Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > પ્રામાણિકતા અને સત્ય : સમાન અને પર્યાય છે

પ્રામાણિકતા અને સત્ય : સમાન અને પર્યાય છે

31 August, 2019 01:37 PM IST | મુંબઈ ડેસ્ક
સંજય રાવલ-સંજયદૃષ્ટિ

પ્રામાણિકતા અને સત્ય : સમાન અને પર્યાય છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સંજય દ્રષ્ટિ

પ્રામાણિકતા અને સત્ય બન્ને જુદાં-જુદાં છે?



ઘણા, અઢળક લોકોએ મને આ સવાલ પૂછ્યો છે અને હમણાં તો એવું બન્યું છે કે લગભગ દરેક પાંચમી વ્યક્તિ આ સવાલ પૂછે છે. શું પ્રામાણિકતા અને સત્ય બન્ને જુદાં કહેવાય ખરાં?


ના, મારી દૃષ્ટિએ પ્રામાણિકતા એ સત્યનું જ બીજું નામ છે. બન્ને એક જ છે અને સત્ય એ પ્રામાણિકતાનો પર્યાય જ છે. જો તમે સત્યને ઇચ્છતા હો તો તમે આપોઆપ પ્રામાણિક બનીને જ રહો અને જો તમે પ્રામાણિક હો તો તમે સત્યનો સાથ ક્યારેય છોડો નહીં એટલે એ રીતે જોવા જોઈએ તો સત્ય અને પ્રામાણિકતા બન્ને જોડિયા ભાઈઓ જેવા છે, પણ આજના આ જમાનમાં આ જોડિયા ભાઈઓ જ સૌથી વધારે મૂલ્યવાન થઈ ગયા છે અને મૂલ્યવાન એ જ હોય, જે રેર હોય. સાચું જ છે, આજની દુનિયામાં સૌથી ઓછી જો કોઈ વસ્તુ હોય તો એ છે પ્રામાણિકતા-સત્ય. જે સમગ્ર નૈતિકતાનો પાયો છે, પણ અફસોસ યુરેનિયમ, પ્લૅટિનમ જેવી કીમતી ધાતુથી શક્તિશાળી અને કીમતી જણસ ધરાવતા પ્રામાણિક અને સત્યનિષ્ઠ માણસો હવે લગભગ છે જ નહીં.

સિદ્ધાંતો, પ્રામાણિકતા, સત્ય એ તમામ સફળતા માટેનાં બેઝિક મૂલ્યો છે, પણ આપણને ખબર હોવા છતાં આપણે એ રસ્તે જઈ શકતા નથી. ઇતિહાસમાં યુધિષ્ઠિર, રાજા હરિશ્ચન્દ્રની વાતો આવે છે. મહાત્મા ગાંધી પણ આપણને સૌને એ માર્ગ ચીંધી ગયા, પણ એમ છતાં આપણે એ માર્ગ પર ચાલવા રાજી નથી. કેટલી તાકાત છે સત્યમાં, કેટલી શક્તિ છે પ્રામાણિકતામાં, તમે જુઓ તો ખરા. જે અંગ્રેજ સરકાર સાડાત્રણસો વર્ષથી આ દેશને ચોંટી ગઈ હતી એ આખેઆખી સરકાર આ બે તાકાતથી ઊખડી ગઈ અને આપણો દેશ આઝાદ થઈ ગયો; પણ ના, એમ છતાં આપણે એ સત્ય અને એ પ્રામાણિકતા દાખવવા રાજી નથી. મને લાગે છે કે એનું કારણ એ જ છે કે આપણને આવી વાતો વાર્તા અને ઇતિહાસમાં જ ભણવી ગમે છે, સાંભળવી ગમે છે. આનાથી વિશેષ આપણે મન આ શબ્દોનું કોઈ મૂલ્ય છે જ નહીં અને એટલે જ જાણ્યે-અજાણ્યે અંધારા ભવિષ્ય તરફ આપણે અપ્રામાણિકતા અને અસત્યના આધારે નીકળી પડીએ છીએ. પહેલાં સતયુગ હતો એટલે એ સમયમાં સત્યનો પ્રભાવ હતો. અત્યારે કળયુગ છે એટલે કળાનો પ્રભાવ હોય એવું ધારીને આપણે જૂઠાણાં પર જૂઠાણાં બોલ્યા કરીએ છીએ, પણ મિત્રો યાદ રાખજો કે સત્ય સર્વકાલીન છે. એ હતું, એનું જ અસ્તિત્વ છે અને એ જ અકબંધ પણ રહેવાનું છે.


આલીશાન ગાડી, મોટો અને વિશાળ બંગલો, અતિમૉડર્ન એવી ઑફિસ, ચાર જણ સાહેબ-સાહેબ કરીને બોલાવ્યા કરે એવી નોકરી. આપણે આ બધાની પાછળ પાગલ થઈને ભાગીએ છીએ, પણ યાદ રાખજો કે એ બધાથી પ્રભાવ નથી પડવાનો. ગમે એટલું કરી લો તમે, પણ એનાથી કોઈ પ્રભાવ નહીં પડે. માણસો ખાલી તમારી સામે તમને જીહજૂરી કર્યા કરશે, બાકી અંદરખાને તો તેઓ પણ તમને ભાંડવાનું જ કામ કરશે. આવું થવાનું કારણ છે, ખાસ કારણ. કારણ એ કે આપણે ભીતરથી ખોટા છીએ. આ સત્ય એક જ ચીજ એવી છે જે તમામ પ્રકારનાં સુખનો પાયો છે. આપણે અસત્ય આચરીએ છીએ એટલે સૂવા માટે બેડરૂમમાં ઍરકન્ડિશન હોય છે, પછી પણ ઊંઘ આવતી નથી અને ટ્રાન્ક્વાઇલ ટૅબ્લેટનો સહારો લઈને આપણે ઊંઘ લેવી પડે છે, પણ સત્યના માર્ગે જનારાને તો રસ્તા પર પડેલી લારીમાં પણ મસ્તમજાની ઊંઘ આવી જાય છે.

મને અત્યારે એક નાનકડી વાર્તા યાદ આવે છે...
બે બાળકો હતાં, શિયાળાની ટાઢમાં ઠરતાં-ધ્રૂજતાં એક ખૂણામાં બેઠાં હતાં, ત્યાં તેમનો બાપ આવ્યો. તે હાથમાં બેત્રણ રદ્દી થઈ ગયેલાં ન્યુઝપેપર લેતો આવ્યો હતો. આવીને તેણે પોતાનાં બન્ને બાળકોને એ પેપર આપી દીધાં અને પેલા બન્નેએ પોતાના શરીર ફરતે એ વીંટી પણ દીધાં. કડકડતી ઠંડીમાં ન્યુઝપેપરથી શું ઠંડી રોકાવાની, પણ આપણું મન હૂંફ માગતું હોય છે. બાળકોને પણ એવી હૂંફ મળી ગઈ એટલે તેમને રાહત થઈ. શરીરમાં જરાસરખો ગરમાટો આવ્યો એટલે નાનું બાળક બોલ્યું : મોટા જરાક વિચાર તો, આપણી પાસે તો આ છાપાં પણ છે. જેની પાસે છાપાં નહીં હોય તેનું આવી ટાઢમાં શું થતું હશે?

આ બન્ને બાળકો એટલે સત્ય અને પ્રામાણિકતા અને તેમને જેણે એ બાળકોના બાપુજીને છાપાં આપ્યાં હતાં એ નિષ્ઠા. નિષ્ઠા પોતાની જવાબદારી વાજબી રીતે નિભાવશે પણ એ નિભાવે એવું ધારી લેવાની જરૂર નથી. તમારે તમારા આચરણમાં પણ વાજબી ફરક લાવવો પડશે અને મોજશોખનો અભાવ થઈ જાય તો પણ આપણને દુખ લાગવા માંડે છે. સ્માર્ટફોન આપણે માટે સુખનો પર્યાય બની ગયો છે અને ગાડી આપણે માટે જીવનની જરૂરિયાત બની ગઈ છે. લોકો પાસે ખાવાની રોટલી નથી હોતી એ પછી પણ તેઓ હસતા મોઢે રહી શકે છે અને રસ્તા પર સામે મળે તો એક નાનકડું સ્મિત આપવા રાજી થઈ જાય છે, જ્યારે આપણી પાસે અનલિમિટેડ કૉલવાળો મોબાઇલ હોય છે તો પણ આપણાથી કોઈની સાથે શાંતિ અને પ્રેમથી વાત કરવા માટે સમય નથી હોતો. આ સત્ય છે અને આ સત્યને આપણે સ્વીકારવા પણ રાજી નથી.

મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે ‘મારે આ દુનિયાને કશું નવું નથી શીખવવું, સત્ય તો અનાદિકાળથી ચાલ્યું આવે છે.’
વાત તો ૧૦૦ ટકા સાચી છે.

મહાત્મા ગાંધીએ જરાય સત્યની શોધ નથી કરી. એ રામાયણના યુગમાં પણ હતું અને મહાભારતના સમયમાં પણ યથાવત્ હતું. પ્રામાણિકતા પણ એવી જ છે. તો તમને થવું જોઈએ કે મહાત્મા ગાંધીએ આપણને સૌને શું આપ્યું. મહાત્મા ગાંધીએ આપણને સૌને એ સમજાવ્યું કે અસત્યના મારા વચ્ચે, અપ્રામાણિકતાના એકધારા ધોધ વચ્ચે પણ સત્યની અસરકારકતા અકબંધ છે અને પ્રામાણિકતાની ધાર પણ એટલી જ જલદ છે. ગાંધીજીએ શીખવ્યું કે સત્ય અને પ્રામાણિકતાનો રસ્તો કઠિન હોવાનું એક જ કારણ છે અને એ કે એ રસ્તે તમારી સાથે ચાલનારું બીજું કોઈ હોતું નથી, તમે એકલા પડી જાઓ એવું બની શકે છે પણ એવું બને ત્યારે તમારે પેલી જાણીતી પંક્તિને અમલીય બનાવવાની છે.

તારી હાક સૂણી કોઈ ન આવે તો એકલો જાને રે...

એકલા જવું પડશે. જો સચ્ચાઈના માર્ગ પર આવનારી અડચણથી ફાટી ન પડતા હો તો તમારે એકલા જવું પડશે અને એકલા જવાની મજા પણ કંઈક અનેરી જ હોય છે. ટોળાં તો ઘેટાં અને બકરાઓનાં હોય, સિંહ તો હંમેશાં એકલો જ હોય બાપુ. હું આ રીતે અને આ બાબતમાં મહાત્મા ગાંધીને સિંહ કહેવાનું પસંદ કરીશ. અહિંસા, સત્ય અને પ્રામાણિકતાનો માર્ગ વાપરીને પણ તેમણે પુરવાર કરી દેખાડ્યું હતું કે તેઓ સાવજ જ છે.

આ પણ વાંચો : 90s નોસ્ટાલજિયાઃ યાદ છે તમને એ સમયની આ સીરિયલ અને તેમના પાત્રો?

સત્યમ, શિવમ, સુંદરમ.
એક વાર તમને આની લગની લાગી અને એક વાર તમને આનો નશો લાગ્યો તો પછી તમને બીજી કોઈ લતની જરૂર નથી રહેવાની. આપણને સાચો નશો નથી મળતો એટલે તો આપણે દારૂ, સિગારેટ અને ગુટકા જેવા નશાના આદિ થઈ જઈએ છીએ, પણ સાચો નશો એ નથી. સાચો નશો તો સતનો છે. હું કહીશ કે આ સત્ય અને પ્રામાણિકતામાં અણુબૉમ્બથી જરા પણ ઓછી તાકાત નથી. તમે ગમે ત્યાં રહેતા હો, તમે ગમે એવી અવસ્થામાં હો, પણ જો સત્ય અને પ્રામાણિકતા તમારામાં ભરેલી હશે તો ખોટા લોકો તમારાથી ધ્રૂજતા રહેશે અને સાચા લોકો સુધી તમારી સુગંધ પહોંચ્યા કરશે એ નક્કી છે.

Whatsapp-channel Whatsapp-channel

31 August, 2019 01:37 PM IST | મુંબઈ ડેસ્ક | સંજય રાવલ-સંજયદૃષ્ટિ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK