કૉલમ : આઇ કૅન વૉક ઇંગ્લિશ, આઇ કૅન ટૉક ઇંગ્લિશ

સંજય રાવલ - સંજય દૃષ્ટિ | Apr 20, 2019, 10:12 IST

અંગ્રેજીના અભરખા રાખવાને બદલે વૈવિધ્યને મહત્વ આપશો તો જીવનમાં આત્મવિશ્વાસ વધશે અને જીવન સુખમય પસાર થશે

કૉલમ : આઇ કૅન વૉક ઇંગ્લિશ, આઇ કૅન ટૉક ઇંગ્લિશ
પ્રતીકાત્મક તસવીર

સંજયદૃષ્ટિ

મારે ઘણાં શહેરોમાં જવાનું થતું હોય છે. મોટિવેશનલ કાર્યક્રમોના કારણે પણ અને સાથોસાથ મારા બિઝનેસના કારણે પણ. આ ટૂર દરમ્યાન હું અનેક યંગસ્ટર્સને મળું અને મળું ત્યારે એ તેમના પ્રશ્નો પણ પૂછે. મિત્રો, યાદ રાખજો એક વાત. જીવનમાં પ્રશ્નો હોવા જોઈએ. પ્રશ્નો હોવા એ જિજ્ઞાસા દર્શાવે છે અને જિજ્ઞાશા દેખાડે છે કે માણસને વધારે ને વધારે બહેતર થવું છે. જે કોઈના મનમાં જિજ્ઞાસા નથી તેમને આગળ વધવાની કોઈ ઇચ્છા હોતી નથી એવું કહેવામાં હું જરા પણ ખચકાટ નહીં કરું. હું મળું ત્યારે મને એક પ્રશ્ન એવો પૂછવામાં આવે છે જેની માત્રા દિવસે-દિવસે વધી રહી છે. મને પૂછવામાં આવે છે કે, ‘સર, અમારે ઘણાં ક્ષેત્રોમાં આગળ વધવું છે, બિઝનેસ કરવો છે અને જો તક મળે તો કૉર્પોરેટ ફીલ્ડમાં જૉબ લઈને પણ આગળ વધવું છે, પણ આ બધામાં ઇંગ્લિશના કારણે ક્યાંક ને ક્યાંક થાપ ખાઈ જવાય છે. ઇંગ્લિશ આવડતું ન હોય એટલે અમને રિજેક્ટ કરી દેવામાં આવે છે અને ઇંગ્લિશ આવડતું નથી એટલે અમારો પોતાનો કૉન્ફિડન્સ પણ ઓછો થઈ જાય છે. અમારે શું કરવું જોઈએ?’

આ જવાબમાં મારે સૌથી પહેલાં એક ચોખવટ કરવી છે કે યાદ રાખજો, ઇંગ્લિશ માત્ર ને માત્ર એક ભાષા છે, જેના દ્વારા આપણે કૉમ્યુનિકેટ કરીએ છીએ અને એકબીજાને સમજી શકીએ છીએ. ઇંગ્લિશ આપણી રાષ્ટ્ર કે માતૃભાષા નથી એટલે એ વાતની શરમ બિલકુલ છોડી દો. જો એ તમારી માતૃભાષા હોત તો તમારી બાના પેટમાં જ ઇંગ્લિશ શીખી ગયા હોત અને જન્મ પછી કોઈની પાસે આવાં રોદણાં રોતાં ન હોત. બીજી વાત, ઇંગ્લિશ અને કૉન્ફિડન્સને નહાવા કે નિચોવવાનો કોઈ સંબંધ નથી. ઇંગ્લિશને ક્યાંય તમારા કૉન્ફિડન્સ સાથે જોડવાની જરૂર નથી. મેં એવા લોકો જોયા છે જે નામ પૂરતું પણ અક્ષરજ્ઞાન નથી ધરાવતા એટલે કે ભણેલા નથી અને એમ છતાં પણ એ ખૂબ આગળ વધ્યા હોય. અનેક એવા સક્સેસફુલ ઉદ્યોગપતિ છે જે આજે પણ માંડ વાંચી શકાય એટલું ગુજરાતી જાણે છે, પણ એમ છતાં એમની પાસે અંગ્રેજી ચૅનલો પણ લાઇનમાં ઊભી રહે છે. હું કહીશ કે ભાષા આવડવી જરૂરી છે, કમ્યુનિકેશન આવડવું જરૂરી છે, પછી એ તમે જીભથી કરો કે હાથના ઇશારા કરીને કરો કે પછી લખીને કરો, પણ કમ્યુનિકેશન કરો. જરૂરી એ છે. જરા વિચાર કરો કે તમે ઇંગ્લિશ નથી આવડતુંની ફરિયાદ કરો છો અને એની સામે અનેક એવા છે જેમને ઈશ્વરે બોલવા-સાંભળવાની પણ શક્તિ નથી. શું એ લોકો નિષ્ફળ છે, એ લોકોને કોઈ જાતની સફળતા નથી મળી?

ના, એવું નથી.

હવે વાત રહી ઇંગ્લિશ અને બિઝનેસ કે પછી નોકરીની તો હું તમને એમ કહીશ કે એક સમય એવો હતો કે વેપાર ત્રણ જ જગ્યાએ થતો. જુઓ આપણો ઇતિહાસ. ચીન, યુરોપ અને ભારત જ વેપાર માટેના ગઢ હતા અને બાકીના બધા દેશો આપણે ત્યાં આવીને વેપાર કરતા. આપણે સૌથી મોટા ખરીદદાર હતા. એ સમયે પણ કોઈને ઇંગ્લિશ આવડતી નહોતી અને તેમ છતાં આપણી વેપારી પ્રજા ખૂબ સારો વેપાર કરી લેતી. બાર્ટરનો જમાનો હતો એ. જરા વિચાર તો કરો, એ સમયે કેવી રીતે એમના માલની ખાસિયત જાણવાની અને કેવી રીતે આપણા માલની ખૂબીઓ વર્ણવવાની અને એમ છતાં પણ આપણે સરસ રસ્તો કાઢી લેતા. બિઝનેસ કરવા માટે અને નોકરી માટે ઇંગ્લિશ જરૂરી છે, હું ના નથી પાડતો અને એવું કરીને હું ઇંગ્લિશનો ખોટો વિરોધ પણ કરવા નથી માગતો, પણ મારે એ કહેવું છે કે ઇંગ્લિશ સર્વેસર્વા છે એ વાત ખોટી છે. તમે ધારો તો વિશ્વની કોઈ પણ ભાષા શીખી શકો છો, પણ યાદ રાખજો કે એ ભાષા માત્ર ને માત્ર કમ્યુનિકેશન માટે છે ને જો તમે એ શીખી લીધી અને ધારો કે તમને બીજી કોઈ ભાષાની વ્યક્તિ મળી ગઈ તો તમારે એ જ ભાષામાં કમ્યુનિકેટ કરવું પડશે જે ભાષા સામેવાળી વ્યક્તિને સમજાય છે અને જેમાં એ કમ્ફર્ટેબલ છે.

હકીકત તો એ છે કે આપણે આપણી જાતને એક પ્રકારની આદત પાડી દીધી છે. પ્લેનમાં જાવ તો ઍરહૉસ્ટેસ સાથે આપણે ઇંગ્લિશમાં વાત કરીએ. હોટેલમાં જઈએ તો પણ ઇંગ્લિશ, રેસ્ટોરાંમાં ઇંગ્લિશ અને ટ્રેનમાં ટ્રાવેલ કરતા હોઈએ તો પણ ઇંગ્લિશ. આવડતું ન હોય તો પણ ઇંગ્લિશ અને આવડતું હોય તો સામેવાળા પર રોફ જમાવવા ઇંગ્લિશ. હું તો કહીશ કે જેને નથી આવડતું એ વધારે પડતું ઇંગ્લિશ બોલે છે. શું કામ એવું કરવાનું? મેં ઘણા એવા જોયા છે કે વાતની શરૂઆત એ ઇંગ્લિશમાં કરશે અને પછી બેચાર વાક્ય બોલીને બહેન (બહેનોને આ વધારે આદત છે એટલે) હિન્દી પર કે ગુજરાતીમાં આવી જશે. વધારે ક્યાંથી બોલે, બેચાર વાક્ય જ આવડતાં હોય અને કાં તો એટલો જ કૉન્ફિડન્સ હોય. ખોટી આદત તમે પાડો છો. જો તમારી માતૃભાષા કે રાષ્ટ્રભાષામાં વાત કરશો તો કદાચ એ પણ તમને બહુ ઇઝીલી તમારી ભાષામાં જવાબ આપી દેશે અને તમારું કમ્યુનિકેશન સરળ રીતે ચાલે. કારણ વગરનું ઇંગ્લિશ - ઇંગ્લિશ કરીને લોકોએ હાઉ ઊભો કરી દીધો છે કે ઇંગ્લિશ આવડતી હોય એટલે આપણે બહુ મોટી તોપ ગણાઈએ. ના રે, જરા પણ એવું નથી. આવું ધારીને તમે તમારી જાતને ઇન્ફિરિયારિટી કૉમ્પ્લેક્સમાં મૂકી રહ્યા છો અને તમારી અંદરનો ડર છુપાવો છો, પણ હું કહીશ કે કોઈ આવશ્યકતા જ નથી ઇંગ્લિશની એવી કે એ અનિવાર્ય ગણાય.

મેં ઘણા એવા સ્ટુડન્ટ્સ પણ જોયા છે કે એ આગળ ભણવા માગે છે, પણ તેમને પ્રશ્ન સતાવે છે કે આગળનું બધું સ્ટડી ઇંગ્લિશમાં કરવાનું આવે છે. સીએ કરો કે એમબીએ કે પછી આર્કિટેક્ચર કરો. હાયર એજ્યુકેશનનું બધું ભણવાનું ઇંગ્લિશમાં જ આવતું હોય એટલે ઘણા યંગસ્ટર્સ આગળનું હાયર એજ્યુકેશન ટાળી દે છે. મને કહેવું છે કે યાદ રાખજો, જો વિશ્વકક્ષાનું ભણતર લેવું હશે તો એ ઇંગ્લિશમાં જ આવશે એટલે તમારે એની તૈયારી રાખવાની છે. આ જ વાતને હું બીજા દૃષ્ટિકોણથી સરકારને કહીશ કે આ બધું ભણવાનું જો રાષ્ટ્રીય કે માતૃભાષામાં શીખવવામાં આવે તો એનો લાભ અનેક લોકો લઈ શકે. આંકડામાં કહું તો આ લાભ લાખો યુવાનોને મળે. ડૉક્ટર લિવર કહે કે જઠર કહે, હાર્ટ કહે કે હૃદય કહે એનાથી કોઈ ફરક નથી પડવાનો. તેને સારવાર આવડતી હોય એ જરૂરી છે. આ મારું અંગત માનવું છે અને આ માન્યતા પણ આપણા યુવાનોના ટૅલન્ટને જોઈને જ મનમાં બંધાઈ છે. માત્ર ભાષાને લીધે જો યુવાનો આગળ ભણી ન શકે અને તેમની કારકિર્દી વેડફાય એ ખોટી વાત છે. જર્મન અને જપાનમાં માતૃભાષામાં જ આ વાતને સમજાવવામાં અને શીખવવામાં આવે છે અને એ આવી જ દલીલ સાથે સ્થાનિક ભાષામાં શીખવવાનું શરૂ થયું છે. જો તમારી પોતાની ભાષામાં ભણવાનું શક્ય બને તો વિદ્યાર્થીઓ વધારે સારી રીતે ભણી શકે અને ઑટોમૅટિકલી તેમનામાં એક પ્રકારનો કૉન્ફિડન્સ બિલ્ટ થશે પછી ભલે એ કોઈ પણ ક્ષેત્રને લગતો હોય. ભણીને તે નોકરી કરે કે કોઈ ધંધો કરે, પણ એ જે કરશે એમાં પારંગત બનશે એ નક્કી છે.

હું પેરન્ટ્સને પણ રિક્વેસ્ટ કરીશ કે તમે પણ તમારાં સંતાનોને પણ માત્ર દેખાદેખીમાં ઇંગ્લિશ સ્કૂલમાં નહીં મૂકો, તમને આવડતું હોય અને જો ઘરમાં એનું ઘડતર એ મુજબ કરી શકતાં હો તો જ બાળકને ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં મૂકજો, નહીંતર એની માઠી અસર બાળક પર પડી શકે છે. આપણાં બાળકોને જો ગુજરાતી શાળામાં જ ભણાવીશું તો એની કોઈ આડઅસર બાળકો પર થવાની નથી. આપણે ત્યાંના અડધોઅડધ ઉદ્યોગપતિઓ ગુજરાતી મીડિયમમાં જ ભણ્યા છે અને આજે અબજોપતિ છે. આપણા વડા પ્રધાન પણ ગુજરાતી મીડિયમમાં ભણ્યા છે અને એ પછી પણ તેઓ આજે આ સ્તર પર છે. ખપ પૂરતું અંગ્રેજી આવડતું હોય એ જરૂરી છે અને એ તો ઘણી વખત સમય પણ આપોઆપ શીખવી દે છે. ઇંગ્લિશ માટેનું ગાંડપણ માબાપમાં હોય એ ખરાબ છે. હાઇ-ફાઇ દેખાવા માટે એવું એ પગલું ભરે તો એ ખરાબ છે. હીર બાળકમાં હોય છે, ભાષામાં નહીં. મેં અસંખ્ય બાળકોને જોયાં છે કે કોઈ પણ જાતના ભય વગર નિતનવાં કામો કરી લે છે અને એમ છતાં તેમને આગળ જતાં આ ઇંગ્લિશનો ડર સતાવ્યા કરે છે. આ જે ડર છે એ ઊભો કરવાનું કામ ક્યાંક અને ક્યાંક પેરન્ટ્સ દ્વારા જ ઊભું થઈ જાય છે. હું ખાસ વિનંતી કરીશ કે ક્યારેય બાળકો પાસે ઇંગ્લિશનો દુરાગ્રહ નહીં રાખો, એના કરતાં બાળકોને વૈવિધ્યનો લાભ લેવા દો અને ઇંગ્લિશ સાથેની એક ભાષા તરીકે ભણાવો.

આ પણ વાંચો : અનુભવ અને આઇડિયા: યે સંગમ તો ઝરૂરી હૈ

હું પેરન્ટ્સને પણ રિક્વેસ્ટ કરીશ કે તમે પણ તમારાં સંતાનોને પણ માત્ર દેખાદેખીમાં ઇંગ્લિશ સ્કૂલમાં નહીં મૂકો, તમને આવડતું હોય અને જો ઘરમાં એનું ઘડતર એ મુજબ કરી શકતાં હો તો જ બાળકને ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં મૂકજો, નહીંતર એની માઠી અસર બાળક પર પડી શકે છે. આપણાં બાળકોને જો ગુજરાતી શાળામાં જ ભણાવીશું તો એની કોઈ આડઅસર બાળકો પર થવાની નથી.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK