રિલાયન્સ બનવું હોય તો લાયન જેવો સ્વભાવ અને ખાસિયત લાવવાં પડશે

Published: Aug 17, 2019, 08:45 IST | સંજય રાવલ - સંજય દૃષ્ટિ | મુંબઈ ડેસ્ક

સિંહ એકલપંડે કામ કરે, એ એકલવીર હોય. જો તમે પણ એ રીતે એકલવીર બનશો તો સામ્રાજ્ય આપોઆપ ઊભું કરી શકશો, નહીં તો ઝુંડમાં જ રહી જશો અને યાદ રાખજો કે ઝુંડના ઇતિહાસ ક્યારેય લખાતા નથી

પદ્મ વિભૂષણ ધીરુભાઈ અંબાણી
પદ્મ વિભૂષણ ધીરુભાઈ અંબાણી

સંજય દ્રષ્ટિ

હું હંમેશાં કુદરતનું ઉદાહરણ આપતો હોઉં છું. જો તમે કુદરતને નજીકથી જોવા માગતા હો, એને માણવા માગતા હો તો તમારે પશુ-પંખીઓની લાઇફ જોવી જોઈએ. કારણ કે સૌથી વધારે કુદરતી રીતે અને કુદરતની નજીક જો કોઈ જીવતું હોય તો એ છે પશુ-પંખીઓ. આપણે માણસોએ તો કુદરતને ભૂલવાનું કામ ખૂબ સરસ રીતે કર્યું છે, પણ આપણા સિવાયનું આખું જગત હજી પણ આ કુદરત સાથે જ રહે છે અને એની સાથે જ જીવે છે. આપણને તો કુદરતે વાચા આપી છે, એમને તો વાચા પણ નથી આપી. આપણે વિચારી શકીએ છીએ, સામાજિક રીતે વર્તી શકીએ છીએ, પણ પશુ-પંખીઓ પાસે તો એ વ્યવહારુ વર્તન અને વિચારશક્તિ પણ નથી અને મારું માનવું છે કે કદાચ એટલે જ એ કુદરત સાથે જીવતાં હોય છે. પ્રાણીઓની વાત કરવા માટેનું પણ મારી પાસે કારણ છે અને એ સમજી શકાય એવું એક ઉદાહરણ પણ મારી પાસે છે.

તમે ક્યારેક ને ક્યારેક તો જંગલમાં ગયા જ હશો. ફરવા માટે ગયા હશો તો આપણામાંથી જ કોઈ કૅમ્પિંગ માટે જંગલમાં ગયું હશે. કોઈ ગીરમાં સિંહદર્શન માટે ગયું હશે તો રણથંભોરમાં વાઘ જોવા માટે પણ ગયું હશે. વાઇલ્ડ લાઇફ જોવાનું કામ તો આપણે કર્યું જ હોય. અરે, છેલ્લે બાકી બસ પસાર થતી હોય ત્યારે આપણે કુદરતના આ સૌંદર્યને જોઈ લીધું હોય. જંગલમાં આપણે અનેક જાતનાં પ્રાણીઓ પણ જોયાં હશે. જંગલમાં નહીં તો છેલ્લે બાકી ઝૂમાં પણ તમે પ્રાણીઓ જોયાં તો હશે જ. આ બધામાં તમે એક પ્રાણીનું નામ સાંભળ્યું હશે, વાઇલ્ડ ડૉગ. આ વાઇલ્ડ ડૉગ એટલે આપણે જોઈએ છીએ એવા ડૉગી જ પણ એ શેરીમાં ફરતા નથી કે એને પાળી શકાતા નથી. ખૂનખાર હોય છે એ, એ જંગલમાં જ રહે અને શિકાર પર જ એનું જીવન ચાલે. આ વાઇલ્ડ ડૉગની એક ખાસિયત છે કે એ ઝુંડમાં જ શિકાર કરે છે. એકલદોકલ રહેવાની હિંમત એ ડૉગી નથી કરતા. કાં તો હિંમત નથી કરતા અને કાં તો એમનો એવો કોઈ સ્વભાવ નથી. એ હુમલો કરે તો પણ ઝુંડમાં કરે અને ખાવાનું પણ ઝુંડમાં જ. એક આળસ કરે તો ઝુંડના સૌકોઈ આળસ કરવા માંડે અને જો એક અગ્રેસિવ બને તો બધા અગ્રેસિવ બની જાય. એમની દરેક પ્રવૃત્તિ ઝુંડમાં જ હોય છે.

આ વાઇલ્ડ ડૉગની એક ખાસિયત એ છે કે એનામાં કોઈ જાતની સાહસવૃત્તિ નથી અને એટલે જ એકલા કંઈ પણ કરવું એમને ફાવતું નથી. સાહસવૃત્તિનો અભાવ હોવાને કારણે એમની સામે જો મોટું વાહન આવીને ઊભું રહી જાય તો એ ભાગી જાય, પણ જો એકલું કોઈ દેખાઈ આવે તો એને ફાડી ખાય. આ વાઇલ્ડ ડૉગ સામે છે જંગલનો રાજા સિંહ. જંગલના રાજા માટે આપણે ક્યારેય એવું કહ્યું છે ખરું કે આ વાઇલ્ડ લાયન છે?

ના, ક્યારેય નહીં. એ શક્ય જ નથી. એની આગળ વાઇલ્ડ વિશેષણ ઉમેરવાની જરૂર જ નથી, કારણ કે સિંહ શબ્દ સંભળાય ત્યારે જ સમજાઈ જાય કે એની જંગલિયત કેવી હોય, એની સાહસિકતા કેવી હોય, એનો પ્રભાવ કેટલો હોય અને એની તાકાતની ક્ષમતા કયા સ્તરની હોય. તમારે સિંહની તાકાતના પરચા લેવા કે આપવા નથી જવું પડતું. સિંહ કશું કર્યા વિના તમને જવા દે તો એ દાખલો બને અને એની વાતો થાય, પણ સિંહની હિંસકતાની વાત તમારે કોઈને ગળે ઉતરાવવા નથી જવું પડતું.

આ ઉદાહરણ આપવાનું કારણ હવે તમને કહું છું. તમે બધા અત્યારે કોઈ ને કોઈ કામ કરતા જ હશો. કોઈ કૉર્પોરેટમાં જૉબ કરતું હશે, કોઈ બિઝનેસ કરતું હશે, કોઈ બીજી કોઈ કે ત્રીજી પ્રવૃત્તિ કરતું હશે, તો કોઈ માત્ર જલસા કરતું હશે. હવે તમે ધ્યાનથી જોવાનું શરૂ કરો. તમે ઑબ્ઝર્વ કરશો તો તમને આ બધામાં પેલાં બન્ને જંગલી જાનવર દેખાશે. વાઇલ્ડ ડૉગ પણ દેખાશે અને લાયન પણ જોવા મળશે. ઘણા લોકો આપણામાં એવા હશે જે માત્ર ઝુંડમાં જ કામ કરતા હશે, બીજો કરે એમ કરે, બીજાની નકલ કરીને પોતે કામ મેળવે, જ્યારે બીજાને કામ મળવાનું બંધ થાય ત્યારે આ મહાશયને પણ આપોઆપ મળવાનું બંધ થઈ જાય, કેમ? કારણ કે તેણે નવું કંઈ કર્યું નહીં એટલે તમે પણ નવું કરવાની કોશિશ કરી નહીં. ફલાણો આમ લખે છે એટલે મારે પણ આમ જ લખવું છે અને ઢીકણો આ સ્ટાઇલથી બિઝનેસ લઈ આવે છે એટલે મારે પણ એ જ રીતે બિઝનેસ લઈ આવવો છે. એણે જેટલું ખાધું, એણે જેટલો ધંધો કર્યો એના કરતાં ૧૦થી ૧૨ ટકા વધારે-ઓછો ધંધો કરી તમે સંતોષ માની લીધો. નવું કર્યું નહીં, સાહસ કર્યું નહીં અને તમે નવું કંઈ કરવાનું વિચાર્યું પણ નહીં, એટલે થયું એવું કે તમે વાઇલ્ડ ડૉગી બનીને ઝુંડમાં જ ફરતા રહ્યા. ઝુંડ ભૂખ્યું તો આપણે પણ ભૂખ્યા અને ઝુંડને પેટ ભરીને ખાવા મળ્યું ત્યારે આપણને પણ મળી ગયું. સાથે મળીને શિકાર કરવાનો અને સાથે મળીને જમી લેવાનું. કોઈ શિકાર કરવા ઊભા ન થાય એટલે આપણે પણ મંદી-મંદીનાં ગાણાં ગાઈને આપણે પણ રડવાનું શરૂ કરી દીધું. આ અત્યારનો માહોલ છે. અત્યારે માર્કેટમાં મંદી છે એટલે તમે જુઓ કે મોટા ભાગના મંદીનાં ગાણાં ગાય છે. આવાં ગીતો જે ગાય છે તેઓ એક જ કામ કરતા હોય છે, નવું શોધવાનું નહીં, નવું કરવાનું નહીં અને નવું શીખવાનું નહીં. જો માર્કેટમાં મંદી હોય તો પેટ્રોલ-પમ્પ પર કાગડા ઊડતા હોત. જો મંદી હોત તો શાકભાજીવાળાઓએ તેમનાં શાકભાજી ફેંકી દેવાં પડ્યાં હોત, દૂધવાળો દૂધ ક્યાં વેચવું એનો વિચાર કરતો હોત અને ડૉક્ટર પણ નવરા બેઠાં માખીઓ મારતા હોત. ચાની કીટલી પર કાગડા નિરાંતે બેસવા આવતા હોત, પણ એવું થયું નથી એ આપણને બધાને ખબર છે. એનો અર્થ એવો થયો કે મંદી છે નહીં, એનો અર્થ એવો થયો કે મંદીની અસર છે, પણ આપણે એ અસરની ખરાબ રીત અપનાવી લીધી છે અને આપણે એને ભગાડવાની કોશિશ નથી કરી. આ ભગાડવાનું કામ સિંહ કરે. સિંહ ક્યારેય બેસી નથી રહેતો અને ધારો કે એ બેસી પણ રહે તો કોઈ એને હાંકી કાઢવા હાથ ઊંચો નથી કરતું. એ એકલપંડે કામ કરે છે અને આ જ તેની પર્સનાલિટી છે. સિંહ લીડર હોય છે. તમે જેની નકલ કરતા હો છો એ લીડર હોય છે. એ એનો રસ્તો કાઢી જ લેતો હોય છે. એક ગુજરાતી કહેવત છે કે કૂતરાની ચાલે ઊંટે ન ચલાય. સાચું જ છે. કોઈ જે કામ કરે છે એ કામ કેવી રીતે કરે છે એની મહારત તેને જ હોય. આવા સમયે જો તમે કૂતરાના વાદે ચડો તો ફસાઈ જાઓ. કૂતરો તો બે ફુટના પાઇપમાંથી પણ એક વખત મહેનત કરીને નીકળી જાય, પણ જો ઊંટ એમાં પેસે તો શું થાય? ઊંટનો જીવ જાય. શું કરવું, કેમ કરવું, કેવી રીતે કરવું અને ક્યારે કરવું એનો પ્રશ્ન ક્યારેય લીડરને નથી નડતો.

આ પણ વાંચો : નીરવ બારોટ: જાણો આ લોકગાયકની સફળતાની કહાની

કહેવાનો ભાવાર્થ એ જ કે સિંહ જેવી પર્સનાલિટી ડેવલપ કરો. લીડર બનો. લીડર ક્યારેય રાડો નથી પાડતો. લીડર ક્યારેય મૂંઝવણમાં પણ નથી મુકાતો, લીડર ચીસાચીસ નથી કરતો. લીડર ટોળાંઓ કરીને નથી બેસતો અને લીડરને કોઈની કંપનીની જરૂર નથી પડતી. મેં ઘણા લોકોને જોયા છે જેઓ એકલવીર હોય છે, તેઓ એકલા જ નીકળી પડે છે અને એવું કામ કરી દેખાડે જેનો કોઈએ વિચાર સુધ્ધાં પણ ન કર્યો હોય. એનું ધ્યેય બહુ સ્પષ્ટ હોય છે, એનો હેતુ ક્રિસ્ટલ-ક્લિયર હોય છે અને એની દૃષ્ટિ અને દૃષ્ટિકોણ બન્નેમાં ટ્રાન્સપરન્સી હોય છે. આવા લીડરો સામે મેં એવા પણ અસંખ્ય લોકો જોયા છે જે સવારે જાગે ત્યારથી બીજાને જ ફૉલો કરતા હોય છે. ફૉલો કરવાની આ માનસિકતા સોશ્યલ મીડિયાને કારણે બળવત્તર બની છે. સોશ્યલ મીડિયા પર મોટા માણસો જે કરે એ કરવાની માનસિકતા સહજ રીતે ઊભી થઈ જાય છે અને પછી એ પર્સનલ લાઇફમાં પણ આવી જાય છે. મોટા માણસો સાથે રહેવાથી મોટા માણસ નથી બનાતું. મોટા માણસ બનવા માટે એકલા પડીને અથાક પરિશ્રમ કરવો પડે છે. ધીરુભાઈ અંબાણી ક્યારેય ગોદરેજ અને તાતાની પાર્ટીઓમાં જઈને હાજરી નહોતા પુરાવતા, એ પાર્ટીઓ થતી ત્યારે ધીરુભાઈ અંબાણી કામ કરતા અને એ કામનું પરિણામ આજે આપણા સૌની સામે છે. એક સમયે જે બન્ને જૂથ દેશનાં સૌથી મોટાં ઔદ્યોગિક ગૃહ ગણાતાં હતાં એ ગૃહોનાં નામ આજે રિલાયન્સ પછી લેવામાં આવે છે. જો રિલાયન્સ બનવું હોય તો લાયન જેવી આવડત, સ્વભાવ અને ખાસિયત કેળવવી પડશે. આ હકીકત છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK