્લાનિંગ.
મોટાં મોટાં કામ પાર પાડવાં હોય તો એને માટે માઇક્રો પ્લાનિંગ હોવું જોઈશે. ઉભડક કામ કરવાની નીતિ હોય એને ઉભડક સફળતા મળે, ક્ષણજીવી. ગમે ત્યારે તમને મૂકીને નીકળી જાય એવા જો માઇક્રો પ્લાનિંગ સાથે આગળ વધો તો તમને લાઇફટાઇમની સક્સેસ મળે, જે કાયમ તમારી સાથે રહે. મુકેશ અંબાણીનું જેકોઈ પ્લાનિંગ છે એ માઇક્રો પ્લાનિંગ છે. નાનામાં નાની વાતનું ધ્યાન રાખવામાં આવે છે અને એટલે જ મોટામાં મોટી સફળતા તેમને મળે છે. જો તમને ખરેખર માઇક્રો પ્લાનિંગની આદત પડી ગઈ અને તમે એને અપનાવી લેશો તો એનાથી મોટામાં મોટા પ્રશ્નો તમારા માટે નાના અને ક્ષુલ્લક બની જશે. મહાભારતના યુદ્ધમાં અભિમન્યુનું ૭ કોઠાનું યુદ્ધ યાદ કરો. એ સમયે અભિમન્યુ માટે એકેક કોઠો પાર પાડવો એ માઇક્રો પ્લાનિંગ જ હતું. ૬ કોઠા સુધી તેને આ જ માઇક્રો પ્લાનિંગ કામ લાગ્યું. અક્ષયકુમાર પણ આજે જે કામ કરી રહ્યો છે એમાં પણ માઇક્રો પ્લાનિંગ જ છે અને એ માઇક્રો પ્લાનિંગને કારણે જ દિવસમાં ૮ કલાકથી એક વધારે કલાક તે કામને નથી આપતો. જો માઇક્રો પ્લાનિંગનો સાચો ઉપયોગ અને એનું અમલીકરણ તમને એક વખત ફાવી ગયું તો દરેક વખતે તમે સફળતાનું એક નવું પ્રકરણ શરૂ કરી શકશો.
દરેક વખતે એવું નથી બનવાનું કે તમારે બીજા લોકો કરે છે એ જ કરવાનું આવે. નવીનતા બધાને જોઈએ છે અને એ દરેકના કામમાં ક્યાંક ને ક્યાંક આવતી હોય છે. એ ન હોય તો લાઇફ અને કામ બધું બોરિંગ થઈ જાય. રોજ એકનું એક શાક જો ઘરે જમવામાં ન ફાવતું હોય તો રોજેરોજ એકનું એક કામ કેમ ફાવે. એ નાવીન્ય લાવવાનું કામ જ માઇક્રો પ્લાનિંગ કરે છે. તમારી પાસે જ્યારે શસ્ત્રો અને શાસ્ત્રો હોય પણ એનો ઉપયોગ કેમ કરવો એની ખબર ન હોય એના જેવી આ વાત છે. ડાયરી, ડાયરીની શરૂઆત કરી દો, માઇક્રો પ્લાનિંગની આદત આપોઆપ કેળવાવા માંડશે અને એનો લાભ પણ તમને બહુ ઝડપથી મળવાનું શરૂ થઈ જશે. દિવસમાં કેટલો ફાલતુ અને ખોટો સમય બગડે છે એ પણ આ માઇક્રો પ્લાનિંગ દર્શાવતી ડાયરી પાસેથી ખબર પડશે અને કેટલો સમય તમે તમારા કામને આપો છો એ પણ તમને આ માઇક્રો પ્લાનિંગ સાથે જોડાયેલી ડાયરી આપશે. તમારા નવા વર્ષના સંકલ્પો પણ અકબંધ રહેશે અને એ સંકલ્પો સાથે આવનારો તમારામાંનો હકારાત્મક અભિગમ પણ લાઇફટાઇમ સાથે રહેશે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK